ખ્વાજા નસિરુદ્દીનનો એક વિચિત્ર પ્રસંગ નોંધાયો છે. ખ્વાજા જે ગામમાં રહેતા હતા તે ગામમાં અનાજ દળવાની સગવડ નહોતી, એટલે અનાજ દળાવવા દૂર આવેલા શહેરમાં જવું પડતું. ગામના ખેડૂતોએ એવું નક્કી કર્યું કે જેણે પોતાનું અનાજ દળાવવું હોય, તેણે પોતપોતાના ગધેડા પર અનાજની ગૂણો ભરીને જેનો વારો આવતો હોય તેને ઘરે મોકલવી અને તે માણસ ગધેડાઓને લઈ શહેરમાં જાય અને અનાજ દળાવી જેનું હોય તેને લોટ પહોંચતો કરે. અમુક સમય વીત્યા પછી ખ્વાજાસાહેબનો વારો આવ્યો. તેમણે પોતાનું ગધેડું અને બીજાં આઠ ગધેડાં પર અનાજની ગૂણો લાદી શહેરમાં જવા નીકળ્યા. અમુક અંતર કાપ્યા પછી તેમને ગધેડાંની સંખ્યા બરાબર છે કે નહિ તે અંગે શંકા ગઈ. એમણે ગધેડાં ગણ્યાં તો આઠ જ હતાં. તેઓ વિચારમાં પડી ગયાં. પોતે નવ ગધેડાં લઈને નીકળેલા અને આઠ જ થયાં ! એક ગધેડું છૂટું પડી આડે રસ્તે ચડી ગયું લાગે છે, એવો વિચાર આવતાં ગધેડા પરથી નીચે ઊતરી દૂર દૂર સુધી તપાસ કરી આવ્યા. પણ ગધેડાનો પત્તો ન લાગ્યો એટલે હતાશ થઈ ગયા. પાછા ફરીને ગધેડાં ગણ્યા તો બરાબર નવ હતાં ! તેમણે નિરાંતનો શ્વાસ લીધો. આઘુંપાછું જતું રહેલું ગધેડું આપમેળે પાછું ફરી ગયેલું જાણી રાજી થયા અને ફરી ગધેડા પર બેસી ચાલી નીકળ્યા.
ચારેક માઈલનું અંતર કાપ્યા પછી ફરી શંકાનો કીડો સળવળ્યો. આગળ-પાછળનાં ગધેડાં ગણ્યા તો આઠ જ થયાં ! ફરી એની એ જ હૈયાહોળી ! ગધેડાંને એક વૃક્ષ નીચે ઊભાં રાખી આજુબાજુ બધે ફરી વળ્યા પણ નવમું ગધેડું ક્યાંય દેખાયું નહિ. પાછા ફરી વૃક્ષ નીચે આવ્યા તો નવેય ગધેડાં ઊભેલાં ! તેઓ ખૂબ ગૂંચવાઈ ગયા. ગધેડું ગુમ થઈ જાય અને પાછું આવી જાય એ કેમ બને છે તે તેમને સમજાતું નહોતું. તેમને ભૂતપ્રેતની શંકા ગઈ ! નક્કી કોઈ પાછળ પડ્યું લાગે છે. વહેમનું ઔષધ હોતું નથી. તેમણે જ ઊભું કરેલું ભૂત મગજ પર સવાર થઈ જતું હતું અને તેમને પરેશાન કરતું હતું.
સારું થયું કે રસ્તામાં તેમને પરિચિત એવો મુસાફર મળી ગયો. ખ્વાજાસાહેબે તેની સમક્ષ હૈયાવરાળ ઠાલવી. પોતે ભૂતની જાળમાં કેવા ફસાઈ ગયા છે તેની વિગતો તેમણે કહી. પછી આજુબાજુ ચરવા ગયેલાં ગધેડાને એકત્ર કરી ગણી જોયાં તો બરાબર નવ થયાં ! ખ્વાજાસાહેબ પોતાના ગધેડા પર બેસી ગણવા લાગ્યા, તો પાછાં આઠ થયાં ! મુસાફર ખડખડાટ હસી કહેવા લાગ્યો : ખ્વાજાસાહેબ, તમે જે ગધેડા પર બેઠા છો તેને ગણતરીમાં લેતા નથી ! ગધેડાંના સહવાસમાં રહીને તમારી અક્કલ પણ ગધેડા જેવી થઈ ગઈ લાગે છે. તમે જે ગધેડા પર બેઠા છો તેને જ કેમ ભૂલી જાવ છો ? ખ્વાજાસાહેબે વિચાર કરી જોયો. પોતે જે ગધેડા પર બેઠા હતા તેની ગણતરી કરી તો પૂરા નવ ગધેડાં થયાં એટલે રાજી-રાજી થઈ ગયા. પરિચિત મુસાફરે તેમની ગૂંચ ઉકેલી ન હોત તો એ મગજની સમતુલા ગુમાવી જંગલમાં ભટકતા રહ્યા હોત અથવા ગધેડાંની લમણાંઝીકથી કંટાળી ગયા હોત.
મનુષ્યોની મોટાભાગની ગૂંચો વિચારશક્તિનો ઉપયોગ કરવાથી અથવા અનુભવીજનોની સલાહથી ઊકલી જતી હોય છે; પણ મનુષ્યો કાગળનો વાઘ કરી ડરછે અને પોતે ભગવાન કરતાં પણ વધુ ડાહ્યા છે તેવું બતાવવાની કોશિશ કરે છે.
ટિપ્પણીઓ