આલેખન: કિશોર મહેતા
પત્થર હૃદયને પણ પીગળાવીને મીણ જેવું નરમ કરી શકે તેવી જીવનની અમૂલ્ય મૂડી જો કોઈ હશે તો તે દિલથી બાંધેલો સુંવાળો 'સંબંધ' છે. હૃદયના તાર ઝણઝણાવીને આંખના કોરાં ખૂણાં પણ ભીના કરી દે તેવી વાત જો કોઈ હશે તો નિ:સ્વાર્થ સંબંધની છે.
સૌરાષ્ટ્રના એક નાનકડાં ખેડૂત કુટુંબની આશરે ૭૫ વર્ષ પહેલાંની આ ઘટના છે. ખેતીકામ કરવા માટે બાપદીકરો વહેલી સવારે વાડીએ (ખેતરે) પહોંચી જતાં. બપોરે જમવાનું તૈયાર થઈ જાય એટલે તે લઈને પુત્રવધુ તે ભાત (ખાવાનું) આપવા નિર્જન સૂમસામ રસ્તો ભેદીને વાડીએ પહોંચી જતી. પડછંદ કાયા અને સિંહણ જેવી હિંમત અને ખુમારીવાળી આ અલ્લડ યુવતી પોતાના પતિ અને સસરાને જમાડવા હોંશભેર જતી. તહેવારના એક દિવસે, આ યુવતી ભાત લઈને વાડીએ (ખેતરે) જવા નીકળતી હતી ત્યારે અનુભવી છતાં જરાં આકરાં સ્વભાવની સાસુએ જરા રોષમાં આવી જઈને કહ્યું: 'વહુ તું આમ નિર્જન વગડાના રસ્તે થઈને વાડીએ જાય છે તો અંગ ઉપરના આ મોંઘા ચાંદીનાં કડાં, બલૈયા, હાંસડી વગેરે ઘેર મૂકીને જા. ભાન નથી ? ત્યાં રસ્તામાં તારો બાપ (ડાકુ) મળી જશે તો! તારાં સંધાય દાગીના ઉતરાવીને લઈ જશે. અક્કલ છે કે નહીં?' (આશરે સાત દાયકા જૂની આ વાત છે જ્યારે સાસુ, વહુને ક્યારેક ચીડાઈ જઈને 'તારો બાપ' કે 'તારી મા' એવી ઉપમા કે ગાળ આપી શકતી. હવે તો સાસુ માટે દા'ડા બદલાઈ ગયા છે.) અલ્લડ અને ઉતાવળી પુત્રવધૂ સહેજ ગુસ્સામાં આવી ભાત (ભાથું) લઈને નીકળી પડી. ત્યાં રસ્તામાં તે વિસ્તારમાં બહારવટે ચડેલો ખૂંખાર ડાકુ યુવતીને સામે જ ભેટી ગયો. લીંબુની ફાડ જેવી ખૂન્નસભરી આંખો, અણીયાળી ભરાવદાર મૂછો અને અવાજમાં નિર્દયતા ટપકતી વાણીવાળા ડાકુને જોતાં આ પુત્રવધૂ ચોંકી તો ઊઠી પણ લગીરે ગભરાયા વિના ઊભી રહી ગઈ.. ડાકુએ, જાણે ત્રાડ નાંખતો હોય તેમ બોલ્યો: 'એય છોકરી! ઝાઝો વિચાર કર્યા વિના આ અંગ ઉપરના બધાજ દાગીના, પગના કડાં, હાંસડી, ઝટ ઉતારી ને આપી દે.. હેંડ ઝટ કર.. પોલીસ મારી પાછળ પડેલી છે.' જરાય ડર કે ગભરાટ વિના મરક મરક હસતું મોઢું રાખીને તે દાગીના કાઢીને મૂકવા માંડી.. અને બોલી કે, 'મારી અનુભવી સાસુએ તો મને કહેલું જ કે, દાગીના ઘેર મેલીને જા. રસ્તામાં તારો બાપ ડાકુ મળશે તો બધું કઢાવશે. પણ હું તો દાગીના પહેરી રાખીને જ નીકળી.' ડાકુને જરા આશ્ચર્ય અને