મુખ્ય સામગ્રી પર જાઓ

૫ અભિસાર

 મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત.

શ્રાવણ મહિનાની ઘોર રાત્રી જામતી હતી. નગરના દીવા પવનને ઝપાટે ઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરે ધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથીઃ ઘનઘોર આકાશમાં તારા યે નથી.

એકાએક એ સુતેલો સંન્યાસી અંધારામાં કેમ ઝબકી ઊઠયો ! ઝાંઝરનો ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો ?

ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખે ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડયું. એ કેાણ હતું ?

એ તે મથુરાપુરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તા : આજ અંધારી રાત્રે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરથી યૌવન ફાટફાટ થતું તોફાને ચડયું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલાં છે. મદોન્મત્ત એ રમણી આજ તો વળી વહાલાને ભેટવા ​સારુ ભાન ભૂલેલી છે. પુર જોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કેામલ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું, વાસવદત્તા થંભીને ઊભી રહી.

ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહાળી રહી. સુકુમાર ગૌર કાંતિ : હાસ્યભરી એ તરણાવસ્થા : નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છે : ઉજ્જવળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે : શાં અલૌકિક રૂપ નીતરતાં હતાં !

હાય રે રમણી ! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે. એને ઢાંકવા પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે ? શામાં ગરક થઈ ગઈ છે હેં નારી ? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઊભો તલખતો હશે.

સંન્યાસીને ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી : “હે કિશોર કુમાર ! અજાણ્યે આપને વાગી ગયું. મને માફ કરશો ?”

કરુણામય કંઠે સાધુ બોલ્યા : “કાંઈ ફિકર નહિ, હે માતા ! સુખેથી સીધાવો. તમારે વિલંબ થતો હશે.”

તો યે આ અભિસારિકા કાં હટતી નથી ? એના પગ કોણે ઝાલી રાખ્યા છે ?

ફરીવાર એ દીન અવાજે બોલી : “હે તપસ્વી ! આવું સુકેામલ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો ? નિર્દય લોકોએ કોઈએ એક સુંવાળું બિછાનું યે ન કરી આપ્યું ?" ​સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું.

“મારે ઘેર પધારશો ? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.”

“હે લાવણ્યના પુંજ ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિના બોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સીધાવો જેને કોલ દીધો છે તેની પાસે.”

એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડયાં. આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફુંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઊઠી. કોને માલૂમ છે કે કયાં સુધી એ કોમલાંગી ભીંજાણી હશે, થરથર કમ્પી હશે, ને રડી હશે ! એનો અભિસાર એ રાત્રિયે અધૂરો રહ્યો.

*

શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણાએ મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભેટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કુંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઊઠયાં છે. મથુરા નગરીનાં તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશને ચંદ્ર મલકી રહ્યો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળાની ​અંદર, નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત. પણ એ સંન્યાસી રાત્રિયે કાં રખડે? દૂરદૂરથી બંસીના સ્વરો આવે છે : માથા ઉપર વૃક્ષોની ઘટામાં કોયલ ટહૂકે છે : સામે ચંદ્ર હસે છે : આજે એ તપસ્વીની અભિસારરાત્રિ આવી પહોંચી કે શું ?

નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડયું હતું ?

દુર્ગંધ મારતું એક માનવશરીર : અંગના રોમેરોમમાં શીતળાનો દારણુ રોગ ફાટી નિકળેલો છે. આખો દેહ લોહીપુરમાં લદબદ થઈ ગેગી ગયો છે કાયા સળગીને જાણે કાળી પડી ગઈ છે.

ગામના લેાકેાએ એ ચેપી રોગમાં પીડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે.

પાસે બેસીને સંન્યાસીએ એ બિમારનું માથું ઉપાડી ધીરે ધીરે પોતાના ખેાળામાં મેલ્યું, “પાણી પાણી” નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડયું, કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું' ને પછી દરદીને મધુર અવાજે પૂછયું : “કાંઈ આરામ વળે છે, ઓ સુંદરી ?”

“તમે કોણ, રે દયામય ! તમે કયાંથી આવ્યા?” દુર્બલ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો. એની આંખોમાંથી આંસુની ધારા છૂટી. ​મંદ મંદ મુખ મલકાવીને સાધુ કહે છે : “ભૂલી ગઈ, વાસ- વદત્તા ! શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રિયે આપેલો શું યાદ નથી આવતો ? આજે મારા અભિસારની આ મીઠી રાત્રિ આવી છે, ઓ વાસવદત્તા !”

આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી. કોયલ ટહુકી. ચંદ્ર મલક્યો. યોગીને અભિસાર ઊજવાયો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...