અમદાવાદના એરપોર્ટ પર એક વૃદ્ધ મહિલા ટેક્સીવાળા સાથે ઝઘડી રહ્યા હતા. એ વિનંતી કરી રહ્યા હતા કે, ટેક્સીવાળો ગાડીના બૂટમાંથી એમને એમની વજનદાર બેગ ઉતારી આપે, ટેક્સીવાળાએ જવાબ આપ્યો, ‘એ મારું કામ નથી.’ લગભગ 65-70 વર્ષના મહિલા અને 35 વર્ષનો પુરુષ, ટેક્સીવાળો હોય કે નહીં, એક વયસ્ક વ્યક્તિને મદદ કરવાની એક યુવાનની ફરજ ખરી કે નહીં? એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એણે વળી આગળ સંભળાવ્યું, ‘હું તો ગ્રેજ્યુએટ છું. નોકરી નથી માટે જ આ ટેક્સી ચલાવું છું. સામાન ન ઉપાડું...’
કેવી નવાઈની વાત! શિક્ષિત અને સમજદાર પરિવારમાંથી આવતો આ છોકરો પોતાના અહંકારને કારણે એક વૃધ્ધ મહિલાની મદદ કરવાની ના પાડે! એને સામાન ઉપાડવાનું કામ નાનું લાગે છે, કારણ કે એને કોઈએ એવું શીખવ્યું જ નથી, કે સેવા કરવામાં પણ સન્માન અને આદર મળે છે. કામ મોટું કે નાનું નથી હોતું, એની સાથે જોડાયેલો સેવાનો ભાવ સન્માનને પાત્ર છે.
આ વાત આપણને સૌથી પહેલાં ‘રામાયણ’માં શીખવા મળે છે. રામાયણના ત્રીજા સર્ગમાં જ્યારે રામ અને લક્ષ્મણ હનુમાનને પ્રથમ વખત મળે છે ત્યારે રામ કહે છે, ‘આ હનુમાનના ઉત્તમ સંભાષણ પરથી જણાય છે કે એમણે વેદોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે કારણ કે, વેદને નહીં જાણનારો કોઈ પુરુષ આવું ઉત્તમ અને સ્પષ્ટ સંભાષણ કરી શકે નહીં... હૃદય કંઠ તથા મુખમાં સમાનભાવે રહેલી હનુમાનની વાણીથી ચિત્ત પ્રસન્ન થાય છે, જે રાજાને હનુમાન જેવો દૂત ન હોય એના કાર્યો સિધ્ધ ન થઈ શકે...’ આ હનુમાનની પહેલી ઓળખાણ છે.
અહીંથી વાલી અને સુગ્રીવની કથા શરૂ થાય છે... પરંતુ, મહત્વની વાત એ છે કે, જે જ્ઞાની છે, બળવાન છે અને ચતુર છે એવા હનુમાન રામના શરણમાં જઈને એના સેવક, એના દૂત બનવાનો સ્વીકાર કરે છે, એનાથી પ્રસ્થાપિત થાય છે કે, કોઈનું કામ કરવાથી આપણું જ્ઞાન કે બળ ઘટી જતાં નથી! જે હનુમાન સૂર્યને ફળ માનીને ગળી જઈ શકે, એની શક્તિનો અંદાજ કેમ કરીને મળે? જે રામ અને લક્ષ્મણને એક સાથે પોતાના ખભે બેસાડીને લઈ જઈ શકે, સૂક્ષ્મરૂપ કે વિશાળરૂપ ધરી શકે, સમુદ્ર પાર કરી શકે, સમગ્ર લંકાનગર સળગાવી શકે... અને સૌથી મહત્વનું, આખો પહાડ ઉઠાવી શકે એ શું ન કરી શકે? લક્ષ્મણ મૂર્છિત થાય છે ત્યારે હનુમાન જે પહાડ ઉઠાવી લાવ્યા તે ઉત્તરાખંડના દ્રોણાગિરી પર્વતમાળામાંથી હોવાનું માનવામાં આવે છે અને તેનું નામ ઓષાધિપર્વત હોવાનું માનવામાં આવે છે પરંતુ તેને સામાન્ય રીતે ગંધમાદન પર્વત તરીકે ઓળખવામાં આવે છે. રામકથામાં હનુમાન ઔષધિ ઓળખી નથી શકતા એમ કહેવાય છે, પરંતુ આવો વિચારશીલ વ્યક્તિ કદાચ એમ વિચારે કે, ‘ફક્ત લક્ષ્મણ જ શું કામ? સૈન્યમાં જેને જરૂર હોય તેને આ સંજીવની અને અન્ય ઔષધિઓથી મદદ મળી શકે, તો આખો પર્વત જ લઈ જઈએ!’ આવા, સૌનો વિચાર કરનાર, બળવાન અને બુધ્ધિવાન વ્યક્તિ જ્યારે કોઈના સેવક બનવાનું સ્વીકારે, ત્યારે એમાં કોઈ શરમ કે એમના વ્યક્તિત્વને હાનિ પહોંચાડતી વાત ન જ હોય! હા, સ્વામિ પણ એ પ્રકારના હોવા જોઈએ કે જે પોતાના દૂત કે સેવકના ગુણ જાણે, એનું સન્માન કરે અને એની સેવાને અત્યંત આદરથી સ્વીકારે!
