મુખ્ય સામગ્રી પર જાઓ

૨૩ તુલસીવ્રત

વિદ્યાર્થી બામણ હતો.

રાજાની રાણી હતી.

રાણીએ તો બામણને બોલાવ્યો છે.

કીધું છે કે ભાઈ ભાઈ, વ્રત કાઢ્ય.

વ્રત કાઢ્યાં વરતુલા કાઢ્યાં.

પે’લું વ્રત બ્રહ્માનું કાઢ્યું.

બીજું વ્રત વિષ્ણુનું કાઢ્યું.

ત્રીજું વ્રત સૂરજનું કાઢ્યું.

ચોથું વ્રત તુલસીમાનું કાઢ્યું.

ભાઈ ભાઈ, મારે કિયા વ્રત ઉપર લેણું છે?

બાઈ, તમારે તુળસીમાના વ્રત ઉપર લેણું છે.

દીકરી ઉપર મારે લેણું છે કે અલેણું?

લેણું તો છે, પણ દીકરી તમારી શોક્ય થાય!

હાં કે’ છે કોઈ?

એક કરતાં એકવીસ હાજર છે.

જઈને દીકરીને વગડામાં મેલી આવો.

ધાવણી દીકરીને તો વગડામાં લઈ ગયા છે.

નગન કરીને વડલાની પોલ્યમાં મેલી છે.

વડ માથે મધનું પોડું જામેલું છે.

એ તો અદાડે ઉઝરે છે.

તુળસીમાએ લખમીનો વેશ લીધો છે.

જંગલમાં તો આળિયાં ને જાળિયાં,

કાચનાં કમાડિયાં,

પારણાં ને પાણિયારાં,

રસ સધ ને નવનધ થઈ ગઈ છે.

બેઠાં બેઠાં લખમીજી રેંટિયો કાંતે છે.

રાજાની કુંવરી તો રમતી રમતી આવી છે.

માતાજીને તો પગે પડી ગઈ છે.

બાઈ બાઈ બેન, ઊભી થા.

તુળસીની પૂજા કરતી જા.

તારે સૌ સારાં વાનાં થશે.

રાજા શિકારે ચઢ્યો છે.

વડલાની વડવાયે ઘોડો બાંધ્યો છે.

જોબનવંતી અસ્ત્રી દીઠી છે.

રાજાએ તો માગું નાખ્યું છે.

કોરો ચૂડ્યો લાવ્ય,

લીલું પાનેતર લાવ્ય,

હું પરણાવું, તું હથવાળે પરણી જા.

રાજા તો પરણ્યો છે.

વગડામાં રહ્યાં છે.

એને તો પાંચ પૂતર થયા છે.

રાજકરણ, રવિકરણ,

દેવકરણ, વીજકરણ, સૂરજકરણ :

પાંચેય ભાઈ ભેળા રમે છે.

શોક્યે તો દાસીને મોકલી છે.

ઝેરના પ્યાલા મોકલ્યા છે.

શિખવાડીને મોકલી છે.

રાજકરણ, રવિકરણ,

દેવકરણ, વીજકરણ, સૂરજકરણ!

તમારી મોટેરી માએ દૂધ સાકરના પ્યાલા મોકલ્યા છે.

આ લ્યો, પી જાવ.

કુંવરિયાઓએ તો જવાબ દીધો છે.

અમારે તો ના’વાં છે, ધોવાં છે.

તુળસીપૂજા કરવી છે.

મેલો તુળસીમાને ક્યારે.

તુળસીમા દેશે ને અમે પીશું.

કુંવરની માએ પણ એમ કીધું છે.

હું કાલી ઘેલી કાંઈ ન જાણું.

તુળસીમાને ક્યારે મેલો,

તુળસીમા આલે ને કુંવર પીવે.

તુળસીમાએ તો ઝેરના હતા તે ઢોળી નાખ્યા!

દૂધસાકરના કરી નાખ્યા!

પાંચેય કુંવરડા પી ગયા.

પી કરીને રમવા ગયા.

અપર માએ તો દાસીને મોકલી છે.

