મુખ્ય સામગ્રી પર જાઓ

૧૧ મેહફિલે ફેસાનેગુયાન : સભા ત્રીજી

લાંબી મુસાફરીમાંથી ઓચિન્તો પાછો આવી હું ધનુભાઈને ઘેર મળવા ગયો.

⁠આખું ઘર મને જોઈને ચકિત થયું, અને એકદમ મારી આસપાસ વીંટળાઈ વળ્યું. ધીરુ બહેને મને પૂછ્યું: કેમ યાત્રામાંથી કંઈ એકદમ જ પાછા આવી ગયા? સી. આઈ. ડી. ના માણસોથી ડરીને નાસી આવ્યા કે શું?

⁠મેં કહ્યું : એમ હું તમારાથી નહિ ફોસલાઈ જાઉં. આજે જ મેહફિલની બેઠક કરો. કાયદા પ્રમાણે, હું આવું ત્યારે મેહફિલનો વખત થાય છે, માટે ઝટ શરૂ કરો. નહિતર કબૂલ કરો કે તમારા અધ્યક્ષપણામાં વાર્તાઓ ખૂટી.

⁠ધનુભાઈએ ઘણા દિવસો પહેલાં*[૧] ‘બે મિત્રો’ની વાર્તા લખવાનું માથે લીધેલું તેને અનુલક્ષીને ધીરુબહેને કહ્યું : તેમાં મને શું કહો છો ? કહો તમારા ભાઈ ને !

​⁠પ્રમીલા : નહિ ભાભી ! તમે તમારે બેઠક ભરો. હું વાર્તા કહેવાની છું. મારી પાસે તૈયાર છે—પેટીમાં લખેલી પડી છે.

⁠ધીરુબહેન : ( જરા ધીમે સાદે ) સાચું જ કહો છો બહેન ?

⁠પ્રમીલા : હા હા, વળી, જુઓ આ લઈ આવું.

⁠પોતાના અભ્યાસખંડમાં જઈ લઈ આવે છે.

⁠ધીરુબહેન : એમ તમે અમને નથી હરાવી શકવાના સમજ્યા !

⁠મેં કહ્યું : પણ પહેલાં તો ‘કહો તમારા ભાઈ ને’ એમ જ બોલાયું ના!

⁠ધીરુબહેન : અરે એ તો મેં એટલા માટે કહેલું કે તમારા ભાઈ પાસે નવું પીણું તૈયાર નથી:—મેહફિલમાં પીણાની જવાબદારી એમની છે.

⁠પ્રમીલા : શાબાશ ભાભી, બરાબર જવાબ દીધો.

⁠ધનુભાઈ : અરે મારી પાસે વળી કદી પીણાં ન હોય એવું હોય ? ઉનાળો છે તે પંચામૃત કરો.

⁠મેં કહ્યું : પંચામૃત શું વળી ? દેવને નવરાવવા કરીએ છીએ તે? હું કંઈ દેવ નથી.

⁠ધનુભાઈ : અરે તમે યાત્રા કરીને આવ્યા તો તમને પંચામૃતથી નવરાવવાને બદલે એ પાઈએ તો ખરા ! ખરેખર આપણા લોકો ગરમીમાં એ કેમ નહિ લેતા હોય, અને નક્કામાં અંગ્રેજી પીણાં શામાટે પીતા હશે તે હું સમજતો નથી. દહીં, મધ, સાકર, થોડું ઘી એ બધું ગરમીમાં કેટલું સરસ લાગે છે? મધ તો આપણે વાપરતા જ બંધ થઈ ગયા છીએ ! અંગ્રેજો વાપરે છે. આપણા પૂર્વજો પુષ્કળ વાપરતા. રામાયણમાં જ્યાં જ્યાં ખાવાનું વર્ણન આવે ત્યાં મધ તો હોય જ હોય !

​⁠પ્રમીલા : બસ ચાલ્યું ભાષણ ! તમારાં ભાષણો ઉપરથી જ જો અનુમાન કરવું હોય તો જરૂર કોઈ એમ કહે કે તમારા જેવું કોઈ ખાઉધરું નહિ હોય.

