મુખ્ય સામગ્રી પર જાઓ

બે ભાઈઓ

લેખક:  આશા વીરેન્દ્ર

એક જ માને પેટે જન્મેલા બે ભાઈઓ. માએ પોતાની ડાબી-જમણી આંખ સમજીને બેઉને ઉછેરેલા. માને એમ કે, મોટા થઈને બેઉ એકબીજાને પડખે ઊભા રહેશે, એકમેકને હૂંફ આપશે. પણ ખરેખર એવું થયું ખરું? ચાલો, આપણે જોઈએ. મોટો ભાઈ એટલે શહેર. એનો તો ભઈ, વટ ભારે ! ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્યબી ભોગવવાની. એને થતું, ‘જોયું ? મારી અક્કલ ને હોશિયારીથી હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ? છે કોઈની તાકાત કે મારી સામે આંગળી ચીંધી શકે ? ભલ-ભલાને ધૂળ ચાટતા કરી દઉં.’ નાનો ભાઈ એટલે ગામદું. બિચારો ભલો-ભોળો ને સીધોસાદો. ઝાઝી મહત્વાકાંક્ષા ન રાખે. જે મળે એમાં એ અને એનો પરિવાર ખુશ. એ હંમેશા વિચારતો, ‘આપણને જે મળે એમાં સુખ-સંતોષથી રહેવું. કહેવાયું છે ને કે, સંતોષી નર સદા સુખી.’ એને તો બસ, એ ભલો ને એનું કામ ભલું. જેટલો ફરક મોટા અને નાના ભાઈ વચ્ચે, એનાથી વધુ બંનેની પત્નીઓ વચ્ચે. મોટાની પત્ની ભણેલી-ગણેલી, જાજરમાન અને ફેશનેબલ. એને પોતાની આવડતનું ખૂબ ગુમાન. કહેવત છે ને કે, ‘હું પહોળી ને શેરી સાંકડી.’ બસ, મોટાની પત્નીનું કંઈક એવું જ. બધાને કહેતી ફરે, ‘મારા પતિનાં અડધાં ઉપર કામ તો હું જ પતાવી દઉં. કયા ખાતામાં જઈને કયું કામ કરવાનું એ બધી મને ખબર. આટલું ભણ્યા-ગણ્યા તે નકામું થોડું જવા દેવાય?’ મોટાને પણ પોતાની પત્ની માટે અભિમાન હતું. એને પૂછીને જ એ પાણી પીતો.

નાનાની પત્ની સાવ અભણ એવું તો નહીં પણ ભણી હશે કદાચ દસ-બાર ધોરણ સુધી. સાદી, સુતરાઉ સાડી, તેલ નાખીને ઓળેલા ચપ્પટ વાળ અને કપાળે મોટો, લાલ ચટાક ચાંદલો. એનો હંમેશનો આ જ પરિવેશ. એનામાં સૂઝ-સમજ ઘણી પણ એ બધાને દેખાડવાનો જરાય શોખ નહીં. પોતાના કામ સિવાય કોઈ લપ્પન-છપ્પન નહીં. પોતાની પત્નીના ગુણો માએ નાનાને માન. ઘરનું કે બહારનું કંઈપણ અગત્યનું કામ હોય તો બેઉ સાથે મળીને નિર્ણય લેતાં. ખેતરમાં જે કંઈ પાકે એ પોતાના કે પોતાનાં બાળકોના મોમાં મૂકતાં પહેલાં નાનો કોઈ ને કોઈ સથવારા સાથે મોટાભાઈને ઘરે પહોંચતું કરતો. એ જો ભૂલ્યો હોય તો એની પત્ની યાદ કરાવ્યા વિના ન રહેતી, મેં મેથિયાના અથાણાની બરણી ભરીને તૈયાર રાખી છે હં ! મોટાભાઈની બબલી ને મુન્નો તો આંગળા ચાટી ચાટીને મારું બનાવેલું અથાણું ખાતાં હોય છે. ને હા, ગૌરી ગાયનાં દૂધમાંથી કાઢેલા ચોખ્ખા ઘીનો ડબ્બો પણ ભરી રાખ્યો છે. કોઈ એ તરફ જનારું હોય તો કહેજો.’