જા તો દાસી, શું કરે છે?

રોતાં હોય તો રોવા લાગજે,

કૂટતાં હોય તો કૂટવા લાગજે,

દાસીએ તો આવીને કહ્યું છે :

ઈ તો એ રૂપાળા રમે!

ધોળા ધોળા ફૂલ જેવા,

અપર માએ તો બીજે દી એરુ, વીંછી ને પરડોતરાં મોકલ્યાં છે.

દાસીએ જઈને કહ્યું છે :

રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ!

લ્યો, આ તમારી મોટેરી માએ મોકલ્યાં છે.

સોનાનાં સાંકળાં.

રૂપાનાં વાંકળાં.

આ લ્યો, આ પહેરો.

કુંવારિયાએ તો જવાબ દીધો છે.

અમારે તો ના’વાં ધોવાં છે.

તુળસીપૂજા કરવી છે.

મેલો તુળસીમાને ક્યારે

તુળસીમા દેશે ને અમે પહેરશું.

કુંવરિયાની માએ પણ એમ જ કીધું છે,

કે હું કાલીઘેલી કાંઈ ન જાણું.

તુળસીમાને ક્યારે મેલો.

તુળસીમા આલે ને કુંવર પીવે.

એરુ પરડોતરાં મટી ગયાં છે. 
તુળસીમાએ સોનારૂપાનાં સાંકળાં કરી નાખ્યાં છે.

પાંચેય ભાઈઓએ પહેરી લીધાં છે.

પહેરીને હોંસે હોંસે રમવા ગયા છે.

જા જા દાસી, શું થયું છે?

રોતાં હોય તો રોવા લાગજે!

કૂટતાં હોય તો કૂટવા લાગજે!

દાસી તો જઈને જોઈ આવી છે.

ઈ તો એ રૂપાળા રમે

ધોળા ધોળા ફૂલ જેવા!

કારભારીએ તો વાત કરી,

કે એને તુળસી પરસન છે.

માથે તુળસીમાનો હાથ છે.

એ મરે એમ નથી.

અપરમાએ તો રથ જોડાવ્યો છે.

હવે તો વનમાં હાલી નીકળી છે.

કારભારી! કારભારી! તુળસીના છોડવા ખેંચી કાઢો.

રાણીજી! રાણીજી! પચાસ દેતાં હો તો પાંચ દેજો!

પણ લીલાં ઝાડ મારાથી નહિ ખેંચાય.

લીલાં ઝાડમાં તો જીવ રમે છે.

રાણીએ તો કોદાળી લીધી છે.

એ તો તુળસીને ખોદવા ઊતરી છે.

એક બે ને ત્રણ ટચકા કરે

ત્યાં તો રાફડામાંથી સરપ ફટકાવ્યો છે.

તુળસીમા કોપવાન થયાં છે.

બાઈનાં તો મરતુક નીપજ્યાં છે.

બાનડી તો વનમાં જાય છે.

નવી રાણીને ગોતતી જાય છે.

આવીને કહે છે કે તમારી બેન તમને મળવા આવતાં’તાં, ત્યાં એમને સરપ ડસ્યો ને.

બાઈ તો તુળસીમા પાસે પહોંચે છે.

પગે પડીને કરગરવા માંડે છે.

માતાજી, મારી બેનને સજીવન કરો!

તુળસીમાએ તો અમીનો કૂંપો ને કરેણની કાંબ આપ્યાં છે.

લઈને બાઈ તો ચાલી છે.

શોક્યના મડદા માથે અમી છાંટ્યાં છે.

કરેણની કાંબ અડકાડી છે.

શોક્ય તો આળસ મરડીને બેઠી થઈ છે.

નવી રાણીના પગમાં પડે છે.

બેન, બેન, મારે પગે શીદ લાગો છો?

પગે તો તુળસીમાને લાગો.

તુળસીમા! તુળસીમા!

એક દીકરી, તેમ બીજીયે દીકરી!

ડાબી જમણી બેય સરખી રાખજો!

બેન, બેન, તુંને તુળસીમા કેમ પરસન થયાં?

