મુખ્ય સામગ્રી પર જાઓ

બીરબલની ચાતુર્ય કથાઓ ભાગ 1

1 બીરબલની ચતુરાઈ
બાદશાહે પુછ્યું, શું છે આની અંદર?

દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.

તે શેને માટે, બાદશાહે પુછ્યું.

માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ રેતમાંથી ખાંડને અલગ કરે.

બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્ક્લી મુકવામાં આવે છે, હવે તારે આ રેતને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે.

કોઈ વાંધો નહિ જહાઁપનાહ, બીરબલે કહ્યું. આ તો મારા ડાબા હાથનો ખેલ છે, કહીને બીરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો.

બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનુ મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દિધું.

આ તમે શું કરી રહ્યાં છે? એક દરબારીએ પુછ્યું.

આ તને કાલે ખબર પડશે, બીરબલે કહ્યું.

બીજા દિવસે બધા તે આંબા નીચે પહોચ્યાં, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મુકી દિધા હતાં, અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી.

પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પુછ્યું.

રેતથી અલગ થઈ ગઈ, બીરબલે કહ્યું.

બધા જોરથી હસી પડ્યાં.

બાદશાહે દરબારીને કહ્યું કે, જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘુસવું પડશે.

બધા જોરથી હસ્યાં અને બીરબલની ચતુરાઈના વખાણ કર્યા.


2 વાણીયા ની દાઢી
એક વાર અકબર બાદશાહ બીરબલ સાથે અલક મલક ની વાતો કરતા બેઠા હતા, અકબરે બીરબલ ને પૂછ્યું “કહો સૌ થી ચતુર જાતિ કઈ?”
બીરબલ કહે “હોંશીયાર તો વાણીયા”,
અકબર કહે “અને મૂરખ કોણ?”
બીરબલ કહે “મૂરખ તો મુલ્લા…”
અકબર આ વાત ન માન્યા, તે બીરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે “ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોંશીયાર હોય છે.”
બીરબલ કહે “તો ચાલો પરીક્ષા કરી જોઈએ…”
અકબર કહે “ભલે તો કાલે કરીએ પારખા…”
બીજે દિવસે બીરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણીયા ને તેડાવ્યા. પહેલા એણે મુલ્લા ને પૂછ્યું, “મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?”
મુલ્લાજી કહે “બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે ક્બૂલ છે”….બીરબલે હજામ તૈયાર રાખ્યો હતો, તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રુપીયા આપ્યા.
હવે બીરબલ વાણીયા તરફ વળ્યો અને તેને કહ્યું, “બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?”
વાણીયો કહે “બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવુ એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઈજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢી ની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપીયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્ન માં પચીસ હજાર આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. ..આવા તો ઘણા ખર્ચા કર્યા હતા, બીરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ…”
બીરબલ કહે “જા વાણીયા તને પચાસ હજાર આપ્યા, ગણી લે…હવે દાઢી આપી દે”
વાણીયાએ તો પચાસ હજાર ગણી લઈ લીધા, પછી તે દાઢી મુંડાવવા બેઠો.
પણ જેવો હજામે દાઢી ને હાથ લગાડ્યો કે વાણીયાએ તેને એક તમાચો મારી દીધો. કહે “અલ્યા મૂરખ, આ કોઈ વાણીયાની દાઢી થોડી છે? આ તો બાદશાહ સલામતની દાઢી છે અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ…..બાદશાહ સલામતની આબરૂ ને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો….”
અકબર બાદશાહ હસવા લાગ્યા, બીરબલ કહે જોયું? વાણીયા એટલે ડાહીમાના દીકરા”


3 બીરબલની ચતુરાઇનાં પાંચ પ્રસંગો
એકવાર સભામાં અકબરે પૂછ્યું : 'મેં એક દોહરો સાંભળેલો છે તેમાં કહ્યું છે કે -પાન સડે ઘોડા અડે, વિદ્યા વિસર જાય,

ચૂલા પર રોટી બળે કહો તમે કેમ થાય?

પાન શાથી સડી જાય?

ઘોડો શાથી અડીયલ બને?

વિદ્યા શાથી વીસરી જવાય?

ચૂલા ઉપર રોટલી શાથી બળી જાય?

આ ચાર પ્રશ્નોનો એક જ ઉત્તર કહો.'
બધા વિચારમાં પડ્યાં. કોઈ ને કશો ઉત્તર સૂઝ્યો નહીં.

અકબરે બીરબલ સામે જોયું એટલે બીરબલ બોલ્યો : 'ફેરવ્યા વિના.'
ફેરવીએ નહીં તો પાન સડી જાય.

ફેરવીએ નહીં તો ઘોડો આળસુ અને અડીયલ બની જાય.

ફેરવીએ નહીં તો વિદ્યા પણ ભૂલી જવાય.

ફેરવીએ નહીં તો રોટલી પણ બળી જાય.

બીરબલનો બુદ્ધિભર્યો ઉત્તર સાંભળી બધાને આનંદ વ્યક્ત કર્યો.

અકબર પણ તેના ઉત્તરથી પ્રસન્ન થયો.
==================================== 

બીરબલ ને ગધેડા વચ્ચે અંતર

દિવસે દિવસે અકબર અને બીરબલની મિત્રાચારી ગાઢ બનતી ગઈ.

હવે તો તેઓ એકબીજાને તુંકારે પણ બોલાવતા.

બંને વચ્ચે હાસ્ય-વિનોદ ચાલતો હતો. તેવામાં અકબરે પૂછ્યું : 'બીરબલ! તારા અને ગધેડા વચ્ચે અંતર કેટલું?'

બીરબલે ઝટ દઈને એની અને અકબર વચ્ચે વેંતો ભરી અને કહ્યું : 'જહાંપનાહ! ત્રણ વેંત જેટલું.'

