મુખ્ય સામગ્રી પર જાઓ

મુલ્લાની મસ્તીકથાઓ ભાગ 5

81 રૂપિયો અને પૈસો
એક વાર મુલ્લાં નસરુદ્દીન એક જાહેર હમામખાનામાં નાહવા ગયા. એમનો મેલોઘેલો ગરીબ વેશ જોઈ હમાંમખાનાના નોકરોએ એમની દરકાર કરી નહિ.

નાહીને પાછા ફરતા મુલ્લાંએ નોકરોના હાથમાં બક્ષિસનો એકેક રૂપિયો મુક્યો. સાધારણ માણસ નોકરોને પૈસા બે પૈસા બક્ષિસમાં આપતો, પણ આવડી મોટી બક્ષીસ કોઈ મોટો ઉમરાવ પણ આપતો નહિ. તેથી નોકરોને થયું કે આપણે આની કઈ જ ખાતરબરદાસ્ત કરી હોત તો આપણે એકદમ ન્યાલ થઇ જાત !

બીજે દિવસે ફરી મુલ્લાં એ હમામખાનામાં નાહવા આવ્યા.

એમને જોતા જ નોકરો પધારો ! પધારો !કરતા સામે દોડ્યા. આ વખતે તેમણે મુલ્લાંની ખુબ સેવા ઉઠાવી, તેમના શરીરે માલીશ કરી, પગચંપી કરી, માથાચંપી કરી, સાબુ ચોળી ચોળીને એમને સ્નાન કરાવ્યું, ફક્કડ ટુવાલથી એમનું ડીલ સાફ કર્યું, અને એમ અનેક પ્રકારે એમની ખુબ ખાતરબરદાસ્ત કરી.

નાહી પરવારીને મુલ્લાં ઘરે જવા નીકળ્યા ત્યારે તેમણે નોકરોના હાથમાં એક એક પૈસો મુક્યો !

નોકરો ફાટી આંખે જોઈ રહ્યા કે આ શું ?

મુલ્લાંએ હસીને કહ્યું : 'હું આજે ફરી આવવાનો હતો, તેથી મેં કાલે રૂપિયો આપેલો, પણ હવે હું ફરી અહી આવવાનો નથી એટલે આ પૈસો !' 


82 બહાદુરી
સટાક ચોરામાં લોકોનું ટોળું ભેગું થયું હતું.
ત્યાં એક સિપાઈ પોતાની બહાદુરીની વાતો કરો હતો.

મુલ્લાં નસરુદ્દીન ટોળામાં બેસી એ સાંભળતા હતા.

સિપાઈ જોરશોરથી પોતાના પરાક્રમોની વાત કરતો હતો ને કહેતો હતો: 'ચૌદ ચૌદ લડાઈઓમાં મેં ભાગ લીધો છે, ને બધી લડાઈઓ હું જીત્યો છું. હું બે હાથમાં બે તલવારો ચલાવતો અને દુશ્મનોના ઘાણ કાઢી નાખતો ! હું કઈ જેવોતેવો યોદ્ધા નથી !'

બોલતા બોલતા એણે પોતાની તલવાર દેખાડી કહ્યું: 'આ તલવારથી મેં કઈ નહિ તો દુશ્મનોના એકસો દસ માથા વાઢ્યા હશે ! તલવાર દેખાય છે બુઠી, પણ તલવાર જેનું નામ !'

હવે મુલ્લાંથી રહેવાયું નહિ.

તે બોલી ઉઠયા: 'એવી જ બુઠી તલવારથી મેં એક વાર દુશ્મનના બેય પગ એક ઝાટકે કાપી નાખ્યા હતા !'

સિપાઈએ કહ્યું : 'વાહ, બહાદુરી કોનું નામ ! પણ મુલ્લાં પગને બદલે માથુ જ કાપી નાખવું હતું ને !'

મુલ્લાંએ ઠંડક થી કહ્યું : 'એ શક્ય નહોતું, કારણકે માથું કોઈએ પહેલેથીજ કાપી નાખેલું હતું !'


