મુખ્ય સામગ્રી પર જાઓ

આ બ્લોગની રચનાનો મુખ્ય ઉદ્દેશ

ગુજરાતી ભાષા અને તેનું સાહિત્ય ખૂબ જ વિશાળ પટ પર ફેલાયેલું છે. અને હજુ નવું સર્જન થયા જ કરે છે. ગુજરાતી સાહિત્યના ઊંડાણનો તાગ પામવો એ સામાન્ય મનુષ્યના વશની વાત નથી. મેં આજ સુધી એવો કોઈ સાહિત્યકાર નથી જોયો કે જેણે ગુજરાતી ભાષાનું સમગ્ર સાહિત્ય વાચી નાખ્યું હોય. આટલું વિશાળ વ્યાપવીશ્વ ધરાવતું સાહિત્ય માત્ર જૂજ પુસ્તકો અને સામાયિકોમાં કેદ છે. યુવા વર્ગ અને પુસ્તકાલય વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું જાય છે. આજના યુવાનો નવરાશના સમયમાં ફિલ્મ જોવાનું પસંદ કરશે. પણ પુસ્તકાલયની મુલાકાત લેવાનું ટાળશે.

આટલું જ્ઞાનથી ભરપૂર સાહિત્ય હોવા છતાં લોકોને તેનો અભ્યાસ કરવામાં નાનમ લાગે છે. આજના માં બાપ પોતે ગુજરાતી હોવા છતાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં મુકે છે. અંગ્રેજી ભાષાનો વધતો જતો વ્યાપ એ ગુજરાતી ભાષાના પતનનું કારણ બની રહ્યો છે. અને આજના સમયે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ લુપ્ત થવાને આરે આવીને ઉભું છે. આવા સમયે ગુજરાતી ભાષા અને તેના સાહિત્યનું રક્ષણ કરવું એ આપણું પ્રમુખ કર્તવ્ય બને છે.

આજનો યુગ કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ નો યુગ છે. નાના બાળકોથી લઈને યુવાનોને પણ ઈન્ટરનેટ મળી જાય તો તેમને આખો દિવસ પણ ઓછો પડે એમ છે. આવા સમયે ઈન્ટરનેટ ને ગુજરાતી સાહિત્યના પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે તો ગુજરાતી ભાષા સાહિત્યને લુપ્ત થતું અટકાવી શકાય એમ છે. ગુજરાતી ભાષા માટે આનાથી મોટી બીજી કઈ સેવા થઇ શકે? એમ વિચારી આ બ્લોગ મારફતે મેં મારાથી બની શકે એટલી સાહિત્યસેવા કરવાનો યાથાતત પ્રયત્ન મેં કર્યો છે. 

આમતો આ વેબસાઈટ બનાવવાનો મારો કોઈ મુખ્ય ઈરાદો નહોતો. મેતો માત્ર મારા કોલેજકાળ દરમિયાન મેં ગુજરાતીમાં કેટલીક ટૂકીવાર્તાઓ લખી હતી. હવે તો હું સ્કૂલમાં સર્વિસ કરું છું એટલે એવી વાર્તાઓ લખવાનો સમય મળતો નથી. પરંતુ મારી પહેલાની લખેલી વાર્તાઓ પ્રકાશિત કરવાની મારી ઈચ્છા હતી. એવામાં મને ઈન્ટરનેટ પર કોઈક વેબસાઈટ પર ગુજરાતીમાં લખેલું દેખાયું. એના પરથી મને ગુજરાતી વેબસાઈટ બનાવવાની ઈચ્છા થઇ. એના માટે મેં ગૂગલે પર ગુજરાતી વેબસાઈટ લખીને ઘણું સર્ચ કર્યું. ત્યારે મને ઘણા બ્લોગ દેખાયા. એ મેં ઓપન કરીને જોયા તો સંપૂર્ણ ગુજરાતીમાં હતા. ત્યારે મને ખબર પડી કે ગુજરાતી વેબસાઈટને વેબસાઈટ નહિ પણ બ્લોગ કહેવાય.