બીરબલને ગધેડો બનાવવા જતાં અકબર પોતે જ ગધેડો બની ગયો!

બીરબલની તત્કાલીન બુદ્ધિનો કેટલો મહિમા કહેવાય?
==================================== 

સારી અને ખોટી વસ્તુ

એકવાર અકબરે સમસ્યામાં પૂછ્યું : 'કહો, શરીરમાં એવી કઈ વસ્તુ છે જે સારી પણ હોય અને ખોટી પણ હોય?'

બધા સભ્યો એકબીજાનું મોં જોવા લાગ્યા. કોઈ પણ સમસ્યા ઉકેલી શક્યું નહીં. એટલે અકબરે બીરબલને પૂછ્યું : 'બીરબલ તું કહે!'

'મન અને જીભ.'

'શી રીતે?'

'મન નિર્મળ હોય અને જીભ મધુર વાણી બોલે તો માનવી દેવ તૂલ્ય બની પૂજાય છે. પરંતુ જો મન મેલું હોય અને જીભ ઝેરી હોય તો

માનવી દૈત્ય જેવો ગણાઈને નિંદાય છે' બીરબલે કહ્યું.

બીરબલનો યુક્તિપૂર્વક ઉત્તર સાંભળી બધા સભ્યો સ્તબ્ધ બની ગયા.

અકબરના મનમાં પણ બીરબલના ઉત્તરથી પૂર્ણ સંતોષ થયો.
==================================== 

આપનો પ્રભાવ

અકબર બીરબલનો સંબંધ જેમ જેમ ધનિષ્ઠ થતો જતો તેમ તેમ વાતચીત કરવામાં બીરબલ શિષ્ટાચાર ચૂકી જતો. ઘણીવાર તે આપ

કહેવાના સ્થળે તમે કહી દેતો, તો કોઈવાર તેઓને ન ગમે તેવા શબ્દો કહી બેસતો. એકવાર તેણે કહ્યું : 'જહાંપનાહ! તમે જરા બુદ્ધિપૂર્વક

બોલો ને?'

આટલું સાંભળતાં અકબરની આંખ ફરી ગઈ. તેણે કરડાકીથી બીરબલ સામે જોયું.

બીરબલ અકબરના મનોભાવ પામી ગયો. તે ચૂપ થઈ ગયો, પણ અકબરથી રહેવાયું નહીં એટલે તે બોલ્યો : 'બીરબલ! દિવસે દિવસે તું

વિવેક ચૂકી વધારે મૂર્ખ બનતો જાય છે. આવું કેમ થાય છે?'

'નામદાર! એ તો સંગનો રંગ છે - આપનો પ્રભાવ છે.' બીરબલે ઠાવકાઈથી કહ્યું.

અકબર બીરબલનો કટાક્ષ સમજી ગયો અને હસી પડ્યો.

બીરબલ એવો ચતુર પુરુષ હતો કે તેણે અકબરના ક્રોધને પણ હાસ્યમાં ફેરવી નાંખ્યો.
==================================== 

નચાવે ને નમાવે એવો કોણ ?

એક દિવસ અકબરના મનમાં તરંગ આવ્યો. તેણે સભાજનોને પૂછ્યું : 'કહો! બધામાં એવો શ્રેષ્ઠ કોણ કે બધાને નચાવે અને નમાવે?'

'વાળંદ!' બીરબલે શીઘ્ર ઉત્તર આપ્યો.

અકબર ચમક્યો. બીરબલ અવશ્ય ઉત્તર આપશે. એમ તો એના મનમાં હતું, પરંતુ વાળંદને શ્રેષ્ઠ કહેશે તેવી કોઈને કલ્પના ન હતી.

'વાળંદ શી રીતે? એનામાં એવી કઈ શક્તિ છે કે, તે બધાને નચાવે અને નમાવે?' અકબરે શંકા દર્શાવી.

'હજૂર! વાળંદ જ્યારે હજામત કરવા બેસે છે, ત્યારે સૌનાં માથાં નીચાં નમાવે છે અને આમતેમ ફેરવતો સૌને નચાવે પણ છે.'

બીરબલ તો બીરબલ છે યાર.....

બીરબલના ઉત્તરથી આખી સભા હસી પડી. બાદશાહને પણ તેનો ઉત્તર તર્કસંગત લાગ્યો.


4 બુદ્ધિમાં કોણ ચઢિયાતુ?
બાદશાહ અકબરના દરબારમાં બીરબલ ખૂબ જ બુધ્ધિશાળી હતા. બાદશાહ તેથી બીરબલને ખૂબ જ ચાહતા હતા અને તેને માન-સન્માન પણ આપતા. બીજા દરબારીઓને આ વાત બિલકુલ પસંદ નહોતી. તેમની નજરમાં બીરબલ કાંકરાની જેમ ખૂંચતો હતો. અકબર આ વાત જાણતા હતા, પણ તે કશુ બોલતાં નહોતા. એક દિવસ તેમણે આ વાત દરબારીઓને સમજાવવાનું નક્કી કર્યુ.
તે દિવસે તેમણે બધા દરબારીઓને કહ્યુ કે ' બીરબલ તમારા બધાથી વધુ બુધ્ધિશાળી છે, તમે ચાહો તો તમે પણ મારા પ્રિય બની શકો છો, હું એક ચાદર લાવ્યો છુ, હું જ્યારે અહીં સૂઈ જાઉ ત્યારે તમારે મને તે ચાદર ઓઢાડી બતાડવી, જે મને ચાદર પૂરી રીતે ઓઢાડશે તેને પણ બીરબલ જેવું જ માન સન્માન મળશે.

