એક વાર આ અમલદાર મુલ્લાં નસરુદ્દીન નો મહેમાન થયો. એના ઘોડાને એ ચોપગા કહેતો.
દિવસમાં દસ વખત એ કહેતો : 'એ...ઈ, મારા ચોપગાને ચંદી આપી ? પાણી પાયું ?'
એક દિવસ મુલ્લાંએ ગામના કાજીને પોતાને ઘેર બોલાવ્યા અને આ અમલદારની ઓળખાણ કરાવી કહ્યું : 'ચોપગા પર એમને ખુબ જ પ્રેમ છે. મને થાય છે કે મારી પાસે ચાલીસ ચોપગા છે તે હું
એમને વેચી દઉં તો બાપડા સુખી થાય ! ખુબ સસ્તા ભાવે આપી દેવા માટે હું તૈયાર છું.'
અમલદારે આ સાંભળી કહ્યું : 'બોલો, શું લેવું છે એનું ?'
'એક ચોપગાના પાંચ રૂપિયા.' મુલ્લાંએ કહ્યું.
અમલદાર તો મનમાં ખુશ ખુશ થઇ ગયો. બજારમાં એક ઘોડાની કિંમત સહેજે સો રૂપિયા હતી. પાંચ રૂપિયા લેખે ચાલીસ ઘોડા મળી જાય તો એક જ સોદામાં કેટલો નફો થાય ?
એ બોલી ઉઠ્યો : 'સોદો કબુલ ! લે આ બસો રૂપિયા ! તારા ચાલીસ ચોપગા હાજર કર !'
મુલ્લાના ઘરમાં સસલાનો વાડો હતો. વાડામાંથી ચાલીસ સસલા પકડી કોથળામાં પૂરી મુલ્લાં લઇ આવ્યા, ને અમલદારના હાથમાં કોથળો પકડાવી દઈ કહે : 'લો, સંભાળો તમારા ચાલીસ ચોપગા !'
સસલા જોઈ અમલદારે રાડ પાડી : 'દુષ્ટ, મને છેતરે છે ? ચાલીસ ઘોડા આપવાનું કહીને મને સસલા આપે છે ?'
મુલ્લાંએ ઠંડકથી કહ્યું : 'ઘોડાની વળી ક્યારે વાત થઇ છે ? ચાલીસ ચોપગાની વાત થઇ છે; અને ચાલીસ ચોપગા હું આપુ છું. સસલા ચોપગા ખરા કે નહિ એનો કાજી ન્યાય કરે ! એમની રૂબરૂ
જ સોદો થયો છે !'
કાજીએ તરત ફેંસલો જાહેર કર્યો : 'સસલા ચોપગા છે, અને સોદા પ્રમાણે માલ છે ! સોદો કર્યા પછી જે ફરી જશે તેને કાયદેસર સખ્ત સજા થશે - નોકરી તો જશે જ ઉપરથી દંડ થશે !'
હવે અમલદારનો કોઈ બચાવ રહ્યો નહિ."
ગામની ભાગોળ શુળીઓ રોપી ગઈ અને ચોકીદારો બેસી ગયા.
સામેથી મુલ્લાં આવતા દેખાયા.
ચોકીદારે પૂછ્યું : 'ક્યાં જાઓ છો ?'
મુલ્લાંએ કહ્યું : 'શુળીએ ચડવા જાઉં છું.'
ચોકીદારોએ કહ્યું : 'ખોટી વાત ! તું જુઠું બોલે છે !'
મુલ્લાંએ કહ્યું : 'હું જુઠું બોલતો હોઉં તો રાજાના હુકમ પ્રમાણે મને શુળીએ ચડાવો !'
ચોકીદારો કહે : 'તો તારું બોલવું સત્ય ઠરે ! અને સાચાને શુળીએ ચડાવવા બદલ અમને સજા થાય !'
ચોકીદારો મૂંઝાયા. તેઓ દોડતા રાજાની પાસે ગયા. કહે : 'મહારાજ, આને સાચો કહેવાય કે ખોટો ?'
રાજા પણ આનો જવાબ દઈ શક્યો નહિ. તેણે પોતાનો હુકમ પાછો ખેંચી લીધો."
મજુરીની શોધમાં એ ત્રણ શિખામણ આવી ઉભા.
ત્યાં એક શેઠ મજુરને શોધતો હતો તે કહેતો હતો : 'મારી આ પેટી જે ઉપાડી લેશે તેને હું મજુરીમાં ત્રણ સારી શિખામણો આપીશ !'
