મિત્રને એ ગમ્યું નહિ, તોયે એણે કચવાતા મને રોટલા, મીઠાઈ ને મધ મહેમાનની સામે ધર્યા.
મુલ્લાંએ પહેલા મીઠાઈ ખાધી, પછી રોટલા ખાધા, અને છેલ્લે મધનું તાંસળું મોઢે માંડવા ઉપાડ્યું.
આ જોઈ યજમાનને થયું : 'અરે, આણે તો બધું સાફ કરી નાખ્યું ! હવે આટલું મધ રહ્યું તેટલું તો બચાવું !'
આવો વિચાર કરી એણે કહ્યું : 'મુલ્લાં, રોટલા વગર મધ એકલું કેમ ખાધું જાય ? એ તો પેટમાં દુખશે !'
મુલ્લાંએ કટોરો સીધો મોઢે માંડી બધું મધ પી નાખી કહ્યું : 'કોના પેટમાં દુખશે એ ખુદા જાણે ! પણ એકલું મધ પેટમાં દુખવાનું હોય તો, દોસ્ત, બીજા રોટલા ને મીઠાઈ લાવો !'
યજમાને ફરી મીઠાઈ ને રોટલા લાવી મુલ્લાંની સામે ધરવા પડ્યા !એક વાર મુલ્લાં નસરુદ્દીન ના પડોશીને ઘેર જમણવાર હતો. પડોશી મુલ્લાંને ઘરથી કેટલાક વાસણ લઇ ગયો. જમણવાર પત્યા પછી એ વાસણો પાછા આપવા આવ્યો ત્યારે તેમાં એક વાટકી વધારે હતી.
મુલ્લાંએ કહ્યું : 'એ વાડકી તમારી છે, પાછી લઇ જાઓ !'
પડોશીને આજે મુલ્લાંની મજાક કરવાનું મન થયું. એટલે એણે કહ્યું : 'એ વાટકી મારી નથી, તમારી છે. તમારી તપેલી મારી ત્યાં વિયાઈ તેનું એ બચ્ચું છે. તપેલી તમારી, એટલે તપેલીનું બચ્ચું પણ તમારી જ ગણાય ! માની જોડે એ બચ્ચું તમારે ત્યાં આવ્યું છે.
મુલ્લાં કહે : 'સમજ્યો ! સમજ્યો !'
થોડા દિવસ પછી મુલ્લાંએ એ જ પડોશીને ત્યાંથી કેટલાક વાસણ વાપરવા લીધા. પણ પછી એમણે એ પાછા આપ્યા જ નહિ.
બહુ દિવસ થયા, ત્યારે પડોશી પોતાના વાસણ પાછા માંગવા આવ્યો,
ત્યારે મુલ્લાંએ કહ્યું : 'અફસોસ ! અફસોસ ! તમારા વાસણ બધા મારી ગયા !'
પડોશીએ કહ્યું : 'હૈ ! વાસણ તે કદી મરતા હશે ?'
ત્યારે મુલ્લાએ કહ્યું : 'જે જન્મે છે તે મરે જ છે એ તમે ક્યાં નથી જાણતા ? વાસણો જો વિયાય છે, તો મરે પણ છે."
પડોશીને મજાક ભારે પડી ગઈ.એક વાર એક હજામે મુલ્લાં નસરુદ્દીનની હજામત કરતા કરતા એમના માથામાં એક જગ્યાએ લોહી કાઢ્યું.
પછી હજામે કહ્યું : 'જરી વાગ્યું છે, લોહી નીકળ્યું છે, પણ ગભરાતા નહિ, સાહેબ ! હું ઘા ઉપર રૂ દાબી દઉં છું.'
ઘા ઉપર રૂ દાબી એણે હજામત આગળ ચલાવી.
વળી ફરીને માથામાં વાગ્યું ને લોહી નીકળ્યું.
ફરી હજામે કહ્યું : 'જરી વાગ્યું છે, લોહી નીકળ્યું છે, પણ ગભરાતા નહિ, સાહેબ ! હું ઘા ઉપર રૂ દાબી દઉં છું.'
આમ કેટલીય વાર વાગ્યું, કેટલીય વાર લોહી નીકળ્યું, અને હજામે લોહી બંધ કરવા રૂ ના પૂમડા દાબ્ય !
મુલ્લાં મૂંગા મૂંગા આ ત્રાસ ખમી રહ્યા.
છેવટે હજામત પૂરી થઇ.