ચાદર ત્રણ ફુટ પહોળી અને ચાર ફુટ લાંબી હતી. અકબર દરબારમાં વચ્ચે જઈને ઉંધી ગયા. બધા દરબારીઓએ વારાફરતી આવીને ચાદર ઓઢાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ અકબર રાજાને પૂરી રીતે ઢાંકી ન શક્યુ.

થોડીવારમાં બીરબલ આવ્યા, તેમણે તો મનમાં વિચારી જ રાખ્યું હતુ કે શુ કરવાનું છે. રાજાએ સૌને કહ્યું કે ચાલો હવે જોઈએ કે બીરબલ શુ કરે છે? બધાની નજર બીરબલ પર જ હતી.

બીરબલે ચાદર લીધી અને રાજાની આસપાસ ફર્યા પછી બોલ્યા કે તમે પગ વાળી લો, જેવા રાજાએ પગ વાળ્યા કે તરત જ બીરબલે તેમને ચાદર ઓઢાડી દીધી. આમ, રાજા પૂરી રીતે ઢંકાઈ ગયા.

પછી રાજાએ દરબારીઓને કહ્યુ કે 'જોયુ તમે ? હવે તો તમે બીરબલની બુધ્ધિને માનો છો ને ?

બધા દરબારીઓના મોઢા પડી ગયા, અને તેઓ મનોમન પોતાની જાતને દોષ આપવા લાગ્યા કે થોડી બુધ્ધિ વાપરી હોત તો આ તો તેઓ પણ કરી શકતાં હતાં.


5 બાદશાહ અને ચુનો
એક દિવસ બીરબલ પોતાના ઘરની બહાર બેસીને પાન ચાવી રહ્યો હતો. ત્યારે તેણે જોયુ કે બાદશાહનો એક નોકર ઝડપથી દોડતો ક્યાંક જઈ રહ્યો છે. બીરબલે કહ્યું, અરે ભાઈ! ક્યાં જાય છે? તુ આટલો બધો ઝડપથી કેમ ભાગી રહ્યો છે?
નોકરે જવાબ આપ્યો- બાદશાહે મને બે ડબ્બા ચુનો લાવવા કહ્યું છે.

આ સાંભળીને બીરબલને થોડીક શંકા ગઈ. તેણે પુછ્યું- બાદશાહે જ્યારે તારી જોડે ચુનો મંગાવ્યો ત્યારે તેઓ શું કરી રહ્યાં હતાં?

દિવસે બાદશાહે જ્યારે ભોજન લીધું પછી મે તેમને પાન આપ્યું. તેમણે પાન મોઢામાં મુક્યુ જ હતુ અને મને આદેશ આપ્યો કે ચુનો લઈ આવ.

બીરબલે થોડીક વાર વિચાર્યું અને કહ્યું, તુ એકદમ મુર્ખ છે. તે પાનમાં ચુનો વધારે લગાવી દિધો હશે, જેનાથી બાદશાહનું મોઢુ બગડી ગયુ હશે. હવે તને સજા આપવા માટેની આ રીત તેમણે અપનાવી છે. તુ હાલ જે ચુનો લેવા જઈ રહ્યો છે ને, તે ચુનો તેઓ તને જ ખાવા કહેશે. જ્યારે આટલો બધો ચુનો તારા પેટમાં જશે પછી તુ જીવતો કેવી રીતે રહીશ.

આ સાંભળીને નોકર ભયથી કાંપવા લાગ્યો અને કહ્યું- હે ભગવાન હું શું કરૂ! હવે તો તમે જ મને બચાવી શકો છો.

બીરબલે કહ્યું- જો સાંભળ, હું જેવું કહું તેવું જ કર. માખણની સાથે ચુનાની અસર એકદમ નકામી થઈ જાય છે. બરાબર માત્રામાં ચુનાની સાથે માખણ ભેળવી લેજે. તેને જ્યારે તુ ખાઈશ ત્યારે તારી પર ચુનાની જરા પણ અસર નહિ થાય. આ જ માખણ ભેળવેલ ચુનો તુ રાજા પાસે લઈને જજે. સમજી ગયો ને!

પછી તે નોકરે એવું જ કર્યું જેવું બીરબલે કહ્યું હતું. બીરબલનો વિચાર પણ સાચો જ નીકળ્યો. બાદશાહે તેને ચુનો ખાવા માટે કહ્યું. થોડી વારમાં તે નોકર બધો જ ચુનો ખાઈ ગયો અને પોતાના ઘરે ચાલ્યો ગયો.

બીજા દિવસે જ્યારે તે નોકર પોતાના રોજીંદા સમય પર કામે આવ્યો ત્યારે અકબરને લાગ્યું કે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક તેની સામે ઉભી છે. તેઓ નોકરને જોઈને હેરાન રહી ગયાં.

બાદશાહે પુછ્યું- સાચુ કહેજે, તુ રસ્તામાં કોઈને મળ્યો હતો?

જી હુજુર!- નોકરે કહ્યું. જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે બીરબલે મને બોલાવ્યો હતો અને હું તેમના ઘરે પણ ગયો હતો.

બાદશાહ સમજી ગયાં કે આખરે વાત શું છે અને હસવા લાગ્યા.


6 બીરબલની કસોટી
અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો.
બાદશાહે પુછ્યું, શું છે આની અંદર?

દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.

તે શેને માટે, બાદશાહે પુછ્યું.

માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ રેતમાંથી ખાંડને અલગ કરે.

બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્ક્લી મુકવામાં આવે છે, હવે તારે આ રેતને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે.

કોઈ વાંધો નહિ જહાઁપનાહ, બીરબલે કહ્યું. આ તો મારા ડાબા હાથનો ખેલ છે, કહીને બીરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો.

બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનુ મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દિધું.

આ તમે શું કરી રહ્યાં છે? એક દરબારીએ પુછ્યું.

