લેખક: બેપ્સી એન્જિનિયર
એક વૃદ્ધ મરણપથારી ઉપર હતા. તેમણે પોતાના પુત્રને પોતાની પાસે તેડ્યો.
પછી વૃદ્ધ કહે : ‘બેટા, હું ગરીબ રહ્યો. તારે માટે પાછળ મૂકી જવા સારુ મારી પાસે કાંઈ મૂડી નથી. પણ મારા બાપે મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉં છું. જિંદગીભર તું તેને સાચવજે. જ્યારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલાં તું તેનો જવાબ વાળતો નહીં. ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી ‘મૂડી’ હું તને વારસામાં આપતો જાઉં છું.’
પિતાએ આપેલી ‘મૂડી’ દીકરાએ જીવ્યો ત્યાં સુધી સાચવી. આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવાં પડ્યાં. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઊભા થયા; પણ પિતાનાં વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યક્તિને તે શાંતિથી કહેતો કે, ‘આનો જવાબ હું તમને ચોવીસ કલાક બાદ આપીશ.’ ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલો રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તે એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યક્તિ આગળ કદી જતો નહીં. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદશ્ય થયો. તેનું હૃદય સ્વચ્છ બની ગયું. એ છોકરો મોટો થતાં ગુર્જેફ નામે મોટા જ્ઞાની પુરુષ તરીકે ઘણી ખ્યાતિ પામ્યો.(‘વીણેલી વાતો’ પુસ્તકમાંથી સાભાર.)
ટિપ્પણીઓ