લેખક: જયંત ગાડીત
આધુનિક કહેવાતા સાહિત્યકારોએ જયારે નિદાન કયુઁ હતુ કે ગુજરાતી નવલકથા નો નાભિશ્વાસ ચાલે છે તે સમયે એક મરમી અને પ્રતિબધ્ધ કરમી સજઁકે જીવાતા જીવનના પ્રશ્નો લઇ કલાત્મક નવલકથાઓ લખવા માંડી હતી. એ નવલકથાકાર એટલે જયંત ગાડીત. આ સજઁકે સાંપ્રત સમસ્યાઓને કલાત્મક ઢબે વાચા આપી છે. આધુનિકતાનો સૂરજ આપણે ત્યાં જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારે જયંત ગાડીતે જીવાતા જીવન સાથે નાતો જાળવી રાખી કલાત્મક નવલકથા ‘આવૃત’ આપી હતી. ‘આવૃત’ માં એમણે ઉચ્ચ શિક્ષણમાં પેસી ગયેલા દૂષણો છતા કયાઁ. ત્યારબાદ ‘બદલાતી ક્ષિતિજ’ માં એમણે પછાત વગઁના પ્રશ્નો વાઘરી જાતિની સ્થિતિ અને દૂષિત રાજકારણ નું કલાત્મક નિરૂપણ કરી આપણને વિચારતા કરી મુકયા.
‘બદલાતી ક્ષિતિજ’ માં લેખકે સામાજિક રાજકીય સંદભઁને સમાંતરે અલગ-અલગ પ્રજાસમુહના પ્રતિનિધિ એવા બે પાત્રોના આંતરબાહ્ય સંઘષઁને આલેખ્યો છે. અહીં ચતુઁવિધ દ્રષ્ટિકોણથી કૃતિની ગુણવત્તા સિધ્ધ કરી છે. પહેલા પ્રકરણમાં કૃતિની કેન્દ્રવતીઁ ઘટનાને ચુસ્તપણે રજૂ કરી બીજા, ત્રીજા અને ચોથા પ્રકરણમાં અનુક્રમે જીવાભાઇ, શના વાઘેલા અને મંગળ વાઘરીના આત્મકથન દ્રારા કૃતિની કેન્દ્રવતીઁ ઘટનાને સુક્ષ્મ રીતે પુષ્ટ કરી છે.
૧. ‘બદલાતી ક્ષિતિજ’ માં વસ્તુ ગુંથણીઃ- આ નવલકથામાં ઘટના માત્ર આટલી બને છે કે રશ્મિકાંત દેસાઇના પાડોશી સુયઁકાંત શાહની બદલી થઇ છે. તેની જગ્યાએ જીવાભાઇ વાઘરીની નિમણૂક થઇ છે. જીવાભાઇ રશ્મિકાંતના પાડોશી તરીકે રહેવા આવે છે. તે દરમિયાન ત્યાંના વિધાનસભ્યનું અવસાન થાય છે. જીવાભાઇ નોકરીમાંથી રાજીનામુ આપી ચૂંટણીમાં ઝંપલાવે છે ને એ ચૂંટણી જીતી જાય છે. આ ઘટના પાછળ કામ કરતા પરિબળોને વિશિષ્ટ કક્ષાએ પ્રયોજી અનેક સ્તરેથી સ્પશીઁને એક જુદુ જ વિશ્વ રચવા માટે લેખકે યથાથઁ પુરૂષાથઁ કયોઁ છે. કૃતિને ચાર ખંડમાં વિભાજીત કરતા સજઁક પ્રથમ ખંડમાં જાતિગત માળખામાં રૂઢ થઇ ગયેલા સમાજની વિભિન્ન પરિસ્થિતિનું આલેખન કરે છે. બીજા ખંડમાં જીવા વાઘરીનું મનો જગત એનો વલોપાતને વ્યથા એનાજ મોઢે વ્યકત થયા છે. આ બેઉ ખંડ એકમેકને એ હદે પૂરક બની રહે છે કે શના વાઘેલા દ્રારા કહેવતો ત્રીજો ખંડ અને મંગળ દ્રારા કહેવાતો ચોથો ખંડ માત્ર આગંતુક બની રહે છે. નવલકથા ના ચુસ્ત આકારમાં છેલ્લા બે ખંડ અનિવાયઁતા સિધ્ધ કરી શકતા નથી.
