‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે. પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ્તરે જે અનેક અસર ઉપજાવે છે એનું સચોટ નિરૂપણ કરવું છે. સુજાતા જેવી જ હજારો માતાના સંવેદનશીલ હૈયાનાં ઉઠતા અનેક પ્રશ્નોને વાચા આપવી છે અને સાથે-સાથે બૌધ્ધિકો કલાકારોના બોધપણાને અને ભદ્રવગઁની દાંભિકતાને યથાતત રૂપે નિરૂપવા છે. જો કોઇ ભાવક વધારે પડતી ઝડઝમક, પ્રેમાલાપ, કાવ્યાત્મકતા કે સ્થૂળ મનોરંજન ની અપેક્ષાએ ‘હજાર ચોયાઁસીની મા’ નવલકથા વાંચશે તો એને એમાં કદાચ રસ ન પડે એવુ પણ બને. કારણ કે લેખિકા એવા સસ્તા મનોરંજનોથી હંમેશા દૂર રહ્યા છે. પોતાની આસ-પાસના પરિવેશમાં સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ નો વ્યવસ્થિત અભ્યાસ કરી કથા સાહિત્યના બે છેડા ઇતિહાસ અને કલ્પના ને એક સુત્રે બાંધી આ સમસ્યાઓને નિરૂપવાનો પ્રયાસ કયોઁ છે. આ નવલકથા માં લેખિકાએ ફલેશબેક ટેકનિકનો મહદંશે ઉપયોગ કયોઁ છે. વારંવાર લિખિકા આપણને સાંપ્રતમાંથી અતિતમાં અને અતિતમાંથી સાંપ્રતમાં પ્રવેશ કરાવે છે. સમગ્ર નવલકથામાં ફકત એકજ દિવસની કથા આવરી લેવામાં આવી છે. સવારથી રાત સુધીમાં બનેલી ઘટના અને એના પરથી સુજાતાને તાજા થતા અતિતના સંસ્મરણો અને એની વધતી જતી મનોવેદના ને લેખિકા એ ચાર પ્રકરણોમાં વિભાજીત કરી છે. સકાલ (સવાર), દુપુર (બપોર), વિકેલ (સાંજ), સંધ્યા(રાત). ‘હજાર ચુરાશીર મા’ એટલે એક હજાર ને ચોયાઁસી મા અપરાધી ની મા પરંતુ અહીં મરનાર વ્યકિત અપરાધી છે. એવું સાબિત કરવાની કોઇ જરૂર રહેતી નથી.
‘સવાર’ ના ખંડમાં સુજાતા પોતાનું ભૂતકાળમાં શું સ્થાન હતુ અને વતઁમાન માં શું છે ? એનું ચિત્ર આપે છે સાથે સાથે પુત્ર વ્રતીની પોતાની આગવી વિચારસરણી ને કારણે જેવો ઇતરજન બની રહે છે. એની પણ વાત આવે છે. ‘બપોર’ના ખંડમાં સુજાતા વ્રતીના ચિત્ર અને એની સાથે જ મૃત્યુને વરેલા એવા સમુની માને મળે છે. બંન્ને મિત્રો કઇ રીતે મયાઁ એનો ચિતાર અહી મળે છે અને બન્ને માતાઓના માતૃહ્રદયની કરૂણતા પણ આ ખંડમાં રજૂ થઇ છે. ‘સાંજ’ ખંડમાં વ્રતીની મિત્ર નંદિની સાથે સુજાતાની મુલાકાત યોજાય છે. નંદિનીના આક્રોશયુકત સંવાદો દ્રારા તત્કાલિન બંગાળી સામજિક સ્થિતિ અને પક્ષ પલટુ માણસોની પ્રપંચલીલાનો ચિતાર અપાયો છે. ‘રાત’ ખંડમાં આજ સુધી મૌન રહેલી સુજાતાનું નવું જ રૂપ નિખરી ઉઠે છે અને સાથોસાથ સુજાતાના પરિવારની દાંભિકતાનું વિરૂપ દશઁન આ ખંડમાં થાય છે.