મુખ્ય સામગ્રી પર જાઓ

૧૫ ઠગ જીવનમાં માનવતા

 હું ખાટલા ઉપર આડો પડ્યો. આઝાદ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને મારી સાથે જ એક બીજો ખાટલો નાખી. તે ઉપર બેઠો. આયેશા આમતેમ ફરવા લાગી. આ સ્થળ તેને પરિચિત હોય એમ લાગતું હતું.

ઝાડની ઘટામાંથી એક કદાવર બાઈ સાથે કાંઈ લઈને આવતી જોવામાં આવી. આયેશાએ તેને દૂરથી જોઈ બૂમ મારી :

‘તુલસી ! ક્યાં રખડે છે ? તારે ઘેર મહેમાન થઈને આવીએ અને તું નાસતી ફરે છે ?'

‘ઓહો, બે’ન ! તમે ક્યાંથી ? તુલસી પાસે આવી આયેશાને ભેટી પડી. ‘ભલે, ભલે, મારે ઘેર તમે મહેમાન એ તો મારી નસીબદારી ! થોડી વાર ઉપર મિયાંસાહેબ આવ્યા, અને તેમને માટે થોડાં ફળ વીણી લાવવા ગઈ હતી. પણ બધાંને થઈ રહેશે. આવો બા અંદર.’

તુલસી આયેશાને અંદર લઈ ગઈ. તત્કાળ તે બહાર આવી, અને લીલાં પાંદડાંનાં ગોળ સ્વચ્છ પતરાળાં અને પડિયા તેણે અમારી પાસે મૂક્યાં, અને તાજા સ્વાદિષ્ટ ફળ, લોટની કાંઈક મીઠી બનાવટ અને થોડી છાશ, તેણે અમને પીરસ્યાં.

‘શરમાશો નહિ, હોં સાહેબ !' તુલસીએ મને ઉદ્દેશીને કહ્યું. જવાબમાં હું સહજ હસ્યો અને મારા ઉપર આ મુજબ થતા ઉપકારની લાગણી મુખ ઉપર વ્યક્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

આઝાદે તુલસીને પૂછ્યું : ‘તુલસી ! આ સાહેબને તું ક્યાંથી ઓળખે?'

‘હું ક્યાંથી ઓળખું ?' તેણે જવાબ આપ્યો : ‘આયેશાની સાથે એ આવ્યા એટલે એ પણ મહેમાન.'

આઝાદે આછું આછું હસતાં હસતાં જણાવ્યું : ‘તું જો એમને બરાબર ઓળખે તો એવી મહેમાનગીરી કરવી ભૂલી જાય, હો !’

‘ભૂખ્યો માણસ આવીને ભોજન સ્વીકારે એને તો હું મારો ભાઈ માનું છું. પછી ભલે ને તે માથાનો વાઢનાર હોય !' તુલસીએ જવાબ આપ્યો. ​ગ્રામ સ્ત્રીનું ઉદાર અને મૃદુ હૃદય જોઈ હું પ્રસન્ન થયો. તેમના ઘર અને શરીર ગરીબીથી વીંટળાયલાં લાગે છે; પરંતુ તેમના સ્વચ્છ નિર્મળ હૃદયને ગરીબી અડકી શકતી નથી. મારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો : ખરો. અમીર કોણ ? ઝાકઝમાળ મહેલોમાં રહેતો દબદબાભર્યા આંજી નાખતા વાતાવરણમાં જીવન વ્યતીત કરતો કોઈ રાજા મહારાજા કે કંગાલ ઝુંપડીમાં વસતો, ખરા પરિશ્રમમાંથી પોતાનું ગુજરાન કરતો અને દુશ્મનને પણ મહેમાન બનાવવામાં ધર્મ સમજતો ગરીબ ? ગરીબોનું હૃદય જો તવંગરોને મળે તો જરૂર દુનિયા સ્વર્ગ બની જાય.

આઝાદ થોડી વાર શાંત રહ્યો. થોડી ક્ષણો બાદ પાછું તેણે પૂછ્યું :

‘ગંભીર ક્યારે આવશે ?'

‘એ તો હું શું કહી શકું ?' તુલસીએ જવાબ આપ્યો. સમરસિંહની સાથે જ આવશે તો ! આજે એક જણે ખબર કરી કે ભરતપુરનું કામ થઈ ગયું. અને સમરસિંહ નેપાળ ગયા છે.'