83 મુલ્લાંનો ડગલો
એક વાર ઘરના આંગળામાં બેસી મુલ્લાં નસરુદ્દીન એમની તીરંદાજીનો પ્રયોગ કરતા હતા. સામે બીબીએ કપડા સુકવેલા હતા. તેમાં મુલ્લાનોએક જુનો ડગલો પણ હતો.

મુલ્લાંએ એ ડગલાનું નિશાન લીધું.

તીર છૂટ્યું અને ડગલો બરાબર વીંધાઈ ગયો.

પછી મુલ્લાં ઉઠીને એ ડગલો જોવા ગયા.

જોતા જોતા કહે : 'યા ખુદા ! શી તારી દયા છે !'

એ સાંભળી બીબી બોલી : 'મુલ્લાં, અત્યારે કઈ દયા જોઈ તમે ?'

મુલ્લાંએ કહ્યું : 'આ જો, મારા તીરથી ડગલો બરાબર વીંધાઈ ગયો છે કે નહિ ? ખુદાની દયાનો આથી બીજો સબુત કયો જોઈએ ?'

બીબી કઈ સમજી નહિ. તેને કહ્યું : 'અટેલે ?'

મુલ્લાંએ કહ્યું : 'એ જ સમજવાની વાત છે ! આ ડગલો મારો છે, હું એ પહેરું છું. પણ જો અત્યારે મેં એ પહેરેલો હોત તો મારા આ તીરથી હું વીંધાઈ ગયો હોત ને ! ખુદાની દયા કે અત્યારે હું એ ડગલામાં નથી!'


84 પાટું તો મારશે જ
મુલ્લાં નસરુદ્દીનને ઘરે એક ગાય હતી, બે બહુ મારકણી હતી, અને દૂધ દેતી નહોતી. મુલ્લાંની બીબી એ ગાયથી કંટાળી ગઈ હતી. તેણે કહ્યું: 'મુલ્લાં, આ ગાયને ઘરમાંથી કાઢો !'

મુલ્લાંએ ગાયને વેચી દેવાનું નક્કી કર્યું.

તેઓ ગાયને લઈને બજારના ચોકમાં ઉભા અને બોલવા માંડ્યું : 'કોઈ લો ગાય ! સસ્તામાં જાય છે ! દૂધ નહિ આપે પણ પાટું તો મારશે જ ! એ વાતની હું ખાતરી આપું છું. બીજે નહિ મળે આવી રૂડીરૂપાળી ગાય ! કોઈ લો ગાય !'

લોકો આ સાંભળી હસે ને ચાલતા થાય.

એવામાં એક દલાલે આવી મુલ્લાંને કહ્યું: 'મુલ્લા, આમ તે કઈ ગાય વેચાતી હશે ? લાવો, હું તમારી ગાય વેચી આપું ! દલાલી શું આપશો ?'

મુલ્લાંએ કહ્યું : 'દલાલીમાં, આ ગાય વેચાઈ ગયા પછી એનું દૂધ પીવાનો તમારો હક ! અલબત, એ કદી દૂધ દેતી નથી !'

આમ કહી મુલ્લાંએ ગાયનું દોરડું દલાલના હાથમાં મુક્યું.

દલાલે ગાય વેંચવા બુમો પાડવા માંડી : 'કોઈ લો ગાય !સસ્તામાં જાય છે ! ટંકે ચૌદ શેર દૂધ આપે છે ! ડાહીડમરી ને ભલી છે ! આવી સારી ગાય બીજે નહિ મળે ! કોઈ લો ગાય ! જેણે લીધી તે ફાવ્યો !'

આ સાંભળી મુલ્લાંએ ફરીથી ગાયનું દોરડું પોતાના હાથમાં લઇ લીધું ને કહ્યું : 'ટંકે ચૌદ શેર દૂધ આપે એવી ડાહીડમરી ને ભલી ગાય મારે વેચવી નથી. જાઓ, એનું દૂધ પીવાનો તમારો હક હું રદ કરું છું !'

