મુખ્ય સામગ્રી પર જાઓ

૮ રાણીજીના વિલાસ

 કાશીનાં મહારાણી કરુણા એક સો સહિયરોની સાથે આજ નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલછલ કરતાં વહે છે અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે.

નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે, માટે સહુ ઝૂંપડાવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડયાં છે.

ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી જાણે કોઈ એક નટી દિસે છે : જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ ઝળહળ થઈ રહેલ છે.

રમણીઓ નહાય છે. અંતઃપુરના બંદીખાનેથી છૂટેલી એક સો સખીએા આજે શરમનાં બંધન શી રીતે માને ? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ : નદી જાણે એ બસો ​હાથની થપાટો ખાઈને પાગલ બની, આકાશમાં જાણે શોર મચ્યો.

નહાઈને મહારાણી કાંઠે આવ્યાં; બૂમ પાડીને બોલ્યાં : 'અલી, કોઈ દેવતા સળગાવો. હું ટાઢમાં થરથરું છું.'

સો સખીએ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી. પણ એ સુકેામળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત કયાંથી હોય ! રાણીજીએ બૂમ મારી : 'અલી ! જુવો આ સામે ઘાસનાં ઝૂંપડાં રહ્યાં, એમાંથી એક ઝૂંપડાને દિવાસળી લગાવો. એના તાપમાં હું હાથપગનાં તળિયાં તપાવી લઈશ.'

માલતી નામની દાસી કરુણ કંઠે બોલી : 'રાણીમા, આવી મશ્કરી તે હોય ! એ ઝૂંપડીમાં કેાઈ સાધુસંન્યાસી રહેતા હશે, કોઈ ગરીબ પરદેશી રહેતાં હશે, એ બિચારાંના એક નાના ઘરને પણ સળગાવી દેશો ? '

'અહો મોટાં દયાવંતાં બા !' રાણીજી બોલ્યાં : 'છોક રીઓ ! કાઢો અહીંથી આ દયાળુની છોકરીને અને સળગાવી દો એ ઝૂંપડું. ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે.'

દાસીઓએ ઝૂંપડાને દિવાસળી લગાવી. પવનના સૂસ વાટાની અંદર જ્વાલા ભભૂકી. પાતાળ ફોડીને નીકળેલી અંગાર મય નાગણીઓ જેવી એ મદોન્મત્ત સ્ત્રીઓ ગાનગર્જન કરતી કરતી માતેલી બની ગઈ.

પ્રભાતનાં પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોતજોતામાં તો બધાં ઝૂંપડાં . બળીને ભસ્મ થયાં. ​અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી, રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.

રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો. રાજાજીએ વાત સાંભળી. એમની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા.

'રાણીજી ! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર ?' રાજાજીએ પ્રશ્ન કર્યો.

રિસાઈને રાણી બોલ્યાં : 'કયા હિસાબે એ ગંદાં ઝૂંપડાંને તમે ઘરબાર કહો છે ! એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય ? રાજારાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજા ?'

રાજાની આંખોમાં જવાલા સળગી. રાણીને એણે કહ્યું: 'જ્યાંસુધી આ રાજવી ઝરૂખામાં બિરાજયાં છે ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલના ઝૂંપડાં બળી જાય તો કંગાલને કેટલું દુઃખ પડે ! ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.'

રાજાજીએ દાસીને બેલાવી આદેશ દીધો : 'રાણીના રત્નાલંકારો કાઢી નાખો. એના અંગ ઉપરની સુંવાળી ઓઢણી ઉતારી લો.'

અલંકારો ઊતર્યા. રેશમી એઢણી ઊતરી.

'હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો .' રાજાએ હુકમ કર્યો. ​દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજી રાણીને હાથ ઝાલીને રાજમાર્ગ ઉપર લઈ ગયા. ભરમેદિની વચ્ચે રાજાએ કહ્યું કે 'કાશીનાં અભિમાની મહારાણી ! નગરને બારણે બારણે ભીખ માગતાં માગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂપડાં ફરીવાર ન બંધાવી આપો ત્યાંસુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવીને, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ!'

રાજાજીની આંખોમાં આંસુ છલકાયાં, રાણીજી એ ભિખારિણીને વેશે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શકયા નહિ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...