'અને પૈસા ?' એક મજૂરે પૂછ્યું.
'પૈસા પૈસા શું કરે છે ? પૈસાને તો કુતરાય સુંઘતા !' શેઠે કહ્યું.
મુલ્લાંએ આ સાંભળ્યું. તે મનમાં બોલ્યા : 'વાત બિલકુલ સાચી ! પૈસાને કુતરાયે સુંઘતા નથી. વળી પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાય છે, પણ સારી શિખામણ જવલ્લે જ મળે છે!'
તેમણે આગળ આવીને કહ્યું : 'શેઠજી, બતાવો તમારી પેટી, હું એ ઉપાડી લઉં છું.'
શેઠે કહ્યું : 'આ રહી પેટી ! જરા જાળવીને ઉપાડજે ! એમાં કાંચ ના વાસણો છે !'
'એમાં હાથી ઘોડા કેમ નથી ?' કહી મુલ્લાંએ પેટી માથા પર ઉપાડી લીધી ને ચાલવા માંડ્યું.
થોડું ચાલ્યા પછી મુલ્લાંએ કહ્યું : 'શેઠ, મને લાગે છે કે હું ત્રીજા ભાગ જેટલું ચાલ્યો છું, એટલે ત્રણમાંથી એક શિખામણ મને અત્યારે મળવી જોઈએ.'
શેઠે કહ્યું : 'ભલે, તો સાંભળ ! મારી પહેલી શિખામણ એ છે કે કોઈ તને કહે કે પેટ ભરીને ખાવા કરતા ભૂખ્યા રહેવાથી વધારે ફાયદો છે, તો તું એ માનતો નહિ !'
આ સાંભળી મુલ્લાંએ કહ્યું : 'વાહ, બહુ ફક્કડ શિખામણ છે !'
શેઠે કહ્યું : 'એથી ચડતી શિખામણ હજી હવે તને મળશે !'
'વાહ !' કહી મુલ્લાંએ એકદમ ઉત્સાહમાં આવી ચાલવા માંડ્યું.
વળી કેટલુક ચાલ્યા પછી મુલ્લાંએ કહ્યું : 'શેઠ, મને લાગે છે કે હવે હું બે ભાગ જેટલું ચાલ્યો છું, એટલે હવે મને બીજી શિખામણ મળવી જોઈએ !'
શેઠે કહ્યું : 'તારી વાત સાચી છે, તો સાંભળ ! મારી બીજી શિખામણ એ છે કે કોઈ તને કહે કે ઘોડા પર બેસી ને જવા કરતા પગે ચાલીને જવા માં વધારે ફાયદો છે, તો તું એ માનતો નહિ !'
એકદમ મુલ્લાં બોલી ઉઠયા : 'વાહ, બહુ સરસ શિખામણ !'
શેઠે કહ્યું : 'અરે, સોંથી સરસ શિખામણ તો હજી હવે આવશે !'
મુલ્લાંએ કહ્યું : 'તો હું ઝડપથી ચાલુ !'
આમ કહી એ ઝપાટાબંધ ચાલ્યા, ને ઘડીકમાં શેઠના ઘરના આંગળામાં આવી ઉભા.
પછી કહે : 'શેઠ, મેં મારું કામ પૂરું કર્યું છે. હવે મને છેલ્લી શિખામણ દઈ દો, એટલે માથેથી ભાર ઉતારી હું ચાલવા માંડું !'
શેઠે હસીને કહ્યું : 'મારી ત્રીજી ને છેલ્લી શિખામણ એ છે કે કોઈ તને કહે કે તારામાં ચપટી અક્કલ નથી તો એ વાત તું માનતો નહિ !'
'હે !' કહી માથું ધુણાવી મુલ્લાંએ એકદમ પેટી માથા પરથી ભોય પર પછાડી. પેટીના પાટિયા ચીરી ગયા અને અંદરના વાસણોના ચુરા થઇ ગયા.
આ જોઈ શેઠે ગુસ્સામાં રાડ પાડી : 'અરે, દુસ્ત, તે આ શું કર્યું ? તારામાં ચપટી અક્કલ નથી !""
શાંતિથી મુલ્લાંએ કહ્યું : 'શેઠ, તમારી ત્રીજી શિખામણ પ્રમાણે હું એ વાત માનતો નથી, અને તમે પણ કોઈ તમને કહે કે તમારામાં ચપટી અક્કલ નથી, આવા માણસને તે કાંચના વાસણોની
પેટી ઊંચકવા અપાતી હશે ? - તો એ વાત તમે માનશો નહિ !'
