લેખક: મહેન્દ્ર આર. શાસ્ત્રી
1986ના જુલાઈમાં પહેલી વાર યુરોપના પ્રવાસે જવાનો યોગ સાંપડ્યો હતો. એક મલ્ટીનૅશનલ કંપનીમાં કામ કરતો હોવાથી પ્રશિક્ષણ નિમિત્તે છ અઠવાડિયાં અઠવાડિયાં માટે જર્મની અને અન્ય દેશોમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. મને વીરપુરના જલારામબાપા પર શ્રદ્ધા અને ભાવનગરમાં અમારાં કુળદેવી રૂવાપરી માતાજી પર આસ્થા. પરદેશ જવાના ચાર દિવસ અગાઉ આ બંને સ્થળે દર્શન કરવાની અદમ્ય ઈચ્છા અને ભાવના. તેથી પરદેશપ્રવાસની ઘણી તૈયારીઓ કરવાની હોવા છતાં વડોદરા-વીરપુર-ભાવનગર-વડોદરા બસ દ્વારા 24 કલાકમાં જ યાત્રાની યોજના બનાવી.
એક રાત્રે વડોદરાથી 10 વાગે વીરપુર-જૂનાગઢવાળી બસમાં બેસી ગયો. રાજકોટ થઈને બસ વીરપુર સવારે 7 વાગે પહોંચી. બેઠાં બેઠાં કરેલી રાત્રિની મુસાફરીનો થાક ઉતારવા તથા પ્રાતઃકાલનાં સ્નાનાદિ કામ પતાવવા જલારામબાપાના મંદિર સામે જ એક ગેસ્ટ હાઉસમાં રૂમ માટે પૂછતાછ કરી. માલિક-મૅનેજરે એક દિવસનો ચાર્જ રૂ. 80 કહ્યો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. વાતવાતમાં મૅનેજરને જણાવ્યું કે મારે દર્શન કરીને તરત જ ભાવનગર તરફ બસમાં નીકળી જવું છે. તેણે જણાવ્યું કે વીરપુર-ભાવનગરની બસ 10 વાગે ઊપડે છે. બે-ત્રણ કલાક રહેવા માટે રૂ. 80 શા માટે ખર્ચો છો ? બાજુમાં બીજું ગેસ્ટ હાઉસ છે. ત્યાં રૂ. 15માં તમે સ્નાનાદિ કામ પતાવી થોડો આરામ કરીને બે કલાકમાં નીકળી શકો છો. આમ એણે પોતાનો ધંધો ગુમાવીને મારા પૈસા બચાવ્યા.
બાજુના ગેસ્ટહાઉસમાં રૂ. 15 આપી રહેવા ગયો. ગરમ પાણીથી નાહીને થોડો આરામ કર્યો. ચા-પાણી અને સવારના પેપર માટે ગેસ્ટ-હાઉસના વેઈટર છોકરાને બોલાવ્યો. સરસ આદુવાળી ચા પીધા પછી છોકરાને પેપર માટે રૂ. 2 આપ્યા. તેણે કહ્યું, ‘તમારે માત્ર 15-20 મિનિટ માટે પેપર વાંચવું છે તે માટે રૂ. 2 શા માટે ખર્ચો છો ?’ તેણે મને ગેસ્ટહાઉસનું પેપર વાંચવા માટે આપ્યું અને મારા પૈસા બચાવ્યા.
વીરપુરથી દર્શન કરીને દશ વાગ્યાની બસમાં ભાવનગર જવા નીકળ્યો. બે વાગ્યે પહોંચી ત્યાં રૂવાપરી માતાજીનાં દર્શન કર્યાં અને થોડો નાસ્તો-પાણી કર્યાં. ચાર વાગ્યે એસ.ટી. સ્ટેન્ડ પર પહોંચ્યો. તે વખતે બપોરે સાડા ચારથી પાંચ વચ્ચે ભાવનગર-વડોદરા અને ભાવનગર-અમદાવાદની લકઝરી બસો જતી હતી. ટેકનિકલ કારણોસર ભાવનગર-વડોદરાની બસ કૅન્સલ કરવામાં આવી હતી. મારે વડોદરા જલદી પહોંચવું હતું. તેથી અમદાવાદવાળી લકઝરી બસમાં બેઠો. અમદાવાદથી કોઈ બસ-ટ્રેનમાં વડોદરા પહોંચી જઈશ એવું મનમાં હતું. કંડકટર ટિકિટ આપવા આવ્યો ત્યારે મેં તેને મારી વાત જણાવી અને અમદાવાદ સુધીની ટિકિટ માટે પૈસા આપ્યા. કંડકટરે મને ભાવનગરથી ધંધૂકાની ટિકિટ લેવા કહ્યું અને ધંધૂકામાં મઢી-વડોદરા બસનું કનેકશન મળી જશે તો મારા પૈસા અને સમય બચશે તેમ જણાવ્યું. ધંધૂકામાં બસ ઊભી રહી ત્યારે કંડકટરે મારી સાથે આવીને મઢી-વડોદરાની બસ ચાલી નથી ગઈ તેની ખાતરી કરી પછી તેણે પોતાની અમદાવાદની બસ ચલાવી.
આ ત્રણે બનાવો સવારના સાત થી સાંજના સાત વાગ્યા સુધીમાં, બાર કલાકમાં બન્યા. ત્રણ અદના માનવીઓ – ગેસ્ટ હાઉસ મૅનેજર, વેઈટર બૉય અને બસ કંડકટર – આ પાત્રોએ જે પરોપકાર અને માનવતાની ભાવના દેખાડી તે આજ સુધી મારા માનસપટ પર અવિસ્મરણીય રહી છે.
ટિપ્પણીઓ