એક યુવાનને સત્ય અને અંતરની શાંતિ શોધવાનું મન થયું. ઘર છોડીને એ ચાલી નીકળ્યો. સિદ્ધ પુરુષો ધ્યાન ધરવા વનમાં જાય છે એવું એણે સાંભળેલું. તેથી એ જંગલમાં પહોંચ્યો. ધ્યાન ધરવા કોઈ મંત્ર જોઈએ, પણ યુવાનને કોઈ મંત્ર આવડતો નહોતો. યુવાને મન મનાવ્યું, ‘મંત્ર તો સાધન છે, ‘રામ રામ’ ચાલે અને ‘મરા મરા’ પણ ચાલે. બૂમને મંત્ર તરીકે અપનાવી યુવાને બૂમો પાડવા માંડી. ત્યાં એને એક બૌદ્ધ સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું, ‘ભાઈ, આ શું કરે છે ?’ યુવાને કહ્યું, ‘મારે જીવનનો અર્થ જાણવો છે, સત્ય શોધવું છે, આધ્યાત્મિક શાંતિ મેળવવી છે; એટલે બૂમોના મંત્રથી જાપ જપું છું ને ધ્યાન ધરું છું.’
સાધુએ કહ્યું, ‘હું તને સહેલો રસ્તો બતાવું. તારે ગામે પાછો ફર. ગામમાં દાખલ થતાં એક પછી એક જે પહેલા ત્રણ માણસ મળે તેમને પૂછજે કે તેઓ શું કરે છે, તેમનો વ્યવસાય શો છે. યુવાન પોતાને ગામ પાછો ફર્યો. સામે પહેલા માણસ મળ્યો તેને સવાલ પૂછ્યો. પહેલા માણસે કહ્યું : ‘હું સુથાર છું. ફર્નિચર અને લાકડાંનાં સાધનો બનાવું છું.’ યુવાન આગળ ચાલ્યો. બીજો માણસ મળ્યો. તેને એ જ સવાલ પૂછ્યો. માણસે જવાબ આપ્યો, ‘હું ધાતુઓમાંથી ‘મૅટલશીટ’ બનાવું છું. એ બનાવવાનું મારું કારખાનું છે.’ આગળ જતાં યુવાનને ત્રીજો માણસ મળ્યો. યુવાને એને પણ એ જ પ્રશ્ન કર્યો. ત્રીજા માણસે કહ્યું : ‘હું ‘મૅટલશીટ’માંથી મૅટલના જાડા-પાતળા તાર બનાવું છું. એ તાર જુદાં જુદાં સાધનો, સંગીતનાં સાજ-વાજિંત્રો વગેરેમાં વપરાય છે.’ ત્રણે માણસના ઉત્તરોથી યુવાનને ન તો જીવન વિશે કે ન તો સત્ય વિશે કશું જાણવા મળ્યું, ન તો અંતરની શાંતિ મળી. એને લાગ્યું કે બુદ્ધ સાધુ છેતરી ગયા. નિરાશ થઈ એ નદીના કિનારે જઈ બેઠો. નદીનો પ્રવાહ જોતો હતો ત્યાં તેણે વાયોલિનમાંથી રેલાતા સંગીતના સૂર સાંભળ્યા. યુવાન એ સંગીતમાં લીન થઈ ગયો. સૂરની મધુરતામાં એ ખોવાઈ ગયો. એને થયું કે આ ખોવાઈ જવું એ જ જીવન છે. જીવનનું સત્ય અઘરું નથી, સહેલું છે, સરળ છે. જીવન દુઃખદાયક નથી, રસપ્રદ છે. તેને અપાર શાંતિ થઈ. શાંતિ આધ્યાત્મિક એકલપણામાં નથી, દુન્યવી ઘોંઘાટમાં પણ નથી, જીવનના સંગીતમાં છે.
યુવાનને સમજાયું કે સત્ય, જીવન કે શાંતિ દુનિયાથી ભાગીને જંગલમાં ચાલ્યા જવાથી, યાંત્રિક જપ-જાપથી, દેહને કષ્ટ આપવાથી નથી મળતાં. સુથારે ઘડેલા વાજિંત્ર, ઉદ્યોગપતિએ બનાવેલા ‘મૅટલ’ અને કારીગરે સર્જેલા તાર, એ બધાં એકત્રિત થાય ત્યારે કંઈક સુરીલું બને. જાતને ખોઈ દેવાથી શાંતિ પ્રાપ્ત થાય. બધાં કાર્યોનું ગૌરવ કરવા, તેમનું સુગ્રથિત સંકલન કરવા અને પોતાને ખોઈ નાખવા યુવાન સંસારમાં પાછો ચાલ્યો ગયો.
બુદ્ધને કોઈકે પૂછ્યું : ‘બોધિતત્વ પામવાથી તમે શું મેળવ્યું ?’ બુદ્ધે જવાબ આપ્યો, ‘મેં કશું મેળવ્યું નથી. બધુ ગુમાવ્યું છે – મારું અજ્ઞાન, સપનાં, જડ વિચારો, અભિગ્રહો, પૂર્વગ્રહો, મહત્વાકાંક્ષાઓ, બધું ગુમાવ્યું.’
ટિપ્પણીઓ