મુખ્ય સામગ્રી પર જાઓ

૧૩ શીતળા સાતમ

દેરાણી–જેઠાણી હતાં.

શ્રાવણ માસ આવ્યો છે, અંધારી છઠ આવી છે. દેરાણીએ તો આખો દી રાંધ રાંધ કર્યું છે. સાંજ પડી ત્યાં તો એ થાકીને લોથપોથ થઈ ગઈ, રાતે ને રાતે શીતળા સાતમના ચૂલા ઠારવાના છે.

લે ને, થોડીક વાર દીકરાને ધવરાવી લઉં; પછી ચૂલો ઠારી લઈશ : એમ વિચારીને દેરાણીએ તો દીકરાને ખોળામાં લીધો છે. બાઈ તો થાકીપાકી હતી એટલે એને તો ઝોલાં આવ્યાં. ધવરાવતાં ધવરાવતાં એની તો આંખ મળી ગઈ છે. ચૂલામાં તો બળતા અંગારા રહી ગયા છે.

અધરાત થઈ ત્યાં તો શીતળા માતા આવ્યાં છે. આવીને જ્યાં ચૂલામાં આળોટવા જાય ત્યાં તો માતાજી આખે ડિલે દાઝ્યાં છે.

નિસાસો નાખીને માતાજી તો ચાલ્યાં ગયાં છે.

સવાર પડ્યું ને જ્યાં બાઈ જુએ ત્યાં તો પડખામાં છોકરો શિંગડું થઈને પડ્યો છે. માતાજીના નિસાસા લાગ્યા છે. છોકરાનું મડદું લઈને બાઈ તો ચાલી નીકળી છે. ચાલતી ચાલતી એ તો માતાજીને ગોતે છે.

હાલતી હાલતી જાય છે. ત્યાં તો ગોંદરે ગાય મળી છે. ગાય કહે કે, “બાઈ તું ક્યાં જાય છે?”

“જાઉં છું તો શીતળા માતાને ગોતવા. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.”

“ત્યારે તો, બાઈ, મારોયે સંદેશો લેતી જાઈશ? મારું કોઈ ધણીધોરી કાં નહિ? આ વાછડો મારાં આંચળ કરડી જાય છે.”

“સારું જ તો, બાઈ!”

એમ કહીને બાઈ તો હાલી જાય છે. બાઈને તો નદી મળી છે. નદી કહે : “બાઈ, બાઈ, જરાક મારો ઓવાળ કાઢી જા ને.”

બાઈએ તો વાંકી વળીને નદીનો ઓવાળ કાઢ્યો છે. નદીનાં પાણી તો વહેતાં થયાં છે. ત્યાંથી હાલતી હાલતી બાઈ આગળ જાય છે, ત્યાં એક કઠિયારો પીપળો કાપે છે, ભાળીને બાઈ બોલી છે : “અરે ભાઈ, આજ શીતળા માતાનું પરબ, ને તું પીપળો કાપછ? એનાં કરતાં બાવળ કાપ ને!”

એમ કહીને બાઈએ તો કઠિયારાને પીપળેથી ઉતારી બાવળે બેસાડ્યો છે ને પોતે હાલતી થાય છે.

રસ્તામાં બાઈને તો તળાવડી મળી છે. બેય તળાવડીઓ સેંજળ ભરી છે. આનું પાણી આમાં જાય છે ને આનું પાણી આમાં જાય છે. સામસામાં બેયનાં પાણી ઠલવાય છે. પણ કોઈ પંખીડુંય એનું પાણી બોટતું નથી.

તળાવડીઓ પૂછે છે કે “બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ?”

બાઈ કહે કે “મારો તો છોકરો ભડથું થઈ ગયો છે, તે હું જાઉં છું શીતળા માતાને ગોતવા.”

‘ત્યારે તો, બાઈ બેન, અમારોયે સંદેશો શીતળા માને પૂછતી આવીશ? અમે તે આવાં શાં પાપ કર્યાં હશે કે અમારાં મોતી જેવાં પાણી ભર્યાં છે તોય એમાંથી કોઈ છાપવુંયે પીતું નથી? કોઈ પંખીડુંય કાં ચાંચ બોળતું નથી?’

‘સારું જ તો, બેન, પૂછતી આવીશ.’

એમ કહીને બાઈ તો આગળ ચાલી છે. ચાલતાં ચાલતાં માર્ગે એક મગરમચ્છ પડ્યો છે. મગરમચ્છ તો વેળુમાં પડ્યો પડ્યો લોચે છે. એના જીવને તો ક્યાંય ગોઠતું નથી. બાઈને ભાળીને મગરમચ્છ બોલ્યો છે કે ‘બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ?’

બાઈ તો કહે છે કે ‘બેન, હું શીતળા માને ગોતવા જાઉં છું. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.’

‘ત્યારે તો બાઈ, મારોયે સંદેશો પૂછતી આવજે ને! મેં તો ઓલે ભવ આવાં શાં પાપ કર્યાં હશે કે આ વેળુમાં લોચ્યા જ કરું છું? મારા જીવને ક્યાંય જંપ કેમ નથી વળતો?’

