મુખ્ય સામગ્રી પર જાઓ

૧૯ છાવણીની પાડોશમાં

 મુખ્ય સાધુએ પેટી હાથમાં લીધી. તેણે મશ્કરીમાં શેઠાણીને આર્શીવાદ આપ્યો :

‘એકના અનેક થજો. બાઈ ! સાધુને દાન આપવાથી ઈશ્વર પ્રસન્ન રહે છે. શેઠને જરા શિખવાડજો કે હાથની મૂઠી સહજ હલકી કરે.’ બાઈ બિચારી કાંઈ બોલી નહિ.

રામચરણ શેઠ પાસે જઈ તે સાધુ બોલ્યો :

‘શેઠ ! આ વખત તો જીવતા રહ્યા છો, પણ હવે સંભાળજો. વ્યાજમાં ગરીબો અને વિધવાઓને માફી આપજો ! અને રાજારજવાડાનાં ઝવેરાત પચાવી જવાની દાનત મૂકી દેજો નહિ તો ફરીથી બચશો નહિ.’

શેઠને ગળેથી ફાંસો ખસ્યો અને તે સાથે સહુના ગળામાંથી ફાંસો કાઢી નાખવામાં આવ્યો. જીવ બચ્યો જોઈ સહુના હૃદય પ્રફુલિત થયાં, પરંતુ રામચરણનું મુખ પ્રફુલ્લિત ન બન્યું, જીવતા રહ્યાનો આનંદ તેમને થયો હોય એમ લાગ્યું નહિ. અડધું સંભળાય અને અડધું ન સંભળાય એવી ઢબે તેમણે લૂંટનારને શાપ આપ્યો, જે સાંભળી ફરી પાછા સાધુઓ હસી પડ્યા. નિર્માલ્ય શાપના જેવી હસવા લાયક કોઈ પણ ચીજ નથી.

સાધુઓએ જવા માંડ્યું. તેમની નાની નાની ધૂણીઓ જ્યાં ત્યાં ધુમાતી પડી રહી. મને લાગ્યું કે કદાચ આમ છૂટવાથી પેલા રખેવાળો અને સંઘના પુરુષો ઠગ લોકો ઉપર તૂટી પડશે. મેં આઝાદને મારી શંકા જણાવી. પરંતુ આવા કાર્યમાં આખું જીવન ગાળનાર આ ઠગ પોતાનો ભોગ થઈ પડેલા ભયગ્રસ્ત સમૂહને મન મારી કરતાં વધારે સારી રીતે પારખી શકે એમ હતું.

‘મગદૂર નથી કે હવે કોઈ સામનો કરે !’ આઝાદે જણાવ્યું. રખેવાળોની હિંમત ચાલશે જ નહિ. અને સંઘના માણસો તો વેપારી વર્ગનાં છે. એ શું સામા થઈ શકે ? અને રખેવાળોને ફાંસામાં નાખ્યા ત્યારે ઘણાંયે માણસો અમે છૂટાં રાખ્યાં હતાં. કોઈએ કશું જ ન કર્યું. એક પેલા પાણીવાળા સવાર સિવાય. એટલે હવે કોઈથી બોલાય એવું છે જ નહિ.’ ​હું વિસ્મય પામ્યો ! આટલા બધા મર્દો જીવતા છે છતાં નજીવી સંખ્યામાં આવેલા ઠગની સામે કોઈ આંગળી ઊંચી કરી શક્યું નહિ અને નિશ્ચિંતપણે ઠગ લોકો લૂંટ કરીને પસાર થયા. હિંદુસ્તાનના સામાન્ય પુરુષવર્ગમાં આવા નામર્દો હશે એની મને ખબર નહોતી. અંગ્રેજો પણ વેપારી જ હતા; પરંતુ કલમ બાજુએ મૂકી તલવારને વાપરતાં તેમણે કદી સંકોચ ધર્યો નથી. હિંદમાં વેપારી વર્ગને તલવારનું સ્વપ્ન પણ આવતું નહિ હોય ! અને સર્વદા શારીરિક બળવાળાથી લૂંટાવામાં તેમને શરમ પણ નહિ આવતી હોય એ જાણી મને સહેજ હસવું આવ્યું. મને હજી પણ ખાતરી નહોતી થતી કે સાધુઓ વગર હરકતે આમ પસાર થઈ શકે.

‘ધારો કે આ લોકો તમારા ઉપર તૂટી પડ્યા, તો ?' મેં આઝાદને કહ્યું.