આમ કહી મુલ્લાં ગાયને પાછી ઘરે લઇ ગયા.


85 તમે પોતે શબ નથી ને?

એક વાર કોઈકે મુલ્લાં નસરુદ્દીનને પૂછ્યું: 'શબને દફનાવવા લઇ જતી વખતે આપણે શબની આગળ ચાલવું ઠીક કે પાછળ ?'

મુલ્લાએ લાગલો જ જવાબ દીધો: 'તમે પોતે જ એ શબ નથી એવી ખાતરી હોય તો પછી ગમે તે બાજુ ચાલોને !'


86 પૂંછડી તો જોઈએ જ
મુલ્લાં નસૃદ્દીનની પાસે એક ગધેડો હતો. એક દિવસ એમને થયું કે ચાલ, ગધેડો વેચી મારું !

ગધેડાને વેચવા માટે એને લઇ એ બજારમાં જવા નીકળ્યા.

જતા જતા એમને વિચાર આવ્યો કે ગધેડો આમ તો ફક્કડ છે, પણ એની આ પૂંછડી છેડેથી ગંદી છે. આવી ગંદી પુછડીવાળો ગધેડો કોણ લેવાનું ? એના કરતા એ પૂંછડી વગરનો હશે તો વહેલો વેચાઈ જશે !

આમ વિચારી એમણે ગધેડાની પૂંછડીનો છેડો કાપી નાખ્યો અને કાપેલો છેડો ગધેડાની પીઠ પરની છાબડીમાં નાખ્યો.

પછી બજારમાં જઈને એમણે બોલવા માંડ્યું: 'કોઈ લો ગધેડો ! ફક્કડ ગધેડો ! સસ્તામાં જાય છે !'

એક માણસ ગધેડો ખરીદવા આવ્યો. તેણે ગધેડાને જોઈ કહ્યું: ' ગધેડો ફક્કડ છે, પણ પૂંછડી વગરનો છે ! પૂંછડી તો જોઈએ જ !'

આ સાંભળી મુલ્લાએ કહ્યું: 'તમને પૂંછડી જોઈએ જ, તો મારી ક્યાં ના છે ? પૂંછડી આ રહી છાબડીમાં ! સાહેબ એ તમારા માટે જ છે !


87 ઉંદરની ખેર નથી

એક વાર એક માણસે મુલ્લાં નસૃદ્દીનની મશ્કરી કરવા તેમને કહ્યું : 'કાલે રાતે હું ઊંઘતો હતો, ત્યારે ઊંઘમાં મેં બગાસું ખાધું અને એક ઉંદરડો મારા પેટમાં ઉતારી ગયો ! હવે હું શું કરું ?'

મુલ્લાંએ તરત જવાબ દીધો: 'વાહ, એમાં શું ? હવે જાગતા બગાસું ખાઓ અને એક બિલાડીને પેટમાં ઉતારી દો ! ઊંઘમાં ઉંદર તમારા પેટમાં ઉતરી ગયો, તેમ જાગતા બિલાડી જરૂર તમારા પેટમાં ઉતરી કશે ! બસ, પછી ઉંદરની ખેર નથી !'


88 સુરજ કરતા ચાંદો સારો

એક વાર એક મિત્રે મુલ્લાં નસરુદ્દીનને પૂછ્યું : 'તમને સુરજ ગમે કે ચાંદો ?'

મુલ્લાએ કહ્યું : 'ચાંદો વળી !'

'શાથી ?'

મુલ્લાંએ કહ્યું : 'શાથી તે સુરજ દિવસે ઉગે છે ને દિવસે તો હમેશા અજવાળું હોય જ છે ! પણ જો ચાંદો ન હોય તો આખી દુનિયાને બારે માસ અને બત્રીસે દહાડા રાત્રે કાળમીઢ અંધારામાં જ રહેવું પડે ! સુરજ કરતા ચાંદો સારો !'


