મુખ્ય સામગ્રી પર જાઓ

૩ આંબરડું–ફોફરડું

 “પૂજારી! એ પૂજારી, ઉઘાડો ને!”

“રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે?”

પાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે. કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે.

એવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, ‘આંબરડું–ફોફરડું’ વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી-ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠી ઘઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે :

આંબરડું ફોફરડું

કોડી ને કોઠીંબડું.

ગાય રે ગાય

તું મોરી માય,

નત નત ડુંગરે ચરવા જાય,

ચરી કરી પાછી વળી

ગંગાજળ પાણી પીવા ગઈ;

સામો મળિયો સિંહ ને વાઘ

વાઘ કે’ મા, તને ખાઉં!

ના રે ભાઈ, મને નો ખવાય!

મારા છાણનો ચોકો થાય

મારા ઘીનો દીવો બળે

મારું દૂધ મા’દેવને ચડે.

*

તલક તળસી [1]

ઝમરખ દીવડો

હત હત કરતો જાય રે જીવડો :

જીવ કે’ તું જળશિયો

રાણી માગે કળશિયો.

રાણી કે’શે કા’ણી

તને ચડપ લેશે તાણી.

તપિયા રે તું તપેશરી

મારો વીરો લખેશરી.

લખેશરીના આણાં ભાણાં

અમરત આણાં.

જેટલાં રે બોરડીએ બોર

એટલાં રે મારા વીરાને ઢોર.

ઢોર ઢોર ઢોરંતી

પાડોશણ છાણાં ચોરંતી.

મારાં ચોર્યાં

આનાં ચોર્યાં

એને નાખો જમને બાર

ઈ બૂડે ને અમને તાર.


એટલું બોલી, સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે :


ચકલાં રે તમે ચણી ચણી લેજો,

ગોવિંદના ઘર ગણી ગણી લેજો!

ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો!

ગોઠડીએ બે બેન્યું દેજો!

આણે પરિયાણે વીરોજી દેજો!

રાંધણીએ વઉવારુ દેજો!

પીરસણે માતાજી દેજો!

પાટલે જમવા બાપ દેજો!

ભેગો જમાડવા ભત્રીજો દેજો!

પછી સાથિયા ઉપર ચારેય ફળ મૂકીને બોલે :

બેસ રે રામ શ્રી ભગવાન,

ક્યારે લેશું હરિનાં નામ!

હર રે હૈડાંની ગોરી

ઓસડિયામાં નાખો ઢોળી.

વૈદ રે તું કુંટિયો વૈદ

મોંઘાં તુલસી મોંઘાં પાન

મોંઘાં રે શ્રી રામનાં નામ

મોંઘે વરતે વરત કરો

વરતોલાં કરો,

લખ ચોરાસી ફેરા ટળો!

ફેરા ફરતાં લાગી વાર

શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર

બારોબાર દીવા બળે

શ્રી કૃષ્ણના વિવા કરે.

[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં]

ટીલી રે મારી ટબક દેરાણી,

ઝબક જેઠાણી,

વરત કરો બે ઝલ દેરાણી.

મારી ટીલી આરે માસ બારે માસ

શિવજી પૂરો સૌની આશ!

સૌ નાયાં સૌ ધોયાં,

તેની બાંધો પાળ્ય

પાળ્યે પાંચ પૂતળાં ને

મંઈ બેઠા વાસુદેવજી.

મરડક મારી મૂઠડી

લે રે રામ લેતો જા

કાંઈક આશરવાદ દેતો જા,

રાણી પાસે થાતો જા,

રાણી કે’શે કા’ણી

તને ચડપ લેશે તાણી.

પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે :

કારતક ના’ય કડકડ ખાય

એનું પુન્ય કૂતરાને જાય.

[એટલે કે આ વ્રતમાં તેલમાં તળેલું ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.]

પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા–કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે —

કાગડા બોલ્યા

કૂતરા બોલ્યા

ઓલીપાની છોડિયુંનું ખો…ટું!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...