લેખક: પ્રફુલ્લ રાવલ
‘કથાસરિત્સગાર’ અને ‘હિતોપદેશ’ એ આપણા કથાસાહિત્યના પ્રાચીન ગ્રંથો છે. એ કથાનો ઉદ્દેશ ઉપદેશ આપવો એ રહ્યો હતો. આમેય કથા-વાર્તા કહેવી અને સાંભળવી એ માનવજાતિનો આદિમ શોખ રહ્યો છે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ તેને કહેવાની રીત બદલાતી ગઈ. વળી વિષયોમાં પણ પરિવર્તન આવતું ગયું.
અઢારમી સદીમાં વિશ્ર્વમાં અનેક ફેરફારો થયાં ને ઓગણસમી સદીમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં પશ્ર્ચિમની ઘણી અસરો ભારતીય લોકોએ ઝીલી તેમાં સાહિત્ય ઉપર પણ પશ્ર્ચિમના સાહિત્યનો પ્રભાવ પડ્યો અને નવાં નવાં સાહિત્ય-સ્વરૂપો ને પ્રકારો આવવામાં માંડ્યા. ટૂંકી વાર્તાનું સ્વરૂપ એ સ્પષ્ટત: પશ્ર્ચિમમાંથી ગુજરાતીમાં આવ્યું. ધૂમકેતુએ કલાત્મક રૂપે ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું, પરંતુ એ પહેલાં મલયાનિલે ‘ગોવાલણી’ વાર્તા રચી હતી. વળી એની પહેલાં પણ અનેક ટૂંકી વાર્તાઓ લખાયેલી હોવાનું જણાયું છે. એ સંખ્યા પણ લગભગ 500 જેટલી થવા જાય છે. રમણભાઈ નીલકંઠની ‘ચિઠ્ઠી’ની નિજકર આ ધારામાં થાય છે. છતાં ટૂંકી વાર્તાનું પશ્ર્ચિમમાંથી આવેલું સ્વરૂપ ખેડાયું ધૂમકેતુ દ્વારા જ. એમની ટૂંકી વાર્તાઓમાં ઊર્મિનું પ્રાધાન્ય છે તો સ્વરૂપ્ની એમની સમજ પણ સાચી છે. એમણે ટૂંકી વાર્તાને ગદ્યદેહે વિહરતું ઊર્મિકાવ્ય કહ્યું છે. ધૂમકેતુની સાથે એ કાળે અન્ય વાર્તાકારો પણ હતા જ, પરંતુ એમની કક્ષાએ તેઓ પહોંચી નહોતા શક્યા. ધૂમકેતુ પહેલાં ક. મા. મુનશીએ આ કથાપ્રકારમાં કામ કર્યું છે.
ધૂમકેતુની સાથે સ્વરૂપ દ્ષ્ટિએ કળાત્મક વાર્તા રા. વિ. પાઠક પાસેથી મળી છે. એમણે દ્વિરેફ ઉપ્નામે વાર્તાઓ લખી છે. વાસ્તવિકતાનું નિરૂપણ એમની વાર્તાઓમાં છે તો ઘટનાનો સુરેખ વિનિયોગ તેમણે કર્યો છે. પરિસ્થિતિ ને પાત્રો પાસેથી એમણે કામ પાર પાડ્યું છે. ટૂંકી વાર્તાનો વિકાસ એમની વાર્તાઓમાંથી કળાય છે. રમણલાલ દેસાઈએ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે તો એમની પાસેથી સમાજજીવનના પ્રશ્ર્નોની વાર્તાઓ ગમી છે. કુટુંબના સભ્યો સાથે બેસીને વાંચી શકે તેવી કૃતિઓ એમણે આપી છે.
મેઘાણી પાસેથી લોકસાહિત્યની વાર્તાઓ મળી તો આઝાદી કાળની ભાવનાને અનુલક્ષીને એમણે વાર્તાઓ લખી છે. સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ભૂમિની કથા એમણે આપી.