આઝાદનું મગજ ઘણી જ ઝડપથી વિચાર કરતું હોય એમ મને તેના મુખ ઉપરથી લાગ્યું. સમરસિંહ શા માટે નેપાળ ગયો હશે એની મને સમજ પડી નહિ; આઝાદ પણ એ જ વિચારમાં ગૂંચવાયો હશે એમ મને ભાસ થતો હતો.

જમી રહી હું પાછો આરામ લેવા માટે સૂતો. ઊંઘની મારે બહુ જ જરૂર હતી, પરંતુ આઝાદની હાજરીમાં હું સહીસલામત રીતે નિદ્રા લઈ શકું એમ નહોતું. એટલામાં ઝૂંપડીમાંથી એક બાર વર્ષનો મજબૂત બાળક હાથમાં તીરકામઠું લઈ બહાર આવી રમવા માંડ્યો. તે માત્ર રમત જ કરતો હતો. વૃક્ષો ઉપર ચડતો, ફળ પાડતો, ફૂલને જોતો તે આમતેમ ફરવા લાગ્યો. આયેશાએ બહાર નીકળી મને કહ્યું : 'હવે જરા આરામ લ્યો.'

આઝાદની ભમરો સંકોચાઈ. આયેશાના કહેવાથી હું નિર્ભય છું એમ તો લાગ્યું જ. અને તેથી મેં નિર્ભયતાનો લાભ લઈ આરામ લેવા નિશ્વય કર્યો.

આઝાદે ધીમે રહી. મને કહ્યું :

‘સ્લિમાનસાહેબ ! મારે કેટલીક વાત આપને કરવાની છે.'

મેં કહ્યું :

'ઘણી ખુશીની સાથે, પરંતુ અત્યાર સુધીના તમારા વર્તનથી આપની વાત લાંબા વખત સુધી ચાલે એમ લાગતું નથી.’

આઝાદે ખોટું ખોટું હસવાનો ડોળ કર્યો અને પછી જણાવ્યું : ​‘એમાં તમારી ભૂલ છે. પક્ષીમાં કાગડો, જાનવરમાં શિયાળ અને માણસમાં અંગ્રેજ ભાગ્યે જ ભૂલ કરે છે.'

‘તમારી સરખામણી કરવાની ઢબ જ એવી છે કે તમારી સાથે વિશેષ સંબંધ ન થાય એમ હું ઇચ્છું છું.' મેં બેપરવાઈથી જવાબ આપ્યો. ‘કાગડા અને શિયાળની બરોબરમાં મારી કોમને બેસાડવા હું જરા પણ તૈયાર નથી. હું નથી સમજી શકતો કે મારી ભૂલ ક્યાં થાય છે.’

આજુબાજુએ કોઈ સાંભળતું નથી એમ ખાતરી કરી આઝાદે મને કહ્યું :

‘સમરસિંહની દોસ્તીમાં તમે ભૂલ્યા છો. એના સરખા ભયંકર માણસથી સાવધ રહેજો.’

પેલો છોકરો રમતો રમતો ખાટલા પાસેથી પસાર થયો. આઝાદ સહેજ ચમક્યો.

મેં કહ્યું :

‘હું સમરસિંહને ઓળખતો નથી, તમને પણ ઓળખતો નથી. સમરસિંહ મારો દોસ્ત નથી અને મારે તેની દોસ્તીની દરકાર પણ નથી.’

‘એ માનવું અશક્ય છે.' આઝાદે કહ્યું. આટલા વખતથી તેની સાથે તમે ફરો છો, તેના સાથને લીધે બચી જાઓ છો, છતાં તેને ઓળખતા નથી. એમ કહેવું એ ખરેખર ન મનાય એવું છે.’

હવે મારી ખાતરી થઈ કે પેલા યુવકનું નામ સમરસિંહ હતું. મને ભાસ તો થયો જ હતો. પરંતુ બધાને ગભરાવતો સુમરો ઠગ તે યુવક જ હશે. એમ નક્કીપણે હજી સુધી કહી શકાતું નહોતું. બહુ જ ચાલાકીથી તેણે ' પોતાનું નામ અને વ્યક્તિત્વ મારાથી ગુપ્ત રાખ્યાં હતાં.