રમૂજ થવાથી કારણ પૂછ્યું તો યુવતી કહેઃ મેં વિચાર કર્યો કે, 'રસ્તામાં ડાકુ.. મારો બાપ હોય, તો તો તે દીકરીના દાગીના કઢાવે કેવી રીતે? બાપ હોય તે દીકરીનું કાંઈ લે ખરો? બાપ તો દીકરીને ઉલ્ટાનું આપે.' અને યુવતીના આ શબ્દો કાને પડતાંજ આ ધાડપાડુના હૃદયમાં ઘમાસાણ મચી ગયું, તેની આંખોમાંથી ડળક ડળક આંસુ ખરવા લાગ્યા અને પછી તો ગજબ થયો... પહાડ ઉપરથી કડડભૂસ કરતી ભેખડ ધસી પડે તેમ ઘોડા ઉપરથી ડાકુ નીચે ઉતરી પડયો અને ભોંય ઉપર ઢગલો થઈને નીચે પડયો ને નાના બાળકની જેમ તે રડતાં રડતાં બોલ્યો, 'અરે છોકરી! શું તેં મને તારો બાપ કહ્યો? જા લઈ જા, આ તારા બધા દાગીના પાછા, ને પહેરી લે! શું બાપ એટલો નીચ અને પાપી થાય કે દીકરીને લૂંટી લે? અરે મારી વ્હાલી દીકરી! લે આ બાપ તરફથી આ કડું.' એમ કહીને તેણે હાથ ઉપરનું ૩૦૦ ગ્રામ જેટલા વજનનું ચાંદીનું વજનદાર કડું આપી દેતાં કહ્યું: 'બેટા લે! આ તારા બાપ તરફથી નાનકડું દાપું.. લે બેટા, હવે હું ભાગું. હવે મારાથી રોકાવાશે નહીં. મારી પાછળ પોલીસ મારતે ઘોડે પકડવા નીકળી છે. હું જાઉં.' બહુ ભાવપ્રધાન એવી આ ઘટના છે. બાપ તરીકેના સંબંધના ઉચ્ચાર માત્રથી ઘાતકી અને ક્રૂર ગણાતા હૃદયમાંથી ભાવની કેવી સરવાણી ફૂટી, કે લૂંટવા નીકળેલો ડાકુ પોતે જ જાણે લૂંટાઈ ગયો.. ક્રૂર અને ઘાતકીપણું સાવ ઓગળી ગયું અને અશ્રુરૂપે નેત્રમાંથી વહેવા લાગ્યું.
સંબંધના સુંવાળા ગણાતાં બંધનથી અનેક ચમત્કાર સર્જાય છે સંબંધ બાંધીએ ... ભગવાન સાથે
વેદ, ઉપનિષદ્ અને ગીતાના જીવનસ્પર્શી વિચારો આપણને ભગવાન સાથે બસ, માત્ર એક વાત ભારપૂર્વક સમજાવે છે કે જો સંબંધ ભગવાન સાથે બાંધશો તો જીવન બદલાઈ જશે. સંબંધ બંધાતા કેવા કેવા ચમત્કારીક પરિવર્તનો આવે છે?? એક ‘तत्वमसि’ જેવા નાના શબ્દમાં અગાધ સમજણના સાગર છલકાય છે. ‘तत्वमसि’ દ્વારા રામાનુજાચાર્યએ સમજાવ્યું તે ‘तत्वमसि’ એટલે કે તે (પ્રભુ) ના લીધે જ તું છે, ભૂલતો નહીં. તો આચાર્યશ્રી મહાપ્રભુજીએ કહ્યું: ‘तत्वमसि’... તેનો તું છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે કહ્યું; ‘तत्वमसि’.. તે જ તું છે. 