મુખ્ય સામગ્રી પર જાઓ

દ્વિરેફની વાતો - બે બોલ

 વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદી થયેલી નહિ, તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ: સ્ફુટ ઈચ્છા નહિ. પણ માથે પડ્યું માણસ શું નથી કરતો ?

⁠૧૯૨૨ ની આખરમાં કે ’૨૭ ની શરૂઆતમાં એક વિદ્યાર્થી-મિત્ર ‘કલ્લેાલ’ નામના હસ્તલિખિત સામયિક માટે મારી પાસે એક લેખ લેવા આવ્યા. માસિકમાં મારા પહેલાં એક અધ્યાપકે વાર્તા લખી હતી તે જોઈ મને પણ આવા ખાનગી માસિકમાં વાર્તા લખવાનું મન થયું. કેટલાંક વરસો પહેલાં ‘સ્ટ્રૅન્ડ મેગેઝિન’માં એક વાર્તા વાંચેલી તેના સંસ્કારો, ચિત્તશાસ્ત્રના એક બે નિયમો રૂપે મારા મનમાં હતા. એક તો એ કે કોઇ પણ કાર્ય એક માણસે કર્યા પછી ‘તે હું પણ કરી શકત’ એવો વિચાર લગભગ દરેક માણસને થવા લાગે છે; અને બીજો એ, કે એ વિચાર સેવાતાં એટલો દૃઢભૂમિ થાય છે કે ‘તે મેં જ કર્યું હતું’ એવો ભ્રમ તેમાંથી ઉત્પન્ન થાય છે. આ નિયમોને મૂર્ત રૂપ આપવા મેં એક નાની વાર્તા એ ભાઈને ઘસડી આપી. ‘વીણા' માટે ભાઈ યશવંત પંડ્યાએ મારી પાસે વાર્તાની માગણી કરતાં, ‘કલ્લોલ'માંથી નકલ કરી મંગાવી અને તેને જરા મઠારીને ‘વીણા’માં પ્રસિદ્ધ કરી. પ્રસિદ્ધિસમયના એક સાહિત્યયોજનાને લગતા વિવાદને અનુલક્ષીને એ લખાઈ છે એવો મત ચાલ્યો હતો, પણ તે માત્ર સમયનો અકસ્માત જ હતો.

⁠વાર્તા લખવાનું, ‘યુગધર્મ’ ચાલતું હતું. ત્યારે ખરેખરું માથે આવ્યું. ‘યુગધર્મ’માં વાર્તાનું અંગ ઉમેરવાનો નિશ્ચય થયો ત્યારથી મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. એ પ્રવૃત્તિ ‘યુગધર્મ’ ​ચાલ્યું એટલો વખત ચાલી, ‘યુગધર્મ’ બંધ પડતાં પાછી બંધ પડી ; ‘પ્રસ્થાન’ શરૂ થતાં પાછી શરૂ થઇ. સંગ્રહના અંતમાં મૂકેલી સૂચી ઉપરથી તે જોઈ શકાશે.

⁠આ સંગ્રહમાં ‘યુગધર્મ’માં અને ‘પ્રસ્થાન’માં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ એકઠી કરી મૂકી છે. કોઈ શબ્દોની હારફેર કે જરૂરની લાગેલી નાની વિગતની ઉમેરણી સિવાય વાર્તાઓ મૂળ રૂપે જ મૂકેલી છે. છેલ્લી વાર્તા નવી છે. વાર્તા લગભગ પ્રસિદ્ધિના અનુક્રમે મૂકેલી છે.

⁠ઉપર જણાવ્યું તેમ ‘એક પ્રશ્ન’ અંગ્રેજી વાર્તાના સંસ્કારો ઉપરથી લખેલી છે. પછીથી કોઈ પણ વાર્તાનું અનુકરણ કર્યું નથી.

⁠આ પ્રસિદ્ધિને અંગે એક બે ખુલાસા કરવા જરૂરના છે. મારા એક મુરબ્બી સાક્ષરે માસિક મનનમાં લખેલું કે દ્વિરેફે હવે ‘ફઇએ પાડેલા’ નામ સાથે બહાર પડવું જોઇએ. છતાં આ વાર્તાઓ સ્વયંકૃત નામ સાથે બહાર પાડી છે. ‘ફઇએ પાડેલા’ નામ માટે કોઈ ખુલાસો માગતું નથી, પણ પોતે પાડેલા નામ માટે તો, અને તે પણ માસિકમાં કડકે કડકે લખવામાંથી પુસ્તકાકારે વાર્તાઓ બહાર પાડવા જેટલી ધૃષ્ટતા કરું ત્યારે તો, ખુલાસો કરવો જોઇએ.

⁠અને તે ખુલાસો મેં થોડો તો પહેલાં કર્યો છે. વાર્તાલેખનને હું મારી મુખ્ય પ્રવૃત્તિ માની શક્યો નહોતા, અત્યારે પણ માની શકતો નથી. મારી મુખ્ય પ્રવૃત્તિ, ઇષ્ટ પ્રવૃત્તિ જુદી છે. અને આવી ગૌણ અને સ્ખલિત પ્રવાહવાળી પ્રવૃત્તિને નામનો ઠઠારો શો કરવો, એમ મારા મનમાં.

⁠અને બીજું કારણ તો કદાચ સર્વ લેખકોને સામાન્ય હશે. સરસ્વતીદેવીના પદે મોટું કે નાનું, તાજું કે વાસી, ગમે ​તેવું ફૂલ ધરતાં ક્યા સાહિત્યોપાસકને પ્રથમ સંકોચ નહિ થયો હોય ! શૉપનહાઉર કહે છે કે સત્યદેવતા કોઈ ગણિકા નથી કે તમને ખુશ કરવા તે હાવભાવ કરતી આવે! તે તો એક અતિ શરમાળ કુમારિકા છે, જે માંડ માંડ ઘણી ઉપાસનાને અંતે એકાદ કૃપાકટાક્ષ કરે ! હું સત્યદેવતાને જ રૂપાન્તરે કલાદેવતા સમજું છું. અને સરસ્વતી તો દુરારાધ્ય મુગ્ધ કુમારિકા જ છે. ગમે તેવો ધૃષ્ટ ઉપાસક પણ તેની પાસે જતાં નામના પટાંતર રાખે છે. અને આ નામરૂપ જગતમાં હવે મને એ નામનો મોહ થયો છે.

⁠દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે. પણ પુષ્પોમાંથી મધુ ભેગું કરી આપનાર ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી અને મારી ધણીએ વાર્તા કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહિ પણ યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.

⁠તે હું હવે મારી વાર્તાઓ ભેગી કરી ગુજરાત સમક્ષ રજૂ કરું છું. કહે છે કે ધીરો ભક્ત કાવ્યો લખીને તેને વાંસની ભૂંગળીમાં કે બીજા કશામાં બંધ કરી મહી નદીમાં તરતાં મૂકતો અને લોકો તેને લઈ લઈ સંઘરતા. એ સંત કવિ જેટલી શ્રદ્ધા કે રમતિયાળ બેપરવાઈ હું કેળવી શક્યો નથી. છતાં હું પણ આ વાર્તા તરતી મુકું છું. તેમાંથી કોઈ ઉદ્ધારાવી હશે તો ઉદ્ઘારાશે, નહિ તો સમયપ્રવાહમાં કે દૃષ્ટિ પારના કાલમહાસાગરમાં લુપ્ત થશે.

માઘ વદ ૫, શુક્ર,

સં. ૧૯૮૪

અમદાવાદરામનારાયણ વિ૦ પાઠક


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...