‘સારું જ તો ભાઈ, પૂછતી જ આવીશ!’

એમ કહીને બાઈ તો આગળ હાલી જાય છે. હાલતાં હાલતાં એને તો એક સાંઢ્ય મળી છે. સાંઢણીને ગળે તો ઘંટીનું પડ બાંધ્યું છે. બાઈને ભાળીને સાંઢણી તો પૂછે છે કે — ‘બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ?’

બાઈ તો કહે છે કે, ‘બેન, હું શીતળા માને ગોતવા જાઉં છું. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.’

‘ત્યારે તો બાઈ, મારોયે સંદેશો પૂછતી આવીશ? મેં તે ઓલે ભવ શાં પાપ કર્યાં હશે કે મારે ગળે આ ઘંટીનું પડ બંધાણું છે! ને હું બાર ગાઉમાં રખડું છું તોયે મારો ધણીધોરી કાં ન મળે?’

‘સારું જ તો ભાઈ!’ એમ કહીને બાઈ તો આગળ ચાલી છે. જાતાં જાતાં એને તો આંબો મળ્યો છે. આંબો તો પૂછે છે કે ‘બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ!’

‘હું તો જાઉં છું શીતળા માને ગોતવા.’

‘ત્યારે તો, બાઈ, મારોયે સંદેશો પૂછતી આવજે ને! આ મારું સવા સવા શેરનું ફળ : નાળિયેર નાળિયેર જેવડી કેરીઓ ટીંગાય; તોય એની ચીર પણ કોઈ ચાખે નહિ. એવાં તે મારાં શાં પાપ હશે?’

‘સારું જ તો, ભાઈ. તારો સંદેશોય પૂછતી આવીશ.’

વળી આગળ જાય ત્યાં તો માર્ગે બે પાડા વઢે છે. કોઈથી છોડાવ્યા છૂટે જ નહિ; વઢતા વઢતા લોહીઝાણ થઈ ગયા છે. પાડા કહે કે ‘બાઈ બાઈ બેન, અમારોય સંદેશો શીતળામાને પૂછતી આવજે ને! અમે તે ઓલે ભવ શાં પાપ કર્યાં હશે કે બારેય પો’ર ને બત્રીસેય ઘડી બાધ્યા જ કરીએ છીએ?’

‘સારું, ભાઈ!’

એમ કહીને બાઈ તો હાલી જાય છે. ત્યાં તો બોરડીને થડ શીતળા માતા પડ્યાં પડ્યાં લોચે છે. માતાજી પૂછે છે કે ‘બાઈ બાઈ બેન, ક્યાં જાછ?’

‘હું તો જાઉં છું શીતળા માને ગોતવા. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.’

‘બાઈ, શીતળાને તું દીઠ્યે ઓળખ કે ત્રૂઠ્યે?’

‘ના રે, બાઈ, દીઠ્યે ન ઓળખું, ત્રૂઠ્યે ઓળખું!’

‘ત્યારે બાઈ મારું માથું જોતી જા ને?’

‘લ્યો ને માડી, મારે તો મોડા ભેળું મોડું!’

‘લાવ તારો છોકરો મારા ખોળામાં.’

માતાજીએ તો છોકરાને પોતાના ખોળામાં લીધો છે. બાઈ તો શીતળા માનું માથું જોવા મંડી છે. જેમ જેમ માથું જોવે છે તેમ તેમ છોકરો પણ સળવળતો જાય છે. માથું જોવાઈ રહ્યું એટલે માતાજીએ તો કહ્યું છે કે ‘બેન, તારું પેટ ઠરજો! આ લે, હવે આ છોકરાને ધવરાવ.’

જ્યાં બાઈ છોકરાને હાથમાં લે ત્યાં તો છોકરો સજીવન દેખ્યો છે.

આ તો શીતળા માતા પોતે જ લાગે છે એમ સમજીને બાઈ તો પગે પડી છે. તળાવડીનો સંદેશો પૂછ્યો છે.

માતાજી બોલ્યાં કે ‘એ બેય જણીઓ ઓલ્યે ભવ દેરાણી–જેઠાણી હતી; એને ઘેર તો દુઝાણાંવાઝાણાં હતાં. તોય બેય જણી ખાટી છાશ મોળી છાશ ભેળવીને પાડોશીને દેતી’તી. એટલે આ ભવ તળાવડિયું સરજી છે. પણ એનાં કોઈ પાણી ચાખતુંયે નથી. હવે તું જઈને છાપવું ભરી એનું પાણી પીજે એટલે સહુ પીવા માંડશે.’

બાઈએ તો મગરમચ્છનો સંદેશો પૂછ્યો છે.

