મુખ્ય સામગ્રી પર જાઓ

૧૫ વનડિયાની વાર્તા

[શીતળા સાતમને દિવસે સહુ કથાઓને અંતે કહેવાય છે.]

સાત ભાઈ વચાળે એક જ બેન. બેન તો અખંડ કુંવારકા છે. પુરુષ નામે દાણો ન જમે. પુરુષની વાત મંડાય તો હાલતી થાય.

સાતેય ભોજાઈઓને બેનની પથારી ઉપાડવાના વારા છે. સાતેય ભોજાઈઓ નણંદને માથે તો ભારી ખેધે બળે છે.

એમાં એક સમે એવું બન્યું કે ભોજાઈ પથારી ઉપાડવા જાય ત્યાં તો પથારીમાં અબીલગલાલ મહેકી રહ્યાં છે! ફુલેલ તેલ ધમકી રહ્યાં છે! ભીંતે તો તંબોળની પિચકારીઓ છંટાઈ ગઈ છે!

બીજે દી બીજી જાય તો એનેય અબીલગલાલ ને ફુલેલ તેલ ધમક્યાં છે. એણેય ભીંતે તબોળના છાંટા ભાળ્યા છે.

ત્રીજે દી ત્રીજીને નણંદના ઓછાડમાં અબીલગલાલની ફોરમો આવી છે!

સાતેય મળીને મંડી વાતો કરવા. અરરર માડી! એના ભાઈયુંને મન તો બેન મોટી સતી! જો જો સતી નો જોઈ હોય તો! ભાઈયુંને તો કાંઈ પડારો! અને બેનબા તો રંગભીનાં થઈને રાત માણતાં લાગે છે.

નગરીમાં એક દેરું ચણાય છે. દેરાને માથે સોનાનું ઈંડું ચડાવવું છે. પણ ઈંડું તો ખરી સતી હોય એનાથી જ ચડે.

રાજાની રાણીઓ આવી. એનાથીયે ઈંડું ચડતું નથી. રાણીઓમાંયે પૂરાં સત ન મળે.

રાજાએ તો ડાંડી પિટાવી છે. કે કોઈ ઈંડું ચડાવે! કોઈ એવી સતી! કોઈ કરતાં કોઈનાં એવાં ઊજળાં શીલ! શું ધરતી નરાતાળ ગઈ!

હેકડાઠઠ દરબાર ભરાયો છે, બીડદાર બીડું ફેરવે છે. કોઈ દેરાનું ઈંડું ચડાવે?

‘ઇ ઈંડું તો મારી બેન ચડાવશે. લાવો બીડું.”

એમ બોલીને બેનના ભાઈએ તો કચારીનું બીડું ઝડપ્યું છે. બેનને બોલાવવા ભાઈ તો ઘેર ગયો છે.

સાતેય ભોજાઈઓ તો માંહોમાંહે તાળીઓ દે છે. ખડખડાટ હસે છે. બોલે છે કે ‘આજ બધોય પડારો ઊતરી જાશે. આજ ઈ રાંડ સતીનાં કૂડ ઉઘાડાં પડશે.’

ભાઈ તો બેનને લઈને દેરે ગયો છે. ગામ આખું જોવા હલક્યું છે.

બામણ બોલ્યો : ‘હે ભાઈ, આ કાચા સૂતરના તાંતણા છે, એ બાંધી છે આ ચાળણી. જો તું સાચી સતી હો તો ઈ ચાળણીએ વાવમાંથી પાણી સીંચાશે. તું સતી નહિ હો તો નહિ સીંચાય.’

બેને તો કાચા સૂતરને તાંતણે બાંધેલી ચાળણી લીધી છે. ચાળણી તો એણે વાવમાં ઉતારી છે. એમાં પાણી ભરીને ખેંચે છે. છલોછલ ભરાઈને પાણી તો બહાર આવ્યું છે.

‘લે બાઈ, હવે આ ઈંડું દેરાને માથે ચડાવી દે. તું સતી હો તો ચડશે. નહિ તો નહિ ચડે.’

બેને તો ઈંડાની દોરી તાણી છે. ઈંડું તો ચડી ગયું છે. પણ ઈંડું થોડુંક વાંકું રહ્યું છે.

‘ઈંડું વાંકું! ઈંડું વાંકું! બાઈના સતમાં એબ! બાઈના સતમાં એબ!’ એમ સહુએ રીડિયા પાડ્યા છે.

સૂરજ સામે હાથ જોડીને બેન તો બોલી છે, કે ‘હે ભગવાન! હું નાની હતી તે દી મેં એક વાછડો તેડ્યો’તો. વાછડો મૂતર્યો’તો ને મારે માથે છાંટા પડ્યા’તા તે વતરક હું કોઈ પુરુષને અડી હોઉં તો આ ઇંડું ચડશો મા. નીકર ચડી જાજો!’

એમ કહીને બેને તો ટચલી આંગળી અડાડી છે. સડાક દેતું ઈંડું તો સીધું થઈ ગયું છે.

‘સતીની જે! સતીની જે!’ એમ સૌ મનખ્યો કહેવા મંડ્યો છે.

ભાઈ–બેન ઊજમભર્યાં ઘેર આવ્યાં છે. પણ ભોજાઈઓનો ખાર તો માતો નથી. ભોજાઈઓએ તો ભાઈના કાન ભંભેર્યા છે : ‘જરાક જુઓ તો ખરા તમારી સતી બેનનાં કામાં! એની પથારીમાં તો રોજ અબીલગુલાલ વેરાય છે.’

ભાઈએ તો બેનની પથારી જોઈ છે. એને તો અબીલગુલાલની ધમક આવી છે. ભીંતે તો તંબોળની પિચકારી દીઠી છે. ભાળીને ભાઈ તો વિસ્મે થયો છે.

રાત પડી છે. ભાઈ તો બેનની પથારી આગળ તરવાર લઈને ઊભો છે. બેન તો ભરનીંદરમાં પડી છે. આખે ડિલે એણે તો ઓઢેલું છે.

જ્યારે મધરાત થઈ ત્યાં તો ખાળમાંથી ભમરો નીકળ્યો છે. ભમરે માનવીનું રૂપ લીધું છે. એ તો બેનની પથારીમાં અબીલગુલાલ છાંટે છે, ફુલેલ તેલ ઢોળે છે, ભીંતે તંબોળની પિચકારી છાંટે છે. છાંટીને છાનોમાનો ચાલતો થાય છે.

ત્યાં તો તરવાર લઈને ભાઈ દોડ્યા છે. ‘ઊભો રે’જે પાપિયા! બોલ તું કોણ છો! નીકર તારા કટકા કરી નાખું.’

હાથ જોડીને વનડિયો (ભમરો) બોલ્યો :

‘હું વનડિયો દેવતા છું. તારી બેન મારી વાર્તા સાંભળતી નથી. મારી વાર્તા મંડાય ત્યાં એ ઊઠીને હાલતી થાય છે. તેથી એને માથે આવાં આળ ચડાવું છું. પણ હવે મને છોડી દે. હવે હું કોઈ દી નહિ આવું.’

‘હવે જો કોઈ દી આવ્યો છો ને, પાપિયા, તો હું તારો પ્રાણ કાઢી લઈશ.’

હાથ જોડીને વનડિયો તો ચાલ્યો ગયો છે. પાછો કોઈ દી આવ્યો નથી. બેનનાં તો આળ ઊતરી ગયાં છે.

વનડિયા, તું વનડીશ મા!
ભાઈની બેનને કનડીશ મા!
કૂડાં કલંક ચડાવીશ મા!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...