લેખક: દીપક ત્રિવેદી
રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનું મંગળપર્વ છે. આ પવિત્ર પ્રસંગે ભાઈ બહેનને કહે છે : તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે. અને તે સર્વસ્વ આપવાની તૈયારીનાં પ્રતીકરૂપે ભાઈ બહેનને ભેટ આપે છે. પરંતુ આજે એમાંનો ભાવ ખોવાઈ ગયો છે. માત્ર વ્યવહાર જ રહ્યો છે. ફૂલ અને ખુશ્બૂ જેવો પવિત્ર અને અતૂટ નાતો તૂટતો જાય છે. અત્યારે કોઈ-કોઈ ભાઈ પૈસાના મદમાં બહેનને ભૂલી જાય છે. આવો એક નજરે જોયેલો કિસ્સો અહીં હું ટાંક્યા વિના નથી રહી શકતો.
અમારા ઘરની પાછળ એમ.પી. શાહ કૉલેજમાં નાની એવી પૉસ્ટ-ઑફિસમાં રક્ષાબંધન પૂર્વેના એક શનિવારે હું રાખડી પોસ્ટ કરવા અને પહેલી તારીખ હોવાથી મારાં બાનું વ્યાજ લેવા ગયો હતો. રક્ષાબંધન નજીક હોવાથી ઘણી બહેનો કવર લેવા કે રાખડી પોસ્ટ કરવા આવી હતી. ત્યારે 65 થી 70 વર્ષનાં એક માજી, કે જેમના હાથ ધ્રૂજતા હતા, સહેજ વાંકાં વળી ગયાં હતાં તે હાંફળાં-ફાંફળાં મારી પાસે આવીને કહે કે, ‘ભાઈ, આ સરનામું કરી દે ને. મારા ભાઈને રાખડી સમયસર પહોંચાડવી છે.’ મેં એ સરનામું કવર ઉપર લખી આપ્યું. પછી મેં કહ્યું કે માજી કાંઈ લખવું નથી ? તો કહે, ‘હા, હા, લાવ ભઈલા.’ ને એમણે મોટા-મોટા અક્ષરે થોડુંક કાંઈક લખ્યું. એમનાં લખાણ ઉપરથી લાગતું હતું કે થોડું-ઘણું ભણ્યાં હશે. ખૂબ જાળવીને રાખડી ઉપાડીને કેટલીય વાર પોતાની મેલી સાડીથી લૂછી, ચૂમી અને ખૂબ પ્રેમથી કવરમાં મૂકી અને મૂકતાં મૂકતાં આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
મેં કહ્યું : ‘માજી, તમને તમારા ભાઈ બહુ વહાલા હશે નહીં ?’
ત્યારે માજી કહે : ‘દુનિયાની દરેક બહેનને એનો ભાઈ વહાલો જ હોય પણ ભાઈને બહેન….’ એમ કહીને જાણે ભાન આવ્યું હોય એમ અટકી ગયાં. મેં કહ્યું : ‘કેમ માજી આવું બોલો છો ?’
તો કહે, ‘કાંઈ નહીં ભઈલા ! મેં મારા ભાઈને કેડમાં તેડીને રમાડેલો છે. પણ અત્યારે એ એટલો મોટો થઈ ગયો છે કે મને બોલાવતોય નથી. કોણ જાણે મારી આ રાખડીયે બાંધતો હશે કે કેમ ?’ એમ કહેતાં માજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યાં. ત્યારે મને થયું કે શું આ અતૂટ રિશ્તો છે ! ભાઈ-બહેનની પ્રીતનું પવિત્ર પ્રતિક છે !
ટિપ્પણીઓ