આ તને કાલે ખબર પડશે, બીરબલે કહ્યું.

બીજા દિવસે બધા તે આંબા નીચે પહોચ્યાં, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મુકી દિધા હતાં, અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી.

પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પુછ્યું.

રેતથી અલગ થઈ ગઈ, બીરબલે કહ્યું.

બધા જોરથી હસી પડ્યાં.

બાદશાહે દરબારીને કહ્યું કે, જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘુસવું પડશે.

બધા જોરથી હસ્યાં અને બીરબલની ચતુરાઈના વખાણ કર્યા.


7 ઈશ્વરના રૂપ
બાદશાહે એક વખત બીરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી તો પછી આટલા બધા દેવી-દેવતાઓનો શું અર્થ છે?
બીરબલે દિવાને ખાસના પહેરા પર ઉભેલ એક સંતરીને બોલાવીને તેની પાઘડી તરફ ઈશારો કરતાં બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે હસતાં જવાબ આપ્યો, પાઘડી!

બીરબલે સંતરીને પાઘડી ખોલવા માટે કહ્યું... તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દિધી. બીરબલે તેણે કમરમાં બાંધવા માટે કહ્યું, સંતરીએ એવું કર્યું. પછી બીરબલે ફરીથી બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે કહ્યું, કમરબંધ!

પછી બીરબલે પોતાની પાઘડીને પોતાના ખભા પર મુકવા કહ્યું અને અકબરને પુછ્યું કે આ શું છે? અકબરે કહ્યું, ખેસ.

બીરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પુછ્યું- પણ હકીકતમાં આ છે શું? અકબરે પણ પુછ્યું- શું છે? બીરબલે કહ્યું, કપડુ.

ત્યારે બીરબલે કહ્યું- આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાઈ દે છે.

આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બીરબલનું માન વધારે વધી ગયું.


8 બીરબલને સજા કેટલી
એક દિવસ અકબર અને બીરબલ ફરવા નિકળ્યા. ફરતાં ફરતાં અકબરે બીરબલને કહ્યું બીરબલ તું ખૂબ ચતુર છે મારા માટે તું ખૂબ કામનો માણસ છે,પણ મને થાય છે કે કોઇ વાર તારો વાંક હોય તો, મારે તને તે દિવસે સજા કરવી પડશે તો ?
બીરબલે કહ્યું હજુર ! જેનો વાંક થયો હોય તેને સજા તો થવી જ જોઇએ. પણ જો કોઇ દિવસ મારો વાંક થયો હોય તો હું કહું એની પાસે મારો ન્યાય કરાવજો.અકબરે કહ્યું ભલે.

એકવાર કોઇ બાબતમાં અકબરને બીરબલનો વાંક 'દેખાયો, અકબર ખૂબ ગુસ્સે થયાં. એણે બીરબલને કહ્યું આજૅ તારો વાંક થયો છે. તને મારે આકરી સજા કરવી પડશે. બીરબલે અકબરને આપેલું વચન યાદ 'દેવડાવ્યું. અકબર કહે ઠીક છે, તું મને કહે તેની પાસે તારો ન્યાંય કરાવું ?

બીરબલે કહ્યું શહેરનાં છેડે થોડા ઝુંપડા છે ત્યાંથી પાંચ માણસોને બોલાવો. તેઓ મારો ન્યાંય કરશે.

અકબર કહે કે એ લોકોને વળી ન્યાંય માં શું ખબર પડે ?

બીરબલ કહે હજુર ! વચન એટલે વચન. હું કહું એમની પાસે જ તમારે મારો ન્યાંય કરાવવો જોઇએ.

અકબરે સિપાઇ ઓને 'દોડાવ્યાં. પાંચ માણસો ધુ્રજતા ધુ્રજતા 'દરબારમાં આવ્યાં. તેઓ હાથમાં હાથ જોડીને ઉભા હતાં. તેમણે માત્ર ટૂંકી પોતડીઓ જ પહેરેલી હતી. પગમાં તો જોડા જ ન હતાં. બાલ-'દાઢી તો કોણ જાણે કયારે કપાવ્યાં હશે.! 'દરબારીઓ તો તેમને જોઇને માંડ માંડ હસવું રોકી શકયાં.

અકબરે તેમને બીરબલનાં વાંક વિશે કહ્યું એમને સજા કરવી છેં, એવું પણ કહ્યું. એમાથી એક કહે, હજૂર અમને શા માટે વિતાડો છો ? જવાં 'દો ને, અમને આવું બધુ ન આવડે.બાદશાહે તેમને હુકમ કર્યોં આથી પાંચેય જણા ન્યાંય કરવાં બેઠાં. એમની વચ્ચે પરસ્પર વાતચીત શરૂ થઇ.

પહેલાએ કહ્યું બીરબલ આજે બરાબરનો હાથમાં આવ્યો છે, બેટાને એવો 'દંડ કરીએ કે બરાબર યાદ રહી જાય. ? બીજો કહે હા, હા, બરાબર છે, શહેર આખામાં વટ મારતો ફરે છે, દસ વીસનો દંડ ફટકારી દો. ભરતાં ભરતાં એ થાકી જશે.

ત્રીજો કહે, નકામી વાતો ના કરો, કાંક ન્યાંય જેવું તો લાગવું જોઇએ ને ? એમ કરો, પાંચ વીસું નો 'દંડ ફટકારી 'દો. એય બહું થઇ જશે.

ચોથો બોલ્યો અરે ભાઇ રેવા 'દો, પાંચ વિસુ નો એણે આખા જીવનમાં નહી જોયા હોય. ત્રણ વિસું જ ઠીક રહેશે.