૧૭મી જાન્યુઆરીની સવારે વ્રતીનો જન્મ થયો હતો. આજથી બરોબર બે વષઁ પહેલાની જાન્યુઆરીની સવારે પણ ટલિફોન ની ઘંટડી વાગે છે. વ્રતીની મિત્ર નંદિની નો ટેલિફોન છે. એ સુજાતાને એ સાંજે મળવા ઇચ્છે છે. વળી એજ સાંજે સુજાતાની બીજી પુત્રી તુલીએ પોતાની સગાઇ નિમિતે પાટીઁ ગોઠવી છે. આમ તો મૃત વ્રતીનો આ જન્મદિવસ પણ છે. અહીંથી નવલકથા ઉઘાડ પામે છે. સાંપ્રતની આ ક્ષણ ઉપર ઉભી રહીને સુજાતા આપણને ધીમે ધીમે સ્મૃતિઓના સહારે અતિત માં લઇ જાય છે. વિશિષ્ટપણે બે વષઁ પહેલાની યાદ વ્રતીની હત્યા. કાંટાપુકુર ના મડદા ઘરમાં પડેલી એકહજાર ચોયાઁસી ની તરુણ વ્રતીની લાશ. આ લાશ તેની માતા સુજાતાના અંતરતમ મમઁને ચોટ લગાડી ગઇ. આ નવલકથામાં સુજાતાના હૈયાની સંવેદનાને લેખિકાએ આલેખી છે. સુજાતા સંભ્રાંત ધનિક પરિવાર ની કુલવધૂ છે. શિક્ષિત સહ્રદયથી માતા છે. પોતે જે પરિવેશમાં મુકાય છે એમાં અનુકૂળ થઇ ને ગોઠવાઇ જવું એને ફાવતુ નથી. કારણ કે એની પાસે સ્વતંત્ર વિચારવાની ક્ષમતા છે.
દિવ્યનાથ પુરૂષ પ્રધાન સમાજના અસલ પ્રતિનિધિ છે. પ્રસુતિ માટે પણ તે કયારેય સુજાતા સાથે નથી ગયા. બાળક નું રૂદન સાંભળવું ન પડે એટલા માટે એ ત્રીજા માળે સુઇ જતા. દિવ્યનાથ ને જવાબદારી ની કોઇ પડી નથી. બાળકોથી માંડીને બધી જવાબદારી સુજાતા સંભાળતી. પરંતુ દિવ્યનાથ ની ચકોર નજર સુજાતાના શરીર પર હંમેશા ફરતી રહેતી. સુજાતા નું શરીર ફરીથી મા બનવા યોગ્ય થઇ ગયું છે કે નહિ ? એનું હંમેશા ધ્યાન રાખતા.
પોતાના જ ઘરમાં વ્યકિતત્વ વિહોણી સુજાતા સાસુના લોખંડી વચઁસ્વ હેઠળ જીવે છે. પોતાની જાતને દબાવીને બીજાની સગવડો સાચવવાથી જ આત્મ સમ્માન જાળવી શકાય એવી સમજ એણે કેળવેલી છે. સાસુના મરવા સુધી એક સાડી પણ પોતાની પસંદગીની ખરીદવાનો એને હકક નથી. દિવ્યનાથ હંમેશા બહારની સ્ત્રીઓ સાથે મોજમજા કરે છે. એની સાસુ પણ એને પ્રોત્સાહન આપતા કહે છે કે- “મારો દિકરો મરદ છે. કોઇ સ્ત્રીનો ગુલામ નથી.” તુલી પણ આ બાબતે બાપની કાળજી રાખે છે. દિવ્યનાથ રખાત સાથે સાંજ ગાળીને આવે ત્યારે તુલી ચિકનસૂપ અને સલાડ લઇને દોડી જતી. જ્યોતિ અને નીપાના પતિ કે દિયા સાથે આડો સંબંધ ધરાવતી નીપા કે ચારસોવીસી કરતા તુલી નાપતિ ટોની સામે પણ સુજાતા કશું બોલી શકતી નહિ. જ્યોતિ નીપા અને તુલી પછી વ્રતી સુજાતા નું ચોથું સંતાન છે. એનુ આગમન સુજાતાને મન સહજ અનિચ્છનિય હતુ. પરંતુ પછીથી આ સંતાન સાથે જ એનો સાચો અનુબંધ રચાય છે. એક જ ઘરમાં રહેવા છતા વ્રતી દૂરનો પરાયો કે ઇતરજન થતો જાય છે. પરિવાર તેમજ આસપાસના સમાજના દંભ અને જૂઠ સાથે વ્રતી તાલ મેળવી શકતો નથી. એ સમાજની પોકળતા ને બહુ નાની વયે પામી જાય છે. એ બારી પાસે બેસીને કવિતા વાંચતો અને સુજાતા એને મમતાથી સાંભળતી. ઈતરજન થતાજતા વ્રતીને સુજાતા ઓળખવા છતા પૂરેપૂરો ઓળખી શકી નહોતી. ગોળીઓથી વિંધાયેલા વ્રતીના મૃતદેહને અને ક્રુરતાથી છુંદી નાંખેલા એના ચહેરાને જોયા પછી જ વ્રતીની કામગીરી અને વિચારસરણી ની સમજ સુજાતાના મનચક્ષુ સમક્ષ કંઇક ઉઘડે છે.