⁠મેં કહ્યું : માનસપૃથક્કરણશાસ્ત્રી તો એમ જ કહે કે તમને નાનપણમાં કોઈએ ખાવા જ આપ્યું નથી.

⁠ધીરુબહેન : નહિ, એમ નહિ, ખરો માનસપૃથક્કરણશાસ્ત્રી તો એમ જ કહે તમારી પત્ની તરફથી તમને જીવનમાં જરા પણ રસ નહિ મળતો હોય તેથી તમે પીણાંની વાતો કર્યા કરો છો ?

⁠પ્રમીલા : અરે શાબાશ મારાં માનસશાસ્ત્રી !

⁠ધનુભાઈ : તમારા માનસપૃથક્કરણશાસ્ત્રીઓને કહો કે કોઈ વધારે પ્રમાણિક ધંધો લઈ લે તો સારું. કોઈ અમુક બોલે માટે તે તેનામાં નથી એ નિયમ માત્ર માનસપૃથક્કરણશાસ્ત્રીઓ માટે સાચો છે, બીજાઓ માટે નહિ. કેળવણી અને સ્વતંત્રતાની વાત જેમણે તે ચાખ્યાં છે તે કરે છે. જેણે તે ચાખ્યાં નથી, તે તે વિશે કદી બોલવાનો નથી. પણ એટલું નક્કી કે જે પોતાના મનનું પૃથક્કરણ કરતાં બીએ છે, જેને ભય છે કે પૃથક્કરણ કરશું ને શું જાણે શું યે નીકળશે, તે જ બીજાના માનસનું પૃથક્કરણ કરવા નીકળે છે. નહિતર આટલાં બધાં પૃથક્કરણ ઉપર પુસ્તકો લખાયાં તેમાં કેમ કોઈ માનસશાસ્ત્રી પોતાની ગ્રંથિની વાત કરતો નથી ? શું તેમને ગ્રંથિ જ નથી ? શું તેઓ નિર્ગ્રન્થ છે ? એટલે હું તો એમ જ માનું છું, કે એ શાસ્ત્રીઓ જ નથી. અથવા તેમના માનસપૃથક્કરણમાં એવું આવે છે, જેને તે જાહેરમાં મૂકી શકે નહિ. શાસ્ત્રપ્રગતિને માટે લેખક પોતાનો દાખલો આપે તે જ સો ટકા સાચો છે. કારણકે અન્યના દાખલામાં સંભવાસંભવ હમેશાં રહે જ છે. હું પીણાંની વાત કરું છું તે મારું જીવન નીરસ હોવાથી, કે ​શોધખોળ બુદ્ધિથી, કે સ્વદેશી પીણાંના પ્રચારના આગ્રહથી, કે નવા પીણાના લોભે મેહફિલ ચાલે અને તેમાં હું મોટો થઈને ફરી શકું તેટલા માટે, કે નાનપણમાં મેં પહેલી વાર સોડા પીધો ત્યારે મને બિલકુલ ભાવ્યો નહોતો તેના દ્વેષથી, કે લીંબુનું શરબત મારી પ્રકૃતિને બહુ અનુકૂળ પડે છે તેથી બધાં પીણાંનો મને શોખ થાય છે, કે—

⁠અહીં ધીરુબહેને અને પ્રમીલા બહેને જાહેર ભાષણ ચાલતું હોય તેમ તાળીઓ પાડી એટલે ધનુભાઈએ સંકેલ્યું : નહિ, હું ભાષણ કરવાનો હતો જ નહિ. કારણકે હું માનું છું કે પ્રમીલા પાસે વાર્તા નથી અને તે કંઈક ઠગાઈ કરવાની છે; મારે તેમાં ઠગાવું નથી. હું તો માત્ર એટલું જ કહેતો હતો કે ઉપરનાં અનેક શક્ય અનુમાનોમાં કયું સાચું અને કયું ખોટું તે હું જાણું તેટલું ગમે તેવો માનસશાસ્ત્રી શું જાણે ? મારે ધંધાની જરૂર હોય અને હું પીણાંની હોટેલ જ કાઢવાનો હોઉં અને સ્વદેશી પીણાંની જાહેરખબરથી કમાવા જ માગતો હોઉં! ઠીક, પણ પ્રમુખસાહેબ, હવે વાર્તા આગળ ચલાવો.

