મુખ્ય સામગ્રી પર જાઓ

૧૬ રાણી રળકાદે

સાત દેર–જેઠિયાં છે.

છયેની વહુઓ રૂડી રીતે જમે, જૂઠે ને અમનચમન કરે.

નાનેરી વહુને બહારનાં કામકાજ ખેંચવાનાં; છાણવાસીદાં કરવાનાં; ગારગોરમટી ખૂંદવાની.

ઢસરડા કરીને નાનેરી વહુ જમવા બેસે. એટલે જેઠાણી આવીને એની થાળીમાં એક દેડકું મેલી જાય.

હાથ ધોઈને નાનેરી તો ભાણા માથેથી ભૂખી ને ભૂખી ઊઠી જાય.

દા’…ડી દા’ડી એની તો એ જ દશા. સુકાઈને એ તો સાંઠીકડું થઈ ગઈ છે.

એક દા’ડો તો ધણીએ પૂછ્યું છે : ‘આ સૌ તો વરસી રિયાં છે, ને તું એક કાં ખોડસું થઈ ગઈ?’

કે’ “સ્વામીનાથ, કંઈ કે’વાની વાત નથી. એક દી રાતે રાંધણિયાના બારણા પાસે પથારી કરો, ને ઝીણી પછેડી ઓઢીને તમારી નજરે જોજો.”

એક દી તો સ્વામી રાંધણિયાનાં બાર પાસે સૂતો છે, ને એણે તો ઝીણી પછેડી ઓઢી લીધી છે.

નાનેરી ભાણે બેઠી ત્યાં તો એક જેઠાણીએ એની થાળીમાં દેડકું મૂક્યું છે. હાથ-મોં ધોઈ કરીને નાનેરી ઊઠી ગઈ છે.

ધણીએ તો નજરોનજર દીઠું છે. ન કહ્યું જાય, ન સહ્યું જાય, એવું મૂંગું દુઃખ છે આ તો.

આનો તો કોઈ પાર નહિ આવે. માટે, હે સતી, હું દેશાવર ખેડું. મારાં તકદીર અજમાવું.

ભોળો ને ભોટ : ગભરુ ને ગરીબ : કાંધે કોથળો નાખીને એ તો હાલતો થયો છે.

નાની વહુ ઘરની બહાર છાણના ગોળીટા કરતી કરતી બેઠી છે. જઈને એને પૂછ્યું છે : ‘તારે કાંઈ કે’વું છે?’

‘કાંઈ કે’વું ને કાંઈ કારવવું! બસ, એક આટલીક એંધાણી લેતા જાવ.’

એમ કહીને બાઈએ તો આંગળીએથી કરડો કાઢ્યો છે. કરડો ધણીના માથાના ચોટલીમાં પરોવી દીધો છે. ધણીએ કહ્યું : ‘છાણના ગોળીટા તારે તો પાદર નાખવા જવા છે ને? લાવ ને ત્યારે તો હું જ જાતો જાતો એટલો ભાર તો હળવો કરતો જાઉં!’

છાણના ગોળીટા તો એણે કોથળામાં લીધા છે. લઈને એ તો ચાલી નીકળ્યો છે.

વહુનો બોજ તો કે’દીય નહોતો ઉપાડ્યો. આજ છેલ્લી વાર, અરે રામ! આટલું જ થઈ શક્યું!

ચાલતાં ચાલતાં પાદર બહાર પહોંચ્યો છે. કોથળો ઠાલવ્યો છે. ત્યાં તો છાણના ગોળીટાને સાટે સોનાનાં ઢીમ દીઠાં છે.

આ તો મારી રળકાદેના પુણ્યપ્રતાપ. એને જ નામે આનાં ધરમ કરીશ. મારે એ કેમ ખપે?

આગળ ચાલીને એણે તો માર્ગે પાણીનાં પરબ બંધાવ્યાં છે.

પરબનાં પાણી પાનારાઓ! ભાઈઓ! તમે આમ પોકારજો હો! કે —

પાણીડાં પીજો…રે
રાણી રળકાદેને નામે!
તરસ્યાં વટેમાર્ગુઓને કાને સાદ પડે છે કે —

પાણીડાં પીજો…રે
રાણી રળકાદેને નામે!
પુરુષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગ્ન પગે ચાલતાં લોકો દીઠાં છે. ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે —

પગરખાં પે’રજો…રે
રાણી રળકાદેને નામે!
વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે, ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે:

ભોજન જમજો…રે
રાણી રળકાદેને નામે!
આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો.

આંહીં ભાઈઓને ઘેર તો બધું ધનોતપનોત થઈ ગયું છે. સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે. ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે.

છ જેઠ–જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે.

આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે —

પાણીડાં પીજો….રે
રાણી રળકાદેને નામે!
જેઠ–જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે ‘ઓહોહો! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશે ને! અને જુઓને આ આપણી રળકાદે! જાગી છે ને કુળમાં કો’ક કરમફૂટી!’