89 અંધારિયા અજવાળિયામા
એક વાર મુલ્લાં નસૃદ્દીને કોઈકે પૂછ્યું : 'મુલ્લાં, અંધારિયામાં ચાંદાનું શું થતું હશે ?'

મુલ્લાંએ કહ્યું : 'અંધારિયામાં ખુદા ચાંદાને વાટી એના તારા બનાવી આકાશમાં વેરી દે છે !'

પેલાએ કહ્યું : 'તો અજવાળિયામાં ચાંદો પાછો ક્યાંથી આવી જાય છે ?'

મુલ્લાંએ કહ્યું : 'કેમ, એ તારાઓનો લાડવો કરીને ફરી ખુદા એને આકાશમાં રોડવી દે છે !'


90 લેતો પરવાર તારી બકરી
એક વાર એક રખડતી બકરી મુલ્લાં નસૃદ્દીનના વાડામાં ઘુસી કઈ. મુલ્લાંએ એને પકડીને વાડામાં બાંધી દીધી.

એક મિત્રને આની ખબર પડતા તેણે મુલ્લાંની પાસે આવી પૂછ્યું: 'કોકની બકરી તમે તમારા વાડામાં લાવીને બાંધો એ ચોરી કરી ન કહેવાય ?'

મુલ્લાંએ કહ્યું: 'ના !'

મિત્રે કહ્યું: 'કયામતના દિવસે બકરીનો માલિક તમારી સામે ફરિયાદ કરશે અને ખુદા તમારો જવાબ માંગશે ત્યારે તમે શું કહેશો ?'

'કહીશ કે મેં ચોરી કરી જ નથી !'

મિત્રે કહ્યું: 'પણ તે વખતે બકરી પોતે તમારી વિરુદ્ધ સાક્ષી આપવા આવીને ઉભી રહેશે તો ?'

મુલ્લાંએ કહ્યું : 'બકરી પોતે ?'

'હા, બકરી પોતે તમારી સામે આવીને ખડી થઇ જશે અને કહેશે કે આ મને પકડી ગયો હતો ! તો ?'

મુલ્લાંએ કહ્યું: 'તો ? તો એથી રૂડું શું ? તો હું એ બકરીનો કાન પકડી તેને એના માલિકની સામે ધરી દઈશ અને કહીશ કે લે, લેતો પરવાર તારી બકરી !'


91 આ એની સાબિતી
એક વાર ચોરામાં લોકો બેઠા હતા, ત્યાં એક માણસે અલકમલક ની વાતો કરવા માંડી, કહે : 'હું મોટો લેખક છું, કવિ છું, મોટા મોટા ગ્રંથો લખું છું.'

આ સાંભળી લોકો એ નવાઈ પામી કહ્યું : 'શું વાત કરો છો તમે ? અમે તો જાણીએ છીએ કે તમે કશું ભણ્યા નથી, તમને લખતા વાચતાયે આવડતું નથી !'

પેલા માણસે કહ્યું : 'તેથી શું ? પણ હું મોટો લેખક છું. આ એની સાબિતી !'

આમ કહી એણે ગજવામાંથી રૂમાલમાં વીંટેલો કાગળનો એક થોકડો ભોય પર પછાડી કહ્યું: 'જોઈ લો આ ! આ ગ્રંથ મેં મારી જાતે લખેલો છે !'

કોઈએ જોયું નહિ કે એ ગ્રંથ છે કે શું છે ! બધા આહોભાવથી એણે જોઈ રહ્યા.
મુલ્લાં ત્યાં હાજર હતા. તે વખતે તો એ કઈ બોલ્યા નહિ, પણ થોડા દિવસ પછી સટાક ચોરામાં આવી એમણે કહ્યું : 'મારે ઘર વેચવું છે ? કોઈને લેવું છે ?'

બધાએ કહ્યું : 'અરે મુલ્લાં, તમે તો ભાડાના ઘરમાં રહો છો. તમારે ઘર છે જ ક્યાં તે વેચવા નીકળ્યા છો ?'