સીતાજીની શોધ માટે જ્યારે જુદા જુદા વીર, જુદી જુદી દિશામાં જાય છે ત્યારે સુગ્રીવ હનુમાનને કહે છે, ‘હે કપિશ્રેષ્ઠ હનુમાન! સમગ્ર પૃથ્વી, અંતરિક્ષ દેવોના સ્વર્ગાદિ લોકો તથા જળ એ વગેરે કોઈપણ સ્થળે તમારી ગતિનો અટકાવ થાય એમ હું જોતો નથી. તમે તમારા મહાતેજસ્વી પિતા વાયુ સરખા જ છો. આખી પૃથ્વીમાં તમારા સરખું તેજસ્વી કોઈપણ પ્રાણી નથી. બળ, બુધ્ધિ, પરાક્રમ, દેશકાળને અનુસરવું તથા ન્યાય, એ સઘળા ગુણોએ તમારામાં જ વાસ કર્યો છે.’
જેમ રામ સહિત અન્ય લોકો હનુમાનના ગુણો જાણે છે, એવી જ રીતે હનુમાન પોતે પણ પોતાના ગુણો વિશે સભાન છે, અહંકારી નથી. વાલ્મીકિ રામાયણમાં 65મા સર્ગમાં લંકા તરફ પ્રયાણ કરતા પહેલાં હનુમાન સ્વયં કહે છે, ‘પર્વતોનાં શિખરોને તોડી પાડનાર, અપ્રમેય બળવાન, આકાશમાં ગતિ કરનાર, અગ્નિમિત્ર વાયુદેવ છે, એ શીઘ્ર ગતિ કરનાર મહાત્મા મરુતનો હું ઔરસ પુત્ર છું. મારા બાહુબળ વડે ખળભળાવેલા સાગરમાં પર્વત, નદી અને પાણીના કુંડો સહિત સર્વ લોકોને બોળી દેવા હું સમર્થ છું.
પક્ષીરાજ ગરૂડ જેટલી ગતિથી ઊડી શકે છે તેના કરતાં હજારગણી વધારે ગતિથી હું ઊડી શકું તેમ છું. હું દસ હજાર યોજન સુધી કૂદી શકું તેમ છું. હું આખી લંકાને મૂળમાંથી ઉખેડી લાવવા સમર્થ છું.’ આ બધું હોવા છતાં એમનામાં એક એવી નમ્રતા છે જેને કારણે રામ એમને પોતાના ભાઈ ભરત જેટલા જ પ્રિય અને હૃદયની નિકટ ગણે છે.
હનુમાન ભલે પોતાને ‘રામના સેવક’ કહે, પરંતુ રામ એમને પોતાના ‘ભાઈ’ કહે છે, એમને પોતાના મિત્ર ગણે છે.
સ્વામી અને સેવક વચ્ચેનો આ અતૂટ, નિરઅહંકારી અને સ્નેહપૂર્ણ સંબંધ ત્યારે જ શક્ય છે જ્યારે બંને પક્ષે એકમેક પરત્વે અત્યંત આદરની લાગણી હોય. હનુમાન આપણને શીખવે છે કે, સેવક હોવામાં શરમ નથી... બલ્કે જો પૂર્ણ પ્રામાણિકતાથી અને સાચી ભક્તિથી, સાચા હૃદયથી આપણે સેવક બની શકીએ તો સ્વામિએ પણ અંતે આપણને હૃદયસરસા ચાંપીને સ્વીકારવા પડે! હનુમાન એક એવા સેવકનું ઉદાહરણ છે જેણે પોતાના સમર્પણથી શ્રેષ્ઠ સન્માન મેળવ્યું છે! એમની પાસે સ્વામિ કરતાં પણ વધારે બળ છે, કદાચ! પરંતુ, એ પોતાના બળ કે બુધ્ધિનું પ્રદર્શન અથવા અહંકાર કરવાને બદલે નારાયણના પરમતત્વ સામે નમન કરે છે. એમને પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરે છે અને માટે નારાયણ પણ એમને હૃદયથી સ્નેહ કરે છે.
અર્જુન અને હનુમાનની સરખામણીમાં એક સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, અર્જુન માટે કૃષ્ણ ‘મિત્ર’ છે, સ્વામિ નથી બની શકતા... કદાચ એટલે જ, અર્જુનને ‘વિષાદયોગ’ થાય છે જ્યારે હનુમાન સંપૂર્ણ સમર્પણથી રામના સ્વામિત્વનો સ્વીકાર કરે છે તેથી તેમને એ આદર અને સન્માન મળે છે જે માટે એ યોગ્ય પૂરવાર થાય છે.
‘કામ મારું છે કે નહીં’ એવું વિચારવાને બદલે હનુમાન જયંતીના દિવસે ‘કામ સારું છે કે નહીં’ અથવા ‘કામ સાચું છે કે નહીં’ એમ વિચારતા થઈએ તો કદાચ સેવક બનીને પણ સ્વામિના હૃદયમાં સ્થાન મેળવી શકીએ…
ટિપ્પણીઓ