મુખ્ય સામગ્રી પર જાઓ

૩ ઇતિહાસના અક્ષરો

'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ બુદ્ધિ ઢોળી નાંખી કોઈ કહેશે.'

⁠'કહેનારની બુદ્ધિ ઢોળાઈ ગઈ હશે તો મ્હને એવું કહેશે. હા, અમારે ત્ય્હાં વિમાને હતાં ને Vireless હતા. ત્રીશેક વર્ષો ઉપર અમારા પુષ્પક વિમાનને કવિની કલ્પના કહી હસતા'તા. આજે હસોને હવે ! હસનારાંનાં ઉપહાસ થયાં. હા-હા ; અમારા સાહિત્યમાં હતું એ આજના યૂરોપઅમેરિકાનાં સાહિત્યોમાં હજી તો નથી.'

⁠'શું શું યૂરોપઅમેરિકાનાં સાહિત્યોમાં નથી ?'

⁠'વઘારનું ઇંગ્રેજી શું ? કહે. ઇંગ્રેજી સાહિત્યમાં વઘાર જ નથી-વઘાર.'

⁠'આપણે તો માનસશાસ્ત્ર-Psychology અને વિજ્ઞાનશાસ્ત્ર-Science ની વાતો ચાલે છે. યૂરોપમાં યે માનસશાસ્ત્રનો હજી બાલ્યકાળ છે. આપણે ત્ય્હાં માનસશાસ્ત્ર હતું ?'

⁠'અધ્યાત્મના સાગરની પાળે પશ્ચિમ હજી પગ પ્‍હલાળે છે. જેમ્સ હજી માનસશાસ્ત્રને શરીરશાસ્ત્ર-Phisiology માંથી જન્માવે છે. માનસશાસ્ત્રનો એડિસન ત્ય્હાં જન્મતાં હજી બે સૈકા જોઈશે. યૂરોપઅમેરિકામાં લખાયેલાં ઉપનિષદો કિયાં ?' ⁠ ​⁠'ઉપનિષદ નામ સાંભળ્યું છે કે છાપેલું પુસ્તક દીઠું છે ? '

⁠'તો કહેને : યૂરોપરચિત બાઈબલ કે કોરાન કે ધમ્મપદ કે ભગવદ્‌ગીતા કઈ ? યૂરોપ‌અમેરિકાને ખોળે ધર્મસંસ્થાપક કિયો જન્મ્યો ? યૂરોપ‌અમેરિકાને એશિયા જેટલી પવિત્ર ભૂમિ કિયા પયઘમ્બરે માની ? '

⁠'એ તો ખરૂં. યૂરોપમાં પયઘમ્બર જન્મ્યો નથી, કે ધર્મશાસ્ત્ર કો રચાયું નથી. '

⁠'એટલું યે સાચું બોલવાને માટે ત્હને શાહબાશ છે. જો, વળી હસતો નહિ હો ! એક સાક્ષર શ્રી કહેતા'તા કે ઇંગ્રેજીમાં Home શબ્દ છે એવો ગુજરાતીમાં શબ્દ નથી; કારણ કે આપણે ત્ય્હાં એ ભાવના નહોતી. હસે નહિ તો એમનું ન્યાયબાણ એમને પાછું વાળું. ઇંગ્રેજી ભાષામાં પાપને માટે સુવાંગ શબ્દ છે Sin. એવો પુણ્યને માટે સુવાંગ શબ્દ કિયો ? એ સાક્ષરશ્રી એમ કહેશે ખરા કે ઇંગ્રેજ પ્રજામાં પાપની ભાવના છે, પુણ્યની ભાવના જ નથી ? ને પોતાની સાક્ષરતાને હસાવશે ? '

⁠અમે બન્દરકાંઠે આવી પહોંચ્યા, અમે બન્ને યે ધર્મ તો ધર્મશાસ્ત્રોની સાથે કબાટમાં મૂક્યો હતો. પણ એમનું કુટુંબ ધર્મશીલ હતું ને દ્વારકા યાત્રાએ જતું હતું. અમે વળાવવા આવ્યા હતા. યાત્રાળુઓને વળાવવા આવવા જેટલો ધર્મ હજી અમારામાં રહ્યો હતો.

