મિત્રો, બ્લોગ એ પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગત સામે મુકવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. અને તેથીજ દરેક મોટા નેતાઓ અને અભિનેતાઓ પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. બ્લોગ જ્યારે પ્રકાશનનું માધ્યમ બન્યુ ત્યારે પ્રકાશનનાં કેટલાક મુળભૂત નિયમો જાણવા જરુરી છે.એક રીતે જોઈએ તો આ જાણકારી સ્વનિયંત્રણ નો જ એક પ્રકાર છે.
દરેક બ્લોગરોએ બ્લોગ અને પ્રકાશન વિશેના કાયદાઓ જાણવા જોઈએ. અને તેના ઉલ્લંઘનથી બચવું જોઈએ. કાયદાનું ઉલ્લંઘન કરીને બનાવેલો બ્લોગ આપને કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. તો આજથી આપણે એક પ્રતિજ્ઞા કરીએ આજથી આપણે સૌ ફક્ત નિજાનંદ માટે જ સર્જન કરીશું અને સાથે સાથે એ ધ્યાન પણ રાખીશું કે આપણા બ્લોગની રચનાથી કોઈનું અહિત તો નથી થતુને?
ઘણા લોકો કોપીરાઈટ્સ એક્ટને ઝેર વિનાનો સાપ માને છે જે ભુલ ભરેલુ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા દંડ અને જેલ પણ હોઇ શકે છે. માટે બ્લોગ બનાવતા પહેલા દરેક બ્લોગરો માટે કેટલીક આચાર સંહિતા નક્કી થયેલી છે જેનું પાલન કરવું એ દરેક બ્લોગરોની ફરજ છે.
બ્લોગરો માટેની આચાર સંહિતા:
(1) 👉 બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. નેટ જગતમાં આવા કોપી પેસ્ટ વાળા બ્લોગને સમ્માનની નજરથી જોવામાં આવતા નથી. માટે દરેક બ્લોગરોએ અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું પોતાનું મૌલીક લખાણ જ બ્લોગ પર મૂકવું જોઈએ.
(2) 👉 અમુક બ્લોગરો પોતાનું મૌલીક લખાણ લખી શકતા નથી તો તેઓ જાણીતા લેખકોની કૃતિ તેમના બ્લોગ પર પોસ્ટ કરી દે છે.જો આવું જ કરવું હોય તો જે તે લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ એક વહેવાર હોઇ શકે છે. પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ પોતાના બ્લોગ પરથી દુર કરવ. જોઈએ.
(3) 👉 જો બીજા કોઈ લેખકની લખેલી કૃતિઓ આપને ખરેખર ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને જ એને બ્લોગ પર મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. મોટાભાગે લેખકો પરવાનગી આપી જ દેતા હોય છે. પરંતુ તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ. બધાજ લેખકો પૈસાના ભૂખ્યા નથી હોતા ઘણા એવા લેખકો પણ મેં જોયા છે જે ભગવાનની જેમ ભાવ ના જ ભૂખ્યા હોય. આવા લેખકોને માટે પોતાની કૃતિ વધુમાં વધુ લોકો વાંચે એજ મુખ્ય બાબત હોય છે પૈસો એમના માટે ગૌણ વસ્તુ છે.
(4) 👉 બલોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોય છે, તેમજ બ્લોગીંગમાં પણ તે નિંદનીય જ છે. તેને લખનારો લેખક અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી જ શકે છે. માટે આવા ગંદા લખાણોથી દૂર રહેવું જોઈએ.
(5) 👉 જો આપ આપના બ્લોગ પર લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકવા ઈચછતાં હોવ તો ધ્યાન રાખો કે તમારા દ્વારા મુકવામાં આવેલા ચિત્રો પોતાના જ હોવા જોઈએ. જો પોતાના ન હોય તો બીજાના પણ વાપરી શકાય છે. પરંતુ તે માટે તેને યોગ્ય ક્રેડિટ આપવી જોઈએ અને તે જ્યાંથી લેવામાં આવ્યું હોય તેના સ્ત્રોતની લિન્ક સાથે દર્શાવવી જરૂરી છે.
(6) 👉 લખાણને યોગ્ય કેટેગરીમાં વિભાજીત કરીને મુકો અથવા એ લેખને લગતા લેબલ કે ટેગ્સ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે આવા લેબલ, ટેગ્સ અને કેટેગરી જરૂરી છે. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો
(7) 👉 માણસ માત્ર ભૂલને પાત્ર. જયારે કોઈ બ્લોગ લખતું હોય ત્યારે જોડણી અથવા ટાઈપની ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં એક વાર જોડણીની ભૂલો સુધારી જોઈએ. લખાણને અનુરૂપ શીર્ષક આપવું જોઈએ. શીર્ષકમાં બને તેટલા ઓછા વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિકબેઇટ શીર્ષક કે થંબનેઇલથી દૂર રહેવું જોઈએ.
(8) 👉 અત્યારે AI નો યુગ ચાલે છે. આજના જનરેશનના ઘણા બ્લોગરો જલ્દી પૈસા કમાવવાની લાલચમાં ચેટ જીપિટી પાસે કન્ટેન્ટ લખાવી બ્લોગ પર પોસ્ટ કરવા માંડે છે. પણ આવા એ આઈ જનરેટેડ બ્લોગ કોઈ સર્ચ એન્જિનમાં રેન્ક થતા નથી. અને વર્ડપ્રેસ તેમજ બ્લોગર જેવી સર્વિસીસ આવા બ્લોગને મોનેટાઈઝ થવા દેતા નથી. માટે બ્લોગ પરથી પૈસા કમાવાના ઉદ્દેશય ઉપર પાણી ફરી વળે છે. બ્લોગની રચના પાછળ અપનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવાનો હશે તો આપ ગુણવત્તાયુક્ત લખાણ આપી શકશો જ નહિ.
ટિપ્પણીઓ