નવલકથાની વસ્તુસંકલના લેખકે પરંપરાગત શૈલીએ કરી નથી. પરંતુ પરંપરાથી જુદી રીતે પોતીકી સુઝબૂઝથી કરી છે. અહીં પ્રથમખંડમાં જ આખી નવલકથાની કથા સમાયેલી છે. બાકીના ત્રણેય ખંડ આત્મકથનાત્મક રૂપે છે. સંકલનાની આવી નવિનતા આસ્વાધ્ય લાગે છે.
૨. ચરિત્ર ચિત્રણઃ- વાસ્તવવાદી સજઁક પોતાના પરિવેશમાંથી પોતાના અનુભવ જગતમાંથી પાત્રો પ્રસંગો લઇ આવે છે. પાત્રોની વૈયકિતક છબી ઉપસાવે છે પણ અંતે તો એને સામાજિક સમસ્યા ના પ્રતિક તરીકે જ ઢાળે છે. બાહ્ય ઘટનાઓની સમાંતરે પાત્રોનું સંકુલ આંતર જગત, એમના સપનાઓ, આશાઓ, હતાશાનું જગત પણ પ્રગટ થાય છે. અહીં જે પાત્રો પસંદગી પામ્યા છે એ કોઇ ચીલાચાલુ પ્રકારના દેખાતા નથી. આ નવલકથાના કેન્દ્રમાં જીવાભાઇ વાઘરીનું પાત્ર છે પરંતુ એનામાં વાઘરી કોમના કે બાપદાદાના એકપણ અપલક્ષણ આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાત વિદ્યુત બોડઁના એન્જિન્યર રશ્મિકાંત દેસાઇ નું પાત્ર પણ મુખ્ય પાત્ર તરીકે આવે છે. સવણોઁનો દલિતો સાથેનો વતાઁવ, અનામત નીતિ તરફનો રોષ આ સઘળુ રશ્મિકાંત ના પાત્ર નિમિત્તે આલેખાયેલુ છે. આ ઉપરાંત જીવાભાઇની પત્ની શની, રશ્મિકાંતભાઇ ની પત્ની ચંદ્રિકા અને શના વાઘેલા જેવા ત્રણેક પાત્રો પણ નવલકથામાં મહત્વના છે. એ સિવાય ગૌણ પાત્રોમાં સુયઁકાંત શાહ, એમના પત્ની સુશીલા બહેન, કનુભાઇ, ગોવિન્દકાકા, ચાવડા, વશરામ, ભૂવો, રમણચતુર, મણિ, સોમો ભીમો વગેરે નો સમાવેશ થયેલો છે. આમ લેખકની પાત્રસૃષ્ટિ વૈવિધ્યસભર છે.
૩. મનોસંચલનો નું નિરૂપણઃ- નવલકથામાં મનોવૈજ્ઞાનિક અભિગમ નો પ્રારંભ જયંતિદલાલ ની ‘ધીમુ અને વિભા’ નવલકથા થી થયેલો ગણાય છે. તે પૂવેઁના લેખકો મોટેભાગે પાત્રોના જાગૃત મનની સપાટી પરની જ વાતો કરતા. નવલકથા માં મનોવૈજ્ઞાનિક અભિગમ વિશેષપણે સ્વાતંત્ર્યોત્તર નવલકથાઓ માં વિશેષપણે જોવા મળે છે.