મુલ્લાંએ કહ્યું : 'મારે ઘર નથી એવું તમે કહી જ કેમ શકો ?'

લોકોએ કહ્યું : 'હોય તો બતાવો !'

મુલ્લાંએ કહ્યું : 'આ એની સાબિતી !'

આમ કહી તેમણે લાંબા ગજવામાંથી એક ઈંટ કાઢી ભોય પર મૂકી કહ્યું : 'જોઈ લો આ ! કેવું ફક્કડ ઘર છે ! આખુયે મકાન મારું છે અને મેં જાતે તે બાંધ્યું છે !'

પેલો ગ્રંથ લેખક પણ ચોરામાં હાજર હતો.

મુલ્લાંએ ઈંટ તેમની સામે ધરી કહ્યું : 'આપ ઈલમી છો, આપ જ જોઈ લો - જેવો આપનો લખેલો ગ્રંથ પાકો, તેવું જ મારું આ મકાન પણ પાકું છે ને ! લખતા વાંચતા નથી આવડતું, છતાં જેમ તમે ગ્રંથના લેખક છો, તેમ ઘર વગરનો હું ઘરનો માલિક છું.'


92 મારું લખેલું હું જ વાચું
એક વાર એક સગાએ આવી મુલ્લાં નસરુદ્દીનને કહ્યું: 'મુલ્લાં, મારો દીકરો બગદાદ માં નોકરી કરે છે. તેને મારે ઘરે તેડાવવો છે. તમે મને એના પર એવો ફક્કડ કાગળ લખી આપો કે કાગળ વાંચીને એ તરત ઘરે દોડી આવે.!'

આ સાંભળી મુલ્લાંએ કહ્યું: 'હમણા બગદાદ જવાનું મારાથી બને એ નથી.!'

સગાને થયું કે મુલ્લા મારી વાત બરાબર સમજ્યા નથી, તેથી તેણે કહ્યું: 'મુલ્લા, હું તમને બગદાદ જવાનું નથી કહેતો, પણ મારા દીકરા પર કાગળ લખી આપવાનું કહું છું.'

મુલ્લાંએ ગંભીર ભાવે કહ્યું: 'હું પણ એ જ કહું છું ને ! કાગળ તો લખી આપું, પણ હમણા મારાથી બગદાદ જવાય એમ નથી.!'

સગાએ કહ્યું: 'પણ આમાં બગદાદ જવાની વાત ક્યાં આવી ? કાગળ હું ખેપિયા સાથે મોકલી દઈશ !'

મુલ્લાંએ કહ્યું : 'કાગળ ખેપિયા સાથે મોકલશો, પણ મનેય શું ખેપિયા સાથે મોકલશો ? કેવી રીતે મોકલશો ? કોથળામાં ઘાલીને ?'

કઈ ન સમજવાથી સગો આભો બની જોઈ રહ્યો.

હવે મુલ્લાંએ વાતનો ફોડ પાડ્યો. તેમને કહ્યું : 'જુઓ ચાચા, વાત એમ છે કે મારા અક્ષર એવા ફક્કડ છે કે મારા સિવાય કોઈ જ તે વાંચી શકતું નથી, એટલે મારો કાગળ વાંચવા માટે મારે જ બગદાદ જવું પડે. નહિ તો કાગળ વંચાય નહિ, અને તમારો દીકરો ઘરે આવે નહિ ! પણ હમણા મારાથી બગદાદ જવાનું બને તેમ નથી ! લાચાર છું, ચાચા, લાચાર છું !'


93 ખિસ્સાને ચા પાઉં છું 
એક વાર નસરુદ્દીન એક શાદીના જલસામાં ગયા હતા. જલસામાં લીલો સુકો મેવો અને ભાતભાતની મીઠાઈઓ મહેમાનોને પીરસવામાં આવી હતી.

ત્યાં મુલ્લાંએ જોયું તો એક માણસ ખાતા ખાતા મેવામીઠાઈથી પોતાના લાંબા ઝભ્ભાના ખિસ્સા ભરતો હતો !