આટલું કહી મુલ્લાં વિદાય થઇ ગયા."
ઈંડા ન લાવી શકાય ? ડાહ્યો માણસ તો એક ફેરામાં ત્રણ કામ પતાવે !'
મુલ્લાંએ કહ્યું : 'હવે એવું નહિ બને ! હું એક ફેરા માં ત્રણ શું, સાત કામ પતાવીશ !'
થોડા વખત પછી શેઠ માંદા પડ્યા. તમણે મુલ્લાંને હુકમ કર્યો : 'જા, હકીમને બોલાવી લાવ !'
મુલ્લાં હકીમને બોલાવવા ગયા અને સાથે બીજા પણ કેટલાક માણસોને બોલાવતા આવ્યા.
શેઠે કહ્યું : 'કોણ છે આ બધા ?'
મુલે કહ્યું : 'હકીમ મલમપાટાનું કહે તો મલમપાટાવાળાને બોલાવી લાવ્યો છું, માલીશનું કહે તો માલીશવાળાનેય બોલાવતો આવ્યો છું, નસ્તરનું કહે તો નસ્તરવાળા હજામને લેતો આવ્યો છું.
એને એ બધાઓને પોતાના કામમાં મદદરૂપ થાય એવા બધાયને સાથે લઇ આવ્યો છું, આટલા દવાદારૂ કરવા છતાં જો તમે ન બચ્યા તો કફનવાળાનેય સાથે લાવ્યો છું અને ફક્ત ઊંચકનારાઓનેયે
લાવ્યો છું, ત્રણ ઈંડા લેવા માટે ત્રણ વાર બજારમાં જવું પડે એવું હું રાખતો જ નથી ! હું એક ફેરામાં એક નહિ સાત કામ પતાવું છું !'"
એક વાર મુલ્લાં નસરુદ્દીન બજારમાંથી ગુલાબી સાબુની એક ગોટી લઇ આવ્યા. પછી બીબીને કહે: 'મારું ધોઈ કાઢ !'
બીબી મુલ્લાનું ખમીસ ધોવા બેથી. પણ એ હાથમાં સાબુ લે તે પહેલા એક કાગડો ત્યાં ઉડી આવ્યો અને ગુલાબી સાબુને કઈ ખાવાની ચીજ સમજી તે ચાંચમાં ઉપાડીને ભાગી ગયો.
બીબીએ બુમાબુમ કરી મૂકી.
મુલ્લાંએ દોડી આવી પૂછ્યું: 'શું થયું ?'
બીબીએ કહ્યું: 'હું તમારું ખમીસ ધોવા બેસતી હતી, ત્યાં કાગડો આવી સાબુ ઉઠાવી ભાગી ગયો ! ચોટ્ટો !'
મુલ્લાંએ એક વાર પોતાના ખમીસ સામે અને એક વાર કાગડા સામે નજર કરી લઇ કહ્યું: 'બીબી, મારું ખમીસ જો ને કાગડા ને જો ! મારા ખમીસ કરતા કાગડાનો ડગલો વધારે મેલો છે. એટલે મારા કરતા સાબુની એને વધારે જરૂર છે. આપણને ભલે થોડું નુકસાન થયું, પણ એ બાપડા ને સાબુ મળ્યો તે સારું થયું !'એક વાર એક શ્રીમંત મુલ્લાં નસરુદ્દીન ને કહ્યું: 'મુલ્લાં, તમે બહુ અક્કલવાળા છો તો કહો, મારી પાસે ખુબ ધન છે, છતાં મને સુખ કેમ જડતું નથી ?'
મુલ્લાએ કહ્યું : 'વખત આવ્યે કહીશ.'
થોડા દિવસ પછી એ શ્રીમંત જોયું તો મુલ્લાં રસ્તામાં કઈ ખોળતા હતા.
શ્રીમંત પૂછ્યું: 'મુલ્લાં, શું ખોળો છો ?'
મુલ્લાંએ કહ્યું : 'ચાવી ખોળું છું.'
શ્રીમંત સજ્જન પણ મુલ્લાંની સાથે ચાવી ખોળવા લાગ્યા.
થોડા વખત પછી તેમણે કહ્યું : 'મુલ્લાં, ચાવી ક્યાં પડી ગઈ છે એની તો તમને ખાતરી છે ને ?'
મુલ્લાંએ કહ્યું : 'છે જ તો !'
'ક્યાં પડી ગઈ છે ?'
'ઘરમાં !'