⁠ધીરુબહેન : ચાલો પ્રમીલા બહેન, ત્યારે તમે વાર્તા શરૂ કરો. અને આ બધાના તર્કો ખોટા પાડો.

⁠પ્રમીલા : ચાલો હું વાંચું છું, સાંભળો:—

⁠એક વાર ધીમતી બહેન અને પ્રેમકુંવર બન્ને બપોરે એકલાં બેઠાં હતાં.

⁠મેં કહ્યું : વારતાનું નામ તો કહો.

⁠પ્રમીલા : મારી વાર્તાને નામ જ નથી. અને પ્રમુખસાહેબ, મારે એક વિનંતી કરવાની છે. હું આખી વાર્તા વાંચી રહું ત્યાંસુધી કોઈએ કશું પૂછવું નહિ, કોઈ એ કશું બોલવું નહિ. જે કાંઈ કહેવું હોય તે વાર્તા પૂરી થયા પછી કહેવું.

​⁠ધીરુબહેન : ભલે, તમારી વાર્તા દરમિયાન કોઈ પણ સભ્ય કશું બોલશે નહિ.

⁠પ્રમીલા : ત્યારે ફરીથી વાંચું છું.

⁠એક વાર ધીમતી બહેન અને પ્રેમકુંવર બન્ને બપોરે એકલાં બેઠાં હતાં. નાના ચન્દ્રકાન્તને, બહાર રહેવાની ટેવ પડે માટે, થોડા દિવસ એક મિત્રને ઘેર મોકલ્યો હતો. એટલે ઘર બધું ઘણું જ શાન્ત હતું. ધર્મપ્રસાદ પોતાના ખંડમાં હમેશની માફક કંઈક કામ કર્યા કરતા હતા. ઘરના સૂનકારથી કે કોણ જાણે શાથી ધીમતી બહુ જ ગમગીન દેખાતી હતી. પ્રેમકુંવરે પૂછ્યું : કેમ ભાભી આજે ગમગીન દેખાઓ છો ?

⁠ધીમતી: ગમગીન નથી, પણ આજે કોણ જાણે કેમ કાંઈ ગમતું નથી.

⁠પ્રેમકુંવર : મારા ભાઈને બોલાવું ?

⁠ધીમતી: એમાં બોલાવવા’તા શા?

⁠પ્રેમકુંવર : કેમ, હું છું એટલે શરમાઓ છો? કહો તો ચાલી જાઉં?

⁠ધીમતી : મેં એમ ક્યાં કહ્યું ?

⁠પ્રેમકુંવર : હાં, હાં, સમજી. તમારે એમને બોલાવવા નથી પણ જાતે જવું છે—અભિસારિકા થવું છે; તો થાઓ ને!

⁠ધીમતી : અરે બેન ! હવે આટલે વરસે આવું બોલો છો ?

⁠પ્રેમકુંવર : જુઓ ભાભી, થોડાં વરસ ઉપર એમ કહ્યું હોત તો માનત, પણ હવે તો પ્રેમ વિશે હું પણ એટલું જાણું છું કે ઉંમર થવાથી પ્રેમનાં અભિનવ સ્વરૂપો સદંતર જતાં રહેતાં નથી. ( ધીમતી સામે એક નજરે જોઈ ) ઓહો ભાભી ! હવે સમજી. તમે તો અત્યારે મુગ્ધા થયાં છો. ચાલેા ત્યારે, હું જ તમને ભાઈ પાસે ઘસડી જાઉં.

