લેખક: દિલીપ સંઘવી
એક સેવાભાવી સત્સંગ મંડળ તરફથી દર ઉનાળે એપ્રિલ-મે એમ બે મહિના દરરોજ બે-ત્રણ કલાક દરમિયાન ઠંડી મજાની મસાલાયુક્ત પૌષ્ટિક છાશનું નિઃશુલ્ક વિતરણ થાય છે. જેનો સામાન્ય જનતા, આજુબાજુનો વેપારીવર્ગ, શાળા-કૉલેજ જતા વિદ્યાર્થીઓ, રહેવાસીઓ તથા બપોરના સૂકા રોટલા સાથે દાળ-શાકની અવેજીમાં છાશથી ચલાવી લેતો શ્રમજીવીવર્ગ લાભ લેતો. આ અભિયાનનો કુલ ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ, બસો-ત્રણસોથી હજાર-બેહજાર, પાંચ હજાર, દસ હજાર રૂપિયાની નામેરી દાતાઓની સખાવતોમાંથી નીકળી જતો. દરેક દાતાને રસીદ આપવાનો નિયમ પણ હતો.
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી, મધ્યમવર્ગનાં એક શ્રમજીવી-આધેડ વયનાં બહેન છાશ વિતરણના બરોબર એક મહિના પછી આવતાં અને છાશ માટે ડોનેશનમાં બસો રૂપિયા આપી જતાં. એ બહેન ગાય-ભેંસના તબેલામાં છાણ-ગોબરનાં વાસીદાનું તથા છાણાં થાપવાનું કાયમી કામ કરતાં. એમનો વીસ વર્ષનો અભણ અને અપંગ દીકરો નાનું-મોટું ચોકીદારીનું કામ કરતો. બહેનનો પતિ છેલ્લાં બાર વર્ષથી અર્ધલકવાગ્રસ્ત લાચારીથી ઘરમાં પથારીવશ હતો. આ વર્ષે પણ મહિના પછી બહેન આવ્યાં. બારી પાસે ઊભાં રહી, સાડલાના છેડે બાંધેલી ગાંઠ છોડી, એમાંથી ગડી વાળેલી સો-સોની બેના બદલે ત્રણ નોટ સેવાનિષ્ઠ બહેનના હાથમાં આપતાં બોલ્યાં : ‘આ લો બોન, બહોના તૈંણસો લો. વધુ લોકોની આંતરડી ઠારજો. લાલિયાને (અપંગ પુત્રને) આપણા ટસ્ટી (ટ્રસ્ટી) ચંપુભૈ ને ન્યાં વધારાનું કોમ મલ્યું છે તો લાલિયો કિયે કે માડી છાશવાળાં બોનને સો વધારે આલજો.’ પછી દર વખતની જેમ કહે : ‘મુંને રસીદ નો ખપે. છાશ પીવાનો ટેમ નથી. હું તો આ હાલી. મારા વન્યા ગાયું ભેંશું ભોંભરતી હશે…’
હવે બન્યું એવું કે બહેન હજુ બોલવાનું પૂરું કરે ત્યાં પેલા ટ્રસ્ટી ચંપુભૈ એટલે કે ચંપકભાઈ પોતે આવ્યા. ગાડીમાંથી ઊતરી, બારી પાસે આવી અને હજારની એક નોટ સેવાનિષ્ઠ બહેન તરફ ફેંકતા બોલ્યાં : ‘છોકરી, પેટ્રોલના ભાવવધારાને લીધે છાશ માટે બેહ જારને બદલે હજાર રૂપિયા આપું છું. હું છાશ પીને આવું ત્યાં સુધી તું રસીદ બનાવી રાખ….’
સેવાનિષ્ઠ બહેનનો અંતરાત્મા બોલી ઊઠ્યો : ‘ચંપુભૈના માહ્યલાં માંહેની સ્વાર્થભરી મતલબી ‘બૂ’ મારતી મણ જેટલી હજાર રૂપિયાની સખાવત આગળ, લાલિયાના વધારાના સો રૂપિયાની કીડીના કણ જેટલી ‘આંતરડી ઠારજો’ જેવી સખાવત. આ અમીરી સખાવતને કારણે હજુ પુણ્ય પરવાર્યું નથી.’
ટિપ્પણીઓ