⁠પણ એ એમના કુટુંબને વળાવવા આવ્યા હતા ? કે યાત્રાળુઓને ? એ પણ માનસશાસ્ત્રનો ? ત્ય્હારે પ્રશ્ન હતો. ​માનસશાસ્ત્ર વિકાસ પામશે ત્ય્હારે ઉત્તર આપશે.

⁠'આવ્યા ? આવો, મછવો આગબોટે જવાને અધીરો થયો છે. ત્હમારી જ વાટજૂવે છે. '

⁠'પણ અમારે કાંઇ આવવું નથી ?'

⁠'એટલું તો મછવો પણ જાણે છે. પણ ત્હમે વળાવવાને આવવાના હતા એટલે થોભાવ્યો. '

⁠'સારૂં કીધું. દર્શન કરતાં સંભારજો.'

⁠મ્હેં પણ ટહુકો પૂર્યો : 'દ્વારકાધીશને બે નમણો અમારી વતી વધુ કરજો. ગોમતીસ્નાન વેળાએ પણ સંભારજો.'

⁠એ હસ્યો, 'એટલે ત્હારૂં સ્નાન વદે-એમ ને ? એ ખાય તો ત્હરે કેમ ચાલતું નથી?-પણ, હો ! મીરાંબા ભગવાનમાં સમાયાં હતાં એમ સમાઈ મા રહેતાં ત્ય્હાં.'

⁠'ભગવાન મ્હારા દિલમાં સમાય ત્હો યે બહુ છે. ' એમનાં ભાવિક પત્નીએ ઉત્તર દીધો. ' બોડાણો લઈ આવ્યો હતો એમ લાવીને ત્હમને સોપું કે લ્યો : તો ? '

⁠ત્હેણે કહ્યું : ત્હમારા ભગવાને જબરા. નિત્યનિત્ય કોઈ લઈ જાય ત્હો યે ત્ય્હાંના ત્ય્હાં.

⁠એનાં પત્નીએ કહ્યું :

⁠'તુલસી ! પંછિનપાંખસે ખૂટે ન સાયરનીર.

⁠અમારા ભગવાન સાગર જેવા. સારૂં જગત હૈયાની અંજલિ અંજલિ મંહીથી ભરી જાય ત્હો યે ભર્યા ભર્યા ગાજે. '

⁠મ્હેં કહ્યું : 'હિન્દમાં બાઈઓ યે ઉપનિષદ બોલે છે ! પૂર્ણમાંથી પૂર્ણ લે, ત્હો યે અવશેષ પૂર્ણ ર્‌હે '

​⁠એણે કહ્યું : ઓ ત્હારી ! આ તો Psychology આવી !

⁠મ્હેં કહ્યું : ના, Psychology નહિ, આ તો Science : Nature suffers no vaaccum.

⁠'અરે! રોજ અમારા પ્રોફેસર વેકયૂમનો પ્રયોગ કરે છે.'

⁠'પ્રોફેસરના મસ્તકમાં વેક્યૂમ થયું હોય તો ભલે.'

⁠'આવજો' 'સંભારજો' 'દર્શન કરજો;' મછવામાંથી ને સાગરકાંઠેથી શબ્દોની ને ભાવનાઓની લેવડદેવડ ચાલી. એણે યાત્રિકાને કહ્યું : બાળકોને સાચવજે.

⁠અન્ધારી પડતી રાત હતી. આઠેક વાગ્યા હશે. અરબ્બી સમુદ્ર વિસ્તરીને નિસ્સીમ પડ્યો હતો. ઉપર અન્ધારચન્દરવા સમો અન્ધકારનો ચન્દરવો લટકતો. સાગરમાં ને અન્ધકારમાં મછવો અલોપ થયો.

⁠પૂતળા જેવો એ તો પાછળ જોતો ઉભો હતો.

⁠દરિયાનાં મોજાં આવતાં, નીચે અથડાતાં, ને ભાગી જતાં : એમની જાણે એ વાતો સાંભળતો હતો.

⁠મ્હેં પૂછ્યું : કેમ, ચાલશું ?

⁠એ જાગી ગયો.

⁠'પણ આ મછવો ચાલ્યો ત્ય્હારે એક પડખે નમ્યો'તો. કિનાર લગભગ સાગરજલને અડકી'તી.'

