લેખક: લીલા મજમુદાર અને ક્ષિતિજ રૉય
કલકત્તાના ઉત્તર ભાગમાં એક રસ્તો છે. ગિરદીનો ત્યાં પાર નથી. ટ્રામ છે, બસ છે, મોટર છે, પાડાગાડી છે, હાથલારી છે અને માણસો તો એટલા બધા કે ગણ્યા ગણાય નહિ. રસ્તાની બંને બાજુનાં મકાનો જાણે ખભેખભો અડાડીને ઊભાં છે. ક્યાંય હથેલી જેટલીયે ખુલ્લી જગા નથી. આ રસ્તામાંથી એક નાની ગલી ફંટાય છે. એમાં ફૂટપાથરીયે નથી. બહુ જ થોડાં ઘર છે, એક જૂનું દેવળ છે. જરા આગળ જઈએ તો બે ઘર મૂકીને ગલી પૂરી થઈ જાય છે. સામે જ મોટો દરવાજો દેખાય છે. દરવાજાની સામે જ ત્રણ માળનું મોટું મકાન છે. તેને ખડખડિયાંવાળી હારબંધ બારીઓ છે. ઘરને લાંબી લાંબી ઓસરી છે. દાયકાઓ અગાઉ એક છોકરો આ ઘરની ઓસરીમાં ઊભો રહેતો, જ્યારે વરસાદ ઝરમર વરસતો હોય. છોકરો એકવડા બાંધાનો ને ગોરો હતો. તે ઊભો ઊભો એકીટશે ગલી ભણી જોઈ રહેતો. તેને થતું કે વરસાદ પડે છે એટલે આજે માસ્તર નહિ આવે. પણ એની ધારણા ખોટી પડતી. વખત થતો એટલે માસ્તર તો ગલીને નાકે મોટી છત્રી ઓઢીને અચૂક દેખા દેતા.
આ નાના બાળકનું નામ રવીન્દ્રનાથ ટાગોર. ઘરમાં એને બધાં રવિ કહેતાં. એ ગલીનું નામ દ્વારકાનાથ લેન અને એ જૂનો રસ્તો તે કલકતાનો ચિતપોરનો સરિયામ રસ્તો. આ મકાન જોડાસાંકોના ટાગોર કુટુંબનું વંશપરંપરાનું ઘર છે. વર્ષો થયાં એ ત્યાં ઊભું છે. સાડાત્રણ એકરનો એનો વિસ્તાર છે. એમાં દીવાનખાનાં છે. નોકરોના ઓરડા છે, સ્ત્રીઓના ઓરડા છે, અખાડો છે, કચેરીઓ છે, તબેલા છે, અનેક ચોક છે, તળાવો છે, શું નથી ? આખું મકાન કારકુનોથી, ચપરાશીઓથી, મજૂરોથી, ચોકીદારોથી, પંડિતોથી, નોકરોથી, મહેમાનોથી અને તદ્દન અજાણ્યા જ માણસોથી ગાજતું રહેતું.
ટિપ્પણીઓ