આ એક સત્ય ઘટના છે.
સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. પેપર્સ આપી આપીને પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડની બહાર નીકળી એકબીજાની સાથે વાતો કરતા કરતા ઘર તરફ વળ્યા. એ સમયે સુશક્તિ પણ પરીક્ષાનું ઉત્તરપત્ર આપીને એકલી ઘેર જવા નીકળી. તેની પાસે ન તો સાઈકલ હતી કે ન તો કોઈ સંગાથ હતો. એટલે એ ઝડપથી એકલી એકલી ચાલતી જતી હતી. પેપર સારું ગયું હતું એનો એના હૈયામાં આનંદ હતો.
એવામાં જ એક બીજી કૉલેજનો રોમિયો સુશક્તિની પાછળ પાછળ ગમે તેવા શબ્દો બોલતો, બબડતો આવવા લાગ્યો. એ કેટલીયે વાર હોઠોના બુચકારા બોલાવતો. જાણે એને પ્રેમ કરતો હોય એવા ચાળા કરતો, સુશક્તિ ઉપર કાંકરા ફેંકતો, ઈશારા કરતો એની છેક નજદીક પહોંચી ગયો. સુશક્તિને ખ્યાલ આવી ગયો કે એની પાછળ પાછળ કોઈ આવે છે એટલે એ એક ઝાડ નીચે ઊભી રહી. એણે ચારે તરફ જોયું પણ પેલા રોમિયો સિવાય એને કોઈ દેખાયું નહિ, ત્યાં તો પેલાએ પાસે આવીને હસતા હસતા કહ્યું : ‘ચાલ, સામે હોટલ છે ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાઈએ અને મજા કરીએ.’ ત્યાં જ સુશક્તિની આંખ અચાનક દૂરથી સાઈકલ પર આવતા બે છોકરાઓ પર પડી પણ પેલો રોમિયો કહે : ‘આઈ લવ યુ માય ડાર્લિંગ, ચાલ જલદી કરને…’ આ શબ્દો સાંભળતાં જ સુશક્તિએ એને પાસે બોલાવી જોરથી બે-ચાર તમાચા ચોડી દીધા અને પછી તો એને પકડીને એની સારી પેઠે ધોલાઈ કરી.
ત્યાં જ પેલા બે છોકરાઓ આવી પહોંચ્યા. એમણે પણ એ રોમિયોની સારી પેઠે ધોલાઈ કરી. એને એવો માર્યો કે બિચારો જમીન પર ઢળી પડ્યો અને રડવા લાગ્યો. અચાનક ત્યાં ફરતા-ફરતા બે પોલીસ આવી ચડ્યા. પોલીસ એને પકડીને ચાલવા લાગ્યા ત્યાં જ સુશક્તિ પેલા બે છોકરાઓને અને પોલીસને કહેવા લાગી :
‘ભાઈ, એને છોડી દો, હવે કદાપિ એ કોઈ છોકરીની છેડતી નહીં કરે.’
‘કેમ, તમે કેવી રીતે કહી શકો ?’
‘કારણ કે હું કરાટે શીખેલી છું. વળી એની ધોલાઈ મેં અને આ બન્ને ભાઈઓએ એવી તો કરી છે કે હવે હંમેશને માટે આ બધું ભૂલી જશે.’ સુશક્તિ પછી પેલા રોમિયો તરફ જોતી બોલી :
‘ભાઈ ! તું તો મારો ભાઈ જેવો છે. કૉલેજમાં સાથે ભણીએ તે ભાઈ-બહેન કહેવાય. એક વાત સમજી લે કે હવે પછી ક્યારેય કોઈ છોકરીની છેડતી કરીશ નહિ, નહીં તો તને જેલમાં પૂરી દેશે. તારાં મા-બાપ રડશે, તારી અને એમની આબરૂ જશે અને છેવટે તારી આખીયે જિંદગી બરબાદ થઈ જશે.’ આ સાંભળતાં જ પેલો રોમિયો એકદમ સુશક્તિના પગમાં પડતાં બોલ્યો : ‘બહેન ! બહેન ! મને બચાવો, હવે પછી ક્યારેય કોઈની ય છેડતી નહીં કરું.’
સુશક્તિએ એને બે હાથ વડે ઊભો કરી કહ્યું : ‘ચાલ, તને તારે ઘરે મૂકી જાઉં. હું તારી બહેન છું ને, ચાલ.’ ત્યારે સૌ એની સામે જોઈ રહ્યા.
ટિપ્પણીઓ