ગાંધીયુગના સમર્થ સર્જકો સુન્દરમ્ ને ઉમાશંકર મહત્ત્વના વાર્તાકારો છે. માનવમનની ભાવનાઓનું એમની વાર્તાઓમાં રસભર નિરૂપણ થયું છે. સુન્દરમ્ ઉત્તમ વાર્તાકાર છે. ઉમાશંકર જોશીની કવિપ્રતિભા હોવા છતાં તેઓ સારા વાર્તાકાર છે. એમણે ટૂંકી વાર્તામાં ‘અનુભૂતિ કણ’ની જિકર કરી છે. કૃષ્ણલાલ શ્રીધરાણી અને સ્નેહરશ્મિએ પણ વાર્તા લખી છે. ગુણવંતરાય આચાર્યે સાગરજીવનને વિષય બનાવીને ટૂંકી વાર્તાઓ રચી છે. જયભિખ્ખુએ પણ આ સ્વરૂપમાં થોડું ખેડાણ કર્યું છે.
ગાંધીયુગની વાર્તાઓમાં દલિત-પીડિતોની ભાવનાઓ વણાયેલી છે તો સ્વાતંત્ર્યની ચળવળના વિષયો પણ વાર્તાઓમાં ગૂંથાયેલા છે. વાસ્તવનું હૂબહૂ નિરૂપણ થયું છે. માનવમનના અનેક પ્રશ્ર્નો વાર્તાકારોએ પ્રયોજ્યા છે. મનુભાઈ જોઘાણી અને વિદ્યાબહેન નીલકંઠની વાર્તાઓનું વિશ્ર્વ વળી જુદું છે. વિદ્યાબહેનની વાર્તામાં સ્ત્રીજીવનનું આલેખન જોવા મળે છે.
સુન્દરમ્ પછીની ને ગાંધીયુગના સર્જક જયંતિ દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓ સાથે ગુજરાતી ટૂંકી વાર્તામાં નવો વળાંક આવે છે. જયંતિ દલાલ પાસે લોકનો પાકો પરિચય છે તો જયંત ખત્રી પાસે કચ્છ ને દરિયાની કથાનું ભાથું છે. આ બંને વાર્તાકારોએ વિષય અને અભિવ્યક્તિમાં નવીનતા આણી છે. એમણે પ્રયોગો કર્યા છે અને ઘટનાતત્ત્વ વિશેની એમની સજાગતા પણ ખાસ્સી છે. બકુલેશ અને કેતન મુનશી એ સમયના વાર્તાકારો છે.
પ્ન્નાલાલ, ઈશ્ર્વર પેટલીકર અને પીતાંબર પટેલ પાસેથી ગ્રામજીવનની વાર્તાઓ પ્રાપ્ત થઈ છે. ‘લોહીની સગાઈ’ અને ‘વાત્રકના કાંઠે’ એ બે વાર્તાઓ ગુજરાતી ટૂંકી વાર્તાક્ષેત્રે અતિ નોંધપાત્ર અને કળાદ્ષ્ટિએ પણ ઉલ્લેખનીય વાર્તાઓ છે. આ ધારામાં ચુનીલાલ મડિયા પણ સફળ વાર્તાકાર છે. ઘટનાપ્રધાન વાર્તાઓમાં નાજુક સંવેદન એમની વિશેષતા છે.
શિવકુમાર જોશી, ગુલાબદાસ બ્રોકર, કિશનસિંહ ચાવડા, પુષ્કર ચંદરવાકર ઇત્યાદિએ પોતાની રીતે મળ્યા એ વિષયોમાં વાર્તાઓનું સર્જન કર્યું છે. એમાં પરંપરાનો જ પ્રવાહ આગળ વધે છે. શહેરજીવન વાર્તાઓમાં તાદ્શ થયું છે.
ટૂંકી વાર્તામાં નવો જ વળાંક આવ્યો સુરેશ જોષીની વાર્તાઓથી. એમણે ઘટનાના હ્ાસ ને તિરોધાનને મહત્ત્વ આપીને વાર્તાને કલાત્મક રૂપ આપ્યું. એક આંદોલનની જેમ એમણે આ સ્વરૂપમાં પરિવર્તન આણ્યું. એમની ટૂંકી વાર્તાની વિભાવનાની ધારામાં કિશોર જાદવ, નલિન રાવળ, ઈવા ડેવ, રાધેશ્યામ શર્મા, મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, વિભૂત શાહ, ઘનશ્યામ દેસાઈ ઇત્યાદિ સર્જકોએ વાર્તાક્ષેત્રે પ્રયોગાત્મક વહેણ વહાવ્યું. આ સૌ સર્જકોની વાર્તાઓ કલાદ્ષ્ટિએ મનભર બની છે, પરંતુ કાળક્રમે એમાં ઓટ આવી. જોકે આજે પણ વિભાવનાની દ્ષ્ટિએ સુરેશ જોષીનો પ્રભાવ તદ્દન આથમી નથી ગયો. એમના સર્જનકાળ દરમિયાન જ પરંપરાની વાર્તાઓ લખનાર વાર્તાકારો હતા જ. ભગવતીકુમાર શર્માએ તો બંને ધારામાં વાર્તાઓ લખી છે.