‘બદલાતી ક્ષિતિજ’ માં જયંત ગાડીતે જીવાભાઇ વાઘરીના જાગૃત અધઁજાગૃત અને અજાગૃત મનનો ઊંડો તાગ મેળવવાનો પ્રયાસ કયોઁ છે શનિ પ્રત્યેના જીવાભાઇના વ્યવહારમાં નપુસક પતિ તરીકે ની મનોવસ્થાનું નિરૂપણ થયેલું છે. શનિની માનસિકતા સમજવામાં પણ એક પતિ તરીકે પોતે નિષ્ફળ હોવાનું એને લાગે છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી કે ન નોંધાવવી એવી દ્રિધામાં પડેલા જીવાભાઇ નું મનોવૈજ્ઞાનિક ઢબે થયેલું નિરૂપણ અને ચૈતસિક મનોભાવોનું આલેખન નવલકથાનો આસ્વાદ્ય વિષય છે.
બીજી તરફ રશ્મિકાંત દેસાઇ અને એની પત્ની ચંદ્રિકા ના જીવાભાઇ સાથેના સંબંધ અને વ્યવહારમાં આવી જ દ્રીધાના દશઁન થાય છે. એક તરફ જીવાભાઇ વાઘરી કોમના હોવથી રશ્મિકાંત ને એના પ્રત્યે ચીડ છે. એને ત્યાં પાણી પણ પીતા નથી. ચંદ્રિકા પણ શનિ ના આપેલા પ્રસાદને કચરાપેટીમાં નાંખી દે છે. વધારે બેસવા-ઉઠવાનો વ્યવહાર પણ એમની વચ્ચે નથી. તો બીજી બાજુ શનિ ચોક વાળીને ચોખ્ખી રાખે છે એ બાબતે ચંદ્રિકાને એના તરફ માન થાય છે. સૂયઁકાંત ની પત્ની સુશીલા આટલી ચોખ્ખી ચોક નહોતી રાખતી આ વાઘરી છે છતા ચોક ચોખ્ખી રાખે છે. એવુ એ વિચારે છે. જીવાભાઇ પણ શિક્ષક છે અને એનામાં પણ વાઘરીનું એકેય લક્ષણ નથી એઓ સવણોઁ સાથે રહીને એ પ્રમાણે જીવવા ઇચ્છે છે. એટલે એમની સાથે સંબંધ રાખવો કે નહિ ? રાખવો તો કેટલો રાખવો ? આ બાબતે ચંદ્રિકા અને રશ્મિકાંત દેસાઇનું મન ડામાડોળ થયા કરે છે એનું સૂક્ષ્મસ્તરે આલેખન લેખકે અહીં કયુઁ છે.
૪. ‘બદલાતી ક્ષિતિજ’ માં સામાજિક-રાજકીય સંદભઁ - આઝાદી પછી વિશિષ્ટ સમસ્યાઓનો સામનો કરતો દેશ સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક સ્તરે જે ખળભળાટ અનુભવતો હતો અને એક વિશિષ્ટ કહી શકાય એવી કટોકટી તરફ ધકેલાઇ રહ્યો હતો એનું ચિત્ર અહીં રજૂ થયું છે. ‘બદલાતી ક્ષિતિજ’ માં જેના વિશે સમાજશાસ્ત્રી પણ નક્કર અનુમાન ન કરી શકે એવુ આવનારા સમયનું નિરાશાવાદી લાગે એવુ ચિત્ર રજૂ થયુ છે. અહીં સંવાદી સમાજ રચના નિમાઁણ થવામાં કેટકેટલા પરિબળો અવરોધરૂપ બની શકે છે તે જોઇ શકાય છે. સૌથી મહત્વનું પરિબળ રૂઢ મનુવાદી માનસ તો ખરુ જ પણ એને વકરાવતું રાજકારણ સૌથી ગંભીર પરિબળ બનીને સામે આવે છે. વ્યકિત વ્યકિત વચ્ચે સામાજિક સ્તરે જે સંઘષઁ મંડાવાનો છે એ માંડલપંચ જેવા રાનકીય હથિયારોથી કેટલી હદે વકરવાનો છે એનુ સુચન અહીં જોઇ શકાય છે. તેથી તો કયારેક રશ્મિકાંત દેસાઇ પટેલો વિરૂધ્ધ પણ જેમ તેમ બોલે છે. દેસાઇના જાતિગત વિરોધી કથનો જૂઓ.(1) “આ આપણો ઇન્ડિયા કયારેય ડેવલોપ નહી થવાનો. ભ્રષ્ટાચાર કયાં જઇને અટકવાનો, શાહભાઇ બીસી છોકરાંને શું સંસ્કાર આપવાના ?”
