મુખ્ય સામગ્રી પર જાઓ

પાછળ રહી ગયેલું એક ઘર

લેખિકા: હિમાંશી શેલત

એને જે થયું એ કોઈને ખાસ સ્પર્શે એવું નથી. એમાં વેદનાનું કાવ્ય કે ઝુરાપો કે વતન માટે તલસાટ જેવા શબ્દોનો ઉપયોગ થાય એવુંય નથી. નોસ્ટાલજિયા જેવું તો કહેવાય જ નહીં. વિખુટા પડવાની કે એકલતાની કે નગર-સંસ્કૃતિના અભિશાપની કોઈ રંગદરશી કલ્પનાને ફાવટ આવે એવી ઘટના જ મૂળમાં નથી. અહીં જે છે તે જરા વધારે નક્કર છે.
ઉદવાડાથી એ ટ્રેનમાં બેઠો ત્યારે એનું ઘર દેખાતું તો ક્યારનુંય બંધ થઈ ગયેલું. ઘર એટલે પડું પડું થઈ રહેલી બે-ત્રણ લાકડાને ટેકે ઉભેલી ભીંતો, તિરાડો વાળું ઉધઈખાધું બારણું, એક નાનો વાડો એમાં બે ટગરી, એક લીમડો, તુલસી, પાણીનાં બે પીપડા, ગોબા પડેલી એક કાણી ડોલ, સાદડીઓ અને છતિયાને જેમ-તેમ બાંધી ટકાવી રાખેલું નાવણિયું. બસ આટલું જ. છતાં એણે ડબ્બામાંથી વાડામાંનો લીમડો દેખાય છે કે કેમ તે જોવા ઉંચા થઈ થઈને પ્રયત્ન કરેલો. ત્યારે મધુકાકાએ જરા ખીજાયને કહેલું, કે સરખો બેસ. એ બેસી પણ ગયેલો. પછી ટ્રેન ચાલું થઈ ને ઉદવાડા પાછળ રહી ગયેલું.
એને જયાં રાખ્યો હતો તે જાગ્યા માની ન શકાય એવી ચોખ્ખી હતી. રાત્રે તો સંકોચને કારણે એણે ખાસ કશું જોયું નહોતું પણ સવારે આખું ઘર બરાબર જોયું. એક એક ઓરડો જુદા જુદા રંગનો હતો. ચમકતું ગુલાબી રસોડું, આકાશ જેવો આગલો ઓરડો, અને પગે પીછું ફરતું હોય એવા સુંવાળા ગાલીચા- એની આંખો આશ્ચર્યને કારણે બંધ નહોતી થઈ. એટલે જ કદાચ એ થોડા દિવસ ઊંઘી ન શક્યો. એને માટે પણ એક અલગ ઓરડી કાઢી આપી હતી. સ્વચ્છ પથારીનો નવો નવો સ્પર્શ અજાણ્યો હોવાથી વારંવાર બેઠા થઈ જવાતું હતું. આમ સાવ એકલો સુવા એ ટેવાયો પણ નહોતો. ઉદવાડાના ઘરમાં રાત્રે આસપાસ કેટલા બાધા શ્વાસ હરતા ફરતા હોય! સુખલો ને કીકી માની આજુબાજુ હોય, બાપા ને રાજુ વાડામાં ખાટલી પર હોય અને પોતે ભીંત પાસે ઘોરતો હોય. વારંવાર હડસેલવા છતાં રવલો આળૉટતો આળૉટતો પોતાની પથારીમાં આવી ગયો હોય. અહી તો આંખ ખોલે ત્યારે આસપાસ બધું ખાલીખમ. પહેલા પહેલા તો એ ભૂલવામાં પડતો કે હમણાં માં બાવડ઼ુ તાણી ઉઠાડશે- પછી તો યાદ રહેવા માંડ્યું કે આ કાંઇ ઉદવાડાનું ઘર નથી. રવલો ને બાપા ને માં બધા અહી ક્યાંથી હોય?
ત્રણ મહિનામાં ત્રણ વાર બાપા આવી ગયા. અને પગારના પૈસામાંથી પચાસ રૂપિયા વાપરવા આપી બાકીના લેતા ગયા. બાપાએ ઘેર વાત કરી હશે કે હવે એની ચિંતા કરવા જેવી નથી. બરાબર ગોઠવાઈ ગયો છે. બે ટંક જમવાનું ને નાસ્તો, કપડા, નાટક, સિનેમા બધું ઘરનાં છોકરાં પેઠે. કામ ઝાઝું નથી અને સાહેબની મોટર પણ સાફ કરતો થઈ ગયો છે. એતો કહેતાં'તા કે મોટર ચલાવતા પણ આવડી જશે. છોકરો તમારો ચબરાક છે.