આ ધારામાં રઘુવીર ચૌધરીએ પોતાની આગવી શૈલીએ ઘટનાતત્ત્વનો સ્વીકાર કરીને તેના તિરોધાનને ધ્યાન લઈને વાર્તાઓ રચી છે જોકે એમણે ઘટનાનો સ્વીકાર કર્યો છે. ચંદ્રકાન્ત શેઠ, હરિકૃષ્ણ પાઠકે પણ પરંપરા સાથે નવી પ્રયુક્તિઓ દ્વારા વાર્તાને રસિક બનાવી છે. ધીરુબહેન પટેલે નગરજીવનના વિષયોને વાર્તામાં વણ્યા છે.
મોહનલાલ પટેલ, દિલીપ રાણપુરા, નાનાભાઈ જેબલિયા, રજનીકુમાર પંડ્યા, વર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા પરંપરાની ધારાના વાર્તાકારો છે. મોહન પરમાર, દલપત ચૌહાણ, ધરમાભાઈ શ્રીમાળી, જોસેફ મકવાન ઇત્યાદિ દલિત વાર્તાકારોમાં એમના સમાજના પ્રશ્ર્નોનું ધારદાર નિરૂપણ છે. વેઠેલું એમણે શબ્દસ્થ કર્યું છે. એટલે ભાવકને સ્પર્શી રહે છે. હાસ્યવાર્તા લખવી અઘરી છે. ‘ચીઠ્ઠી’ને વાર્તા કહેવાની પરંપરા છે, પરંતુ તે વાર્તા નથી. હાસ્યલેખ છે. ‘કવિની ચંપલ’ વાર્તા બની છે. કટાક્ષ-વ્યંગની વાર્તાતાઓ મળે છે તો લખાયેલી વાર્તાઓમાં એ તત્ત્વ મળે છે. બોલીમાં રચાયેલી વાર્તાઓની વચ્ચે ફેશન ચાલી હતી. પરંતુ જે વાચકોને એ બોલીનો પરિચય ન હોય તેને રસ પડતો નથી.
છેલ્લાં વીસ-પચીસ વર્ષ દરમિયાન વાર્તાઓ લખનાર સર્જકોમાં વીનેશ અંતાણી અને હિમાંશી શેલત લોકપ્રિય હોવા સાથે કળાત્મક વાર્તાઓ એમણે રચી છે. ઘટના બને તેટલી ઓછી અને માનવમનના સંચલનોનું નિરૂપણ આજના વાર્તાકારોમાં સવિશેષ જોવા મળે છે. મનોવિજ્ઞાનનો આ સર્જકોએ વિનિયોગ કર્યો છે.
ટૂંકી વાર્તાનું સ્વરૂપ પ્રત્યેક સર્જકને આકર્ષતું રહ્યું છે. અને પ્રત્યેક દાયકામાં થોડા નોંધપાત્ર વાર્તાકારો ગુજરાતી ભાષાને મળ્યા છે. સર્જનમાં વિવિધ પ્રયુક્તિઓનો વિનિયોગ કરીને સર્જકો ભાવકનો મનને પરિતોષ આપે અને વાર્તારસ જળવાય એવી ખેવના રાખી છે. મૂળ તો સમાજમાં બનેલી કે બનતી ઘટનાને વિવિધ તરેહથી વાર્તાકારો અભિવ્યક્ત કરે છે. એમાં ભાષાની લઢણો સાથે પ્રતીક કે વર્ણનન દ્વારા વાર્તાને રસિક બનાવે છે. ગદ્યને સર્જનાત્મક બનાવવા તરફ ગતિ દેખાય છે. પણ મૂળ આશય ભાવકને આનંદ મળે એ જ સર્જકને ધ્યેય હોય છે.
ટિપ્પણીઓ