(2) “છટ આ ચરોતરી પટેલિયા ખાવમાં શું સમજે.”(3) “યુવનો અને બુધ્ધિશાળીઓ નાસી જાઓ અહીંથી. આદિવાસીઓ હરિજનો વાઘરીઓને આપી દો રાજ તીરકામઠા ને ધારિયા લઇને ફયાઁ કરો. બહુમતી લોકશાહી દેશનું નિકંદન.”
(4) “ન ચાલે એક દિવસ ન ચાલે. બોલતા ફે ફે થાય એ માણસ વિધાન સભા માં જઇને શું કરવાનો ?”
દેસાઇની ઇષાઁળુ વૃત્તિ જીવાભાઇ નામના માણસ સામે નથી. એક સમગ્ર જાતિ સામે છે. અહીં સમાજનું જે ચિત્ર રજૂ થયુ છે તે પૂરેપૂરૂ વાસ્તવિક છે. વ્યકિતગત સમસ્યા ના સ્તરે પ્રગટ થયેલી સંવેદના સમુહની પિડા ને વ્યકત કરે છે. જ્ઞાતિ કે ધમઁના નામે ધૂણતા થયેલા આ ભૂતો વ્યકિતને ખતમ કરીને ટોળાનો એક ભાગ બનાવી દે છે. મારા કે તારાના સાંકળા વતુઁળને વળોટીને કયાંક આપણા વતુઁળમાં પ્રવશવા મથતી વ્યકિત ક્યાંયની નથી રહેતી પારકા ધુત્કારે છે. પોતીકાંને એ પારકી લાગે છે. સમાજની આ કડવી વાસ્તવિકતા લેખકે જીવાના પાત્ર દ્રારા વ્યકત કરી છે. અલબત રશ્મિકાંત દેસાઇ અને ચંદ્રિકા માં એવી કોઇ રૂઢ માન્યતાઓ જડબેસલાક છવાઇ ગઇ નથી કે શનિ અને જીવાભાઇ સાથેના સંબંધો તોડી ફોડી શકે. અહીં બન્ને કુટુંબ વચ્ચેના વ્યવહારોમાં સંયમ પૂવઁક કામ પાર પાડીને સંકુલ મનોવ્યથા અભિવ્યકિત પામી છે. સામજિક ઉપરાંત રાજકીય સંદભોઁનું પણ આવુ જ વેધક આલેખન ‘બદલાતી ક્ષિતિજ’ માં જોઇ શકાય છે. રશ્મિકાંત દેસાઇને પોલિટીકસ માં ખૂબ રસ છે જ્યારે પેયદરા મત વિસ્તારના મત સભ્ય કાળુભાઇ નું કાર અકસ્માત માં મૃત્યુ થાય છે અને તેની અવેજીમાં ચૂંટણી આવે છે. ત્યારે એ જીવાભાઇ વાઘરીને કોંગ્રેસ ની ટીકીટ આપીને ઉભો રાખે છે અને પોતાના તરફથી પૂરતો સહકાર આપી પોતાની રાજ રમત પોષે છે. કોંગ્રેસના એક જૂના કાયઁકર મોહન વારાની મહત્વકાંક્ષા પોતાને અડચણ રૂપ લાગતી હોવાનું જાણીને એ મોહનવારાની અવગણના કરી જીવાને ટીકીટ આપે છે. આથી મોહનવારા છંછેડાઇને ભાજપમાં ઉભો રહે છે. પરંતુ હારી જાય છે. આમ શનો વાઘેલો મોહનવારાને કોંગ્રેસમાં બદનામ કરે છે અને ભાજપની રહી સહી પ્રતિષ્ઠા ને ધક્કો પહોંચાડે છે. જે રશ્મિકાંત દેસાઇને પસંદ નથી. કેમે કે રશ્મિકાંત દેસાઇ ભાજપને માને છે અને એ જ્ઞાતિપ્રથાનો સમથઁક છે એટલે વાઘરી રાજકારણ માં આવે એ પણ એને ખૂંચે છે. આમ બહુ મોટા પાયે રાજકારણ નું નિરૂપણ જયંત ગાડીતે ‘બદલાતી ક્ષિતિજ’માં કરેલુ જોઇ શકાય છે.
