મુખ્ય સામગ્રી પર જાઓ

દરિયાપારના બહારવટિયા - પ્રયોજકનું નિવેદન

ઍશ્ટન વુલ્ફનું પુસ્તક ‘ધિ આઉટલૉઝ્ ઑફ મોડર્ન ડેઝ’ મારા હાથમાં મુકનાર શામળદાસ કૉલેજના તરુણ પ્રોફેસર ભરૂચા છે. છેલ્લાં છ વર્ષોથી પ્રસંગોપાત્ત ત્યાં મંડાતા મારા લોકસાહિત્યના દાયરાઓમાં એ ભાઈ અચૂક હાજર હોય છે. રસિક અને અભ્યાસી, એ બન્ને પ્રકારની દૃષ્ટિએ એમણે આ સાહિત્યનો સમાગમ કર્યો છે. મને આ પુસ્તક મોકલવામાં પણ એમની દૃષ્ટિમાં રસિકતા તેમજ તુલનાલક્ષી અભ્યાસીનો સંયોગ હતો. હું તો આ પુસ્તકના લેખન પર મુગ્ધ બનીને અને મારો એક સમાનધર્મી યુરોપમાં થઈ ગયો છે એટલી વાતનો સંતોષ લઈને કદાચ પતાવી લેત. પરંતુ ભાઈશ્રી ભરૂચાનું નિશાન એટલું જ માત્ર નહોતું. પુસ્તક પરથી આ ચાર કથાઓ મારે દોરવી - અને મારે જ દોરવી - એ એમન આગ્રહને જ આ ચોપડીનો જન્મ આભારી છે, એટલે હું એમનો આભારી છું.

યુરોપી બહારવટિયાઓનાં આ ચરિત્રો ખૂબ ભરોસાદાર છે, કારણ કે એક તો એ તાજેતરમાં બનેલા હોઈ કલ્પનાના કે લોકકથાના પોપડા એના પર ચડ્યા નથી; બીજુ, એનો લેખક એક ગુના પકડનાર ચોક્કસ બુદ્ધિનો જબ્બર અમલદાર હતો; ને ત્રીજું, એ તમામ બહારવટિયાની સાથે લેખકનો જીવતો સંપર્ક થયો હતો. એશ્ટન વુલ્ફની દૃષ્ટિ આ અપરાધીઓ પ્રતિ કેવી હતી તે તો એણે એના નિવેદનમાં કહી આપ્યું છે, તે સિવાય એની દૃષ્ટિ તો આ ચરિત્રોની લખાવટમાં જ વણાઈ ચૂકી છે. મારે બહારવટિયાના સમગ્ર વિષય પર જે કહેવાનું તે મેં ‘સૌરઠી બહારવટિયા’ (ભાગ ૩)ના લાંબા ઉપોદ્ઘાતમાં [1] [૧] કહી દીધું છે. ‘બહારવટિયા’ને એક વિદ્યાના વિષય તરીકે તપાસનારાઓ ઍશ્ટન વુલ્ફના આ પુસ્તકની પડખોપડખ ‘સોરઠી બહારવટિયા’ના ત્રણેય ભાગ જરૂર તપાસી જાય એવો આગ્રહ કરું છું અને એવી સમીક્ષાની પરવા જેને ન હોય તેને સારુ તો ખુદ આ ચરિત્રોની જ મોહિની ક્યાં ઓછી છે!

ગુજરાતીમાં આ ચરિત્રો ઉતારવામાં હું ઍશ્ટન વુલ્ફની હકીકતોને વફાદારીથી વળગી રહ્યો છું. દૃષ્ટિ પણ એની જ પકડવા પ્રયત્ન કર્યો છે. ભાષામાં ઊતરેલી પ્રેરકતા પણ એની જ છે. મારું કંઈ હોય તો તે છે મુગ્ધતા.

ઍશ્ટન વુલ્ફ ઇંગ્લંડના જગપ્રસિદ્ધ જાસૂસીખાતા ‘ધ સ્કૉટલૅન્ડ યાર્ડ’ના એક માતબર અધિકારી હતા. યુરોપની અનેક ભાષાઓ બોલનાર તરીકે દેશદેશની અદાલતો–કચેરીઓમાં એમનું સ્થાન એક ધુરંધર દુભાષિયાનું હતું. એમણે લખેલા ‘ધિ અન્ડરવર્લ્ડ’ નામે પુસ્તકમાં એની અનેક ભયંકર ગુનેગારો સાથેની આપવીતીનો, પોતાના મસ્ત સાહસ-પ્રેમનો અને અપરાધીઓ પ્રત્યેની દિલસોજ સમજબુદ્ધિનો ચિતાર છે. એમ પણ સાંભળ્યું છે કે એક વાર એક ખૂનના તહોમતદાર કને જઈને આ બાપડાએ પેલાને વકીલાતફકીલાત કરવાનું કે બચાવફચાવનો અટપટો માર્ગ ત્યજાવી પોતાના પાપનો સીધો એકરાર કરી નાખવાનો બોધ આપેલો. વિલાયતના ધારાશાસ્ત્રીઓએ વુલ્ફની આવી માનવતાભરી દરમિયાનગીરી ઉપર તડાપીટ બોલાવી હતી પરિણામે વુલ્ફને સ્કૉટલેન્ડ યાર્ડમાંથી દૂર થવું પડેલું.

[બીજી આવૃત્તિ]
ચૌદ વર્ષો પરની આ ચોપડીનું, ‘વર્તમાનયુગના બહારવટિયા’ એવું મૂળ અંગ્રેજી પરથી રાખેલું નામ હતું. તેને આ વેળા ફેરવવાનું કારણ એ છે કે, આગલું નામ વિભ્રમકારી હતું: નામ માત્ર પરથી ખરીદનારને વિભ્રમ એવો થાય કે આ તો વર્તમાન યુગના કોઈ દેશી કે પરદેશી રાજદ્વારી બળવાખોરોની વાતો હશે. બીજી બાજુ, નામ ફેરવવાથી મારી કૃતિઓના ચાહક વર્ગને હું નુકસાન તો નથી કરતો ને? – એ પણ વિચારી જોયું છે. નુકસાન થવાનો ભાગ્યે જ સંભવ છે. ચૌદ વર્ષો પર જેની ફક્ત એક જ હજાર પ્રતો કાઢી હતી તે ચોપડીની આ નવી આવૃત્તિ આજે જેમના હાથમાં જનાર છે તે વાચકસમૂહ તો લગભગ નવી પેઢીનો હશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...