મુલ્લાંએ હવે દર્પણ માં જોયું. જોઇને કહે : 'વાહ, જોવા જેવો રંગ ! જંગમાં પણ આટલા ઘા ના થાય !'
હજામે ગર્વથી કહ્યું : 'કલા કોઈ ચીજ છે, સાહેબ ! કોઈવાર આમથી જોઈએ તો ભવ્ય લાગે, અને તેમથી જોઈએ તો દિવ્ય લાગે !'
મુલ્લાંએ ઠાવકું મો કરી કહ્યું : 'ખરી વાત ! કલા કોઈ ચીજ છે ! અને તેમાય તારી કલા બેનમુન છે ! શો કસબ છે તારા આંગળામાં ! મારા ટાલીયા માથા પર જ્યાં વાળ નથી ઉગી શકતા, ત્યાં તે રૂ ઉગાડી દીધું ! હું બાદશાહને તારા માટે જરૂર ભલામણ કરીશ ! તારી કલા રાજદરબારમાં શોભે એવી છે !'એક વાર મુલ્લાં નસરુદ્દીન એક શાહ સોદાગરને ત્યાં મિજબાની માણવા ગયા હતા. ત્યાં શહેરના ઘણા મોટા મોટા માણસો હાજર હતા.
શાહ સોદાગરે કીમતી વાસણોમાં ભોજન પીરસ્યું હતું. ચાંદીના વાટકા અને સોનાના ચમચા હતા.
જમતા જમતા મુલ્લાંની નજર ચારે બાજુ ફરતી હતી. તેમણે જોયું તો લીલી પાઘડીવાળા એક સજ્જને એક સોનાનો ચમચો ઉઠાવી પોતાના ગજવામાં નાખ્યો.
મુલ્લાંને એ ગમ્યું નહિ. પણ આટલા માણસો વચ્ચે કોઈને ઉઘાડો પાડવો એ ઠીક નહિ, એટલે તેમણે એક યુક્તિ કરી.
અચાનક વાતવાતમાં તેમણે કહ્યું : 'ચીનની જાદુવિદ્યા બહુ જબરી ! મેં આવી વિદ્યા બીજે જોઈ નથી.'
આ સાંભળી એકદમ બધા જમનારાઓનું ધ્યાન મુલ્લાં તરફ ગયું. બધાએ કહ્યું : 'મુલ્લાં, શાથી એવું કહો છો ?'
મુલ્લાંએ કહ્યું : 'હું પણ ચીનાઓ પાસેથી થોડી જાદુવિદ્યા શીખ્યો છું.'
બધાએ કહ્યું : 'શું કહો છો ! તો અમને તમારો એ ઇલમ દેખાડો !'
'દેખાડું !' કહી મુલ્લાંએ એક સોનાનો ચમચો ઉપાડ્યો ને કહ્યું : 'તમારામાંથી ગમે તે કોઈ આ ચમચો મારા ખિસ્સામાં નાખો !'
એક જણે ચમચો મુલ્લાંના ખિસ્સામાં નાખ્યો.
પછી મુલ્લાંએ અષ્ટમ પષ્ટમ કઈ મંત્ર ભણવાનો દેખાવ કર્યો અને હાથના ચાળા કરી ચમચાને હુકમ કરતા હોય તેમ કહ્યું : 'જા, જા, પ...ણે પેલા લીલી પાઘડીવાળા સજ્જન બેઠા છે એના ડાબા હાથના ખિસ્સામાં જઈને પદ ! ત્યાં બરાબર સંતાઈ રહેજે, હું બોલવું નહિ ત્યાં સુધી બોલતો નહિ !'
બધા કુતુહલથી જોઈ રહ્યા.
થોડી વાર પછી મુલ્લાએ કહ્યું : 'હે લીલી પાઘડીવાળા સજ્જન, કૃપા કરી આપના ડાબા ખિસ્સામાં હાથ નાખો જોઈએ ! ઊહું, તમે નહિ, જેમણે મારા ખિસ્સામાં ચમચો નાખ્યો હતો તે જ સજ્જન એ કામ કરશે !'
હવે મુલ્લાંના એ પડોશી સજ્જને ઉભા થઇ લીલી પાઘડીવાળાના ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો, અને એ ખિસ્સામાંથી સોનાનો ચમચો બહાર કાઢી સૌની સામે ધર્યો.
બધા આભા બની ગયા.
