ચાલીસની ઉંમરે પહોંચેલા,સંજોગવસાત, કુંવારા રહી ગયેલા, સરળ, ભોળા હ્યદયના, એક સજ્જ્નને,આટલી ઉંમરે, તેમને લાયક ,સારો નરસો છોકરો કરવામાં રઝળી પડેલી,૩૮ વર્ષની કન્યા મળી અને બંન્નેના લગ્નનું ચોકઠું ગોઠવાઈ ગયું.
હવે મઝા એ બાબતની હતીકે, આ કાંઈ મુગ્ધાવસ્થામાં રાચતાં, વરઘોડીયાં તો હતાં નહીં..!! તેથી પહેલા જ દિવસથી પેલી પત્નીએ, ભોળા પતિને વશમાં કરી, બાકીનાં ઘરનાં સદસ્યથી, અલગ કરવાનો કારસો, કપટ કરવાનું શરું કરી દીધું.
પેલા પતિદેવ ભલે ભોળા હતા,પણ બાકીનાં ઘરનાં કાંઈ મૂરખ ન હતાં, આ ભોળા ભાઈનાં માતા પિતા,નાનો ભાઈ,નાની બહેન બઘાંને,થોડા દિવસમાં જ જ્ઞાન થઈ ગયુંકે, નવી આવેલી વહુના ઈરાદા સારા નથી,ભાઈને વશમાં કરીને ઘરનો, તિજોરીનો અને ધંધાનો સઘળો વહીવટ, તેને પોતાના હાથવગો કરવાની બદદાનત લાગે છે ?
ઘરનાં બાકીનાં બઘાંજ સદસ્ય એક થઈને, નવી આવેલી વહુના બધાજ દાવ હવે ઉંધા વાળવા લાગ્યા. નવી વહુને , મનમાં આ બાબત ઘણીજ ખટકવા લાગી. ધીરે ધીરે ઘરનાં હોશિયાર સદસ્યોએ, નવી વહુને, ઘરની કામવાળી જેવો દરજ્જો આપી દીધો. ઘરનાં તમામ માટે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું જમવાનું તથા ઘરનાં અન્ય નાંનાં મોટાં કામ.....ઊ..ફ..ફ...!!
થોડા જ દિવસમાં નવી વહુ, કામના બોજને કારણે કંટાળી ગઈ, તેને તો પતિ સાથે દિવસ દરમિયાન પાંચ મિનિટ વાત કરવાનો પણ સમય ના મળે, તેવો તખ્તો ઘરનાંએ ગોઠવી દીઘો હતો. રાત્રે થાકીને તે એવી નરમઘેંસ જેવી થઈ જતી કે, ક્યારે ઉગે સવાર..!! તેનીજ ખબર તેને ના રહેતી.
એવામાં એક દિવસ,આ નવી વહુની, માઁ એને મળવા આવી. માઁને જોતાંજ દીકરીએ, સાંસરિયાં, તેને તેના ઈરાદામાં ફાવવા નથી દેતાં, તેવી ફરિયાદમાઁ પાસે કરી દીધી. દીકરી કરતાં માઁ સવાઈ ઉસ્તાદ હતી, તેથી દીકરીને કાનમાં, એક અકસીર ઉપાય બતાવી, થોડો સમય રોકાઈ, તે રવાના થઈ ગઈ.
થોડીવાર પછી સાંજનું જમવાનું બનાવવાનો સમય થયો હોવા છતાં, વહુ રસોડામાં ના દેખાતાં, સાસુએ વહુને, સાંજની રસોઈ બનાવવા કહ્યું.
બસ થઈ રહ્યું, નવી વહુ ધડામ..મ કરીને ભોંય ઉપર પડીને આળોટવા લાગી, સાસુએ ગભરાઈને બુમાબૂમ કરતાં, પેલા ભોળા પતિ સહીત, બધાંજ દોડી આવ્યાં,
વહુને વાઈ આવી હશે તેમ,સમજીને કોઈ તેને,જૂતાં તો કોઈ વળી કાંદા સુંઘાડવા લાગ્યાં,એટલામાં તો વહુએ પોતાના વાળ છૂટ્ટા કરીને,મોટી ત્રાડ નાંખી,જોર જોરથી ધૂણવાનું શરું કર્યું.