સમાજ અને રાષ્ટ્ર જે મૂલ્યો પર આધાર રાખે છે તે મૂલ્યો કદી મુકિત નહિ અપાવે એવી દ્રઢ માન્યતા ધરાવતો મુકિતદશકમાં બંગાળમાં યુવાનોનો એક વગઁ હતો. ગોળીએ વિંધાઇશું એમ જાણવા છતા એ યુવાનોની જેમ વ્રતી પણ સુત્રોચ્ચાર કરતો, દીવાલો પર સુત્રો લખતો, પત્રિકાઓ છપાવીને વહેંચતો. એ યુવાનોની રાતો રાત હત્યા થઇ જતી. અણ ઓળખાયેલ લાશો મડદાંઘરમાં પડી રહેતી અને છેવટે સ્મશાનમાં બાળી મુકવામાં આવતી. સુજાતાને વ્રતી માટેના આવા કોઇ ભયંકર પરિણામની કલ્પના પણ નહોતી. કોટાપુકુર ના મડદા ઘરમાં હજાર ચોયાઁસીની લાશ બનીને પડેલા પ્યારા વ્રતીની હત્યાના સમાચાર એને હચમચાવી દે છે. તે જ દિવસે સુજાતા સમુની માને ઘેર જાય છે ત્યારે તેને આ બધી બાબતો ની ખબર પડે છે. વ્રતી, સમુ, વિજિત, પાથઁ, બાલટુ વગેરે આ એક ટૂકડીના મિત્રો હતા અને પાંચેયની હત્યા એક જ રીતે થઇ હતી વ્રતી અવાર-નવાર સમુના ઘરેઅ આવતો. સમુની મા સાથે વ્રતીને બીજા પ્રકારનો સંબંધ હતો. જે સુજાતાના સંબધથી તદ્દન ભિન્ન હતો. આ બધી બાબત લેખિકા ફલેશબેક પધ્ધતિથી આલેખે છે. પોતાનો પુત્ર હોવા છતા વ્રતીના જીવનના જે પ્રદેશથી સુજાતા અજ્ઞાત હતી ને પ્રદેશમાં એ સમુની મા ની વાતોથી ડોકિયું કરે છે.
