લેખક: મોહમ્મદ માંકડ
વિયેટનામમાં ગયેલ અમેરિકન સૈનિક બી. કીથ કોસીએ એક હૃદયસ્પર્શી વાત લખી છે. કોસી અને એનો એક મિત્ર સૈનિક વિયેટનામનાં એક ખખડી ગયેલ દવાખાનાના મકાન પાસે બેસીને લંચ લઈ રહ્યા હતા. ખાણું પૂરું થવા આવ્યું ત્યારે તેમની નજર થોડે દૂર બેઠેલ એક ખખૂડી મખૂડી છોકરા ઉપર પડી. તેમની સામે જ તે જોઈ રહ્યો હતો. તેની ઉંમર અગિયાર-બાર વર્ષની હતી, અને અપોષણથી તે પીડાઈ રહ્યો હતો. કોસીને ખ્યાલ આવી ગયો કે તે ભૂખ્યો હતો, પરંતુ તે કશું માંગતો નહોતો – માત્ર મૈત્રી ભરી નજરે તાકી રહ્યો હતો.કોસીના મિત્રે તેને નજીક બોલાવ્યો. ખાવાનું તો ખતમ થઈ ગયું હતું. પાછળ માત્ર એક ગોળ ચોકલેટ વધી હતી. છોકરાના હાથમાં એ ચોકલેટ તેમણે મૂકી. કશું જ બોલ્યા વિના છોકરાએ એનો સ્વીકાર કર્યો. ખૂબ જ જાળવીને ચોકલેટના ત્રણ સરખા ટુકડા તેણે કર્યા. તેમાંથી, એક કોસીના હાથમાં અને બીજો તેના મિત્રના હાથમાં મૂકીને તેણે સ્મિત કર્યું. અને ત્રીજો ટુકડો લઈને, માથું નમાવીને તે ચાલ્યો ગયો.
(‘આપણે માણસ’ પુસ્તકમાંથી સાભાર.)
ટિપ્પણીઓ