મુખ્ય સામગ્રી પર જાઓ

૧ બોરસળીનો પંખો

 મ્હોરની હું માળા ગૂંથતી હતી.

⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી હતી.

⁠મ્હને શી ખબર કે એને બકુલનું ઝાડ કહેતા હશે? હું કાંઇ સંસ્કૃત કાવ્યો ભણી ન્હોતી. ને સંસ્કૃત કાવ્યો ભણેલાં-કે સંસ્કૃત પ્રોફેસરો યે સંસ્કૃત સાહિત્યમાંનાં કેટકેટલાંક ફૂલછોડને ઓળખે છે? હું કોઈ સાક્ષરની સગી ન્હોતી કે લોક માને કે મ્હને આવડે છે.

⁠પછી ઘણે વર્ષે મ્હેં જાણ્યું કે આવડત પાનાંપુસ્તકમાંથી નથી આવતી, આવડત અનુભવથી આવે છે.

⁠બેએક વરસાદ વરસી ગયા હતા. ધરતીને ઠારી યે હતી ને સન્તાપી યે હતી. તપેલી કથરોટને છાંટણાં છાંટે ને છણછણે, એવી ધરતી છંટાઈને છણછણતી.

​⁠મનની મનોવાસના યે એવી નથી? છાંટિયે તેમ તેમ ઝાળ બમણી ભભૂકતી નથી? લખતાં શીખ્યા પછી હું લખું છું તેમ તેમ બમણું લખવા મન થાય છે: જાણે બધું યે હૈયું ઠાલવી નાંખું ને પરમેશ્વરથી યે સંસારને સોહામણો સરજું.

⁠ત્ય્હારે હું પહેલે જ આણે આવી હતી, ને આવ્યે બે-એક રાત્રીઓ વીતી હતી. એ રાત્રીઓ પૂર્ણિમાની યે ન્હોતી, કે બીજની યે ન્હોતી: આઠમની હતી. અડધેરૂંક અન્ધારિયું ને અડધેરૂંક અજવાળિયું: એવી એ રાત્રીઓ વીતી હતી.

⁠ને પછી?

⁠અજવાળિયાની એ અડધી રાત ગમી; પણ અન્ધારિયાની અડધી રાત અમને ન્હોતી ગમી અમને ન્હોતી ગમી.

⁠અન્તરનું કે બહારનું અન્ધારિયું કોઇને યે ગમે છે કે અમને ગમે?

⁠ચન્દ્ર પૃથ્વીને ચન્દ્રિકા ઢોળતો એમ એમણે મ્હારા ઉપર ઉરની ચન્દ્રિકા ઢોળી. ત્હો યે મ્હને તો ઉણપ જ ભાસતી: કંઇક મંહી અધૂરૂં-અધૂરૂં લાગતું. દુનિયા યે આજ અધૂરી લાગે છે ને?

⁠ત્ય્હારની અમારી દુનિયા યે મ્હને અધૂરી-અધૂરી લાગી. કલ્પનાની ને આશાની આંખડીએ દુનિયાને હું દેખવા ગઈ-ને ભૂલી. નાટકોમાં જોયું હતું, સચિત્ર માસિકોની નવલિકાઓમાં વાંચ્યું હતું એવું જગત ન ઝંખાણું. યૌવનની મ્હારી કલ્પનાએ સરજેલા હવામહેલો જેવો સંસાર મ્હેં ન ​દીઠો. મ્હારા મનને ઓછું આવ્યું. ને એ કાંઈક એમણે જોઇ લીધું હોયે ખરૂં.

⁠ઘરકામથી પરવારીને પાછલે પહોરે આંગણાંમાં હું બેઠી હતી. બારણામાં એક વૃક્ષ હતો તે મ્હારા ઉપર મ્હોર વરસતો. આંબામ્હોર જેવા આંગણઢળ્યા એ મ્હોર હું વીણતી ને માળા ગૂંથતી.

⁠તે દિવસે ઘામ વધારે હતો. દેહે પરસેવાનાં બિન્દુ ટપકતાં. આંખો યે ટપકું ટપકું થતી. ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો.

⁠મ્હારી યૌવનની આંખોએ સંસારની કવિતા નિરાળી નિરખી. મ્હેં માન્યું'તું જૂદું ને દીઠું જૂદું. હું ઉછરી'તી નિરાળાં ફૂલોની ફૂલવાડીમાં. સંસારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીક્કી મ્હને ભાસી. મળેલી સુગન્ધનું નહિ, મળેલી સુગન્ધમાંની ઉણપનું ચિન્તવન ચિન્તવતી દુઃખિયારી શી હું બેઠી હતી.