શ્રીમંત નવાઈ પામી કહ્યું: 'ચાવી ઘરમાં પડી ગઈ છે તો, મુલ્લાં, તમે એને અહી રસ્તામાં કેમ ખોળો છો ?'
મુલ્લાંએ કહ્યું: અહી અજવાળું છે ને, એટલે ! ઘરમાં સાવ અંધારું છે, ત્યાં કેમ કરીને ચાવી ખોળું ?'
શ્રીમંત કહ્યું: 'કેવી વાત કરો છો તમે ? જે ચીજ જ્યાં જડે તેમ હોય ત્યાં જ તેને શોધવી જોઈએ. બીજે શોધવા જવું એ મૂર્ખાઈ છે.'
મુલ્લાંએ શ્રીમંત ની સામે તાકીને જોઈ કહ્યું : 'હું પણ એ જ કહું છું, જનાબ ! તમે સુખ ખોળો છો તો જ્યાં સુખ મળે તેમ છે ત્યાં એને ખોળો ! સુખને ધનમાં ન ખોળો !સુખ ધનમાં નથી, ધનના ત્યાગમાં છે.'એક વાર મુલ્લા નસરુદ્દીન ના ઘરમાં ચોર પેઠા. ચોરને જોઈ મુલ્લાંને બીક લાગી, એટલે મુલ્લાં એક જૂની લાકડાની પેટીમાં સંતાઈ ગયા.
મુલ્લાં ગરીબ હતા. એમના ઘરમાં માલમિલકત જેવું કઈ હતું નહિ.
ચોરોને ક્યાય કશું હાથ લાગ્યું નહિ.
તેમણે એક ખૂણામાં લાકડાની પેટી પડેલી જોઈ. પેટીમાંથી કઈ મળશે એમ સમજી તેમણે પેટી ઉઘાડી, તો તે માંથી મુલ્લાનું માથું બહાર આવ્યું !
ચોરોએ કહ્યું : 'કોણ છે તું ?'
મુલ્લાંએ કહ્યું : 'ઘરનો ધણી !'
'ઘરનો ધણી ? કયા ઘરનો ?' ચોરોએ પૂછ્યું.
મુલ્લાંએ કહ્યું : 'આ ઘરનો વળી !'
ચોરોએ કહ્યું : 'તો ઘરનો ધણી થઈને તું આ પેટીમાં શું કામ પુરાયો છે ?'
મુલ્લાંએ કહ્યું : ' શું કામ તે શરમનો માર્યો ! મને થયું કે આપ સજ્જનો કેટલી આશાએ મારા ઘરમાં પધાર્યા, પણ મારા ઘરમાં કશું છે નહિ ! આપનો સત્કાર કેવી રીતે કરવો ? એટલે શરમનો માર્યો હું આ પેટીમાં ભરાઈ ગયો છું.'
ચોર ખસીયાના પડી ગયા અને કઈ પણ બોલ્યા વગર ઘર છોડી ગયા.તૈમુર લંગ પશ્ચિમ એશિયા જીતવા થનગની રહ્યો હતો. મુલ્લાં નસરુદ્દીન આવી લડાઈઓની વિરુદ્ધ હતા. તેથી તેમણે મસ્દીજ માં પ્રાર્થના કરાવી કે તૈમુર ઉપર ખુદાનો ખૌફ ઉતારો !
તૈમુરને ખબર હતી કે મુલ્લાં મારી વિરુદ્ધ છે તેથી તે પણ તે વખત મસ્જીદમાં હાજર હતો. પણ તે દરવેશના છુપા વેશ માં હતો. તે એકદમ બોલી ઉઠ્યો : 'મુલ્લાં, ખુદા તારી આ પ્રાર્થના મંજુર નહિ કરે !'
મુલ્લાંએ કહ્યું : 'કેમ નહિ કરે ?'
દરવેશે કહ્યું : 'કારણ કે તૈમુર બાદશાહ છે, એ સજાપાત્ર ને સજા કરે છે અને સજાપાત્રને જે સજા કરે છે તેને ખુદા સજા નથી કરતો !'
હવે મુલ્લાં મૂંઝાયા. તેમણે કહ્યું : 'તમે કોણ છો ? શું નામ તમારું ?'
'હું ? હું તૈમુર !' તૈમુર નામ સાંભળી એકદમ આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. તૈમુર પોતાના કેટલાક તીરંદાજોને છુપે વેશે ત્યાં તૈયાર રાખ્યા હતા, તે પણ બધા હાથમાં તીરકામઠા લઈને ખડાથઇ ગયા !