કહે : આ ચિનાઈ જાદુ ખરો !એક દિવસ બાદશાહ ના દરબારમાંથી આવી 'મુલ્લાં નસરુદ્દીન ને સૌને ભેગા કરી કહ્યું: 'આજે હું બાદશાહના દરબારમાં ગયો હતો. બાદશાહે મારી જોડે વાત કરી !'
બધા અહોભાવથી મુલ્લાંની સામે જોઈ રહ્યા. ખુદ બાદશાહે મુલ્લાંની જોડે વાત કરી એ કઈ જેવી તેવી બીના ન ગણાય.
સૌએ ઉત્સાહ ઉમંગથી કહ્યું: 'બાદશાહ સલામતે તમારી સાથે શું વાત કરી એ અમને કહો !'
મુલ્લાં થોડી વાર કઈ બોલ્યા નહિ. તેથી તો સાંભળનારાઓનો ઉત્સાહ ખુબ વધી ગયો. તમણે કહ્યું: 'કહો જ કહો !'
ત્યારે મુલ્લાંએ કહ્યું: ‘બાદશાહે મને કહ્યું: ચક્રમ, હમણાં ને હમણાં મારો દરબાર છોડી જતો રહે, નહિ તો મારો સિપાઈ તને લાત મારીને કાઢશે !'એક વાર મુલ્લા નસરુદ્દીન ને સુલતાનનું તેડું આવ્યું.
સુલતાનથી બધા ડરતા હતા, તેમ મુલ્લા પણ ડરતા હતા.
તેમને થયું કે સુલતાન કોઈ વાંકગુનો ખોળી કાઢી મને ગરદન મારશે. તેથી બીતા બીતા તેઓ કચેરીમાં તેની સામે આવી ઉભા.
સુલતાને પૂછ્યું: 'મુલ્લાં, મુલ્લાં થવા માટે તમે કેટલા વરસ અભ્યાસ કર્યો ?'
મુલ્લાં એવા ગભરાઈ ગયા હતા કે એ સમજ્યા કે સુલતાન મને કેટલા વરસ થયા એ પૂછે છે. તેથી તેમણે કહ્યું : 'પુરા ચાલીસ વરસ !'
સુલતાને નવાઈ પામી કહ્યું : 'ચાલીસ વરસ ? તો મુલ્લાં, તમારી ઉંમર કેટલી ?'
હવે મુલ્લાંના મગજ માં અગાઉનો સવાલ ચમક્યો. તેમણે જવાબ દીધો : 'ચૌદ વરસ !'
સુલતાને કહ્યું : 'અજબ વાત ! મુલ્લાં, કાં તમે પાગલ છો, કાં હું પાગલ !'
હવે મુલ્લાંને ભાન થયું કે ભાંગરો વટાઈ ગયો છે. તેથી તે પોતાના અસલ સ્વભાવમાં આવી ગયા ને બોલ્યા : 'બેઉ પાગલ !'
સુલતાને કહ્યું : 'બેઉ પાગલ ? એટલે, શું મને તું પાગલ કહે છે ?'
મુલ્લાંએ સ્વસ્થ ચિત્તે કહ્યું : 'મારી ઉંમર પુછવા માટે મને દરબારમાં બોલાવો છો એ પાગલપણું નહિ તો શું ?'
સુલતાને ગુસ્સે થઇ કહ્યું : 'આ ગુસ્તાખી માટે હું તને સખ્ત સજા કરીશ.'
મુલ્લાંએ કહ્યું : 'તે કરશો જ તો ! તે વિના પાગલપણું કેમ સિદ્ધ થાય ?'
સુલતાન મર્મ સમજી ગયો ને હસી પડ્યો.એક વાર એક ભિખારી મુલ્લાં નસરુદ્દીન ની પાસે ભીખ માંગવા આવ્યો.
મુલ્લાંએ તેને પૂછ્યું: 'તને કોઈ વ્યસન છે ? ચા, બીડી, પાન,' ભિખારી કહે: 'બધા વ્યાસન છે, સરકાર ! દારૂ પણ પીવું છું અને જુગાર પણ રમું છું.'
મુલ્લાએ એને એક રૂપિયો આપ્યો.
એ જોઈ એક બીજો ભિખારી મુલ્લાની સામે હાથ લાંબો કરી ઉભો. મુલ્લાંએ એને પણ એવો જ સવાલ કર્યો: 'તને કોઈ વ્યાસન છે ? ભાંગ દારુ -'
ભિખારી એ કહ્યું: 'એક પણ અહીં ! ભાંગ, દારુ તો શું હું ચા સુદ્ધા પીતો નથી. બીડી તમાકુને ય અડતો નથી -'
મુલ્લાંએ એને એક પૈસો આપ્યો.