હું તો નાહીધોઈને તુળસીક્યારે પાણી રેડતી.

તુળસીમાનું વ્રત કરતી.

બેન બેન, મને કહે, હુંયે કરું.

આગલી વાર્તાનું પાઠાન્તર

[1]

બામણ ને બામણી હતાં. તે હાલ્યાં તીરથ કરવા.

હાલતાં હાલતાં હાલ્યાં જાય છે. ત્યાં એક સરોવર આવ્યું.

બામણ ને બામણીએ નાઈધોઈ તુળસીને ક્યારે ટીંબણ કર્યું.

ત્યાં તો બાઈને પેટમાં દુખવા આવ્યું. બાઈને દીકરી આવી.

બામણી કહે, હવે શું કરશું?

તુલસીને ક્યારે દીકરી મેલીને વરવહુ હાલી નીકળ્યાં છે.

ત્યાં તો તુળસીમા ડોસીનું રૂપ ધરીને આવ્યાં છે.

દીકરીને પગનો અંગૂઠો મોંમાં દીધો છે.

ડિલ ઉપર તો પાંદડાં ઓઢાડ્યાં છે. માતાજીએ રધસધ દીધી છે.

દીકરી તો પગનો અંગૂઠો ચહ ચહ ધાવે છે.

એમ કરતાં તો દીકરી જુવાન થઈ છે.

[2]

શે’રના રાજા શિકારે આવ્યા છે. રાજાને તો તરસ લાગી છે. પરધાનજી, તમે પાણી ભરી આવો.

પરધાન તો પાણી ભરવા ચાલ્યો જાય છે. સ્રોવર-પાળે સુંદરી દીઠી છે. બાઈનું રૂપ ને સૂરજનું રૂપ એક થઈ ગયાં છે.

પરધાન તો પાછો ભાગ્યો છે. રાજાને આવીને કે’ છે : રાજા! રાજા! એક અસ્ત્રી દીઠી, રૂપરૂપના અંબાર દીઠા, પણ નગન બેઠી છે, તે હું પાછો આવ્યો.

રાજા તો ત્યાં જાય છે, પૂછે છે : તું કોણ છો? ડેણ છો? ડાકણ છો?

ડેણ નથી, ડાકણ નથી, કાળા માથાનું માનવી છું. પૂંઠ વાળીને ઊભા રો’, અને તમારું ફાળિયું ફગાવો.

રાજાએ તો ફાળિયું ફેંક્યું છે. પૂંઠ વાળીને ઊભો રહ્યો છે. બાઈએ તો ફાળિયું પે’રી લીધું છે.

બાઈ બાઈ! તું કોણ છે? મારે તને વરવું છે.

હું તો છું વનની દીકરી. વરવાનું તો મારી માતાને પૂછો.

રાજા તુળસીમા આગળ આવ્યો છે. દીકરીનું તો માગું નાખે છે.

રાજા! રાજા! વનની દીકરી વનમાં વરે. આલાલીલા વાંસ ચઢાવો. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવો.

આલાલીલા વાંસ વઢાવ્યા છે. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવી છે. ઘડિયાં લગન લીધાં છે. રાજા પરણે છે.

વનમાં મહેલ ચણાવ્યો છે. રાજા–રાણી ઘરવાસ માંડે છે. ખાય છે, પીએ છે, હીંડોળાખાટે હીંચકે છે.

રાણીને તો ઓધાન રહે છે. એક વરસે એક દીકરો થાય છે. બીજે વરસે બીજો દીકરો થાય છે. ત્રીજે વરસે ત્રીજો, ચોથે વરસે ચોથો, ને પાંચમે વરસે પાંચમો દીકરો થાય છે.

પાંચનાં તો નામ પાડ્યાં છે. એકનું નામ રાજકરણ : બીજાનું નામ રવિકરણ : ત્રીજાનું દેવકરણ : ચોથાનું વીજકરણ : સૂરજકરણ.

[આંહીંથી વાર્તા આગળની વાર્તાની પેઠે એકધારી ચાલે છે.]

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...