પાંચમો કહે, અલ્યાં શીદને બાયડી ને છોકરાની હાય લો છો, બચારા ભૂખે મરી જશે. પહેલો ફરીથી બોલ્યો લ્યાં કકંઇં સમજો તો ખરા ! બીરબલ તો મોટું માણસ છે, 'દંડ પણ એવો મોટો જ કરાય ને !.

બીજો કહે કે જોઓ ભાઇઓ હવે લાંબું ચોડું કરવામાં કોઇ ફાયદો નથી. આપણે પાંચ વિશું 'દંડ કરીએ. એ આપણને જીદગી ભર યાદ રાખશે.

નકકી કરીને પાંચેય જણાં અકબર પાસે આવ્યાં. પછી કહ્યું બીરબલ તમારો ખાસ માણસ છે છનાં હદય કઠણ કરીને અમારે પાંચ વીશું જડલો આકરો 'દંડ કરવો પડે છે. બિચારો 'દંડની રકમ એક સાથે ન ભરી શકે તો એમને હપતાં બાંધી આપજો

આમ ગરીબ માણસો પોતાના ગજા પ્રમાણે બીરબલનો ન્યાંય કરીને જતાં રહ્યાં. અકબરે બીરબલને પૂછયું બીરબલ આ પાંચ વિશું એટલે કેટલા ? બીરબલે જવાબ આપ્યો. સો.

અકબરને હસવું આવી ગયું. એણે બીરબલનો પાંચ વિશું નો 'દંડ પણ માફ કરી 'દીધો


9 નવી વહુ
એકવાર અકબર અને બિરબલ,વેશપલટો કરીને, અર્ધ રાત્રી બાદ,નગરચર્યા કરવા નીકળ્યા. રાત્રી પુરી થઈને ,વહેલી પરોઢ થતાં,નગર ભ્રમણ કરી, ફરતાં ફરતાં થાકી જતાં,નગરની બહાર એક સંતની કૂટિર પાસે વિશ્રામ કરવા બેઠા.,ત્યાંજ માતા તુલસીનો સુંદર છોડ ઉગેલો જોઈ,બિરબલે તુલસીમૈયાને વંદન કરી પ્રદક્ષિણા કરી.
આ જોઈને અકબરને આદતવશ, બિરબલની ઠેકડી ઉડાડવાનું મન થયું.તેણે બિરબલ ને અજ્ઞાનભાવે પુછ્યું,"બિરબલ, તેં આ સામાન્ય એવા છોડને વંદન કરી પ્રદક્ષિણા શા માટે કરી ?"

બિરબલે પ્રેમથી કહ્યું," જહાઁપનાહ,અમારા ધર્મમાં આ વનસ્પતિને તુલસીમૈયા કહે છે,અને તે ભગવાનને ખૂબ પ્રિય છે,તેથી અમે તેને માતા માનીને વંદન કરી પ્રદક્ષિણા કરીએ છીએ.આપ પણ તેને વંદન કરીને, પ્રદક્ષિણા કરશો તો મને આનંદ થશે."

અકબર હજુપણ મજાક કરવાના મિજાજમાં હોવાથી,બિરબલની વાત સાંભળી ન સાંભળી કરીને,ઉભા થઈ આગળ વધી ગયા.

બિરબલને ઘણુંજ માઠું લાગ્યું,તેથી તે બોલ્યા-ચાલ્યા વગર પાછળ -પાછળ ચાલવા લાગ્યા.થોડીવાર પછી બિરબલની નારાજગી જોઈને અકબરને શરમ આવી,તેને મનમાં થયું ,"મારે તેના ધર્મ - આસ્થાની ઠેકડી ઉડાડવા જેવી ન હતી ,મારાથી ખોટું થઈ ગયું."તેથી અકબર બાદશાહ,બિરબલને બીજી વાતે ચઢાવી,નારાજગી દૂર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા.

હવે સવાર થવા આવી હતી.પ્રજાજનોની ચહલપહલ વર્તાવા લાગી હતી.તેવામાં બિરબલને, રસ્તાની બાજુમાં કૌંચ નામની જંગલી વેલનો વિશાળ જથ્થો ઉગેલો દેખાયો,બિરબલને બાદશાહને પાઠ ભણાવવાનું મન થયું,તેથી આ વેલની પાસે જઈ વંદન કરી, પ્રદક્ષિણા કરીને, વેલનાં પાંદડાંને હાથ લગાવ્યા વગર શરીર ઉપર ઘસવાનો ખાલી અભિનય કર્યો.

અકબરના પુછ્યા વગરજ આ વનસ્પતિ વિશે બિરબલે જણાવ્યું," જહાઁપનાહ,પેલી વનસ્પતિ અમારી માતા છે,તો આ વનસ્પતિ અમારા પિતા છે.માતાને ફક્ત નમન કર્યું,પણ પિતા નારાજ ના થાય તેથી તેનાં પાંદડાં,મેં શરીરે લગાવી,તેમને ભેટીને,તેમને રાજી કર્યા.આપ તો સર્વ ઘર્મ સમાનમાં માનો છોં."

બાદશાહ અકબરને મનમાં થયું," બિરબલને અગાઉ મજાકનું માઠું લાગ્યું,તેથીજ આમ કહે છે.ચાલ તેની નારાજગી દૂર કરી દઉં.આ સારો મોકો છે."

અકબરે પણ બિરબલનું અનુકરણ કરી, વનસ્પતિને વંદન કરી,પ્રદક્ષિણા કરી, કૌંચનાં પાંદડાં ખરેખર હાથમાં લઈ,આખા શરીરે જોરથી ઘસ્યાં.

હવે આપને તો ખબર જ હશેકે,કૌંચ નામની વનસ્પતિનાં પાનને જો,શરીર પર ઘસવામાં આવે તો આખા શરીરે,સહન ન થાય તેવી ખંજવાળ આવે,

જેની પીડા કોઈથી પણ સહન ના થાય..!!