આટલું ખબર પડતા મેં ગુજરાતી બ્લોગ જગત વિષે ઈન્ટરનેટ પર ઘણું સમુદ્રમંથન કર્યું. એમાંથી ઘણા કીમતી રત્નો મને પ્રાપ્ત થયા તેને ભેગા કરતો રહ્યો. આ રીતે સર્ચ કરતા કરતા મને ત્રણ વર્ષ બાદ પોતાની વેબસાઈટ કઈ રીતે બનાવવી એની માહિતી પ્રાપ્ત થઇ. ઘણા બધા વેબ હોસ્ટ મને મળ્યા એની સહાયથી અને પ્રાપ્ત માહિતી મૂજબ મેં પોતાનો  બ્લોગ બનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. અને અંતે મને એમાં સફળતા મળી. અને મેં એપ્રિલ 2013 માં "શબ્દસરિતા બ્લોગ" નામથી વર્ડપ્રેસમાં મારો એક પ્રથમ બ્લોગ બનાવ્યો. અને આ બ્લોગને આજ દિન સુધી આપનો ખુબજ પ્રેમ અમને મળતો રહ્યો છે. આજે પણ હું આપની જૂની કોમેન્ટ વાંચું છુ તો મને આગળ હજુ વધુ લખવાની પ્રેરણા મળતી રહે છે.

બ્લોગ તો બની ગયો પણ હવે પ્રશ્ન એ થયો કે એ બ્લોગ પર મુકવું શું? ફક્ત મારી દસ વાર્તાઓ જ મુકવામાં આવે તો વેબસાઈટ કે બ્લોગનો કોઈ મતલબ રહેતો નથી. અને બીજી વાત એ કે આ વ્યસ્ત જિંદગીમાં મારી દસ વાર્તાઓનું ગુજરાતી ટાઈપીંગ કરવાનો સમય ક્યાથી કાઢવો? તેમ છતાં જેટલી થાય એટલી વાર્તાઓ ટાઈપ કરીને મે મૂકી. અને પછી આટલા વખતના સમુદ્રમંથન માંથી મને જે ખજાનો પ્રાપ્ત થયો હતો તેને વર્ગીકૃત કરીને મેં મારા આ બ્લોગ પર મુક્યો છે. એટલે આમ જુઓ તો મારા આ બ્લોગનો મુખ્ય ઉદ્દેશ મારી વાર્તાઓ પ્રકાશિત કરવાનો હતો. પણ એ કામ બાજુ પર રહ્યું. અને હવે મારા બ્લોગનો મુખ્ય ઉદ્દેશ માતૃભાષા અને તેના સાહિત્યની સેવા કરવાનો બની ગયો છે. ગુજરાતી ભાષાનું ઓનલાઈન સાહિત્ય અને તેની લીન્કો લોકોને હાથવગી કરી આપવી એ જ હવે મારા આ બ્લોગ નો મુખ્ય ઉદ્દેશ બની ગયો છે.

પરંતુ અમને જણાવતા દુખ થાય છે કે શબ્દસારિતા એક અવ્યાવસાયિક બ્લોગ હોવાથી કોઈ આવક નથી. તેથી તેને મેનેજ કરવા માટે કોઈજ ખર્ચ કરવામાં આવ્યો નથી. ફ્રી ડોમેઈન અને વર્ડપ્રેસની ફ્રી હોસ્ટિંગ પર જ આ બ્લોગ ચાલતો હતો. હવે વર્ડપ્રેસ દ્વારા ફ્રી પ્લાનમાં હોસ્ટિંગની સ્પેસ પણ ઘટાડી દીધી છે. ફ્રી પ્લગીનનો ઉપયોગ કરવા માટે પણ એનો પેઇડ પ્લાન લેવો ફરજિયાત થઈ ગયો છે. એના થીમ પણ થોડા થોડા સમયે એક્સપાયર થઈ જાય છે. અને દરેક વખતે નવા થીમમાં સ્વિચ થવું પડે છે. જેમાં સમયની બરબાદી થાય છે. અને દરેક વખતે બ્લોગનો લૂક પણ બદલાઇ જાય છે. જે મારા તેમજ વાચકો બંને માટે બાધારૂપ બને છે. તેથી મજબૂરીમાં શબ્દસરિતા બ્લોગ અમારે બંધ કરવો પડે છે. 

