મુખ્ય સામગ્રી પર જાઓ

૧૪ પ્રતિનિધિ

 સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટકયા કરે છે.

રાજાના મનમાં થાય છે : “અહો! આ તે શું ધતિંગ ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી ! જેને ઘેર લગારે કશી ખામી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નથી ! વ્યર્થ છે. ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લેાભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઇએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહિ.'

એમ વિચારીને મહારાજે કાગળ કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું, બાલાજીને બેલાવ્યો ને આજ્ઞા કરી કે 'ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજે.' ​ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપર એક કાપીન, હાથમાં ઝુલી રહી છે એક ઝોળી. એના ગંભીર મોંમાંથી ગાન ઝરે છે 'હે જગત્પતિ, હે શંકર, સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવાડી રહી છે. તમે જ, હે પરમ ભિખારી ! મને એ મૈયાના ખેાળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ !'

ગાન પૂરું થયું, ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એના ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે 'ગુરુદેવ ! આજથી આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.'

ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા : 'બોલ, હે બેટા, રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ ? તારામાં શી શી શક્તિ છે, વત્સ ?'

શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે 'તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.'

ગુરુજી કહે કે 'ના, રે ના, બેટા, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝેળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.' ​હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાઓ ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બેલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નીકળ્યો છે એ જોઈને શિલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજજાથી નીચે મોંયે ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતા હાથ થરથરે છે નગર આખું વિચારે છે કે 'વાહ રે મહાપુરૂષોની લીલા !'

દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તે એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે; એની આંખો માંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન?

'હે ત્રિલોકના સ્વામી ! તારી કળા નથી સમજાતી. તારે ઘેર તો કશી યે કમી નથી. તો યે માનવીને હૃદયે હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન ? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી ? કંગાલ માનવીના અંતરમાં તેં એવી શી શી દૌલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ.'

ગુરુ ગાતા ગાતા રખડે છે, શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી, નગરની એક બાજુ, નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું, પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા. ​મહારાજાએ હસીને કહ્યુંઃ 'રાજપદને ગર્વ ઉતારીને તમે આજે મને ભિખારી બનાવ્યો છે હે ગુરુદેવ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે?'

ગુરુદેવ બોલ્યાઃ 'સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રતિજ્ઞા કરી છે. તો હવે ઉપાડી લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજ તો મારે નામે, સારો પ્રતિનિધિ બનીને ફરીવાર આ રાજગાદી સંભાળી લે, બેટા ! મારૂં સમજીને રાજ્યને રક્ષજે. રાજા બન્યા છતાં યે હૃદય ભિક્ષુકનું રાખજે. લે આ મારા આશિર્વાદ, અને સાથે સાથે આ મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય એ રાજ્ય નથી; એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા બેટા, કલ્યાણ કર જગતનું.'

એ મને હર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે, નીચું માથું નમાવીને શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડયાં. ગોવાળની વાંસળી થંભી ગઈ. ગાયો ગામમાં પહોંચી ગઈ. સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઊતરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલ હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેસાશે?

નદીને કિનારે પર્ણકુટીની અંદર તો તંબુરાના તાનમાં ગુરુદેવનાં પૂરબી રાગિણીનાં ગાન ગૂંજી ઊઠયાં હતાં : 'મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડ્યો, ને તમે તો છુપાઈને છેટે જઇ બેઠા ! તમે કેાણ છો, હે રાજાધિરાજ ? મેં ​તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે પ્રભુ ! હું તો તમારા પગના બાજઠ પાસે જ બેઠો છું. સિંહાસન પર મારૂં આસન હોય નહિ, હરિ ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહેાંચી. હવે તે કયાં સુધી બેસાડી રાખશો, રાજા? હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી !

શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું; ને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...