ભિખારી એ કહ્યું: 'પેલા દારૂડિયા જુગારીને એક રૂપિયો અને મને એક પૈસો ? કારણ ?
મુલ્લાંએ ઠંડકથી કહ્યું: 'કારણ એ કે તું સાચો ભિખારી નથી, તારામાં ભિખારીના ગુણ નથી. પેલો ભિખારી થયો એ મને સમજાય છે, પણ તું કેમ થયો એ મને સમજાતું નથી !'એક વાર મુલ્લાં નસરુદ્દીન એક તળાવને કિનારે ફરતા હતા, ત્યાં અચાનક એમનો પગ લપસ્યો. એ સીધા તળાવમાં જ જઈ પડત, પણ એક સજ્જન ને તેમને પકડી લીધા એટલે બચી ગયા.
તે પછી જેટલી વાર એ સજ્જન મુલ્લાંને મળે એટલી વાર અચૂક એમને કહે: 'પેલે દિવસે હું ન હોત તો જરૂર તમે તળાવમાં જઈ પડત ! મારે લીધે જ તમે બચી ગયા !'
રોજ રોજ આ સાંભળી મુલ્લાંને મનમાં ખુબ ત્રાસ થતો હતો. પણ પેલા સજ્જન કઈ સમજે નહિ. તેઓ એકની એક વાત અનેક વાર કર્યા જ કરે.
એમ કરતા એક દિવસ ફરી તળાવને કિનારે મુલ્લાંને એ સજ્જનનો ભેટો થઇ ગયો. એમને જોતા જ મુલ્લાંએ પહેરેલ કપડે તળાવમાં પડતું મુક્યું. પછી તરીને બહાર આવ્યા અને પેલા સજ્જનને કહેવા લાગ્યા: 'પેલે દિવસે તમે મને બચાવ્યો ન હોત તો હુ આમ જ પાણીમાં પડ્યો હોત ને ? આટલોજ ભીંજાયો હોત ને ? તમે મને પાણીમાં પડી જતો બચાવીને મારા પર ઉપકાર કર્યો છે તે તો આટલો જ ને ? પણ મને રોજ રોજ તે ઉપકારને યાદ કરાવીને તમે જે ત્રાસ આપ્યો છે તેની સરખામણીમાં આ પાણીમાં પડવામાં ને ભીંજાવામાં કઈ જ દુખ નથી !'એક વાર એક પડોશીએ મુલ્લાં નસરુદ્દીન ને ઘરે આવી મુલ્લાંને કહ્યું : 'તમારી પાસે જુનું મધ છે એવું સાંભળ્યું છે.'
મુલ્લાંએ કહ્યું: 'તમે સાચું સાંભળ્યું છે.'
પડોશીએ કહ્યું: 'તો મને એ આપશો ?'
મુલ્લાંએ કહ્યું: 'નાં, આપું પછી મારી પાસે જુનું મધ 'છે' એવું જ તમે સાંભળ્યું તે ખોટું ઠરે ને ?'મુલ્લાંની પડોશમાં એક ફક્કડ ભેશ હતી, એના વાંકડિયા શીંગડાની વચમાં શોભતું વિશાલ ભાલ જોઈ મુલ્લાં રોજ વિચાર કરતા કે સુલતાનનું સિહાસન તો શું છે આની આગળ ! એક વાર આ ભેશાસન પર બીરાજવું જોઈએ.
ધીરે ધીરે આ વિચારે એવું જોર પકડ્યું કે એક દિવસ ભેશ સુતેલી હતી ને મુલ્લાં એના શીંગડા વચ્ચે પગ લટકતા રાખી એના ભોડા પર સવાર થઇ ગયા ! વાહ, સુલતાનનું સિહાસન તો શું છે આની આગળ !
પણ ભેશ કોનું નામ ? મુલ્લાંએ તેનો મારમરતબો કેટલો વધારી દીધો છે તેની એને ખબર પડી નહિ. ઝપ કરતી એ બેઠી થઇ ગઈ અને શીંગડા ઉલાળી એણે મુલ્લાંને ભોયભેગા કરી દીધા.