મેં કહ્યું : ‘તમે માનો કે ન માનો પરંતુ હું તો ખરું જ કહું છું.’

આઝાદે જણાવ્યું : ‘આપ જરા આરામ લ્યો, પછીથી હું વાત કરીશ.’

આરામ લેવાની મને ખાસ જરૂર હતી, અને આઝાદ સાથે વાતમાં દોરાવાની આગ્રહી વૃત્તિ મેં બતાવી નહોતી. પેલો છોકરો આમતેમ તીરકામઠું લઈ રમતો હતો. તેને લીધે મને નિર્ભયતા લાગી. મને ભાસ થયો કે કદાચ મારા રક્ષણને માટે જ આયેશાએ તેને ફરતો રાખ્યો તો નહિ હોય? આવી સ્થિતિમાં આરામ લેવાને હરકત નહોતી. મેં આરામ લેવો શરૂ કર્યો.

કાંઈક વધારે જોરથી વાતચીત થતી હોય એમ ભાન થતાં હું જાગી ગયો. ખરે, આઝાદ કોઈ બીજા પુરુષની સાથે અતિશય સખતાઈથી વાત કરતો હતો એમ મારા સાંભળવામાં અને જોવામાં આવ્યું. તે પુરુષને મેં ​પ્રથમ જોયો હતો. ક્યાં જોયો હતો. તે મને યાદ આવ્યું નહિ.

મને જાગ્રત થતો જોઈ આઝાદે પેલા નવીન પુરુષને કહ્યું : ‘ગંભીર ! હું તને આજના દિવસની મહેલત આપું છું. એ દરમિયાન સમરસિંહ ક્યાં ગયો છે તે તું મને નહિ જણાવે તો તારી હાલત બૂરી છે.’

ગંભીર ઘણો કદાવર પુરુષ હતો. તેના શરીરનો કાળો રંગ, તેની મોટી મૂછો અને લાલ આંખો તેના સ્વરૂપને ભયંકર બનાવતાં હતાં. તેના મુખ ઉપરથી તે અતિશય ક્રૂર અને નિશ્ચયી લાગતો હતો. તેને જોતાં જ તે કોઈ ખૂની કે ડાકુ હોય એમ કોઈને પણ ભાન થાય તો નવાઈ જેવું નહિ.

‘મહેતલની જરૂર નથી. જે વાત હું જાણતો નથી તે હું કહી શકું જ નહિ. આપ ખોટા ગુસ્સે થાઓ છો. હું સમરસિંહની સાથે હતો, પરંતુ તેમણે મને પાછો મોકલ્યો, અને તે પણ અધવચથી; નહિ તો આટલો જલદી હું શી રીતે આવી શકું? છતાં આપ કહેતાં જ હો કે હું બધું જાણું છું તો મારો ઇલાજ નથી.’ ગંભીરે જવાબ આપ્યો.

‘ઠીક, જા. હમણાં અંદર બેસ.’ આઝાદે આજ્ઞા કરી અને તે મુજબ ગંભીર ઝુંપડીમાં ગયો. તેના ગયા પછી આઝાદે મને જણાવ્યું કે આવા અઠંગ ઠગોને મારે પકડવા જોઈએ : જો એ કામ મારે સફળતાથી કરવું હોય તો !

મેં કહ્યું :

‘હું તો એ જ કામ માટે નિમાયો છું.’

‘અને દોસ્તી તો તમે સુમરાની સાથે બાંધી છે.' તેણે કહ્યું.

'મેં કોઈની સાથે દોસ્તી રાખી નથી. હું તો મારું કામ કરવા માગું છું.’

‘જો તમારે તમારું કામ જ કરવું હોય તો સુમરાને પકડો.'

‘મારાથી બનશે ત્યારે તે પણ કરીશ. હું તેનો જ રસ્તો શોધું છું.’

‘હું માર્ગ બતાવું તો ?'

'ખુશીથી એ રસ્તો લઈશ.' મને લાગ્યું કે સુમરા સાથેની આઝાદની દુશ્મનાવટમાંથી મને ઘણું જાણવાનું મળશે. છતાં મેં વાત વધારવા તેને કહ્યું :

'પણ તમારુંયે નામ સુમરા કરતાં ઓછું ભયંકર હોય એમ મને લાગતું નથી.’