મુલ્લાં મામલો સમજી ગયા, પણ એમ ઢીલા થઇ જાય તો એ મુલ્લાં શાના ? એમને ફરી એ દરવેશ વેશધારી તૈમુરને પૂછ્યું : 'તમારા નામને છેડે 'લંગ' છે ?'
તરત જવાબ આવ્યો : 'છે જ તો ! હું તૈમુર લંગ છું.'
હવે બધાને ખાતરી થઇ ગઈ કે આપણું આવી બન્યું ! તૈમુર આપણને જીવતા નહિ છોડે !
મુલ્લાંને પણ એ વિશે શંકા નહોતી, પણ એ પોતાની મસ્તીમાં મસ્ત હતા.
એમણે લોકોની સામે જોઈ કહ્યું : 'દોસ્તો, આ પહેલા આપણે સમુહમાં પ્રાર્થના કરી હવે આપણે સમુહમાં ફાતીયો પઢીએ અને સદાને માટે અહી આરામથી પોઢી જઈએ !'
મુલ્લાંની આ નિર્ભયતા અને મરવા ટાણે પણ મજાક કરવાની શક્તિ જોઈ તૈમુર હસી પડ્યો.
તરત જ એણે પોતાના સૈનિકોને હુકમ કર્યો : 'હટી. જાઓ અહીંથી ! કતલ કરવા લાયક અહી કોઈ નથી!'મુલ્લાં નસરુદ્દીન ની પાસે એક ફક્કડ ઘેટું હતું. પડોશીઓની નજર એ ઘેટા પર હતી. એમને એ મારી ખાવું હતું. એમને ઘણી વાર મુલ્લાંને કહી જોયું કે દોસ્ત, એક વાર મિજબાની તો આપ ! પણ મુલ્લાં કોઠું આપતા નહોતા.
છેવટે પડોશીઓએ એક યુક્તિ અજમાવી, તેમણે મુલ્લાંને કહ્યું કે 'આવતી કાલે પૃથ્વીનો પ્રલય થવાનો છે, માટે આજે ખાઈપી લહેર કરી લો ! કાલ કોણે દીઠી છે !'
આ વાત તેમણે મુલ્લાંના મનમાં એવી ઠસાવી દીધી કે મુલ્લાંએ કહ્યું : 'બસ, તો આજે છેલ્લી જાફત કરી નાખીએ ! ખાધું એ ખરું ! આ ઘેટું હવે શા ખપનું છે ?'
એ જ દિવસે ઘેટાની મિજબાની થઇ ગઈ. જમ્યા પછી બધા મહેમાનો ડગલા ઉતારી વામકુસ્રી કરવા પડ્યા, અને મુલ્લાંએ એ બધા ડગલા ભેગા કરી અને હોળી કરી નાખી !
વામક્રુસી કરીને જાગ્યા પછી મહેમાનોએ ડગલા ખોળ્યા, પણ એકે ડગલો હાથ લાગ્યો નહિ. ત્યારે બધા મુલ્લાં પર ગુસ્સે થઇ ગયા. કહે : 'અમારા ડગલા ક્યાં ?'
મુલ્લાંએ જરાયે વિચલિત થયા વગર કહ્યું : 'દોસ્તો, ડગલા ડગલા શું કરો છો ? આવતી કાલે તો પૃથ્વીનો પ્રલય થવાનો છે, પછી ડગલા શા ખપના છે ? એટલે મેં બધાની હોળી કરી નાખી ! તાપણું ફક્કડ થયું છે; ચાલો, તાપીએ !'એક વાર એક માણસનો બળદ મુલ્લાં નસરુદ્દીન ના ખેતરના ઉભા મોલમાં ઘુસી ગયો ને પાકને નુકસાન કરવા લાગ્યો.
મુલ્લાંએ બળદના માલિકને ફરિયાદ કરી : 'તમારો બળદ મારા પાકને નુકસાન કરે છે. એને વારો !'
બળદના માલિકે હસીને કહ્યું : 'એ તમારી અને બળદની અંગત બાબત છે. હું કોઈની અંગત બાબતમાં વચમાં પડતો નથી.'
હવે મુલ્લાંએ ચાબુક લઇ બળદને ફટકારવા માંડ્યો. બળદ અધમુઓ થઇ ગયો.
બળદના માલિકે મુલ્લાંને કહ્યું : 'એ...ઈ, મારા બળદને કેમ મારે છે ?'