બૂમાબૂમ સાંભળી દોડી આવેલાં,પડોશી શ્રદ્ધાળુ માજીએ વહુને, ધૂણવાનું કારણ પૂછ્યું, તો વહુએ ધૂણતાં ધૂણતાં પોતે કોઈ જોગણી હોવાનું જણાવતાં જ, સહુ કોઈ વહુને પગે લાગવા લાગ્યા.થોડીવારમાં તો આખા મહોલ્લાના લોકો આવી ફળફૂલ, દીવા અગરબત્તી, નાળીયેળ ચઢાવવા લાગ્યા.
આ બધું જોઈને હવે તો આ વહુનાં સાસુ સસરા પણ, રખેને જોગણી કોઈ શ્રાપ આપે, તે ડરથી વહુના ચરણે, પગે લાગી, માફી માંગવા લાગ્યાં.
થોડા દિવસમાં જ ,નવી વહુને આ નવો દાવ એવો ફાવી ગયો કે, કોઈને શક જવાની વાત તો દૂર, ઘરનાં તમામ કામ કરવામાંથી મૂક્તિ મળી ગઈ.
હવેતો એવા દિવસ શરુ થઈ ગયાકે..!! ભૂલથી તેનો પતિ પત્ની પાસે પાણીનો ગ્લાસ પણ માંગે કે, તરતજ આ કુશળ અભિનેત્રી, ધૂણવાનું શરુ કરે,મહોલ્લો દોડી આવે,ચરણસ્પર્શ કરે અને ઘરકામની વાત વિસારે પડી જાય.
હવે તો ઘરનાં બાકીનાં સદસ્ય વહુનાં નોકર બની, નવી વહુને, તેના રુમમાં તે જે વસ્તુ મંગાવે તે, હાજર કરવા લાગ્યાં, રખેને જોગણી શ્રાપ આપે તો.ઓ.ઓ..!!
આવું થોડા દિવસ ચાલ્યું હશેને, એક દિવસ ફરીથી આ વહુનીમાઁ દીકરીને મળવા આવી પહોંચી, પોતાનું શીખવાડેલું કપટ સફળ થઈ રહેલું જાણી તથા,દીકરી તો હવે શેઠાણીની માફક ઘરમાં રાજ કરતી હોવાનું જાણી, માઁ ઘણી રાજી થઈ, ઘણાજ સંતોષ સાથે, હવે તિજોરીની ચાવી કબજે કરવાની યુક્તિ બતાવીને, માઁ રવાના થઈ.
થોડીવાર પછી,સાંજનું જમવાનું તૈયાર કરવાનો સમય થતાંજ સાસુએ વહુને મદદ કરવાની વિનંતી કરી, તે સાથે જ આદત મૂજબ વહુએ ધૂણવાનું શરુ કરી મહોલ્લો ભેગો કરી દીધો. પણ આ શું ?
નવી વહુને જોગણી આવતાં હતાં, તે દરમિયાન જ પતિદેવ પણ તેની સામે, જોર જોરથી ઉછળી કુદકા મારવા લાગ્યા. એકઠાં થયેલા સહુ કોઈ આ કૌતુક જોઈને, પેલી વહુને પડતી મૂકી તેનો વર ઠેકડા મારતો હતો, ત્યાં જમા થઈ ગયા. એટલામાં કોઈએ નમન કરીને આપ કોણ છો તેમ,પૂછતાં જ પતિદેવે પોતે હનુમાનજી હોવાનું કહ્યું અને પોતાની ગદા તરત લાવી આપવાની જીદ ધારણ કરી.