નાનેરી તો સાંભળી રહી છે. વળી સહુ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે —

પગરખાં પે’રજો…રે
રાણી રળકાદેને નામે!
સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછા નાનેરીને ટપલાં માર્યાં છે કે —

‘કો’ક મહાપ્રતાપી થઈ ગઈ હશે તયેં જ આ પગરખાંનાં પરબ બંધાવ્યાં હશે ને! અને જુઓને વાલામૂઈ આપણી રળકાદે! હતું તેય આપણું બળીને બુંધ થઈ ગયું.”

નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે —

ભોજનિયાં જમજો…રે
રાણી રળકાદેને નામે!
જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે ‘થઈ ગઈ હશે ને કો’ક કુળઉજાળણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!’

એય નાનેરીએ સહી લીધું છે.

નાનેરા ભાઈનાં મુકામ આવ્યાં છે. લાખમલાખ લોક કામે છે. નવાણો ગળાય છે. સડકો બંધાય છે. માળિયાં ચણાય છે.

ભાઈએ તો સહુને ઓળખેલ છે. પોતાની વહુનેય પિછાણી છે. પણ ઓલ્યાં કોઈએ કળ્યું નથી કે આ કોણ છે.

ભાઈએ તો ભાંડુને રહેવા માટે ઓરડા કાઢી દીધા છે. કહ્યું છે કે, છાશ-પાણી લઈ જજો.

સૌએ દાડી કરવા માંડી છે, ખાવા ટાણે છાશ લઈ આવે છે.

એક દા’ડો તો નાનેરીને છાશ લેવા મેલી છે. એને તો ધણીએ ઘાટી રેડિયા જેવી છાશનું દોણું ભરી દીધું છે. ખાતાં સહુનાં કાંઈ પેટ ઠર્યાં છે! કાંઈ પેટ ઠર્યાં છે!

મોકલો ને રોજ એને જ છાશ લેવા! એને નભાઈને શેઠિયો રેડિયા જેવી છાશ ભરી આપે છે!

એક દા’ડો નાનેરી છાશ લેવા ગઈ છે; ત્યારે ધણી નાવણ કરવા બેઠો છે. ઉઘાડી કાયાનાં એંધાણો કળ્યાં છે. માથે ચોટલીમાં વેઢ ઝબૂકતો જોયો છે.

ડળક, ડળક, બાઈની તો આંખોમાંથી પાણીડાં દડ્યાં છે.

‘બાઈ બાઈ, તું રોવ છ શા સારુ?’

કે’ અમસ્થું એ તો!

કે’ મને નવરાવીશ?

બાઈને તો વિસ્મે થયું છે : અરે, આ સારું માણસ આમ કાં પૂછે છે?

એટલે તો પુરુષે કહ્યું છે : ‘વિમાસણ કર મા હવે! હું બીજો કોઈ નથી. હું તો એનો એ જ છું. જો આ નિશાની!’

કરડો કાઢીને બતાવ્યો છે. બાઈને તો હૈયાનાં વહાલ વછૂટ્યાં છે.

‘હે અસ્ત્રી! તારાં પુણ્યે છાણનું સોનું થયું. તેના જ આ પ્રતાપ, તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી.

પાણીડાં પીજો…રે
રાણી રળકાદેને નામે!
પગરખાં પે’રજો…રે
રાણી રળકાદેને નામે!
ભોજનિયાં કરજો….રે
રાણી રળકાદેને નામે!”
‘હે સ્વામી! મને તો ત્યાં ટપલાં મારતા’તાં સહુ.’

‘ભલે ને માર્યાં, તર્યાં તો છે સહુ તારે પુણ્યે ને! હવે તો તું અહીં જ રે’જે.’

કે’ પણ ઓલ્યા મારી વાત કરશે.

કે’ ભલેને કરે! તું મારી અસ્ત્રી છે, ને હું તારો સ્વામી છું.

બાઈ તો ત્યાં રહી છે. જેઠ–જેઠાણી જોઈ રિયાં છે કે એ તો વાલામૂઈ વંઠી ગઈ.

એક દી તો એ સહુને નાને ભાઈએ જમવા તેડ્યાં છે.

સૌની થાળીમાં સોનાનો ઘડાવેલો અક્કેક દેડકો મૂક્યો છે. બીજું કશું પીરસ્યું નથી. કહ્યું છે કે ‘લ્યો ખાવ!’

સહુ તો એકબીજાં સામે જોઈ રહે છે.

‘કાં કેમ નથી ખાતાં? આ તો સોનાનો દેડકો છે. વટાવીનેય ખાઈ શકશો. પણ ઓલ્યું જીવતું દેડકું જે દી પીરસતાં તે દી વિચાર આવ્યો’તો કે આ કેમ ખવાશે?’

સહુએ એને ઓળખ્યો : આ તો નાનેરો ભાઈ! સહુએ મૂંડ નીચી કરી.

‘પગ પૂજો આ તમારી અણમાનેતીના, કે એની ધીરજ ફળી.’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...