બાદશાહને પણ આખા શરીરે અસહ્ય ખંજવાળ ઉપડી,પીડા સહન ના થઈ તેથી તેમણે બિરબલને પુછ્યું," બિરબલ,આ તે કેવી વનસ્પતિને તમારા ધર્મમાં બાપા બનાવ્યા છે ? જે તને ન કરડ્યાને પણ મને તો આખા શરીરે ડંખે છે ?"

બિરબલે ઠાવકું મોં રાખીને જવાબ આપ્યો,"બાદશાહ સલામત, આપે મારી માતાની ઠેકડી ઉડાડી,તેથી અમારા બાપા આપની ઉપર ખૂબ નારાજ થયા લાગે છે.તેથીજ આમ અસંખ્ય ડંખ મારીને આપને હવે કોઈનાય ધર્મની મજાક ન કરવાની ચેતવણી આપતા લાગે છે..!! "

ઉપસંહાર - કોઈની મજાક કરનારાને,વખત આવે કુશાગ્ર બુધ્ધિનો ઉપયોગ કરીને તેની મજાક કરવાની ટેવ છોડાવવામાં કાંઈ ખોટું નથી.


10 મોરનાં ઈંડાને ચીતરવા નો પડે
એક વખત અકબર બાદશાહ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. આજુબાજુ બાદશાહનું મંત્રીગણ બિરાજેલું હતું. મંત્રીઓ અને સભાસદો અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. પણ આ મંત્રીગણ અને સભાસદોની વચ્ચે બાદશાહ અકબરને બિરબલની ગેરહાજરી ખલી રહી હતી તેથી તેઓ પણ ચૂપચાપ સહુની વાતો સાંભળતાં હતાં. સહુની વાતો સાંભળતાં સાંભળતાં બાદશાહ અકબરને એક વિચાર આવ્યો. તરત જ તેણે સૌ સભાસદોને પ્રશ્ન કર્યો કહો એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે જેને પાણી પીવડાવોને એ મરી જાય એવું કોણ છે? સૌ સભાસદો તો બાદશાહ અકબરનો આ પ્રશ્ન સાંભળીને અવાચક બની ગયાં અને વિચારવા લાગ્યા કે એવું કોણ છે જે પાણી વગર રહી શકે છે. ઘણું વિચારવા છતાં કોઈને પણ ખબર ન પડી, તેથી સૌ ચૂપ થઈને બેસી ગયાં. સૌને ચૂપ બેસેલા જોઈ બાદશાહ અકબરે દરબારને કહ્યું કે એક અઠવાડિયાની અંદર મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ. બાદશાહની વાત સાંભળીને સહુ દરબારી ડરી ગયાં તેથી ચૂપચાપ માથું નીચે કરી તેઓ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યાં.
રોજ સભા ભરાતી, રોજ મંત્રીગણ ભેગું થતું, રોજ અકબર બાદશાહ પ્રશ્ન પૂછતા પણ રોજ સૌ નિરુત્તર રહી જતાં. ધીમે ધીમે કરીને અઠવાડીયાની અવધિ પૂરી થવા આવી તેમ બાદશાહ અકબર પણ ગુસ્સામાં આવીને મંત્રીગણો તરફ રૂક્ષ થવા લાગ્યા. બાદશાહ અકબરને સભાસદો પ્રત્યે ક્રોધિત અને રૂક્ષ થયેલા જોઈ સહુ મંત્રીગણ પરસ્પર વિચારવા લાગ્યા કે હવે બિરબલજી જલ્દી આવી જાય તો સારું કારણ કે બાદશાહનાં અંતરંગી સવાલોનાં જવાબ તો ફક્ત તેઓ જ દઈ શકે છે. આમ કરતાં કરતાં અઠવાડીયાનાં ૬ ઠ્ઠો દિવસ પણ પૂરો થવા આવ્યો હતો ત્યાં જ સભાસદોએ બિરબલને બહારગામથી આવતા જોયા તરત જ સભાસદો બિરબલ પાસે દોડી ગયાં અને પોતાને બચાવવા વિનંતી કરી બાદશાહનો પ્રશ્ન કહી સંભળાવ્યો. બિરબલે સહુ દરબારીને શાંત કર્યા અને કહ્યું તેઓ આવતી કાલે બાદશાહને મનાવી લેશે સહુ દરબારી નચિંત બનીને ઘરે જાઓ. બિરબલની વાત સાંભળીને બધા જ દરબારીઑ બિરબલનો જયઘોષ કરતાં કરતાં ઘેર ગયાં અને બિરબલ પણ વિચારતો વિચારતો પોતાના ઘરે ગયો.