મુલ્લાંએ ઠંડકથી કહ્યું : 'કેમ મારું છું એ બળદ જાણે છે. મારી અને બળદની એ અંગત બાબત છે. કોઈની અંગત બાબતમાં માથું મારવાનો તમને હક નથી.'એક વાર કેટલાક માણસોએ મુલ્લાં નસરુદ્દીન ની મજાક કરવા ખોટેખોટું કહ્યું : 'મુલ્લાં, તમારા સાસુ નદીમાં પડી ગયા છે ને તણાય છે ! ઝટઝટ દોડો અને બચાવી લો !'
એક પળ પણ ગુમાવ્યા વિના મુલ્લાં નદી પર પહોચી ગયા અને નદીના વહેણની સામી દિશાએ દોડવા લાગ્યા.
લોકોએ કહ્યું : 'અરે, વહેણ તો આ તરફ જાય છે, અને તમે એની સામી બાજુ કેમ દોડો છો ?'
મુલ્લાંએ કહ્યું : 'મારી સાસુને તમે ઓળખો કે હું ? બધા વહેણની સાથે તણાય, પણ મારી સાસુ વહેણની સામે તણાય એવી છે. એટલે હું આમ જાઉં છું.'
મુલ્લાંને બનાવવા જનાર પોતે જ બની ગયા.એક વાર મુલ્લાં નસરુદ્દીન બે સુલતાનોની સાથે શિકાર ખેલવા વનમાં ગયા હતા.
બપોરનો સમય હતો. તાપ સખત પડતો હતો.
બેઉ સુલતાનોએ પોતાના ભારે ડગલા અંગ પરથી ઉતારીને મુલ્લાંને ઊંચકવા આપ્યા હતા. બંને ડગલા ખભા પર નાખી મુલ્લાં ધીરે ધીરે ચાલતા હતા.
એટલામાં એક સુલતાનને મુલ્લાંની મશ્કરી કરવાનું મન થઇ આવ્યું તેણે બીજાને કહ્યું : 'મુલ્લાંના ખભા પર અત્યારે એક ગધેડાનો બોજ છે !'
મુલ્લાં એ સાંભળી ગયા.
તરત એમણે કહ્યું : 'જી, આપણી જરીક ભૂલ થાય છે. મારા ખભા પર એક ગધેડાનો નહિ, પુરા બે ગધેડાનો બોજ છે !'એક વાર એક કદરૂપી બાઈ મુલ્લાં નસરુદ્દીન પાસે આવી કહે : 'મુલ્લાં, મેં સાંભળ્યું છે કે તમે અસલ ઈલમી છો.'
મુલ્લાએ કહ્યું : 'હ, બીજું શું સાંભળ્યું છે ?'
બાઈએ કહ્યું : 'બીજું એ સાંભળ્યું છે કે તમારી પાસે એવો કીમિયો છે કે તમે બેડોળને સુડોળ બનાવી દો છો, અને કુરૂપને સુરૂપ બનાવી દો છો !'
મુલ્લાં ધારી ધારી ને બાઈના ચહેરા સામે જોઈ રહ્યા.
બાઈએ કહ્યું : 'મુલ્લાં, હવે તમારા ઇલમથી તમે મારો ચહેરો સુંદર બનાવી દો ! બધા મને રૂપાળી જુએ એવું કરી દો ! હું તમને મો માગી ફી આપીશ.'
આમ કહી એણે મુલ્લાંની સામે અશર્ફીઓનો ઢગલો કરી દીધો.
મુલ્લાંએ એક એક અશરફી વીણી લઈને ગજવામાં નાખી.
પછી કહ્યું : 'બાઈ, કામ ઘણું અઘરું છે, કુદરતની સામે ટક્કર લેવાની છે, પણ તારી અશર્ફીઓએ મારામાં હિંમત પૂરી છે. તારે છ મહિના - માત્ર છ મહિના મારા આદેશ પ્રમાણે રહેવું પડશે.'
ખુશ થઇ બાઈ બોલી : 'મને એ મંજુર છે.'
મુલ્લાંએ કહ્યું : 'તારે છ મહિના - માત્ર છ મહિના એકલી છાશ પીને રહેવાનું, ભૂલેચૂકેય બીજું કઈ મોમાં નાખવાનું નહિ !'
બાઈ ચમકી પડી બોલી : હે ! છ મહિના, માત્ર છાશ પીને રહેવાનું ? તો તો હું મરી જ જાઉં ! બીજો સહેલો ઇલમ નથી ?'