થોડી વાર પછી મુલ્લાં ઉઠ્યા. તેમણે એક ચાની કીટલી ઉપાડી, અને પેલા માણસની પાછળ ઉભા રહી તેના ઝભ્ભાના ખિસ્સામાં ચાનું ગરમ ગરમ પાણી રેડવા માંડ્યું.

પેલો મહેમાન એકદમ ચમકીને ઉભો થઇ ગયો ને બોલી ઉઠ્યો: ‘અરે બેવકૂફ, તું આ શું કરે છે? શા સારું મારા ખિસ્સામાં ચા રેડે છે?’

મુલ્લાંએ ઠંડકથી કહ્યું: 'ચા રેડતો નથી, પાઉં છું.'

'પાય છે? કોને પાય છે?' મહેમાને પૂછ્યું.

હવે જલસામાં આવેલા બધા જ મહેમાનોનું એ તરફ ધ્યાન ગયું હતું.

મુલ્લાંએ શાંતિથી કહ્યું: 'જલસામાં પધારેલા આ આપના માનવંતા ખિસ્સાને! આપનું ખિસ્સું આટલા બધા મેવા-મીઠાઈ ખાય, પછી એને પીવાની તરસ લાગે કે નહિ? એટલે એને હું જરી ચા પાઉં છું! કહો એમાં હું શું ખોટું કરું છું? અને ખોટું કરતો હોઉં તો જલસામાં પધારેલા આ બધા મહેમાનોને પૂછી જુઓ! કહો તો, આપની વતી હું પૂછી જોઉં!’

ચોરી કરતા પકડાઈ ગયેલો શાહુકાર હવે શું બોલે?


94 મુલ્લા નો ઉપદેશ
એક શુક્રવારે નમાજ વખતે ગામના લોકોએ મુલ્લાં નસરુદ્દીન ને કહ્યું : 'મુલ્લાં, આજે તો તમે અમને ઉપદેશ દો !'

મુલ્લાંએ કહ્યું : 'ભલે ! એ એક જ ચીજ મારી પાસે છે, જે હું તમને દઈ શકું છું.'

આમ કહી મુલ્લાં મંચ પર ચડ્યા ને બોલ્યા : 'હે સજ્જનો, હું શું કામ મંચ પર ચડ્યો છું અને શું કરવાનો છું એ તમે જાણો છો ?'

બધાએ કહ્યું : 'ના, અમે કશું જ જાણતા નથી.'

ત્યારે મુલ્લાએ કહ્યું : 'વાહ રે, તમે કશું જ જાણતા નથી ? તો જે કશું જ જાણતા નથી, તેમની આગળ ભાષણ કરવાનો શો અર્થ ? ખાલી મારો ને તમારો વખત બગડે એ જ કે બીજું કઈ ?'
આમ કહી એ મંચ પરથી ઉતારી પડ્યા અને સીધા ઘર ભેગા થઇ ગયા.

પણ લોકોએ એમને છોડ્યા નહિ. બીજા શુક્રવારે તેમણે ફરી મુલ્લાંને વિનંતી કરી કે 'આજે તો તમે જ અમને ઉપદેશના બે શબ્દ કહો !'

મુલ્લાંએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો.

ફરી મુલ્લાંએ મચ પર ચડી એનો એ જ પ્રશ્ન કહ્યો : 'હે સજ્જનો, હું શું કામ મંચ પર ચડ્યો છું ને શું કહેવાનો છું એ તમે જાણો છો ?'

ગયા અઠવાડિયાના અનુભવ પરથી લોકોએ અગાઉથી નક્કી કરી રાખ્યું હતું કે મુલ્લાં આવો પ્રશ્ન કરે તો શું કહેવું; તેથી બધાએ એક સ્વરે જવાબ દીધો : 'હા, અમે જાણીએ છીએ.'

મુલ્લાંએ કહ્યું : 'વાહ, ખુબ સરસ ! હું શું કહેવાનો છું તે તમે બધા જાણો જ છો, તો હવે મારે તમને કઈ જ કહેવાનું રહેતું નથી. તમે ખુશીથી ઘેર જી શકો છો, અને હું પણ !'