અત્યારે તમે આ “વાઈબ્સ ગુજરાતી” નામથી જે બ્લોગ વાંચી રહ્યા છો એ શબ્દસરિતા બ્લોગનું જ એક નવું અને અધ્યતન  સંસ્કરણ  છે. બ્લોગના લેબલ, કેટેગરી, અને અન્ય ટાઈટલો આધુનિક પેઢી જેવી કે જેનઝી, જનરેશન આલ્ફા અને જનરેશન બીટાને પસંદ આવે એવા મોર્ડન રાખ્યા છે. વધારાની ઇમેજો દૂર કરવામાં આવી છે. ફક્ત ટેક્સ્ટના સ્વરૂપે એકદમ સિમ્પલ ઇન્ટરફેશ સાથે આંખ ના ખેંચાય અને રાત્રે પણ સરળતાથી સૂતાં સૂતાં વાંચી શકાય એવો ડાર્ક થીમ રાખવામાં આવ્યો છે. કેટલાક નવા આર્ટિકલો અને નવી કથા વાર્તાઓ પણ ઉમેરવામાં આવી છે. એક્સપાયર થઇ ગયેલી જૂની લીન્કો દૂર કરવામાં આવી છે. વર્ડપ્રેસની જગ્યાએ બ્લોગરનો હોસ્ટિંગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. વાંચવામાં ડિસ્ટર્બ કરે એવા ફાલતુ વિજેટો હટાવી દેવાયા છે. ફક્ત વાંચનને ધ્યાનમાં લઈને બ્લોગનું આવું ક્લીન ઇન્ટરફેસ રાખવામા આવ્યું છે. આમ શબ્દસરિતા બ્લોગ જ હવે નવા નામ અને નવી ઓળખ સાથે “વાઈબ્સ ગુજરાતી” રૂપે આપની સમક્ષ પ્રસ્તુત થાય છે. આ નવા વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર  જૂના શબ્દસરિતા બ્લોગ પરની મોટા ભાગની  કૃતિઓ ફરીથી પ્રકાશિત કરવામાં આવી છે. ફક્ત પધ્ય કૃતિઓ અને જૂના આઉટ ડેટેડ થઈ ગયેલા આર્ટિકલો હટાવી દેવાયા છે. આ બ્લોગ પર ફક્ત ગધ્ય કૃતો જ રાખવામા આવી છે. અને એ સિવાય પણ બીજી અનેક ઘણી કૃતિઓ હવે અહી રેગ્યુલર મુકાતી રહેશે. સાર્વજનિક પ્રકાશન અધિકાર હેઠળ આવતા પુસ્તકો પણ અહી પ્રકાશિત કરવામાં આવશે. કોઈ પણ લિન્ક એક્સપાયર ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવામા આવશે. અને સૌથી મહત્વનુ એ કે અહી વાચકો, લેખકો તેમજ દરેકના મેઈલના બને એટલા જડપી પ્રત્યુત્તર આપવાનો હું મારો શક્ય પ્રયાસ કરીશ. આમ આ ફ્રી અને અવ્યાવસાયિક બ્લોગ હોવા છતા એને વ્યવસ્થિત મેનેજ કરવા હું મારાથી થઈ શકે એટલો  પ્રયત્ન હું જરૂર કરીશ.