માતાજી તો બોલ્યાં છે કે ‘ઈ હતો ઓલે ભવ વેદવાન બામણ: ચારે વેદ મોઢે કર્યા’તા. પણ એણે કોઈને વેદ સંભળાવ્યા નહિ. એટલે આ ભવ મરીને મગરમચ્છ સરજ્યો છે. વિદ્યા કોઠામાં સમાઈ જઈને સડસડે છે. એટલે એ પડ્યો પડ્યો લોચે છે. હવે તું જઈને એના કાનમાં વેણ કહેજે એટલે એ લોચતો મટી જાશે.’

બાઈએ તો ઘંટીના પડવાળી સાંઢડીનો સંદેશો કહ્યો છે.

માતાજી તો બોલ્યાં છે, ‘ઈ હતી ઓલે ભવ એક બાયડી. એને ઘેર ઘંટી હતી. પણ કોઈને ઘંટીએ દળવા દેતી નહોતી. એટલે મરીને સાંઢડી સરજી છે. ઘંટીનું પડ ગળે બાંધ્યું છે ને બાર ગાઉમાં ભમ્યા કરે છે. હવે તું જઈને એને હાથ અડાડજે. એટલે ઘંટીનું પડ વછૂટી જાશે.’

બાઈ એ તો આંબાની વાત પૂછી છે.

માતાજી તો બોલ્યાં છે કે ‘ઈ આંબો ઓલે ભવ વાંઝિયો હતો. બહુ માયાવાળો હતો. પણ બેન્યું દીકરિયુંને કાંઈ દીધું નહિ, એટલે આ ભવ મરીને આંબો સરજ્યો છે, ને એનાં ફળ કોઈ ખાતું નથી. હવે તું જઈને એની ચીર ચાખજે. એની હેઠળથી માયાના સાત ચરુ કાઢી લેજે. એટલે સહુ એની કેરિયું ખાશે.’

બાઈએ તો બે પાડાની વાત પૂછી છે.

માતાજી કહે ‘ઈ બે જણા ઓલે ભવ ગામના પટેલિયા હતા. બાધી બાધીને આ ભવ બે પાડા સરજ્યા છે. તું જઈને હાથ અડાડીશ ત્યાં બેયનો છુટકારો થઈ જશે.’

બાઈ તો માતાજીને પગે પડીને હાલી નીકળી છે. માર્ગે દૂધ જેવો દીકરો રમાડતી જાય છે.

માર્ગે પાડા મળ્યા તેને હાથ અડાડ્યો ત્યાં તો બેયનો છુટકારો થઈ ગયો છે.

આગળ હાલી ત્યાં આંબો મળ્યો છે. આંબાને કહે, ‘ભાઈ, તું જરા ઊંચો થા એટલે તારી હેઠળથી સોનાના સાત ચરુ કાઢી લઉં.’

આંબો ઊંચો થયો છે. બાઈએ તો સોનાના સાત ચરુ કાઢ્યા છે, આંબાનું ફળ ચાખ્યું છે, એટલે સૌ પંખીડાં આવીને આંબાની ડાળે બેસી જાય છે.

માયા લઈને બાઈ તો હાલી જાય છે. સાંઢડી મળી છે. એને ગળે હાથ અડાડ્યો ત્યાં ઘંટીનું પડ વછૂટી ગયું છે.

વળી આગળ હાલી ત્યાં મગરમચ્છ પડ્યો પડ્યો લોચે છે. જઈને એના કાનમાં વેણ કીધું છે. મગરમચ્છને તો તરત કોઠામાં ટાઢક વળી છે.

વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ, પંખી પણ પાણી પીતાં થયા છે.

પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે.

ઘેર જાય ત્યાં તો જેઠાણીની આંખ ફાટી ગઈ છે. આહાહાહા! નભાઈને જીવતો દીકરો : માયાની હેડ્યું હાલી આવે : ગા આવે : આ તે શાં કોત્યક! એણે તો દેરાણીને વાત પૂછી છે. સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક! હવે પોર સાતમ આવવા દે.

વળતે વરસ તો સાતમ આવી છે. જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજીએ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડીને જેઠાણી તો શીતળા પાસે હાલી છે.

ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે ‘બાઈ બાઈ, ક્યાં જાછ?’

‘જાઉં છું શીતળાને ગોતવા.’

‘બાઈ, શીતળા માને તું દીઠ્યે ઓળખ, કે ત્રૂઠ્યે?’

‘દીઠ્યે ઓળખું, દીઠ્યે. ત્રૂઠ્યે વળી શું?’

‘ત્યારે, બાઈ, મારો સંદેશો લેતી જઈશ?’

‘તારો સંદેશો ને સાંઈ! જા ને રાંડ નવરી! જોતી નથી? મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.’ એમ તાડૂકીને બાઈ તો હાલી જાય છે. તળાવડીને, સાંઢડીને, મગરમચ્છને, આંબાને સૌને એ તાડૂકીને જવાબ આપે છે. ક્યાંય એને શીતળા મા મળતાં નથી.

ચારેય સીમાડા ભમીને સાંજ પડ્યે બાઈ તો ઘેર આવી. છોકરો તો ભડથું જ રહ્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...