⁠'તો ત્હારે મછવો હંકારવા જવું'તું ને ?'

⁠'ના, પણ હેમખેમ તો આવશે ને ?'

​⁠'બાદશાહી ઝમાનામાં બાદશાહ સલામતનો જાપ અમીરો જપતા. તું યે ગાતો ફર God save may Queen.

⁠'જા, જા; ગંભીર ઘડીઓમાં યે મશ્કરી ?'

⁠'સાગરની સફર કરી છે કદ્દી ?'

⁠'ના, આ પહેલી જ છે મ્હારી કે એમની.'

⁠'ત્ય્હારે આ ક્ષણની ગંભીરતા સ્હમજાય છે. સાગરના અન્ધકારને ત્હારૂં સર્વસ્વ આ પહેલી જ વાર ત્હેં સોંપ્યું; એમાં આટઆટલી ચિન્તાની દીનતા શી ? '

⁠'પણ પાછાં ધરતીઆરે-'

⁠'એટલે ?'

⁠'વિજળી આગબોટ ડૂબી'તી-'

⁠' હા, ડૂબી'તી. કેટલાં વર્ષે કેટલી આગબોટો ડૂબી ? મોટરમાં રોજ રોજ મરે છે તેથી મોટરમાં બેસતો મા. મોટરોના થાય છે એથી સાગરના ઓછા અકસ્માત થાય છે.'

⁠ત્હો ય એના વદને અન્ધકાર છવાયેલો હતો.

⁠મ્હેં કહ્યું : 'આ ત્હારી ચિન્તા શાસ્ત્રીય છે.'

⁠'અમારા માનસશાસ્ત્રીઓ તો કહી ગયા છે કે स्नेहमूलं चिन्ता; ચિન્તાનો જનક સ્નેહ છે.'

⁠'વળી ત્હારું વૈદવારાનું માનસશાસ્ત્ર; પાંચ હજાર વર્ષોનું જીર્ણશીર્ણ. વર્તમાન માનસશાસ્ત્રની તોલે-'

⁠'હવે જીભને વારીશ ? કહું ? 'બાળકોને સંભાળજે' એ ત્હેં કહ્યું ને મ્હેં કેમ ન કહ્યું ?'

​⁠'ત્હારૂં કુટુંબ ન્હોતું જતું ને મ્હારૂં કુટુંબ જતું હતું, માટે.'

⁠'ખ-અ-રૂં. એટલે જ પાંચ હજાર વર્ષોનું જીર્ણશીર્ણ અમારૂં માનસશાસ્ત્ર આજે યે સાચું છે કે स्नेहमूलं चिन्ता. ત્હને ચિન્તાએ ઘેર્યો; મ્હને વિચાર આવી વિશમ્યા; માલમનું પોપચું યે ન્હોતું ફરક્યું.'

⁠'હા સ્તો. દાક્તર દરદીને ચીરે ત્ય્હારે આંગળી યે કય્હાં ફરકે છે ?'

⁠'દાક્તર એના પુત્રને કે પત્નીને નસ્તર મૂકે જો ! स्नेहमूलं चिन्ताનું સૂત્ર તરત સિદ્ધ કરે.'

⁠'એટલે ત્હારે કહેવું છે શું ?'

⁠'મ્હારે તો એટલું જ કહેવું છેકે એ છે કે ઇતિહાસના અક્ષરો, ઉકલે તો ઉકેલજો. ગ્રીક લિપિ વાંચતાં ન આવડે તો 'લખ્યું જ નથી' એમ કહેશો મા. ઇતિહાસના અક્ષરો સહુને ન ઉકલે. ત્હો યે ધરતીને પાટે ને પર્વતની છાટે એ આંકડા કોતરાઈને પડેલા છે. દેશદેશની યુગયુગની પ્રજાપ્રજાની Comparative History વાંચે એ કાળવેત્તા ઇતિહાસનો આચાર્ય. હાથી કે સિંહ યૂરોપ-અમેરિકામાં પાકતા નથી એ ઇતિહાસના અક્ષરો ભૂંસ્યા ભૂંસાશે ?'

⁠'પયઘમ્બરોએ પણ એશિયાનો પક્ષપાત કીધો.'

⁠'માનવજાતે ઉકેલવાના છે એ ઇતિહાસના અક્ષરો.'

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...