અહીંની જાત જાતની વાતો રવલા-સુખલાને કહેવાનું બહું મન હતું. પણ ઉદવાડા જવાનું ચાર વાર નક્કી કર્યું અને ચારેય વાર રહી ગયું. કોઈ વાર સાહેબ બહારગામ ગયા, વળી રીક્ષાની હડતાળ પડી તે બાબાભાઈને સ્કૂલે લેવા-મુકવા જવાનું થયું, પછી ઘરમાં મહેમાન આવ્યા-ગયા. કોઈને કોઈ કારણસર મેળ પડ્યો નહીં. આજ-કાલ કરતા છ મહિના થઈ ગયા. પછી તો ઉદવાડાનું નામ હોઠે આવે ન આવે ત્યાં તો વાડાના લીમડાનો ફરફરાટ ને બપોરના પહોરે કકુભાઈની વાડીએ આંબલીના કાતરા પાડતી વેળાની ધીંગામસ્તી, વાળું વખતે ટમટમિયાના ઝાંખા અજવાળે રોટલા ને ડુંગળીના શાકની સોડમ, સવારે આંગણા પાસેથી પસાર થતા ઢોર, ઝાંપલી પાસે ભસતી ટીલવી આ બધુ એને વળગી પડતું. એકની બાથ છોડાવે ત્યાં બીજી ભીંસ- એવી જબરી ભીંસ કે શ્વાસ પણ અટકી પડે.
એટલે જ એણે કહ્યું કે બે દહાડા ઘર જઈ આવું. રજા તરત મળી ગઇ. કપડા લીધાં, ઠંડી ખાસ નહોતી છતાં અહીથી સ્વેટર મળેલું તે પહેરી લીધું. રવલા-સુખલાને બતાવવા માટે. વાળ મજાના ઓળી કરી ગજવામાં કાસકી રાખી- બહાર દેખાય તેમ. શું લઇ જવું તે નક્કી ન કરી શકવાથી એણે બિસ્કીટનાં પડીકા લીધાં. આમ ઓચિંતો આવેલો જોઇ બધાને શું થશે એ વિચારથી એને હરખનો ડૂમો ભરાઈ જતો હતો. કઈ કઈ વાત કેવી કેવી રીતે કરવી તે ગોઠવતા ગોઠવતા ઉદવાડા ક્યારે આવ્યું તેની ખબર ન પડી.
ઝોળી સાચવતો સાચવતો ઉતર્યો. સાંજનો વખત હતો એટલે કાચા રસ્તા પર ધીમે ધીમે ચાલવાની મજા આવી. કૂવો આવ્યો એટલે પછી કકુભાઈની વાડી ને ત્યાંથી તો ચાર ડગલાંમાં ઘર. પગની ઝડપ આપોઆપ વધી ગઇ. બહાર. ઉભેલી કીકી મોટેથી બોલી પડી કે ભાઇ આવતો છે. બધા આસપાસ ફરી વળ્યાં. બાપા ઘેર નહોતા. માએ બાઝવા જેવું કર્યું પણ એના હાથ લોટવાળા હતા અને નવું સ્વેટર જોયું એટલેકે ગમે તેમ પણ વચ્ચે જ અટકી ગઇ. બાપાએ જોતાંવેંત પુછ્યું કે કેમ એકાએક કાંઇ નવાજૂની તો નથી કરી ને? પછી જાણ્યું કે ખાલી મળવા જ આવ્યો છે, બે દહાડા માટે. એટલે નિરાંતે વાડામાં પગ ધોવા ગયા. બધાં જમવા બેઠા. પહેલા બેસતા એમજ ગોળાકારમાં. માં વારે વારે પૂછ્યા કરતી હતી કે તને રોટલો ફાવશે ભઈ? કાંદાનું શાક ચાલશે તને? ખીચડી મુકી દઉં, રોટલી કરી આપું? ત્યાં ઘરનાં બધા જોડે સવારે બ્રેડ બટર દૂધ મળતાં તેની ગુલાબી ઝાંય એના ઉઘડતા જતા ઘઉંવર્ણા ગાલ પર સ્પષ્ટ જણાતી હતી. બિસ્કીટનું પડીકું આપ્યું ત્યારે માંએ કહ્યું કે આની શી જરૂર હતી? આ છોકરાંવને તો એવી કોઈ ટેવ નથી. રવલો એનાં નવાં ખમીસને ખૂબ વિચિત્ર નજરે જોઇ રહ્યો હતો. રાજુ પહેલેથી જરા ભારેખમ એટલે બોલતો નહોતો પણ રવલો સુખલો અને કીકી તો જાત જાતના સવાલો પૂછ્યા કરતા હતાં. માને આ બધી વાત બહુ નહોતી ગમતી એવું લાગ્યું. ખબર નહીં શેનાથી, પણ એ કશાકથી ડરતી હતી. વાડામાં ગલકીનો વેલો બહુ ફાલે અને જયાંત્યાં વળગે તો માં દાતરડુ લઇને મંડી પડતી. કૂણી કૂણી રેશમ જેવી વેલ ખચ ખચ કપાઈ નીચે પડતી. એની વાતોનું પણ એમજ થતું હતું. માં અધવચ્ચે કાપી નાખતી હતી.