મુલ્લાંએ કહ્યું : 'સહેલો ઇલમ પણ છે. ખુબ સહેલો છે. તમે કાયમ મો પર ઘૂમટો ઓઢીને ફરો ! બધાને તમે સ્વરૂપવાન જ દેખાશો !'એક વાર મુલ્લાં નસરુદ્દીન ગામથી ગામ ફરતા હતા, એમનો લાડકો ગધેડો એમની સાથે હતો.
આવી રીતે ફરતા ફરતા એક દિવસ એમને એક સોદાગરના કાફલાનો સંગાથ થઇ ગયો.
મુલ્લાં કાફલાની સાથે સાથે ચાલ્યા.
બપોરે કાફલાએ એક જગાએ મુકામ કર્યો અને ખાણું પકાવી ખાધું, પણ કોઈએ મુલ્લાંની દરકાર કરી નહિ.
મુલ્લાએ ગધેડાને કહ્યું : 'દોસ્ત, તું એક ટંક ભૂખ્યો રહી શકે છે, હું પણ રહી શકું છું.'
જમ્યા પછી કાફલો આગળ ચાલ્યો, મુલ્લાં પણ ચાલ્યા.
સાંજ પડતા કાફલાએ એક ઠેકાણે મુકામ કર્યો અને સાંજની નમાજની તૈયારી કરવા માંડી.
મુલ્લાં ગધેડાને લઈને આઘે જી બેઠા. પછી ગધેડાને કહે : 'દોસ્ત, તું બે ટંક ભૂખ્યો રહી શકે છે, હું પણ રહી શકું છું. આ લોકોએ બપોરે પેટ ભર્યું છે ને અત્યારે પણ ભરશે. એટલે ખુદાનો આભાર માનવાનું એમને કારણ છે, તેથી બંદગી કરે છે ને નમાજ પઢે છે. આપણે તો - હું ને તું - બેય ભૂખ્યા છીએ. એટલે મનોમન એટલું સમજવાનું કે આપણે એમનો આભાર માનીએ એવું જો ખુદા ચાહતા હશે તો મારા માટે ભાણું અને તારા માટે લીલું ઘાસ એ મોકલી આપશે. ત્યાં સુધી આપણે શાંતિથી ઊંઘીએ !'
આમ કહી મુલ્લાંએ ગધેડાની પીઠનો ટેકો લઈને જમીન પર લંબાવ્યું .એક વાર મુલ્લાં નસરુદ્દીન ને એક ગાય ખરીદી.
ગાયને દોરીને મુલ્લાં ઘેર લઇ જતા હતા, ત્યારે રસ્તામાં જે મળે તે કહે : 'વાહ, ગાય મજાની છે ! કેટલામાં લીધી આ ? ક્યાંથી લીધી ? ક્યારે લીધી ?'
મુલ્લાંએ એક ને જવાબ દીધો, બેને દીધો, ચારને દીધો, કઈ કેટલાયને દીધો.
પણ લોકો સવાલ પૂછાતા જ રહ્યા.
એકનો એક સવાલ સાંભળીને એણે સૌને એકનો એક જવાબ આપીને મુલ્લાં કંટાળી ગયા.
એવામાં વળી બે માણસ એમને મળ્યા.
ગાય જોતાજ એમણે કહ્યું : 'વાહ, જનાબ, ફક્કડ ગાય છે ! કેટલામાં લીધી આ ? ક્યાંથી લીધી, ક્યારે લીધી ?'
મુલ્લાંએ હવે ઠંડકથી જવાબ દીધો : 'ગાયને આટલી ઓળખો છો, તો ખુદ ગાયને જ એ પૂછી લો ને, બાવા!'એક વાર એક પંડિતે મુલ્લાં નસરુદ્દીન ને શાસ્ત્રાર્થના વાદવિવાદનો પડકાર ફેક્યો.
મુલ્લાંએ પડકાર ઝીલી લઇ વાદવિવાદનો દિવસ નક્કી કર્યો.
ઠરાવેલા દિવસે ને સમયે પંડિત મુલ્લાંને ઘેર ગયો પણ મુલ્લાં હાજર નહોતા. તેથી તેણે એવો ક્રોધ ચડ્યો કે એણે કોલસો લઇ મુલ્લાંના ઘરના બારણાં પર મોટા અક્ષરે લખી નાખ્યું :'અસલ ગધેડો !'
મુલ્લાંએ ઘરે આવી આ વાચ્યું કે તરત એ પંડિતને ઘરે દોડ્યા.