'તેવો પ્રસંગ હજી આવ્યો નથી.' આઝાદે જણાવ્યું. ‘અને કદાચ તેમ થાય તો દરેક સાધુની ઝોળીમાં કટાર છે જ ! એ કટારની ઝડપમાંથી કોઈ બચે એમ નથી. વળી હું તથા ગંભીર આ બધા માટે પૂરતા છીએ.'

સાધુઓ પસાર થઈ ગયા. સાથે ગંભીર પણ ગયો હતો. એમ લાગ્યું. આઝાદને હજી સંઘવાળા લોકો તો માત્ર મારા સાથી તરીકે જ ગણતા હતા, અને અમારી નજર આગળ ઠગ લોકોએ પોતાનું પરાક્રમ દેખાડ્યું. એમ જાણી ઠગ લોકોની ભયંકર શક્તિને અણગમતે તારીફ કરતા હતા.

આઝાદે મને કહ્યું : ‘ચાલો, પેલા શેઠની પાસે જઈએ. હું અને આઝાદ રામચરણની પાસે ગયા. સઘળા લોકો શેઠનું સમાધાન કરવામાં રોકાયા હતા. તેમનો ગુસ્સો ખાસ કરીને રખેવાળો ઉપર ઊતર્યો હતો :

'આટલા પૈસા ખરચી રખેવાળો રાખ્યા અને તે કાંઈ જ કામ લાગ્યા નહિ. મારા ખરચેલા પૈસા પાણીમાં ગયા અને મારું ધન લૂંટાઈ ગયું !' આમ તેઓ બોલતા હતા.

મને જોઈને તેઓ વધારે ઊકળી ઊઠયા :

‘આ સાહેબ અહીં છતાં ઠગ લોકો મને લૂંટી ગયા ! નકામા લશ્કરો લઈને ફરો છો અને રૈયતને ગરદન મારો છો. આટલા ઠગ લોકો તો સચવાતા નથી ! રાજ્ય શાનું કરો છો ? તમારે લીધે તો અહીં મુકામ કર્યો. નહિ તો આગળ જાત.!’

ધનલોભી મનુષ્યનું ધન જાય એટલે તેને આખી દુનિયા સાથે કજિયો કરવાની ઇચ્છા થાય છે. મને તેનું કહેવું છેક ખોટું ન લાગ્યું. મને જોઈને જ આ લોકોએ અહીં મુકામ કર્યો હતો, છતાં તેમના વિશ્વાસને લાયક હું ​નીવડયો ન હતો. મારા મનને ખોટું લાગ્યું, પરંતુ બીજો ઇલાજ ન હતો.

આઝાદે કહ્યું :

‘શેઠસાહેબ ! તમારું ધન અમે બચાવી શક્યા નહિ એ માટે દિલગીર છીએ. અમારું લશ્કર સહજ દૂર છે. હજી જો બચવાની ઇચ્છા હોય તો ત્યાં જઈને રાતવાસો કરો. ઠગ લોકોનો શો વિશ્વાસ ?’

‘હું તો હવે લૂંટાઈ ગયો. મારું ખરું ધન ચાલ્યું ગયું. હવે જ્યાં પડી રહીશ ત્યાં ચાલશે.’ શેઠે જવાબ દીધો.

પરંતુ સંઘના બીજા માણસોની પાસે થોડુંઘણું લૂંટાવા જેવું ધન હતું જ એટલે તેમને ડર રહ્યા કરતો હતો કે રખે ઠગ લોકો પાછા આવે. ધનની લૂંટ અને જીવનું જોખમ એ બેમાંથી એકે સહન થાય એમ ન હતું. એટલે આઝાદની સલાહ પ્રમાણે લશ્કરની બાજુએ જઈ રાતવાસો કરવાનો સહુએ નિશ્ચય કર્યો.

મેં પૂછ્યું :

‘આઝાદ ! તમે કહો છે તે મુજબ ખરેખર અમારું લશ્કર અહીં જ છે, ખરું ?'

‘આપની સાથે હું જૂઠું નહિ બોલું. હું આપની દોસ્તી ચાહું છું. જુઓ, સામે અંધારામાં પેલી ઘટા નીચે થોડું અજવાળું જણાય છે. આપ ત્યાં પધારો, એ આપની જ છાવણી છે. હું પાછો મળીશ. મટીલ્ડાની વાત ભૂલશો નહિ. સમરસિંહને હું નહિ ભૂલું.’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...