​⁠પ્રેમકુંવરે ધીમતીને ધર્મપ્રસાદના ખંડમાં ઘસડી જઈને કહ્યું : આજે ભાભીને ગમતું નથી.

⁠ધર્મપ્રસાદ : પણ બહેન, અમને પુરુષોને કે દી સ્ત્રીઓનું મન સંપાદન કરતાં આવડે છે તે ? પરણ્યા પહેલાં તો એવું કંઈ કારણ હોતું નથી. અને સ્ત્રીકેળવણી, પરણ્યા પછી હમેશાં સ્ત્રીઓ પુરુષોને ખુશ કરી શકે એ એક ઉદ્દેશથી જ જાણે ઘડાય છે. સ્ત્રીને ગાતાં આવડવું જોઈએ, સારાં કપડાં પહેરતાં આવડવું જોઈએ, સારું રાંધતાં આવડવું જોઈએ: અને પુરુષને સ્ત્રીને ખુશ કરવા કાંઈ જ આવડવાની જરૂર નહિ ! મને ગમતું નથી હોતું ત્યારે—

⁠*[૨] [મારાથી રહેવાયું નહિ, મેં કહ્યું : ધનુભાઈ ! આ ધર્મપ્રસાદને તમારી પેઠે જ ભાષણે ચડી જવાની ટેવ છે. અને ધ એ ધ અને ૫ એ ૫ મળતા આવે છે !

⁠પ્રમીલા : પ્રમુખ સાહેબ ! મારા વાર્તાવાચન દરમિયાન કશી પણ વાતચીત થવી ન જોઈએ. તમારા એ ઠરાવનો ભંગ થાય છે, તે તરફ ધ્યાન ખેચું છું.

⁠મેં કહ્યું : હું ટીકા કરતો નથી; માત્ર ઉદ્‌ગાર કાઢું છું.

⁠પ્રમીલા : અત્યારે તો જવા દઉં છું, પણ હવે જો કોઈ વિક્ષેપ કરશે તો દર વિક્ષેપે આખી વાર્તા પહેલેથી ફરી વાંચીશ.

⁠ધીરુભાઈ : એટલે તારી વાર્તા એટલી કંટાળા ભરેલી છે એમ ને ?

⁠પ્રમીલા : વાર્તા સાંભળ્યા પછી જોઉં છું, કેવાક કહો છો કંટાળાભરેલી !

⁠ધીરુબહેન : નહિ વસન્તભાઈ, તમારે આપણા ઠરાવ પ્રમાણે ચાલવું જોઈએ.

વાર્તા પાછી શરૂ થઈ.]
 
​⁠મને ગમતું નથી હોતું ત્યારે તો તું ગાઈ કરીને અને વિશેષ તો મારી પાસે બેસીને વાતો કરીને પણ મને ઉલ્લાસમાં લાવે છે. મને ગાતાં નથી આવડતું, નથી વાતો કરતાં આવડતું, કારણકે વાતો કરું છું ત્યારે તમને ભાષણ લાગે છે, નથી મહાદેવ જેમ ઉમાને પ્રસન્ન કરવા નાચે છે તેમ નાચતાં આવડતું; હું શી રીતે તારો અણગમો કાઢું, કહે.

⁠ધીમતી : એક સારી વાર્તા કહો.

⁠પ્રેમકુંવર : તમે તો મુગ્ધા નહીં બાલા બની ગયાં છો!

⁠ધર્મપ્રસાદ : વાર્તા મારી પાસે એક લખેલી પડી છે. પણ તે વાર્તાથી તો કદાચ ગમગીની વધે, એમ મને થાય છે. એનું વસ્તુ એવું કરૂણ છે.

⁠ધીમતી : તેનો વાંધો નહીં.

⁠પ્રેમકુંવર : ગમગીન પણ તમારી વાર્તા છે એટલે ભાભીને સારી લાગશે. વાંચો.

⁠ધર્મપ્રસાદે વાર્તાનું મથાળું વાંચ્યું : “કોદર” અને પછી વાંચવી શરૂ કરી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...