મુખ્ય સામગ્રી પર જાઓ

૨૮ સાતમનો સડદો

કણબી અને કણબણ હતાં. કણબી ખેડ કરે.

શ્રાવણ મહિનો આવ્યો. અંધારિયું પખવાડિયું આવ્યું. શીતળા સાતમ આવી.

સાતમના તો ચૂલા ઠારવા જોઈએ. આગલો દી રાંધણ છઠનો હતો. છઠની સાંજરે પટલાણીએ તો સડદો રાંધી મૂક્યો.

સડદો એટલે શીતળા સાતમની રસોઈ : પૂરી, ઢેબરાં, સુખડી વગેરે કરીને પટલાણીએ તો સડદો ઊંચે શીકા ઉપર મેલ્યો.

બીજે દી સવારે પટેલને પટલાણીએ કહ્યું કે તમે ખેતર જાઓ. હું નાઈધોઈ શીતળા માને જવારીને પછી સડદાનું ભાત લઈને ખેતરે આવીશ.

પટેલ તો ખેતર ગયા.

ખેડતાં ખેડતાં પટેલના હળની કોશ ભાંગી. એ તો ગામમાં પાછો કોશ સમી કરાવવા આવ્યો.

મનમાં થયું કે, આવ્યો છું ત્યારે, લે ને, ઘેર થાતો જાઉં.

ઘરમાં પટલાણી નહોતાં. પટેલને લાગી હતી કકડીને ભૂખ. ઊંચે શીકામાં જોયું તો તાસ ભરીને સડદો પડેલો.

લે ને ત્યારે ખાતો જ જાઉં! પટલાણીને ખેતર ધક્કો ખાવો મટ્યો.

ખાવા બેઠો, જેટલો હતો તેટલો બધો જ સડદો ઊચકાવી ગયો, પાણી પીને પટેલ ખેતરે ચાલ્યો ગયો.

પટલાણી ઘેરે આવ્યાં. શીકે જુએ તો સડદો સાફ થઈ ગયો હતો.

પડોશીએ કહ્યું કે પટેલ આવ્યા’તા.

ઓય મારો રોયો! બધો જ સડદો ખાઈ ગયો! મને ને છોકરાંને ભૂખ્યાં રાખ્યાં! હવે એનું વેર લઉં ત્યારે જ હું કણબણ સાચી.

ગામના રાજાને નાનો એક રાજકુંવર. રાજકુંવરને હોઠ માથે જ ગૂમડું થયું છે. લાખો મોઢે ઇલાજ કર્યા પણ મટતું નથી. રાજકુંવર ચીસેચીસો પાડે છે.

રાજા ગામડામાં પડો વજડાવે છે : છે કોઈ ગૂમડાનો જાણનારો?

પટલાણીએ લાગ દીઠો : કહ્યું કે હા, હા, મારા ધણીનું ગડગૂમડમાં બહુ ધ્યાન પડે છે.

બોલાવો પટેલને!

સપાઈ આવ્યા. કહે કે ચાલો પટેલ, રાજા તેડાવે છે.

પટેલ કહે : અરે ભોગ લાગ્યા! મારું શું કામ પડ્યું રાજાને?

પટેલ, તમે તો ગડગૂમડમાં બહુ જાણો છો! રાજકુંવરનું ગૂમડું મટાડો.

અરે માબાપ! આ શું બોલો છો! હું કશું નથી જાણતો.

ખોટું બોલો મા, તમારી બાયડીએ જ અમને કહ્યું છે.

પટલાણી કહે : હા હા સા’બ, પટલ ભોંઠા પડે છે એટલે નથી માનતા.

કણબીને તો બળજબરાઈથી રાજકુંવરના ઓરડામાં લઈ ગયા. ઓરડો બહારથી બંધ કરી વાળ્યો. કહ્યું કે કુંવરનું ઓસડ કરો તો જ ઉઘાડશું!

કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે! અરે રામ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો!

એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા :

ક્યાં કોશ ભાંગી!
ક્યાં દોણી ફૂટી!
ક્યાં સડદો ખાધો!
હાથ નો અડાડું શીકાં!
બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા : ઊંચે ઊંચે ઊછળીને કૂદે છે : તાલે તાલે બોલ છે કે :

ક્યાં કોશ ભાંગી!
ક્યાં દોણી ફૂટી!
ક્યાં સડદો ખાધો!
ફૂટ્ય ગડગૂમડીકા!
હાથ નો અડાડું શીકાં!
પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વીસરાઈ ગઈ ને એને તો ખડખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું. ફૂટતાંવેંત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી.

કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે.

રાજાએ તો આવીને પટેલને કહ્યું કે, માગ માગ. ખેતર માગ અને વાડી માગ.

મારે કાંઈ ન જોવે, બાપા! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો!

રાજાને તો સડદાની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામલોક બોલતાં જ જાય છે કે :

ક્યાં કોશ ભાંગી!
ક્યાં દોણી ફૂટી!
ક્યાં સડદો ખાધો!
ફૂટ્ય ગડગૂમડીકા!
હાથ નો અડાડું શીકાં!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...