મુખ્ય સામગ્રી પર જાઓ

સોનાનો કળશ

ઘણા જૂના જમાનાની વાત છે. તિબેટમાં બે ભાઇબંધો રહેતા હતા. એકનું નામ ચાંગ, બીજાનું નામ કાંગ. બેઉ પાકા દોસ્ત. એકબીજાના દુ:ખે દુ:ખી થાય તેવા. પણ પૈસો બહુ ખરાબ છે. ગમે તેવા હોય તેમાં ફૂટ પડાવે. એક દિવસ ચાંગ અને કાંગ પહાડી ઉપર આવેલ બુધ્ધ ભગવાનના મંદિરે જતા હતા. રસ્તો અતિશય વિકટ અને ભયંકર હતો. ચાલતાં ચાલતાં થાકી ગયા. એટલે એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ચાંગે મીઠાવાળી રોટલી કાઢી. કાંગને અડધી આપી. વાતો કરતા જાય અને ખાતા જાય.

ચાંગ ધીમે ધીમે ખાતો જાય ને જમીન ખોતરતો જાય. એવામાં જમીનમાં કાંઠા જેવું કંઇક દેખાયું. કાંગ ચમક્યો. ‘ચાંગ, નક્કી ખજાનો.’ માંડ્યા બેઉ ખોદવા. અને સાચે જ એક ચરુ મળી આવ્યો. સોનામહોરથી ભરેલો ચરુ જોઇ કાંગની દાનત બગડી. આટલી બધી સોનામહોરો મને મળી જાય તો? તિબેટનો સૌથી ધનવાન માણસ બની જાઉ. તેણે ચાંગને છેતરવાનું મનોમન નક્કી કર્યું. ચાંગ હતો ભોળો. એટલે મોં ફૂલાવીને કહે : ‘ચાંગ, હું નથી માનતો કે આ બધી સોનામહોરો સાચી હોય! આમ જંગલમાં આ સાચી સોનામહોરો આપણાં માટે કોઇ દાટે ખરું? તું કહે તો હું મારા ઘેર લઈ જાઉં. જો સાચી નીકળશે તો આપણા બન્નેનો અડધો ભાગ. પણ સોનીને બતાવીએ પછી ખબર પડે!’

ભોળો ચાંગ કહે, ‘ભલે! તેણે મિત્રની દાનતને પારખી લીધી, પણ કશુ બોલ્યો નહીં. કાંગ સોનાનો કળશ માથે મૂકી એના ગામ ભણી ઊપડ્યો. ચાંગ એના ગામ જવા નીકળી પડ્યો. એકાદ મહિનો વીતી ગયો છતા કાંગ તરફથી કશા સમાચાર ન મળ્યા, એટલે ચાંગ મિત્રને મળવા ઊપડ્યો. કાંગના ઘરના ફળિયામાં હજુ પગ મૂકે ત્યાં તો કાંગ પોકે ને પોકે રડવા લાગ્યો. ચાંગને નવાઈ લાગી. એને થયું કે, મારા મિત્રને ત્યાં એવું તે શું બન્યું છે કે આમ પોક મૂકીને રડે છે. તેણે આશ્વાસન આપવા માંડ્યું, ‘દોસ્ત, શા માટે રડે છે? તારા દુ:ખમાં પણ હું સહભાગી છું. શું થયું?’ કાંગ બનાવટી આંસુ લૂછતા બોલ્યો, ‘મિત્ર, આપણે લૂંટાઈ ગયા. આપણો કળશ અને સોનામહોરો સાવ ખોટા નીકળ્યા.’ ચાંગ કહે, ‘અરે એમાં આમ રડે છે શા માટે? એ ક્યાં આપણી કમાઈ હતી. એ તો વળી ભગવાનના દર્શને જતાં મળેલા છે ને ખોટા નીકળ્યા, એનું તું માઠું ન લગાડ.’ કાંગ તો ચાંગનું કહેવું સાંભળી ખૂબ રાજી થઈ ગયો. ચાંગની ખૂબ ખાતબરદાસ્ત કરી, સારું સારું જમાડ્યું, બે દિવસ રોક્યો. ભાઈબંધીની કેટકેટલીય વાતોનાં ગપ્પાં લડાવ્યાં.