સુમરાની સાથે પોતાની આમ સરખામણી થવાથી આઝાદના મુખ ઉપર પ્રસન્નતા ફેલાઈ. મેં તેનો લાભ લેવા વિચાર કર્યો.

‘કહો, હવે મારે તમારા બેમાંથી કોને પસંદ કરવો ? તમે બંને જણા ​ઠગના આગેવાન છો. એક જ રસ્તે તમે જાઓ. છો. મારી કેમ ખાતરી થાય કે તમે મારી બાજુએ રહેશો ?’

આઝાદની આાંખમાં કાંઈ અજબ ચમક પ્રગટ થઈ. તેના હૃદયમાં કંઈ અવનવો વિચાર ઝબકી નીકળ્યો હોય એમ મને લાગ્યું. થોડી વારે ચારે પાસ નજર નાખી બહુ જ ધીમેથી તેણે મને કહ્યું : ‘હું સુમરાને પકડાવી આપું તો ?’

અમારા ખાટલા ઉપર આવેલા ઝાડની ઘટામાં કાંઈક ચડખડાટ થયો. ચમકીને આઝાદે ઉપર જોયું તો પેલો છોકરો બેદરકારીથી એક ડાળીથી બીજી ડાળી ઉપર જતો જોવામાં આવ્યો. અમારી વાતમાં તેને કશો જ રસ હોય એમ જણાયું નહિ. રમતમાં તેનો જીવ હતો, અને અમારી વાત સાંભળવા તેણે પ્રયત્ન કર્યો હશે એમ મને લાગ્યું નહિ.

છતાં આઝાદ ચિડાયો અને બોલ્યો :

'હરામખોર ! નીચે ઊતર, અને ભાગી જા. અહીંથી, ચારે પાસ ઝઝૂમ્યા કરે છે તે ! બીજી રમવાની જગા નથી, કેમ ? ચાલ, નીચે આવ.'

છોકરો બહુ ચપળતાથી હુકમને માન આપી નીચે ઊતર્યો. તેના મુખ ઉપર નિર્દોષતા છવાઈ રહી હતી.

'ઝાડ ઉપર મારો માળો છે ત્યાં રમવાને જતો હતો. મને બાપાએ આ મૂકી રાખવા આપ્યું છે તે મૂકવું હતું.’ આમ કહી તેણે પોતાના હાથમાં કંઈ ચળકતી વસ્તુ બતાવી. મેં તે વસ્તુ તરત ઓળખી. તે તો પેલો ‘ચંદ્રિકા’ હીરો હતો.

આઝાદ એકદમ ઊઠીને છોકરાને પકડવા ગયો. ચપળ બાળક ઘટાઓમાં ક્યાં પેસી ગયો તે સમજાયું નહિ અને આઝાદ ચારે પાસ નજર નાખી પાછો આવી મારી પાસે આવી બેઠો. તેના મુખ ઉપર ગુસ્સો હતો.

‘સુમરાની અને મારી આ હીરા ઉપર જ પ્રથમ તકરાર થઈ. કેવી સિફતથી અમે આ હીરો મેળવ્યો તે તમે સાંભળો તો તમને નવાઈ લાગે. પરંતુ સુમરાને સારામાં સારી ચીજો પોતાની કરી લેવા તરફ જ લક્ષ છે.’ આઝાદે કહ્યું.

'આટલી હીરાની બાબતમાં જ તમે લડી પડ્યા ?' મેં વધારે માહિતી કઢાવવા પ્રશ્ન કર્યો. ‘આવી નજીવી બાબતમાં લડશો તો તમારી સંસ્થા તરત જ પડી ભાંગશે.'

‘સાહેબ ! આ હીરો નજીવો નથી.' અકળાઈને આઝાદે કહ્યું. 'આટલી જ વાત હોત તો ઠીક, પરંતુ સુમરો એટલેથી અટક્યો નથી. મારા દરેક ​પ્રયત્નમાં તે વચ્ચે આવે છે, અને મને મળવાની ચીજો એ છીનવી જાય છે. હું ક્યાં સુધી હવે સહન કરું ?'

‘તો ચીજોની વહેંચણી બરાબર કરો.’ મેં સલાહ આપી.

‘વહેંચાય એવી વસ્તુ હોય તો ને ?’