એક વખત આ જ રીતે નાનાભાઈએ કોઈકની સાથે પોતાના ખેતરમાં ઊગેલી કેરીઓ અને એની પત્નીએ જાતે ઘંટીએ દળેલો લોટ મોકલાવેલા. બે-અઢી મહિના થવા આવ્યા પણ કંઈ સમાચાર ન આવ્યા એટલે એને થઈ ચિંતા. એ તો પોસ્ટ-ઓફિસમાં જઈને આંતર્દેશીય પત્ર લઈ આવ્યો અને પોતાના ગરબડિયા અક્ષરોમાં મંડ્યો પત્ર લખવા – મારા માતા-પિતા જેવા વડીલ ભાઈ ને ભાભી, જે શી કરસન સાથે લખવાનું કે, બે તઈણ મઈના પેલ્લાં અહીંથી રમલો ત્યાં આવતો’તો એની હંગાથે તમારા બધાના હારુ આપડી વાડીની કેરી મોકલેલી. મારી ઘરવાળીએ કીધેલું કે કાલે જ પાંચ શેર અનાજ દળેલું છે તે તાજો લોટ પણ મોકલેલો. ઘરના દળેલા લોટના રોટલા છોકરાવને બઉ ભાવ્સે. પણ આ બધું મળી ગયાની પોંચ તમારા તરફથી આવી નથી તે જીવ ત્યાં લાગી ર્યો છે. મેં વિચાર કયરો છે કે આવતા રવિવારે હું જાતે જ આવીને કુશળ સમાચાર જાણી જાઉં. સવારની પેલ્લી બસમાં નીકળીને ત્યાં પોંચીશ. – લિ. તમારા નાનકાના પાયલાગણ.

પત્ર વાંચીને મોટાની વહુનાં ભવાં ચઢી ગયાં. ‘આ બધી ચાલબાજી છે. તમે રહ્યા ભોળા તે કંઈ સમજો નહીં. ગઈ સાલ દિયરજી કહેતા’તા કે, છત પરથી ચોમાસામાં પાણી બહુ ચૂએ છે તે નળિયાં નખાવવા છે, પણ પૈસાનો વેંત થતો નથી. અહીં આવવા પાછળનું કારણ પૈસા માગવાનું જ છે – બીજું કંઈ નહીં.’ મોટાને થયું, પત્નીની વાત તો સો ટકા સાચી છે. હવે કરવું શું? બહુ વિચારીને એણે એક પોસ્ટકાર્ડ લખ્યો – મારા વ્હાલા નાનકા અને આખો પરિવાર, તારો પત્ર મળ્યો. નાનપણથી જ તું બહુ લાગણીશીલ છે. મારાથી જવાબ ન આપી શકાયો તેથી તને થયેલી ચિંતા હું સમજી શકું છું. પણ હવે હું તને વધુ ફિકર કરાવવા માગતો નથી તેથી તું અહીં આવે એ પહેલાં હું જ તારી ભાભી અને બંને છોકરાઓને લઈને ત્યાં આવું છું. આમ પણ તું અહીં આવે તો ખેતરની ને ઢોરઢાંખરની દેખભાળ કોણ કરે ? વળી અહીં શહેરના અટપટા રસ્તામાં તું ક્યાંક ભૂલો પડી જાય ને તને ઘર ન મળે તો નક્કામી ઉપાધિ થાય. આમ વિચારીને અમે ત્યાં આવવાનું નક્કી કર્યું છે. છોકરાઓને તારી પાસે તળાવમાં તરતાં શીખવું છે. તારી ભાભી કહે છે કે, એને બીજું તો કંઈ કામ નથી પણ સાથેસાથે જો એ પણ આવી જાય તો માના ગુજરી ગયા પછી એની ચીજ-વસ્તુઓની વહેંચણી કરવાની રહી જ ગઈ છે, તો દેરાણી-જેઠાણી બંને સાથે મળીને માનો કબાટ ખોલીને જોઈ લે ને જેને જે જોઈતું હોય એ લઈ લે તો સારું.

ખેતરમાં મરચાં થયાં હશે. સુમિત્રાને કહેજે કે, લીંબુ-મરચાંનું અથાણું બનાવી રાખે. આટલા ગાય-ભેંસ છે તે ઘી તો ઘણું નીકળતું હશે, નહીં? વધારે નથી જોઈતું. પાંચેક કિલોનો ડબ્બો ભરાવી રાખજે. આ તો શું છે, તારી ભાભી હમણાં બહુ નબળી પડી ગઈ છે. રોજ થોડું ઘરનું ઘી ખાય તો થોડી શક્તિ આવે. અમે બધા શનિવારે સાંજ સુધીમાં પહોંચી જઈશું. લિ. મોટાભાઈના આશિષ. પત્ર વાંચીને નાનકો તો હરખાઈ ગયો. પોતાની પત્નીને વંચાવીને કહેવા લાગ્યો, ‘ખરેખર, આપણે કેટલા નસીબદાર છીએ નહીં સુમી ? આપણા માથે આવા પ્રેમાળ ભાઈ-ભાભીનું છત્ર છે. નહીંતર આજના જમાનામાં કોણ નાના ભાઈનું આટલું ધ્યાન રાખે ? એની પત્ની ધીમેથી માત્ર એટલું જ બોલી, ‘હાસ્તો.’

[ 'ભૂમિપુત્ર' સામાયિકમાંથી સાભાર.]

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...