અત્યારના એ આઈના યુગમાં જન્મેલા આલ્ફા અને બીટા જનરેશનના લોકોને વાંચનમાં જ કોઈ રસ નથી. વિવેચન, પકિર્ણ, નિબંધ, સમાજદર્શન, પ્રવાસવર્ણન, નાટક, મધ્યકાલીન સાહિત્ય વગેરે જેવા સાહિત્યસ્વરૂપો તો જાણે એમની બુધ્ધિ ક્ષમતાથી બહારની વસ્તુઓ છે. દુખની વાત તો એ છે કે, અત્યારના કેટલાક લોકો તો આ પ્રકારના સાહિત્યને સાહિત્ય પણ નથી સમજતા. એમને જો વાર્તા પણ થોડી લાંબી હોય તો કંટાળો આવી જાય છે. યુટ્યુબ પર પણ તેઓ લાંબા જ્ઞાનપ્રદ વિડીયો જોવાને બદલે શોર્ટ વિડીયો વધુ પસંદ કરે છે.  માટે આ પ્રકારનું મૂલ્યવાન સાહિત્ય આ બ્લોગ પર પ્રકાશિત કરી હું એમને બોર કરવા ઇચ્છતો નથી. મારો ઉદ્દેશ્ય એજ છે કે કોઈપણ જનરેશનમાં જન્મેલો માણસ મારો આ બ્લોગ જોઈને વાંચવા પ્રેરાય.અને દરેક વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય  એ હેતુથી મે અહી મોટેભાગે નવલકથાઓ, ટૂકીવાર્તાઓ, અને લોકસાહિત્ય જેવા રસપ્રદ સાહિત્ય સ્વરૂપોને જ આ બ્લોગ પર સ્થાન આપ્યું છે. તેમજ વાંચનની સાથે સાથે સાંભળી શકાય તેવા ઓડિયો પુસ્તકો પણ મારા ક્લાઉડ સ્ટોરેજની લિન્ક મારફતે પૂરા પાડવાનો પણ મે શક્ય પ્રયત્ન કર્યો છે.

આમ આ બ્લોગની રચના એક આકસ્મિક રીતે થઇ છે ગુજરાતી સાહિત્યને પુસ્તકોના અને સામયિકોના સીમાડાઓમાંથી બહાર લાવી વિશ્વના વિશાળ ફલક પર વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો એક તદ્દન અવ્યવસાયિક અને અંગત પ્રયત્ન છે. મારા  આ બ્લોગનો આ જ એકમાત્ર ઉદ્દેશ છે જેના દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતી ભાષાના અસ્તિત્વને સાચવવાનો આ પ્રયાસ છે અને આની પાછળ કોઈ પણ આર્થિક હીત સંકળાયેલું નથી. ભાષા પ્રત્યેનો સ્નેહ અને તેને વિશ્વના દરેક ખૂણે વધુ ને વધુ વંચાતી કરવાની અભિલાષા એ જ મારા  આ બ્લોગનો પાયાનો વિચાર છે. 

મારા બ્લોગના વાચકોને બ્લોગ પર આવતી એડ કે જાહેરાતોથી વાચવામાં ખલેલ ન પડે એ હેતુથી આ બ્લોગ પર કોઈ જ એડસેન્સ લગાવ્યું નથી કે પૈસા માટે બ્લોગને મોનિટાઈઝ પણ કરાવ્યો નથી. છતાં પણ જો કોઈ ને અહીં એડ દેખાય તો એ ગુગલ દ્વારા મારી મરજી વિરુદ્ધ આપવામાં આવતી એડ હોઈ શકે છે. હવે હું જો આપના માટે ફ્રીમાં આટલી મહેનત કરતો હોઉં તો આપની પણ ફરજ બને છે કે આ બ્લોગ વાંચો, વંચાવો, શેર કરી વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચાડો અને સૌથી મહત્વનું એ કે કોમેન્ટ કરવાનું કષ્ટ ઉઠાવી મને થોડું મોટીવેશન મળતું રહે એવા નાના નાના પ્રયત્નો કરો. “જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...