‘એવી બીજી કઈ ચીજો ભેગી કરી છે કે જે ન વહેંચાય ?’

આઝાદ દિલગીરી ભરેલું સ્મિત કરી બોલ્યો : ‘તમને શું કહીએ સાહેબ ? સુમરાએ તો મારી આયેશાને લઈ લીધી અને પેલી ગોરી મટીલ્ડાને પણ છીનવી લીધી. મારો જાન જાય તો બહેતર, પણ સુમરાને તો એ લોકો સાથે હું સુખમાં નહિ જ રહેવા દઉં !’

‘હમણાં તો આયેશા અને મટીલ્ડા બંને તમારા પંજામાં છે, પછી તમને શી હરકત છે ? હવે સુમરાથી શું થઈ શકે એમ છે ? મેં જણાવ્યું.

‘તમારી અહીં જ ભૂલ થાય છે. મારો પ્રશ્ન એ છે કે સુમરાથી શું ન થઈ શકે એમ છે ? આયેશા અને મટીલ્ડા બંને અત્યારે મારા કબજામાં છે એમ કહું તો ચાલે. મટીલ્ડા તો છે જ. પરંતુ સુમરાએ કોણ જાણે શી ભૂરકી નાખી છે કે તે બંને યુવતીઓ તેની પાછળ ઘેલી થઈ જાય છે.’ આઝાદે કહ્યું.

‘તો પછી તમારો શો ઇલાજ ? તે યુવતીઓની મરજી વિરુદ્ધ તમે શું કરશો ?’ મેં પૂછ્યું.

આઝાદે સહજ આંખ ઝીણી કરી મને જણાવ્યું : ‘પણ હું એમ સહેલાઈથી હારી જવાનો નથી. આયેશા તો માને છે કે સમરસિંહ સિવાય બીજું જગતમાં પરાક્રમી છે જ નહિ, મટીલ્ડા માને છે કે સમરસિંહ સરખો રૂપવાન પુરુષ બીજો જડે એમ નથી. મારે તેમની એ ભૂલ ભાંગવી છે. મમત એટલો જ છે. એ મમત ઉપર અમે ‘ચંદ્રિકા'ની ચોરી કરી, એ જ મમત ઉપર અમે મટીલ્ડાને ઉપાડી લાવ્યા. છતાં એ બંનેમાં મારી મહેનત સુમરાએ બરબાદ કરી. સુમરાએ પોતાની જાતને આગળ કરી. અલબત્ત, તેનું માન વધે જ ! મેં ફરી એક પ્રયત્ન કર્યો. પણ તેમાંય તેણે મને ફાવવા ન દીધો.'

‘એ શી બાબતનો પ્રયત્ન ? આ યુવક વાત કરવા આતુર હતો. એટલે બની શકે એટલી હકીકત કઢાવવા મેં આગળ પૂછ્યું.

સહજ હસીને તેણે તે કહેવાની આનાકાની કરી. મેં તેને વધારે આગ્રહ કર્યો. છેવટે અતિશય આગ્રહને વશ થઈ તેણે કહ્યું :

‘જુઓ, હું તમારી મૈત્રી ચાહું છું, પરંતુ મારા છેલ્લા પ્રયત્નની વાત હું તમને કહીશ તો હું તમને ખોઈ બેસીશ.’ ​મેં તેને દિલાસો આપ્યો અને જણાવ્યું કે હું તેની સ્થિતિનો ખોટો લાભ લેવા ઇચ્છતો ન હતો. તેને મારા કહેવામાં કાંઈ વિશ્વાસ આવ્યો અને તેણે જણાવ્યું :

‘અમારી ટોળીને વશ કરવા તમને નીમેલા છે. મેં બીડું ઝડપ્યું કે તમને જીવતા પકડવા અને ભવાનીને તમારું બલિદાન આપવું. અગર જીવતા ન પકડાઓ તો તમારું શિર કાપી તે માતાને ધરાવવું. હું મારા પ્રયત્નમાં સફળ થાત. પરંતુ એમાં એક સુમરો વચ્ચે આવ્યો અને તમને બચાવી લીધા.’