બે દિવસ પછી ચાંગે જવાની રજા માગી. ‘જો દોસ્ત, હું તો રહ્યો એકલો માણસ. મને ઘેર ગમતું નથી. તારા બેઉ છોકરા મોકલ તો થોડા દિવસ સાથે લેતો જાઉં?’ કાંગને તો એટલો દલ્લો હાથ લાગ્યો હતો એટલે ખૂબ આનંદમાં હતો. તેથી ઉત્સાહમાં કહે, ‘લઈ જાને દોસ્ત, બેઉ છોકરા તારા જ છે. મારી ભાભીનું દિલ પણ જરા હળવું બનશે. પંદર દિવસ પછી હું આવીને તેડી જઈશ.’

ચાંગ બેઉ છોકરાને લઈ નીકળી પડ્યો. જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં તેમણે બે વાંદરાનાં બચ્ચાં જોયાં. ચાંગે બેઉ બચ્ચાંને પણ પકડીને સાથે લીધાં. ઘેર આવી એને પેલાં બાળકો સાથે ઉછેરવા લાગ્યો. ચાંગે એમને માણસની ભાષાના કેટલાક શબ્દો પણ સમજવાની તાલીમ આપી. તેમના નામ પણ ચંગુ-મંગુ પાડ્યાં. ચંગુ-મંગુ કહેતા દોડી આવતાં અને માનવ-બાળ જેવી જ હરકતો કરતાં. આમ જોતજોતામાં પંદર દિવસ વીતી ગયા. કાંગે સમાચાર કહેવડાવ્યા કે, હું મારા છોકરાઓને તેડવા આવું છું.

ચાંગે બેઉ છોકરાઓને જંગલમાં ફળ તોડવા મોકલી દીધા. બપોરે કાંગ આવ્યો. કાંગને જોઈ ચાંગ પોક મૂકીને રડવા લાગ્યો. કાંગને નવાઈ ઉપજી. તેને થયું કે, છોકરાઓને તો કંઈ થયું નહીં હોય ને? એ તો એકદમ ગભરાઈ ગયો. આખા શરીરે પરસેવો વળી ગયો. ચાંગના ખભા પકડી હચમચાવતાં કહે, ‘અરે દોસ્ત, તું કેમ રડે છે? ચંગુ-મંગુ કેમ દેખાતા નથી?’ ચાંગ કહે, ‘એ જ વાત છે મિત્ર, તારા બેઉ છોકરાઓ અહીં આવ્યા પછી વાંદરા બની ગયા છે. મારા તો દુ:ખનો પાર નથી. જો હું એને બોલાવું.’ એમ કહી ચંગુ-મંગુના નામની બૂમ પાડી. બેઉ વાનર બચ્ચાંઓ દોડી આવ્યાં. ચાંગને વળગી પડ્યા. કાંગનું લોહી જાણે થીજી ગયું. બીક તો એવી લાગી કે ચાંગના પગ પકડી લીધા, ‘દોસ્ત, મારી ભૂલ માફ કર. મને પૈસાની લાલચમાં દોસ્તી ભુલાઈ ગઈ હતી.’ આમ રડતાં રડતાં માફી માગી. એટલામાં ફળ વીણવા ગયેલા બેઉ છોકરાઓ ચાંગના ઘેર પાછા આવ્યા. પિતાને જોતાં જ ભેટી પડ્યા.

ચાંગે બાળકોને સોંપી દીધા. કાંગ કહે, ‘મિત્ર, તું પણ ચાલ, તારો અડધો ભાગ મારી પાસે છે તે લઈ જા.’ ચાંગ પણ કાંગ સાથે ગયો. બેઉ મિત્રોએ સોનામહોરોનો અડધો ભાગ કરી વહેંચી દીધો. બેઉ સુખેથી રહેવા લાગ્યા. ‘બાળમિત્રો’, લક્ષ્મીની લાલચ બૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...