'હું ઈશ્વરનો છું, તે મારી સાથે છે, મારી અંદર જ બેઠો છે.' આ સમજણ આવતાં માણસના વિચાર, વર્તન અને વાણી બધું જ બદલાઈ જાય છે. આ વાત ત્રિકાલ સંધ્યા દ્વારા પૂજનીય दादाએ ક્યારનુંય સિદ્ધ કરી દીધું છે અને ભારતમાં જ નહીં વિશ્વના ૩૪ જેટલા રાષ્ટ્રોમાં લોકમાનસમાં જે પરિવર્તન આવ્યું છે તે તો હવે જગજાહેર વાત છે. ઊંડો વિચાર કરીએ તો દેશવિદેશના કરોડો લોકો વિવિધ માનસિક અને વૈચારિક પ્રક્રિયા દ્વારા ભગવાન સાથે સંબંધ બાંધીને પ્રભુ સાથેનું સગપણ દૃઢ કરવા માટે સજાગપણે સક્રિય હોય છે. ક્રિયાશીલ તત્ત્વચિંતક પૂજનીય दादाએ ત્રિકાલ સંધ્યાના વિચારમૂલક દ્વારા કરોડો લોકોને ભગવાન સાથે સંબંધ બાંધવાની પ્રેરણા આપીને, કરોડો લોકોના જીવન બદલાવ્યા છે. આચાર્યશ્રી મહાપ્રભુજીએ પણ તેમના કાળમાં કેટલું મોટું કાર્ય કરીને ભક્તિનો ઉચ્ચતમ કૂદકો ભરવાનું સમજાવીને જીવનમાં પુષ્ટિ લાવવાનું સમજાવ્યું. તેમણે પ્રભુ સાથે સંબંધ બાંધવા માટે બ્રહ્મસંબંધનો વિચાર આપ્યો, તે તો અતિશય અદ્ભૂત વિચાર છે; દિવ્યતમ વાત છે. જરા વિચાર તો કરો! સવારે ઊઠતાંની સાથે જ ‘करमध्ये तु गोविन्द' બોલનારના જીવનમાં કેવી ધન્યતા છવાઈ જાય? સવારથી જ, માણસ પ્રામાણિક બનીને જો વિચારે કે, મારા જીવનની દરેક ક્રિયામાં ગોવિંદને જ કેન્દ્રમાં રાખીશ તો આખા દિવસ દરમ્યાન એક પણ ખોટું કામ થશે જ નહીં. પણ માણસ આ શ્લોકનું પોપટીયું રટણ જ કરતો રહે તો ગોવિંદને જીવનના કુંડાળામાં અને વ્યવહારમાં વચ્ચે રાખવાને બદલે પ્રભુને વર્તુળના છેવાડે (પરીધ) ઉપર જ મૂકી આવે છે, અને કેન્દ્રમાં રહે છે - સ્વાર્થ, ફાયદો, સાંસારિક સંબંધો અને વિત્ત. 'શ્રીકૃષ્ણ: શરણં મમ'... એ મંત્ર દ્વારા આચાર્યશ્રી વલ્લભાચાર્યજીએ પણ ભગવાન સાથે સંબંધ બાંધીને તેમાંથી હૂંફ અને શક્તિ લેવાનું સમજાવ્યું છે. આ મંત્રનો કેટલો પ્રેરણાદાથી અર્થ પ્રાત:સ્મરણીય પૂજનીય दादाએ સમજાવ્યો છે? શરણમાં અસહાયતા, helplessness કે લાચારી અંશમાત્ર નથી. તેમાં તો પ્રભુ માટેનું Devotion અને Dedication છે. પરિણામે પ્રભુનો પ્રતિસાદ એટલે કે પ્રસાદ તરીકે પ્રભુ આપણને આપે છે Help, Defence અને Protection... મદદ, બચાવ અને સંરક્ષણ, ભગવાન સાથે સંબંધ બાંધ્યા પછી જીવનમાં અદ્ભુત પ્રકારની નિશ્ચિંતતા અને નિર્ભયતા આવી જાય છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે, માણસ પ્રામાણિક બનીને પ્રભુ સાથે સંબંધ બાંધવા તૈયાર હોય છે? ભગવાનના મંદિરે દર્શન કરવા જનાર પ્રત્યેકે પોતાની જાતને પૂછવું જોઈએ કે, હું ભગવાનને મળવા, સંબંધ દૃઢ કરવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવ્યો છું કે મારા મનમાં રમતી માંગણીઓ પૂરી કરવાનું કહેવા આવ્યો છું? શિવાલયમાં જઈને માણસ ભગવાનની 'જેહ' બોલાવતો તો હોય પણ તે તો પોતાના સ્વાર્થ માટે! તો તેની માંગણીઓ ભગવાન શા માટે સાંભળે? શિવભક્ત જો જોરથી 'જેહ' બોલાવે કે જેહ બમ બમ ભોલે... દે દે સોને કે ગોલે… તો આ તો ભિક્ષુક વૃત્તિ થઈ કહેવાય. બીજો ભગત બોલે: 'હે દ્વારકાધીશ! માંગુ છું વીસ પણ આપજે ત્રીસ (લાખ)' આવી ભક્તિથી કદી જીવનવિકાસ થાય ખરો? આપણાં આંગણે પણ ભીખ માંગનારો આવે તો પાંચદશ રૂપિયા આપીને વિદાય કરીએ, પણ તેને ઘરની અંદર પેંસવા દઈએ ખરા? કદી નહીં. ભગવાન પાસે જેવો સંબંધ બાંધીને જઈશું તેવો તેનો પ્રતિસાદ (પ્રસાદ) મળે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૧મા અધ્યાયમાં ૪૪મા શ્લોકમાં બહુ સુંદર સ્પષ્ટતા અર્જુન દ્વારા થયેલી છે. ભગવાન पितेव पुत्रस्य सखेव सख्यु प्रियप्रियार्हसि देव सोढुम… બને છે. ભગવાન પાસે પુત્ર બનીને જઈશું તો પિતાની જેમ સાચવશે, સખા બનીને જઈશું તો અર્જુનને જેમ સંભાળ્યો તેમ આપણાં જીવનરથના સારથિ બનવા તૈયાર જ છે. અને પત્નીની ભૂમિકાથી પરણી જઈશું તો પ્રભુ પ્રિયતમની જેમ આપણા જીવનમાં ઓતપ્રોત થઈ જશે. પછી તો જીવન, પ્રભુના વિવિધ ભક્તો જેવું જ જીવન ફક્કડ અને નિર્ભય બની જાય. ટૂંકમાં, પ્રભુ સાથેનો આપણો સંબંધ જેવો હોય છે, તે પ્રમાણે પ્રભુ ભૂમિકા લે છે.
ગીતાનો સાતત્યપૂર્વકનો સ્વાધ્યાય આપણને ભારપૂર્વક સમજાવે છે કે, અવતારી મહાપુરુષનું કાર્ય સમજીને પ્રભુ ઉપરનો વિશ્વાસ દૃઢ કરવાનો. આચાર્યોના સ્તોત્રોનું ભાવપૂર્વક પારાયણ કરીને ભગવાન સાથેનો સંબંધ દઢ કરવાનો હોય, આપણી માત્ર વાણી જ નહીં પણ મન, બુધ્ધિ અને ચિત્તને પવિત્ર કરવા માટે આ અત્યાવશ્યક છે. गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि... એ ભવાન્યાષ્ટકમ્ નું પારાયણ કરીએ ત્યારે પ્રભુ સાથેનો સંબંધ અને પ્રેમ વધુને વધુ દઢ થતાં હોય છે. પૂજનીય दादा, પૂજનીય दीदीના જીવનકાર્યની વાતો આપણા અંત:કરણમાં ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ દૃઢ કરતાં હોય છે. પ્રભુ સાથે સંબંધ બાંધવા માટેનું અમૂલ્ય રસાયણ તેમના જીવન કાર્યમાં સમાયેલું હોય છે.
ટિપ્પણીઓ