પિતા બિરબલને ઘરે આવેલ જોઈ તેની દીકરી ખૂબ હર્ષિત થઈ પણ પિતાને આમ વિચારમગ્ન જોઈ દીકરી પૂછવા લાગી કે પિતાજી આમ આપ શું વિચારી રહ્યાં છો? આપનો ચહેરો ચિંતાતુર કેમ છે? ત્યારે બિરબલે બાદશાહ અકબરનાં પ્રશ્નની વાત કરી આ સાંભળીને દીકરીએ કહ્યું પિતાજી આપ પણ નચિંત બનીને સૂઈ જાવ કાલે દરબારમાં હું તમારી સાથે આવીશ અને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. દીકરીની વાત સાંભળીને બિરબલજી પણ આનંદિત થઈ, નચિંત બની ને સૂઈ ગયાં. બીજે દિવસની સવારે બિરબલજી પોતાની દીકરીને લઈ દરબારમાં ગયાં. બાદશાહ અકબર બિરબલને જોઈને પ્રસન્ન તો થયા પણ તરત જ તેને સભામાં હાજર રહેલા સહુને સૌને પ્રશ્ન પૂછ્યો ત્યારે દરબારીઓએ કહ્યું કે તેમને તો બાદશાહનાં સવાલનો જવાબ મળ્યો નથી પણ બિરબલજી એ સવાલનો જવાબ ચોક્કસ આપશે. આ સાંભળીને બાદશાહે બિરબલને કહ્યું મારા સવાલનો જવાબ આપ કે એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે ને પાણી પીને મરી જાય છે? બાદશાહની વાત સાંભળીને બિરબલજીએ કહ્યું જહાંપનાહ આપના સવાલનો ઉત્તર હું નહીં પણ મારી દીકરી આપશે. પછી પોતાની દીકરી તરફ જોઈ બિરબલજી કહેવા લાગ્યાં કે વ્હાલી દીકરી બાદશાહનાં સવાલનો જવાબ આપો. ત્યારે બાદશાહ અકબર વિચારવા લાગ્યાં કે મોટા મોટા મંત્રીઑ જે જવાબ નથી આપી શકતાં તે જવાબ આ આવડી ટેટા જેવી દીકરી શું આપશે ત્યાં જ બિરબલજીની દીકરી ઊભી થઈ બાદશાહ પાસે આવી કહેવા લાગી કે જહાંપનાહ આપનાં સવાલનો જવાબ જાણવા માટે હું કહું તે પ્રમાણે કરવું પડશે. દીકરીની વાત સાંભળીને બાદશાહે હા કહી તેથી દીકરી કહે જહાંપનાહ આપનાં હાથની હથેળી ખોલો તો. બાદશાહે દીકરીની વાત સાંભળી પોતાની હથેળી ખોલી તો બિરબલજીની દીકરીએ ઊભા થઈ બાદશાહ અકબરની હથેળીમાં કશુક મૂક્યું પછી તરત જ બાદશાહની હથેળી બંધ કરાવી દીધી. પળ-બે પળ થઈ ત્યાં દીકરીએ પુછ્યું જહાંપનાહ કેવું થાય છે? ત્યારે બાદશાહ બોલ્યા બેટા હથેલીમાં કાંઈક સળવળે છે. આથી દીકરીએ બાદશાહની હથેળી ખોલાવી. બાદશાહે જોયું કે પોતાની હથેળીમાં તો થોડી વિવિધ પ્રકારની ઇયળો અને કીડા હતાં. આ જોઈને બાદશાહને ચીતરી ચઢી તેથી બાદશાહે મ્હોં બગાડીને હથેળીની દિશા વાળી દીધી તો બધી જ ઇયળો અને કીડા નીચે પડી ગયાં પછી બાદશાહે ક્રોધિત પૂછ્યું બિરબલજી આ શું છે? બાદશાહની વાત સાંભળી બિરબલજીની દીકરી ફટ કરતી બોલી ઉઠી જહાંપનાહ એ તો આપના સવાલનો જવાબ છે. આ ઇયળો અને આ કીડા તે સૂકા અનાજમાં થાય છે આ અનાજમાં પાણી નથી હોતું તેમ છતાં પણ તેઓ જીવે છે ઉપરાંત આ બધી ઇયળો અને કીડાને પાણીમાં નાખો તો પાણી પીને મરી જાય છે કારણ કે આ જીવો એવા છે જેમને પાણીની નહીં પણ સૂકા અનાજની જરૂર છે. બિરબલજીની નાનીશી દીકરીની વાત સાંભળી બાદશાહ અકબર ખુશ ખુશ થઈ ગયાં અને બિરબલજીની દીકરીને ઈનામ આપી તેનું સન્માન કર્યું પછી કહેવા લાગ્યાં કે બિરબલજી જેવા આપ ચતુર છો તેવી જ આપની દીકરી…..પણ ચતુર છે બિરબલજી મોરનાં ઈંડા ચીતરવા નો પડે હો.


11 પાંચ સવાલ
એક દિવસ બાદશાહ અકબરે દરબારમાં હાજર પોતાના રત્નોને પાંચ સવાલ પુછ્યાં-

1. ફૂલ કોનુ સારૂ

2. દૂધ કોનું સારૂ

3. મિઠાસ કોની સારી

4. પત્તુ કોનું સારૂ

5. રાજા કોનો સારો

બાદશાહનના આ સવાલના જવાબમાં બધા લોકો પોતાના અલગ અલગ બે મત કહેવા લાગ્યા. કોઈએ ગુલાબનું ફૂલ સારૂ કહ્યું તો કોઈએ કમળનું, કોઈએ બકરીનું દૂધ સારૂ કહ્યું તો કોઈએ ગાયનું, કોઈએ શેરડીની મિઠાશ સારી કહી તો કોઈએ મધની, કોઈએ કેળાના પત્તાને સારૂ કહ્યું તો કોઈએ લીમડાના, કોઈએ રાજા વિક્રમાદિત્યને સારો કહ્યો તો કોઈએ રાજા અકબરને.

બાદશાહ અકબર કોઈના પણ જવાબથી સંતુષ્ટ ન થયાં ત્યારે તેમણે બિરબલને જવાબ આપવા કહ્યું-

- ફૂલ કપાસનું સારૂ હોય છે કેમકે તેનાથી જ આખી દુનિયામાં પડદો થાય છે.

- દૂધ માતાનુ સારૂ હોય છે કેમકે તેને પીને જ બાળપણમાં પોષણ થાય છે.

- મિઠાશ વાણીની સૌથી સારી હોય છે કેમકે તે બોલનારની સાથે સાંભળનારના સંબંધ સારા બનાવે છે.

- પત્તુ પાનનું સારૂ હોય છે કેમકે તેને ભેટ કરવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે.

- રાજાઓમાં દેવરાજ ઈન્દ્ર સૌથી સારા છે કેમકે તેની આજ્ઞાની જ મેઘ વરસે છે અને માત્ર મનુષ્યનું જ નહિ પરંતુ દુનિયાના દરેક જીવનું પોષણ થાય છે.