૫. ‘બદલાતી ક્ષિતિજ’ માં કથન રીતિ- ‘બદલાતી ક્ષિતિજ’ જયંત ગાડીતે એક અનોખી રચનારીતિથી લખેલી નવલકથા કથાસજઁક જુદી જુદી રીતે કથાકથન કરવાનો પ્રયાસ કરે છે. કયારેક તટસ્થ રહીને જુદા જુદા પાત્રો વિશે રજૂઆત કરતો હોય છે તો કયારેક પ્રથમ પુરૂષ એકવચનની અભિવ્યકિત રીતિનો વિવિયોગ કરે છે. કયારેક જુદા જુદા પાત્રોને મુખ બનાવીને આત્મકથાનાત્મક રીતે કથન કરે છે તો કયારેક ડાયરીની શૈલીએ કથન કરે છે. અહીં આવતો રાજકીય-સામાજિક સંદભઁ ૧૯૮૧ ની ગુજરાત રાજ્યની ચૂંટણી પછીનો અને સ્વ ઇન્દિરા ગાંધીના અવસાન પૂવેઁનો છે. નવલકથાને ચાર ખંડોમાં લેખકે વિભાજિત કરી છે અને બધા પાત્રોનો પરિચય કરાવ્યો છે. બીજો અને ત્રીજો ખંડ આત્મકથનાત્મક પધ્ધતિએ લખાયેલો છે. બીજો ખંડ જીવા વાઘરીના મુખે ત્રીજો ખંડ શના વાઘેલાના મુખે અને ચોથો અંતિમ ખંડ જીવા વાઘરીના બાપ મંગળના મુખે કહેવાયેલો છે. આમ લેખકે એક નવાજ પ્રકારની કથનરીતિએ આ નવલકથા રજૂ કરી છે.૬. ભાષાશૈલીઃ- કથનરીતિ પછી જો લેખકની કોઇ આગવી વિશેષતા હોય તો એ છે એમની ભાષાશૈલી ‘બદલાતી ક્ષિતિજ’ માં જયંતગાડીતે સુરતી બોલી અને વાઘરી બોલી નો વિનિયોગ કરેલો જોઇ શકાય છે. જીવા વાઘરી અને શના વાઘેલાની શિષ્ટ ગુજરાતી, દેસાઇ-ચંદ્રિકા ની શુધ્ધ સુરતી, અન્ય પાત્રોમાં ચરોતરી બોલી, જીવાના મા-બાપ વાસની વાઘરી બોલી. આમ લેખકની ભાષામાં બોલી વૈવિધ્ય ધ્યાન પાત્ર છે. અહીં પ્રસંગોને ઉઠાવ આપવામાં પાત્રભાષાનો ઘણો મોટો ફાળો છે. અતિ અલંકૃત ભારેખમ ભાષા આમ પણ વાસ્તવવાદી નવલકથાકારને ન પોષાય. અહીં ભાષા આપણને છેતરી જાય કે સપાટી પર રાખી દે એટલી હદે સરળ છે અને એ સરળ ભાષાથી જ લેખકે પાત્રોના આંતર બાહ્ય સંકુલ પરિમાણ ઉઘાડી આપ્યા છે. જેમકે છોટુભાઇ નાયક ચંદ્રિકાને સમજાવે છે. એમાં સુરતી બોલી છે.