આમ કહી તેઓ મંચ પરથી ઉતરી પડ્યા અને સીધા ઘરભેગા થઇ ગયા.

મુલ્લાં બીજી વખત પણ છટકી ગયા, તેથી લોકોનો આગ્રહ વધ્યો. ત્રીજા શુક્રવારે તેમણે ફરી મુલ્લાંને ભાષણ કરવા ઉભા કર્યાં. મુલ્લાંને કઈ વાંધો હતો જ નહિ. મંચ પર ચડી તેમણે કહ્યો: હે સજ્જનો, હું શું કામ મંચ પર ચડ્યો છું અને શું કહેવાનો છું એ તમે જાણો છો?’

અગાઉથી ગોઠવી રાખ્યા પ્રમાણે અડધા માણસોએ કહું : ' હા, અમે જાણીએ છીએ !'

બાકીના અડધા માણસોએ કહ્યું : ' ના, અમે નથી જાણતા !'

મુલ્લાંએ કહ્યું : 'ખુબ સરસ ! ખુબ સરસ ! તો હવે જેઓ જાને છે તેમણે પોતે શું જાણે છે તે જેઓ નથી જાણતા તેમને કહી દેવું !'

'હે !' કહી લોકો ફાટી આંખે જોઈ રહ્યા. ત્યાં મુલ્લાં મંચ પરથી ઉતરી પડ્યા અને સીધા ઘરભેગા થઇ ગયા!


95 મિત્ર નું સંભારણું
મુલ્લા નસરુદ્દીન પાસે મૂડીમાં એક સોનાની વીંટી હતી.

એક વાર મુલ્લાનો એક મિત્ર, જે પરદેશ જવાનો હતો, તે મુલ્લા ને મળવા આવ્યો.
મુલ્લાની આંગળીએ સોનાનીએ વીંટી જોઈ તે પડાવી લેવાનું તેને મન થયું. મુલ્લાનો ઉદાર સ્વભાવ તે જાણતો હતો. તેથી તેને કહ્યું : 'મારા વહાલા દોસ્ત મુલ્લા !તારા વગર મને પરદેશમાં જરા પણ ગમવાનું નથી. રાત ને દિવસ હું તને ત્યાં યાદ કરવાનો; પણ તું મળવાનો નહિ ! માટે ભાઈ, તારા, સંભારણા તરીકે તારી આટલી આ વીંટી મને આપ ! એ વીંટી મારી પાસે હશે તો જાને તું જ મારી પાસે છે એવું મને લાગશે, અને મને એથી ખુબ આશ્વાસન મળશે !'

આ સાંભળી મુલ્લાએ આંગળીએથી વીંટી કાઢી કહ્યું : 'તારા જ જેવી લાગણી મને પણ થાય છે, મારા દોસ્ત ! મને પણ તારા વગર ગમવાનું નથી, એટલે તારા સંભારણા તરીકે આ વીંટી હું મારી પાસે રાખી લઉં છું.'

આમ કહી મુલ્લાએ વીંટી પાછી પોતાની આંગળીએ પહેરી લીધી.

નવાઈ પામી મિત્રે કહ્યું : 'મારું સંભારણું ? મારું સંભારણું આ વીંટી કઈ રીતે ?'

મુલ્લાએ કહ્યું : 'તારું જ તો ! જયારે પણ આ વીંટી હું મારી આંગળી પર જોઇશ, ત્યારે મને તું અચૂક યાદ આવવાનો. એ વીંટી જોઇને મને થાશે કે મારા એક મિત્રે એ વીંટી મારી પાસે માંગી હતી, અને મેં એને એ આપી નહોતી ! અને આમ મને તું આખો વખત યાદ આવ્યા જ કરવાનો ! મિત્રનું કેવું સરસ સંભારણું, દોસ્ત !'

દોસ્ત હવે શું બોલે ?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...