⁠ત્યહારે મ્હારી દૃષ્ટિને સંસાર કવિતા જેવા ન્હોતા દીસતા. નાટકોમાંનાં રસરસિયાં મ્હને ઝાકઝમાળ ભાસતાં, સંસારમાંનાં રસરસિયાં મ્હને ઝાંખપઓઢ્યાં દેખાતાં. મ્હને ત્ય્હારે ખબર ન્હોતી કે નાટકોની રંગભૂમિ ઉપર તો ઘણુંખરું ભાયડે ભાયડા એ પ્રેમલીલાના ખેલ ભજવે છે.

⁠હું તો આસપાસ જોતી ને ઓછું આણતી.

⁠એવે મ્હારા ખોળામાં ઓળો પડ્યો: જાણે ઉડતા ​ગરુડની છાયા. પાછું વાળી જોઉ-ન જોઉ ત્ય્હાં તો મ્હારી નેત્રપાંદડીઓ ચંપાઇ. સફાળી હું બોલી ઉઠી: 'નાથ.'

⁠ક્ષણેક તો મ્હને યે લાગ્યું કે કવિતાની રસવેલીઓ પણ સંસારની ધરતીમાંથી જ ઉગે છે.

⁠મ્હને આંસુ આવી ગયાં. એમાં આનન્દના યે અશ્રુઓ હતાં, ને હૈયાના ઓગળી જતા હૈયાભારનાં યે અશ્રુઓ હતાં.

⁠નાથે કહ્યું: ઘેલી ! સંસાર ને કવિતા નિરનિરાળાં હશે ત્હો યે બન્નેમાં વહતી રસસેર એક જ છે: આંબાનાં મ્હોર ને કેરીની પેઠમ. મ્હોર ખાધે તૂરા લાગે; ને કેરીઓ ખાટ્ટી યે હોય ને મીઠ્ઠી યે હોય.

⁠મ્હેં કહ્યું'તું ને કે એ કદાચ મ્હારૂં મનદુઃખ જાણી ગયા હોય.

⁠મ્હેં રસવિવેકનો ઉત્તર વાળ્યો: ત્હો ય મ્હોર ને કેરી બન્ને યે આંબાનાં સ્તો? એ મ્હોરની માળા અત્ય્હારે ગૂંથી રહી છું - ત્હમારે કાજ.

⁠એ મ્હારી બીજી ભૂલ હતી. વસન્ત ઉતર્યે મ્હોર માઠા હોય અનું ભાને હું તો ભૂલી ગઈ હતી.

⁠એમણે મ્હારી ભૂલ ભાગી: આ મ્હોરની ઋતુ યે નથી, ને આ આંબા મ્હોરે નથી. આંગણું ભરી છાયા ઢાળતો આ આંબો નથી, બોરસળી છે; ને આ બોરસળીનાં ફૂલ છે. માળા નહિ, પંખો ગૂંથ આ બોરસળીનાં ફૂલનો.

​⁠એમ શાને કહો છો જે? મ્હેં પૂછ્યું.

⁠તું નથી જાણતી માટે. એક તો; મ્હારે એકલપેટાએ એ માળા પહેરવી નથી. પરિમલપંખાળો પંખો મ્હને ને ત્હને બન્ને યે તપ્યાંને ટાઢક ઢોળશે. ને બીજું : કરમાશે ત્ય્હારે ત્ય્હારે નીર છાંટીશું એટલે સંજીવની સરખાં નીર કરમાયેલાં ફૂલડાંને પાછાં સજીવન કરશે ને પમરાવશે. કરમાયેલી કાયા ફોરે કાંઇ? કરમાયેલાં ફૂલડાં યે સજીવન થાય એ તો બોરસળીનાં.

⁠હું ઉછળી ને ઉઠી. મ્હેં કહ્યું: જીવ એવો છે ને જીવને એવું છે: સંસારે એવો છે ને સન્તો યે એવા છે. આંગણે આંગણે આ ફૂલઝાડ રોપાવોને? ઘડીએ ને પલકે સંસાર કરમાય છે તે સંજીવન પીતાં શીખે.

⁠હું જાણતી નથી કે સંજીવની કેવી હશે. સંસ્કૃતના પ્રોફેસરોએ એ દીઠી ને ઓળખી હોય તો ભલે. પણ અનુભવવાને ઓછું જ જોવું પડે છે? વણદીઠા વાયુ નથી અનુભવાતા ? - મ્હારા યે આત્માને ત્ય્હારે સંજીવિની છંટાઇ. અને આજ આટાઅટાલે વર્ષે જ્ય્હારે જ્ય્હારે કદિક હવે કરમાઉ છું ત્ય્હારે ત્ય્હારે એ બકુલના વૃક્ષ નીચે બેસું છું, સંજીવિની શોધું છું, ને પામું છું.

⁠સંજીવિની આત્મા જેવી હશે? દેખાય નહિ ત્હો યે અંગમાં નિત્યે વસેલી?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...