સમુની મા સમુની હત્યા પછી ‘સમુ રે.....’ કરીને હૈયાફાટ રડી શકે છે. પરંતુ સુજાતાએ વ્રતીની હત્યા પછી દિલ પર પથ્થર મુકયો છે. એ રડી શકતી પણ નથી સમુની મા કેવી રીતે સમજશે કે ઘરમાં વ્રતીનું નામ પણ કોઇ ઉચ્ચારી શકતુ નથી. સમુના પિતા સમાચાર દાબી દેવામાં વ્યસ્ત હતા. એટલુ જ નહિ વ્રતીના ફોટા, જોડા, પુસ્તકો વગેરેને વ્રતીના ત્રીજા માળના ઓરડામાં મુકી ઓરડાને તાળુ મારી દેવાયુ હતુ અને ચાવી દિવ્યનાથ પાસે હતી. વ્રતી જીવતો હતો ત્યાં સુધી સુજાતાનો એ એક માત્ર સહારો હતો. એના મૃત્યુ પછી એ સહારો પણ છીનવાઇ ગયો. સુજાતા નથી તો કોઇને કશું કહી શકતી કે નથી સહી શકતી. અહીં સુજાતાની મનોવેદના ને તીવ્રતમ રીતે વાચા અપાઇ છે. જે ઉત્તરોતર વધતી જ જાય છે. નવલકથાના ત્રીજા ખંડમાં વ્રતીની મિત્ર એવી નંદિની સાથેનું સુજાતાનું મિલન વ્રતીના વ્યકિતત્વના એક બીજા પાસાને, તેની યુવા ચેતનાને, એની આકાંક્ષા અને આદશોઁને છતા કરે છે. વ્યકિતત્વના પ્રસ્કૂટન સાથે મહાશ્વેતા દેવી તત્કાલિન બંગાળમાં યુવાચિત્ત કેવું ઉદ્દેલિત થયુ હતુ સમાજ ને પરિવતિઁત કરવાની એમની ઝંખના કેવી હતી તેની પણ ઝાંખી કરાવે છે. આ ખંડમાં વ્રતીની હત્યા કઇ રીતે કરવામાં આવી એનુ સમગ્ર રહસ્ય સ્ફોટ થાય છે. નંદિનીના કહેવા પ્રમાણે વ્રતીના કહેવાતા દોસ્ત અનિઘે છેહ દીધો હતો તેથી જ એ પાંચેય તરૂણાની હત્યા થઇ હતી. સરકારનો સહારો લઇ અનિઘની જેમ ઘણાએ ડાબેરી આંદોલનોને દગો દીધો છે. પોતે પણ આવા જ દગાને કારણે ૧૭મી જાન્યુઆરીની સવારે જેલમાં ધકેલાઇ હતી. મેડિકલ ગ્રાઉંડ પર નજરબંધી માં બહાર આવી છે. જેલના અત્યાચારે એનો કેવો ભોગ લીધો છે ? પ્રશ્નોત્તરી વખતે ભારે તેજવાળા વિજળીના ગોળા એની આંખો સમક્ષ સળગાવવામાં આવ્યા હતા. જેને કારણે એની એક આંખ એણે ગુમાવી છે અને બીજી ખૂબ નબળી પડી ગઇ છે. સુજાતા એને વિસ્ફારીત નયને જોઇ રહે છે અને નંદિનીનો પ્રકીય ભભૂકી ઉઠે છે.
નંદિનીને મળીને ઘેર પાછી ફરેલી સુજાતા આખા ઘરમાં વ્રતીને શોધે છે. આજે વ્રતી આખો દિવસ એની સાથે જ હતો. વારંવાર એને વ્રતીનો ચહેરો યાદ આવે છે. સ્વપ્નમાં પણ એને શોધ્યો જડતો નથી. આજે રાત્રે સુજાતા વિદ્રોહના નિજાજમાં છે. તુલી નીપા અને દિવ્યનાથનો તે આજે સખત વિરોધ કરી નાંખે છે. જાણે નવી સુજાતાનો જન્મ થયો છે. નંદિની સાથેના મિલન પછી એને સમજાઇ જાય છે કે વ્રતી પોતાની વેદના જાણતો હતો પણ તે મોં ખોલી શકતો નહોતો. વાતાઁનો અંત સુજાતાના દીઘઁ આતઁ અને હ્રદય ચીરી નાંખતા વિલાપ થી થાય છે. “કખનો ના ! વ્રતી....” એ ક્રંદન પછીના શબ્દો ઘણું બધું કહી જાય છે. આકાશ પૃથ્વી ત્રિકાલ બધુ જ જાણે એ ક્રંદન સાંભળી કંપી ઉઠે છે. એ ક્રંદનમાં લોહીની વાસ અને વિદ્રોહની ઉદાસી છે. નવજ્ન્મ પામેલી સુજાતા “વ્રતીનું બલિદાન એળે નહિ જાય” એવા આશાના સૂરમાં પ્રશ્નનો પ્રત્યુત્તર વાળે છે.
ટિપ્પણીઓ