સૂતી વખતે એણે ઘરમાં બેઠા બેઠા જોવાય એવાં સિનેમાની વાત કરી.બધા ભારે અચરજથી સાંભળી રહ્યાં હતાં. માં જંપી ગઇ હોય એમ લાગતું હતું. ત્યાં તો માનો જરા કંટાળેલો અવાજ આવ્યો, બસ કરો હવે બધી વાતો. મોટાના ચાળા બધા, એની હંગાથે આપણે શી પંચાત? છાના માના પડ્યા રો. અહી તો ઉઠતાવેંત કામે લાગવાનું છે. પછી વાત આગળ ચાલી નહીં. રસ સુકાઈ ગયો. અને પોપડા થઈ ઉખડી પણ ગયો.
સવારે બાપા બોલ્યા કે ઠરીને રે'જે. ઘડી ઘડી અહી દોડી આવવાની જરૂર નથી. અમારે કામ હશે તો ખબર આપશું. આવી જગા વારંવાર મળતી નથી. એમને તો એક કહો ત્યાં એકવીસ હાજર થાય. ખપ આપણને છે. કેટલી મહેનતથી માધુએ ઘર શોધી આપ્યું છે. અને માણસો પણ લાખ રૂપિયાના. એટલે ડાહ્યો થઈ વરતજે. આમેય મહિને બે મહિને હું ત્યાં આવું છું. પૈસા તો નિયમિત માધુ જોડે મોકલી શકાય. બાપા આ બધું બોલતાં હતાં ત્યારે એ પોતાને ઊંઘમાં કેવી ભ્રમણા થતી હતી તેનો વિચાર કરતો હતો. ત્રણેક વાર એને લાગેલું કે રવલો ગબડતો આળૉટતો પોતાની પથારીમાં આવી લાગ્યો છે પણ પછી ઉંઘરેટી આંખે જોયું કે રવલો તો હવે ડાહ્યો ડમરો થઈ સીધો સટાક પોતાની પથારીમાં સૂતો હતો. એની આળોટવાની ટેવ જ છુટી ગઇ હતી.
ઝોળી ખભે ભરાવી એણે ઝાંપલી બહાર પગ મુક્યો. માં કશું બોલી નહીં. ખાલી તબિયત સાચવજે એટલું જ કહ્યું. બાપાના હાથમાં એ લાવેલો તે પૈસા મુક્યા ત્યારે બાપા હસ્યા. એમની થાકેલી આંખો ચમકતી હતી. કીકી, સુખલો, રવલો, રાજુ હાથ હલાવતા રહ્યાં. થોડું આગળ જઇ એણે પાછળ જોયું તો ઘર પાસે કોઈ જ દેખાતું નહોતું. ડબ્બામાં બેઠો ત્યારે ઉંચા થઇને વાડાનો લીમડો જોવાની ઇચ્છા એને થઈ નહીં. ટ્રેન ઉપડી તે પહેલા જ એનું ઘર પાછળ ખૂબ જ પાછળ રહી ગયું હતું. એ ક્યારેય પહોચી ન શકે એટલું દૂર.
('અંતરાલ' વાર્તાસંગ્રહ માંથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...