બીરબલનો જવાબ સાંભળીને અકબર ખુબ જ ખુશ થયાં અને તેમણે બીરબલની બુદ્ધિની પ્રશંસા કરી.


12 નગરશેઠને ત્યાં દરોડો
એકવખત બાદશાહ અકબરે બિરબલને કહ્યુ, "બિરબલ આપણો શાહીખજાનો ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. આવક મર્યાદીત છે અને ખર્ચા વધતા જાય છે. પ્રજા પર વધુ કર પણ નાંખી શકાય તેમ નથી અને પ્રજાકલ્યાણના ખર્ચ પર કાપ પણ મુકી શકાય તેમ નથી. મને કોઇ રસ્તો બતાવ જેથી શાહીખજાનાની ઘટ ભરપાઇ કરી શકાય". બિરબલે કહ્યુ, "જહાંપનાહ, આપ નગરશેઠને ત્યાં દરોડો પાડો એમની પાસે ઘણી સંપતિ છે."
અકબરે બિરબલની સલાહ મુજબ નગરશેઠને ત્યાં દરોડો પાડ્યો. કરોડોની બેનામી સંપતિ હાથ લાગી. બાદશાહને પણ આશ્વર્ય થયુ કે નગરશેઠે આટલી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે ? નગરશેઠને આ બાબતે પુછ્યુ એટલે નગરશેઠે કહ્યુ, "મહારાજ, રાજ્યમાં જેટલા કામો ચાલે છે એ બધા જ કામોના કોન્ટ્રાક્ટમાં મારુ કમીશન છે. આ બધી એ કમીશનની કમાણીમાંથી ભેગી થયેલી સંપતિ છે". અકબરને ખુબ ગુસ્સો આવ્યો. નગરશેઠની બધી જ સંપતિ જપ્ત કરી લીધી. નગરશેઠ હવે રસ્તા પર આવી ગયા. બાદશાહે દયા ખાઇને એને તબેલામાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા. 
કેટલાક વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો. શાહીખજાનાનું તળીયુ દેખાવા લાગ્યુ એટલે અકબરે ફરીથી બીરબલને યાદ કર્યો. બિરબલે કહ્યુ, “નગરશેઠને ત્યાં દરોડો પાડો”. વાત સાંભળીને અકબર ખ્ડખડાટ હસી પડ્યા. અકબરે કહ્યુ, “અલ્યા બિરબલ, હવે એ ક્યાં નગરશેઠ છે ! એ તો તબેલામાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે. એની પાસે વળી શું સંપતિ હોય ? બિરબલે કહ્યુ, “આપ તપાસ તો કરાવો”.
અકબરે એમના ખાસ માણસોને તપાસમાં મોકલ્યા તો નગરશેઠ પાસેથી બહુ મોટી સંપતિ મળી આવી. બાદશાહને આશ્વર્ય થયુ કે આટલી બધી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે આ માણસે ? અકબરે જ્યારે ખુલસો પુછ્યો ત્યારે નગરશેઠે કહ્યુ, “ઘોડાનું ધ્યાન રાખનારા ઘોડાને ખાવાનું પુરુ આપતા નહોતા એની મને ખબર પડી એટલે મે એમને કહ્યુ કે જો તમે મને આમાં ભાગ નહી આપો તો હું બાદશાહને બધી વાત કરી દઇશ. બસ પછી તો ત્યાં આપણું કમીશન ચાલુ થઇ ગયું.” 
અકબરને ખુબ ગુસ્સો આવ્યો. બધી જ સંપતિ લઇ લીધી અને હવે દરીયાના મોજા ગણવાનું કામ સોંપ્યુ જેથી નગરશેઠ બીજાને હેરાન કરીને કોઇ સંપતિ ભેગી ન કરી શકે. થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુધ્ધ થયુ એટલે ખજાનો ખાલી થવા લાગ્યો. ફરીથી બિરબલને બોલાવ્યો અને મહારાજા કંઇ પુછે એ પહેલા જ બિરબલે કહ્યુ,” જહાંપનાહ, નગરશેઠને ત્યાં દરોડો પાડો.” 
અકબરને પુરો વિશ્વાસ હતો કે આ વખતે નગરશેઠ પાસેથી કંઇ જ નહી મળે. દરોડો પાડ્યો તો બહુ મોટી સંપતિ મળી આવી. આ વખતે તો સૌથી વધુ સંપતિ હતી. બાદશાહે નગરશેઠને પુછ્યુ, “ભાઇ, તું આટલી સંપતિ કેવી રીતે પેદા કરી શક્યો ?. નગરશેઠે કહ્યુ, “બાદશાહ, આપે મને દરીયાના મોજા ગણવાનો જે હુકમ આપેલો એ હુકમના આધારે જ હું આટલી સંપતિ કમાયો છું. માલસામાન ભરીને જે વહાણો કિનારા પાર આવતા હોય એ બધા વહાણોને દુર જ અટકાવી દેતો. આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજા ગણવાનું કામ સોંપ્યુ છે અને તમારા વહાણને કારણે મોજા ગણવામાં અડચણ થાય છે. માટે વહાણ કિનારા પર લાવવાનું નથી. છેવટે કંટાળીને મને અમુક રકમ આપે તો જ વહાણને કિનારે આવવાની મંજૂરી આપુ આવી રીતે કમાણી વધતી ગઇ.”

 બાદશાહ અકબર ફાટી આંખે નગરશેઠ સામે જોઇ રહ્યા.

 મિત્રો, આવા કેટલાય નગરશેઠો આજે પણ જીવે છે. સરકાર ગમે એવા ગાળીયા કસે પણ પોતાના રસ્તાઓ કરી જ લે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...