ગદા તો ના મળી,પણ ગદાને બદલે, કોઈએ પેલા ભાઈના હાથમાં લાકડી પકડાવી દેતાં, હનુમાનજી વિફર્યા, સામે ધૂણતી પત્નીની પાસે જઈને રોષપૂર્વક, "પોતાની ગદા,આ જોગણીએ જ સંતાડી છે,"કહી તેને બરડામાં જોરથી લાકડી ફટકારવા લાગ્યા.
પેલી નવી વહુને આવેલી જોગણી,મારના ત્રાસથી ડરીને નવી વહુના શરીરમાંથી જાણે ભાગી નીકળી હોય તેમ, નવી વહુ, પોતાના અસલરુપમાં આવી જઈ " ઓ મારી માઁ રે, મને મારશો મા, હમણાં જ ગદા શોધું છું,.".તેવી વિનંતી કરવા લાગી.
પછીતો બે ચાર દિવસમાં બધું ઠેકાણે પડી ગયું,કામ કરવાની વાત આવે એટલે,વહુને જોગણી આવે,તે સાથે જ પતિને હનુમાનજી શરીરમાં પ્રવેશી,એમના હાથમાં જે આવ્યું તે ધારણ કરીને જોગણીને હજીસુધી, ગદા ના શોધી આપવા બદલ, મારી મારીને અધમૂઈ કરી નાંખે.
છેવટે , નકલી જોગણીએ માર ખાવાના ડરથી, નવી વહુના શરીરમાં પ્રવેશવાનું જ બંધ કરી દીધું,આ બાજૂ જોગણી ના આવેતો, બિચારા હનુમાનજીને પણ ગદાની શી જરુર ? તેમણે પણ પતિદેવના શરીરમાં પ્રવેશવાનું છોડી દીધું.
ભલા ભાઈ, હવે નવી વહુ નાટક કરતી નથી,ઘરનાં તમામ કામ જાતે કરે છે,પતિદેવ પણ પત્નીના સ્વભાવમાં આવેલા ફેરફારથી ખૂશ છે,ઘરનાં બધાં સદસ્ય તો ખૂશ છે જ
જોકે,મને પછી જાણવા મળ્યુંકે, જોગણીના નાટકને ચાલુ રાખી તિજોરીની ચાવીઓ હસ્તગત કરવાની વાતો દીકરી અને માઁ એકાંતમાં કરતા હતાં ત્યારે, માઁ દીકરીની, આ વાત પતિદેવ સાંભળી જતાં, તેમણે પત્નીની સામે હનુમાનજી પોતાના શરીરમાં પ્રવેશતા હોવાનું નાટક કર્યું હતું.
દીકરી (નવી વહુ) ફોન ઉપર,તેની માઁ ને કહેતી હતી," આજ પછી તારે મને કોઈ ઉપાય બતાવવા નહી, હનુમાનજીનો માર,તારે નહીં મારે ખાવો પડે છે...!!"
જોકે મને ખાત્રી છેકે, માઁ એ સામે એટલું ચોક્કસ કહ્યું હશેકે, "પુરુષો ભોળા દેખાતા હશે, પણ હોતા નથી,આપણે છેતરાઈ ગયાં બેટા."
ઉપસંહાર - કોઈની સાથે છેતરપીંડી કરનારાને,વખત આવે,પોતાની કુશાગ્ર બુધ્ધિનો ઉપયોગ કરીને તેની ટેવ છોડાવવામાં કાંઈ ખોટું નથી.
આપના ઘરમાં આવા પ્રયોગ કરવાની નોબત આવે તો,દરેકે પોતાના જોખમે પ્રયોગ કરવા,મારી કોઈ જ જવાબદારી નથી.
ઘણીવાર હનુમાનજીને વાતાવરણ ગમે તો, કાયમ માટેય ઘરમાં રહી જાય..!! પછી મને કહેતા નહીં કે , મેં ચેતવ્યા ન હતા..!!
ટિપ્પણીઓ