ધમાધમ સાંભળી બીબી ઘરમાંથી બહાર દોડી આવી, મુલ્લાંને ભોય-ભેગા થયેલા જોઈ એ બોલી : હૈ, ભેંશે શીંગડું માર્યું ? તમને વાગ્યું ?'
મુલ્લાંએ કહ્યું : 'વાગ્યું : 'વાગ્યું જ છે, પણ મહત્વ મને વાગ્યું એનું નથી, મારી હોંશ પૂરી થઇ એનું છે ! શું સમજી ?'એક વાર મુલ્લાં નસરુદ્દીન બજારના ચોકમાં ઉભા રહી બુમો પાડવા લાગ્યા : 'હે સજ્જનો, સાંભળો ! સૌના માટે શુભ સમાચાર છે !'
એકદમ લોકોનું મોટું ટોળું ભેગું થઇ ગયું.
મુલ્લાંએ કહ્યું: 'આવા સરસ સમાચાર દેવા માટે બક્ષિશ ધરો, કદરદાનો કદર કરો.'
મુલ્લાંની આવી રીતરસમથી લોકો માહેર હતા, એટલે તેમણે નાનીમોટી રકમની મુલ્લાંને ભેટ ઘરી.
મુલ્લાંની પ્રસન્નતાનો પાર નહોતો.
પછી લોકો એ પૂછ્યું : 'પણ મુલ્લાં, કયા શુભ સમાચાર છે એ તો હજી તમે અમને કહ્યું નહિ !'
મુલ્લાંએ ગજ ગજ કુદીને કહ્યું : હે, નથી કહ્યું ? તો સાંભળો, સૌ ધ્યાનથી સાંભળો ! આજે તમારા આ મુલ્લાંની બીબીએ પુત્રને જન્મ આપ્યો છે !'એક વાર બીબીએ મુલ્લાં નસરુદ્દીનને કહ્યું: 'મુલ્લાં, આપણને ખાવાના સાંસા અડે છે, તો તમે કઈ નોકરી કરો ને !'
મુલ્લાંએ કહ્યું: 'હું નોકરી નથી કરતો તો શું કરું છું ?'
બીબીએ નવાઈ પામી કહ્યું: 'નોકરી કરો છો ? કોની નોકરી કરો છો તમે ?'
મુલ્લાંએ કહ્યું: 'કોની તે ખુદાની ! સમજણો થયો ત્યારથી ખુદાની નોકરી પર છું, હવે આ નોકરી છોડી બીજી નોકરી કરવાનું મારાથી નહિ બને !'
બીબીએ હસીને કહ્યું : 'બધા શેઠ તેમના નોકરોને પગાર આપે છે. તેમ ખુદાની નોકરી કરો છો તો ખુદા તમને શો પગાર આપે છે ?'
મુલ્લાંએ કહ્યું : 'મેં કડી પગાર માગ્યો નથી !'
બીબીએ કહ્યું : 'તો હવે માગો ! આટલા વરસની નોકરીનો ભેગો પગાર માંગી લો !'
મુલ્લાંને લાગ્યું કે બીબીની વાત વ્યાજબી છે. એટલે મસ્જીદ માં જઈ ઘૂંટણીયે પડી એમણે મોટેથી ખુદાની પ્રાર્થના કરવા માંડી : 'હે પરવરદિગાર, આટલા વરસથી હું તારી નોકરી કરું છું, હવે પગાર આપ, જેથી હું બે ટંક પેટ ભરીને ધાન પામું !'
એક શ્રીમંત આ સાંભળતો હતો તેને ગમ્મત જોવાનું મન થયું. તેને એક થેલીમાં રૂપિયા ભરી થેલી મુલ્લાંની સામે મૂકી દીધી અને છુપાઈને શું થાય છે તે જોઈ રહ્યો.
પ્રાર્થના પૂરી કરીને મુલ્લાંએ જોયું તો રૂપિયા ભરેલી થેલી ! ખુશ થતા થતા થેલી લઈને એ ઘરે ગયા અને બીબીને કહે : 'દેખ, ખુદાએ મને પગાર દીધો !'
રૂપિયા જોઈ બીબી ખુશ થઇ, તેને એ દિવસે ફક્કડ રસોઈ કરી મુલ્લાંને જમાડ્યા એણે ઘણે દિવસે પોતે પણ પેટ ભરીને જમી.
હવે પેલો શ્રીમંત મુલ્લાંને ઘરે આવી કહેવા લાગ્યો: 'મસ્જીદમાંથી તમે મારી રૂપિયાની થેલી લઇ ગયા છો તે લાવો !'
