લેખક: આજ્ઞાત
સોનેટ એ મૂળ ઇટાલીયન કાવ્ય પ્રકાર છે. 13 મી સદીના જેકોપો લેન્ટીની નામના ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફ્રેડરીક – બીજાના દરબારમાં રજુ કર્યું હતું. પણ સોનેટ લોકપ્રીય થયું હોય તો ચૌદમી સદીના ફ્રાંસેસ્કો પેટ્રાર્કાની રચનાઓથી થયું છે.
આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચનાનો પહેલો ઉપયોગ થોમસ વ્યાટે 16મી સદીની શરુઆતમાં કર્યો હતો એમ મનાય છે. ઘણા અંગ્રેજ કવિઓએ ઉત્તરોત્તર સોનેટની શૈલીને વિકસાવવામાં ફાળો આપેલો છે. પણ શેકસ્પીયરને અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે.
ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વ. શ્રી. બળવન્તરાય ઠાકોર હતા.
સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. છન્દ કોઇ પણ હોઇ શકે છે. પણ દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે બે જાતના સોનેટ પ્રચલિત છે.
પેટ્રાર્કશાયી સોનેટ – મૂળ ઇટાલીમાંથી આવેલી શૈલી
આમાં પહેલા ચરણમાં 6 અને બીજા ચરણમાં 8 પંક્તિઓ હોય છે. પહેલા ચરણમાં કાવ્યના વિચારનું મૂળ ધીરે ધીરે વિચાર વિસ્તાર પામે છે. બીજા ચરણમાં આ વિચારમાંથી નીપજતો સાર અથવા તેનાથી વિરુધ્ધનો વિચાર રજુ કરવામાં આવે છે.
શેક્સ્પિયરશાયી સોનેટ – શેક્સ્પીયરે શરૂ કરેલી શૈલી
આમાં કુલ ચાર ચરણ હોય છે. 4-4-4 અને 2 . પહેલી ત્રણ ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે, તેને લગતા ઉદાહરણો આપવામાં આપવામાં આવે છે , વિગેરે . છેલ્લી બે પંક્તિમાં આમાંથી નીપજતો સાર વાચકને મળે છે.
સૉનેટના ઉદ્ભવકાળે તેનો પ્રધાન વિષય માત્ર પ્રેમ હતો. સૉનેટમાળામાંનાં પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર હોય છે. છતાં તેનું અનુસંધાન બીજા સૉનેટમાં જળવાતું હોય છે. ઇ.સ. ૧૮૮૮માં ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ સૉનેટ રચાયું. અને ત્યાર પછી સૉનેટ વિકાસની યાત્રા આગળ વધતી જ રહી છે. તેના આદ્યસ્થાપક શ્રી બ. ક. ઠાકોર એક બૌધ્ધિક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમની પ્રેમવિષયક સૉનેટ રચનાઓ ચિંતન પ્રધાન સૉનેટના ઉત્તમ નમૂના છે. પ્રાસ પ્રત્યે શ્રી ઠાકોરનું વલણ સ્વતંત્ર છે. પ્રાસની બાબતમાં તેઓ કોઈ નિશ્ર્ચિત યોજનાને વળગી રહ્યા નથી. શ્રી બ. ક. ઠાકોરથી શરૂ થયેલી આ સૉનેટયાત્રા આધુનિક યુગના રાજેન્દ્ર શાહ, ઉશનસ્, ચીનુ મોદી, ભગવતીકુમાર શર્મા વગેરે સૉનેટસર્જકો સુધી વિસ્તરી છે. સુખદુઃખ જેવાં માનવીય સંવેદનો, પ્રકૃતિની વિવિધલીલા, તેનાં તત્વો, પ્રણયનાં વિવિધ ભાવરૂપો જેવા વિષયો એમાં નિરૂપાયા છે. વિવિધ છંદપ્રયોગો પણ થયા છે. ગુજરાતીમાં આ કાવ્યપ્રકારને મુક્તવિહારનું વાતાવરણ મળ્યું છે. ફક્ત ચૌદ પંક્તિમાં ભવ્ય વસ્તુ અહીં કલારૂપ પામે છે.
ટિપ્પણીઓ