હું આ હકીકત સાંભળી ચકિત થઈ ગયો. મારા માથા માટે આમ ઠગ લોકોમાં શરત રમાઈ હશે તેનો મને ખ્યાલ આવી શકે એમ ન હતું. હું કેવા ભયંકર સંજોગોમાં મુકાયો હતો. તે મને અત્યારે સમજાયું, અને પેલા યુવકે મને બચાવી લીધો ન હોત તો અત્યારે હું આમ આરામ ખોળવાને જીવતો રહ્યો ન હોત. એની મને ખાતરી થઈ.

મને સુમરા ઉપર ખરેખર ઉપકારની લાગણી થઈ આવી, અને આઝાદ સરખા ભયંકર શખ્સની તલવારથી મને ઉગારવા અર્થે સુમરાએ લીધેલ મહેનત માટે હું મનમાં ને મનમાં તેને આશિષ આપવા લાગ્યો.

‘પરંતુ હવે મારે બાજી ફેરવવાની છે. આપનું ખૂન મને જરા પણ ફાયદો કરે એમ નથી. ઊલટું આપની દોસ્તીથી હું મારી મુરાદ વધારે સારી રીતે પાર પાડીશ એમ મારી ખાતરી છે. માટે જ જો તમે મને સહાય કરો તો હું તમને સહાય કરું. મને મટીલ્ડા મેળવી આપો તો હું સુમરાને પકડી તમને આપું.' આઝાદે વિચાર કરી કહ્યું.

કોઈ પણ શરતમાં પડવાની મારી ઇચ્છા નહોતી. મટીલ્ડા ગૌરાંગ બાળા હતી. એટલે તેને સુમરાથી દૂર કરવા માટે આયેશાની સ્ત્રીસહજ ઈર્ષાએ મારી સહાય માગવા તેને પ્રેરી. એ જ મટીલ્ડાને પ્રાપ્ત કરાવી આપવા માટે આઝાદની વાસનાએ તેને મારી દોસ્તી મેળવવા પ્રેર્યો. મને વિચાર થયો કે સ્ત્રીજાત જગતના ક્રમમાં કેટલા ફેરફાર કરાવ્યે જાય છે ? જે સ્ત્રીને માટે રાજ્યો ઊથલી જતાં અને લાખો પુરુષો રુધિરની નદીઓમાં તરતા તે સ્ત્રી હજી આ યુગમાં જેવી ને તેવી જ છે ! જે પુરુષ સ્ત્રી માટે રાજ્ય ખોવાને તત્પર થતો, પોતાનો અને પારકાનો પ્રાણ વિના મૂલ્ય ખરચી નાખતો, તે પુરુષ પણ હજી તે જ છે. સમયે ફેરફાર કર્યો હોય તો તે માત્ર સાધનોમાં, પરંતુ વૃત્તિઓ તેની તે જ !

છતાં આઝાદની કહેવાતી મૈત્રીથી જે લાભ મળી શકે એમ હોય તે હું જતો કરવા હું તૈયાર નહોતો. મારી જવાબદારીનું મને ભાન થયું, અને ઠગ ​લોકોના આગેવાનોના ખાનગી જીવનો ગમે તેવાં રસમય હોય છતાં તેમનો અને તેમની ટોળીનો નાશ કરવા હું યોજાયો હતો. એ વાત મારે ભૂલવી નહોતી જોઈતી એનું મને ભાન થયું.

મેં જવાબ આપ્યો :

‘હું શરતમાં બંધાઉ નહિ, પરંતુ જો તમે સુમરાને પકડાવી આપો તો હું મટીલ્ડાને સમજાવવા પ્રયત્ન કરું.’

અલબત્ત, મટીલ્ડા જેવી અંગ્રેજ કુમારિકા કોઈ પણ કાળા માણસને પરણે એ હું કદી ઇચ્છું, જ નહિ. અને તેને તેવાં લગ્ન કરવા હું સમજાવું એ અશક્ય જ હતું. છતાં સંજોગો કઈ બાજુ તરફ દોરી જાય છે એ કહેવું મુશ્કેલ હતું. કદાચ હું મટીલ્ડાને આઝાદના તેમ જ સુમરાના પંજામાંથી પણ છોડાવી શકું એ લાલચે મેં વચન ન આપતાં વચન આપ્યા સરખો દેખાવ કર્યો. મેં એથી આઝાદને છેતર્યો કે મારી જાતને તે કહી શકતો નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...