મુલ્લાંએ કહ્યું: 'હું કોઈની થેલી લાવ્યો નથી, મને તો ખુદાએ પગારમાં આ થેલી આપી છે.’
શ્રીમંત કહ્યું : 'એ થેલી મારી છે. મેં ગમ્મત જોવા એ ત્યાં મૂકી હતી.'
પણ મુલ્લાંએ મચક આપી નહિ. ત્યારે શ્રીમંતે કહ્યું: 'ચાલો, કાજી પાસે આનો ન્યાય કરાવીએ !'
મુલ્લાં કહે: 'મારી પાસે સારા કપડા નથી; આવા વેશે હું કચેરીમાં નહિ આવું ! વળી હું રહ્યો ખુદાનો નોકર - ખુદાનો નોકર પગે ચાલીને કાજીની કચેરીમાં જાય એ ખુદાને નહિ ગમે !'
શ્રીમંતે કહ્યું: 'તો લો, આ મારો ડગલો તમે પહેરો અને આ મારા ઘોડા પર સવાર થઈને ચાલો ! હું તમને કચેરીમાં લઇ ગયા વિના રહેવાનો નથી.'
મુલ્લાએ કહ્યું : 'કચેરીમાં આવવાને મને વાંધો જ ક્યાં છે ?'
આમ કહી મુલ્લાંએ શ્રીમંતનો ડગલો પહેરી લીધો, શ્રીમંત ના પગરખા પોતાના પગમાં ચડાવ્યા અને પછી ઠાઠથી શ્રીમંતના ઘોડા પર સવાર થઇ કાજીની કચેરીમાં જવા નીકળ્યા.
શ્રીમંત એમની પાછળ ઉઘાડે પગે ચાલ્યો.
બેઉ કાજીની કચેરીમાં આવ્યા.
પછી શ્રીમંત કાજી સમક્ષ પોતાની ફરિયાદ રજુ કરી કહ્યું : 'મારી રૂપિયાની થેલી મને પાછી અપાવી !'
કાજીએ મુલ્લાંને પૂછ્યું : 'તમારે આ બાબતે શું કહેવાનું છે ?'
મુલ્લાંએ કહું : 'એટલું જ કે આ આદમીનું મગજ છટકી ગયું છે. એના મગજમાં એવું ભુંસું ભરાઈ ગયું છે કે મુલ્લાંની પાસે જે કઈ છે તે બધું મારું છે ! અત્યારે એ મારી થેલી પર હક કરે છે. થોડી વાર પછી કહેશે કે મુલ્લાંએ પહેર્યો છે એ ડગલો મારો છે, મુલ્લાંએ પહેર્યા છે એ પગરખા મારા છે, અરે મુલ્લાનો ઘોડોયે મારો છે !'
આ સાંભળી, કાજી કઈ પૂછે એ પહેલા તો એ શ્રીમંત બોલી ઉઠ્યા: 'હા કાજી સાહેબ ! મુલ્લાંએ પહેર્યો છે એ ડગલો મારો છે, મુલ્લાંએ પહેર્યા છે એ પગરખા મારા છે અને મુલ્લાનો ઘોડો પણ મારો જ છે !'
કાજીએ હસીને જાહેર કર્યું: 'ફરિયાદીનું મગજ છટકી ગયું છે, એટલે એ શું બોલે છે તેનું એને ભાન નથી. એની ફરિયાદ કાઢી નાખવામાં આવે છે !'મુલ્લાં નસરુદ્દીનની બીબી કાળી અને કદરૂપી હતી, કહે છે કે લગ્ન થયા ત્યાં સુધી તો મુલ્લાંએ એનું મો પણ જોયું નહોતું, અને હોયુ ત્યારે એ હબકી ગયા.
પરણ્યા પછી બીબીએ મુલ્લાને પૂછ્યું: 'મુલ્લાં, હું તો તમારા કુટુંબમાં કોઈને ઓળખતી નથી. મારે કોની લાજ કાઢવી, કોને મો દેખાડવું અને કોને નહિ દેખાડવું તે મેને કહો !'
મુલ્લાએ હસીને કહ્યું: 'બીબી, સૌને મો દેખાડ્જે અને સોના દેખતા ખુલ્લા મોએ ફરજે ! - માત્ર મારી લાજ કાઢજે !'
ટિપ્પણીઓ