“ધીરજ રાખ પોરી, લાગ આવવા દેની. તને સુરત-નવસારી મોકલી દેવાનો. ઉતાવળ ની થાય. ઉતાવળ ની થાય.” કામ અથેઁ બહાર તાપમાં ફરવાથી રશ્મિકાંત ને તાવ જેવુ લાગે છે ત્યારે શનિ એમના વિશે કહે છે એમાં વાઘરી બોલી છે.”ફલૂ કે ટહાડિયો તાવ કઇયે નહિ તમે ગૉમડે ફરો બધો થોંનકો ઓરખો ન્હંઇ.”
1. આ ઉપરાંત નવલકથામાં સજઁકે સંસ્કૃત તત્સમ તદ્દભવ અને દેશ્ય શબ્દો પણ આવશ્યકતા અનુસાર પ્રયોજે છે. જેમ કે
2. “તે દિવસે નિરભ્ર ઝગમગતા આકાશમાંથી મોસમની સૌથી વધુ ઠંડી વરસી.”
3. જયારે રખરખતી, ડાફોરિયા, ડખુચોખા, ઉધમાત વગેરે દેશ્ય શબ્દો છે.
4. આ ઉપરાંત ચુંબન-ફૂંબન, સટર પટર, એસી તેસી, આદશઁ-ફાદશઁ, મરક મરક જેવા દ્રિરૂકત પ્રયોગો પણ પણ જોવા મળે છે.
5. એ સિવાય પોલિટીકસ, ડેવલોપ, ઇન્ડિયા જેવા અંગ્રેજી શબ્દો પણ શિક્ષિત પાત્રોના મુખે મુકયા છે.
6. કેટલીક જગ્યાએ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક જેવા અલંકારોનો વિવિયોગ પણ જોઇ શકાય છે. જેમ કે,
“માથા પર જીંથરા જેવા સફેદવાળ” અહીં ઉપમા અલંકાર છે.”જાણે કશી અસર વગરની મરી ગયેલી ચામડી જેવો લાગું છું.” અહીં રૂપક અલંકાર પ્રયોજાયેલો છે. આમ, સાદી સરળ અને લાઘવયુકત તેમજ વિવિધ બોલીઓની છાંટવાળી ભાષામાં લેખકે પાત્રોના સંવેદનો પ્રગટાવ્યા છે.