પછી પંડિતને કહે : 'તમે આવવાના હતા તે વાત હું ભૂલી ગયો હતો, તેથી હું ઘેર હાજર નહોતો. મને માફ કરો ! એ તો સારું થયું કે તમે મારા ઘરના બારણા પર તમારું નામ લખી ગયા ! એ વાંચ્યું ત્યારે જ મારે યાદ આવ્યું કે તમે આવવાના હતા !'
પંડિતનું મો જોવા જેવું થઇ ગયું. એમનો શાસ્ત્રાર્થનો વાદવિવાદ તે જ સમયે પૂરો થઇ ગયો !મુલ્લાં નસરુદ્દીન ની પાસે એક ગધેડો હતો. એક વાર એ ગધેડાને લઈને એ જંગલમાં લાકડા લેવા ગયા. લાકડા વીણી એમણે ગધેડા ઉપર લાદ્યા .
શિયાળાના દિવસો હતા - ટાઢ સખત પડતી હતી. મુલ્લાંને થયું કે મને ટાઢ વાય છે, તેમ ગધેડાને પણ ટાઢ વાતી જ હશે ને ! તો પછી આ લાકડા શા ખપના છે ? બાપડો એને ઉપાડીને ક્યારનો ટાઢ વેઠી ચાલે છે, તો એ લાકડાનું તાપણું કરી જરી એની ટાઢ ઉડાડું !
તરત જ મુલ્લાંએ ગધેડાની ઉપર લાદેલા લાકડા સળગાવ્યા. સુકા લાકડા ભક કરતા સળગી ઉઠ્યા. પોતાની પીઠ પરના ભડકાથી ભડકીને ગધેડો બીને ભાગ્યો.
મુલ્લાએ એની પાછળ દોડી બુમો પાડવા માંડી : 'અલ્યા ગધ્ધા, તાપવું ન હોય તો ન તાપતો, પણ આમ ભાગે છે શું કરવા ? જરી મારી શરમ રાખ !'
કોઈકે કહ્યું : 'મુલ્લાં, ગધેડો તો તાપણું હોલવવા દોડે છે !'
ત્યારે મુલ્લાંએ ગધેડાને સંબોધીને કહ્યું : 'અલ્યા, હોલવવું હોય તો જરી અક્કલ વાપરીને પાણીમાં કુદી પડ ! ડાબા હાથ પર કુવો છે !'
પણ ગધેડો જાય દોડ્યો.
મુલ્લાં કહે : 'ગધેડો છેવટ ગધેડો જ રહ્યો. કશું સમજતો નથી. એના ભલા માટે હું તાપણું કરું છું, તો એને એની કદર નથી અને તાપણું હોલવવાની સલાહ આપું છું તો સલાહ એ ગ્રહણ કરતો નથી ! નસીબ એના, મારે શું ?'એક વાર કોઈકે મુલ્લાં નસરુદ્દીન ને પૂછ્યું : 'સવાર થાય છે ને લોકો ચારે તરફ હડીઓ કાઢે છે એનું શું કારણ ?'
મુલ્લાંએ જવાબ દીધો : 'અરે વાહ, એટલુંયે નથી સમજાતું તમને ? સાવ મૂરખ લાગો છો !'
મુલ્લાંએ પોતાને મૂરખ કહ્યો તેથી એ માણસને ખોટું લાગ્યું; તોય તેણે કહ્યું : 'તો સાવ મુરખમાંથી તમે મને સાવ ડાહ્યો બનાવી દો ને !'
મુલ્લાંએ કહ્યું : 'જરૂર, દોસ્ત ! હું તને સાવ ડાહ્યો બનાવી દઉં ! મારો જવાબ નર્યો ડહાપણથી ભરેલો છે. સાંભળ, લોકો ચારે તરફ હડીઓ કાઢે છે તેનું કારણ એ છે કે આ ધરતી બાપડી નદીમાના નાવડા જેવી છે. જો બધા લોકો એકજ બાજુએ દોડે તો એક બાજુ ભાર વધી જાય અને ધરતી નાવડાની પેઠે ગુલાંટ ખાઈ જાય, ને ઉંધી વળી જાય ! હ, સમજી ગયો ને હવે ! ડાહ્યા માણસને જ સમજાય એવી વાત છે.'
પેલો ચુપ થઇ ગયો. એનાથી 'સમજ્યો' એવુયે નથી કહેવાતું, અને 'નથી સમજ્યો' એવુયે નથી કહેવાતું ! કહે છે તો 'સાવ મૂરખ' સાબિત થઇ જાય છે !
ટિપ્પણીઓ