૭. જયંતગાડીત નું નવલકથાકાર તરીકે મુલ્યાંકન- જયંત ગાડીત આધુનિક ગુજરાતી નવલકથા ક્ષેત્રે ઓછા જાણતા હોવા છતા એમની અદ્યતન ટેકનિક અને રચનારીતિ ને કારણે વધુ વિવેચ્યક્ષમ બન્યા છે ‘બદલાતી ક્ષિતિજ’ માં એમણે પ્રસંગો સંવાદો દશ્યોની મદદથી બધી વાત વગર કહ્યે સુચિત થવા દીધી છે. સીધી સાદી ને સરળ વાતચિતમાંથી બે વગઁ વચ્ચેનો ભેદ તત્કાલિન રાજકારણ કોંગ્રેસ સામે પ્રતિબળ તરીકે આકાર લઇ રહેલી ભાજપની વિચાર સરણી રાજકીય સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે સંપૂણઁ મૂલ્યહ્ર્રાસ આ બધું એકાદ-બે જગ્યાએ પ્રગટ થેતી મુખરતાને બાદ કરતા કૃતિમાંથી આપો આપ જ વ્યંજિત થઇ શકયું છે. આ કૃતિમાં ભારતીય રાજકારણના એક ચોકકસ સમય ગાળાની સમસ્યા પર સ્પષ્ટ પણે આંગળી મુકાયેલી હોવા છતા એને દસ્તાવેજી કૃતિ કહેવાનો ઝાઝો અથઁ નથી. કારણ કે અહીં વ્યકત થયેલી સમસ્યાઓ આઝાદ ભારત માં હતી તે હજીયે એવી જ છે. આ વરવા સામાજિક વાસ્તવને જયંત ગાડીતે સીધી સાદીને સરળ ભાષામાં સમાજના બે વગઁના પ્રતિનિધિ દ્રારા આપણી સમક્ષ મુકી આપી છે. પાત્ર આ કે તે વગઁનું પ્રતિનિધિ હોવા છતા પાત્રભાષા એને પોતીકું પરિમાણ બક્ષે છે. લગભગ દરેક પાત્ર એના પોતીકાં પરિમાણને કારણે આપણા મન પર એક વિલક્ષણ છાપ છોડી જાય છે. પ્રસંગોને ઉઠાવ આપવામાં જીવા વાઘરી અને શના વાઘેલાની શિષ્ટ ગુજરાતી દેસાઇ ચંદ્રિકાની શુધ્ધ સુરતી અન્ય પાત્રોની ચરોતરી જીવાના મા-બાપ વાસની વાઘરી બોલી વગેરે પાત્રભાષાનો ઘણો મોટો ફાળો છે. અહીં રજૂ થયેલી ગદ્યશૈલીને જરા ઝીણી નજરે તપાસવા જેવી છે. સવઁજ્ઞ કથક દ્રારા કહેવાતી વાતમાં લેખકે આરંભે પેનો રેમા ની શૈલીએ દશ્ય ઉઘાડી આપ્યું છે. વૈશાખની રવરવતી ધૂળ અને ગરમીનું નવલકથાના આરંભે કરેલું વણઁન પછીથી દેસાઇના ઉકળાટનું પ્રતિક બને છે. જીવો વાઘરી સમાજમાં પ્રતિષ્ઠિત ઊંચી કોમ સાથે રહીને સવણોઁ જેવો થવા ઇચ્છે છે અને પોતાની કોમને એ રીતે ઊંચી ઉઠાવવા ઇચ્છે છે પરંતુ જીવાની નપુસકતા કોમને ઊંચે લાવવામાં જીવો અસક્ષમ છે. એ વાતનું પ્રતિક બને છે. આમ આખી વાત પ્રતિકાત્મક રીતે આલેખાયેલી છે. લેખકની કથનરીતિ પણ અહીં ધ્યાન ખેંચે એવી છે. કયારેક સવઁજ્ઞ કથન રૂપે તો કયારેક આત્મકથન રૂપે તો કયારેક ડાયરી રૂપે તો કયારેક અહેવાલ રૂપે કથા કહેવાનો લેખકે પ્રયાસ કયોઁ છે. દરેક પ્રકરણમાં અહીં કથક બદલાય છે. આ લેખકની સૌથી મોટી સિધ્ધિ છે. કથાના વસ્તુને પણ લેખકે એ રીતે ગુંથ્યુ છે કે પ્રથમ પ્રકરણ માં જ આખી ઘટનાનો ખ્યાલ આવી જાય છે અને બીજા પ્રકરણ માં જીવા વાઘરી ના જીવન વિશે પરિચય મળે છે. ત્રીજો અને ચોથો ખંડ રાજકારણ થી ભરેલો માત્ર આગંતુક બની રહે છે. આમ જયંતગાડીત ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ આધુનિક નવલકથાકાર પૂરવાર થાય છે.
ટિપ્પણીઓ