મુખ્ય સામગ્રી પર જાઓ

સૂરીલી સંગત

લેખક:  હરિશ્ચંદ્ર

શ્રોતાઓ મુગ્ધ થઈને ડોલતા હતા. પંડિત ગિરીજાશંકરનું ગાયન આજે ચોટીએ પહોંચ્યું હતું. તંબૂરા ને તબલાની સંગત પણ બેનમૂન હતી. તેની સાથે જ તાનપુરા પર ભાર્ગવ એમની સંગત કરી રહ્યો હતો. જાણકારો એના ગળાનેય દાદ આપતા હતા. જાણે અદ્દલોઅદ્દલ પંડિતજીનો જ અવાજ, પંડિતજીની જ લઢણ, પંડિતજીની જ સ્વર-લહરી. અને તેમાં પાછું તારુણ્યનું જોશ. ‘ગુરુ કરતાં શિષ્ય સવાયો થવાનો છે.’ – એમ હવે લોકોના મોઢે કહેવાવા લાગ્યું હતું.

પંડિતજી પણ ખુશ હતા. ક્યારેક એકાદ તાન અડધેથી જ છોડી દેતા અને ભાર્ગવ એને જે રીતે ઉપાડી લેતો, તે જોઈ પોતેય ડોલી ઊઠતા અને હરખ વ્યક્ત કરતા. તે દિવસનો કાર્યક્રમ માત્ર પંડિતજીનો જ ન રહેતાં બંનેની જુગલબંદીનો બની રહ્યો. છેવટે કાર્યક્રમ પૂરો થયો અને તાળીઓના ગડગડાટથી હૉલ ગાજી ઊઠ્યો. મહેફીલ પૂરી થઈ. પંડિતજીનો સત્કાર થયો. તેની સાથે ભાર્ગવનેય પુષ્પગુચ્છ અપાયો. તેણે તે અત્યંત વિનય અને ભક્તિપૂર્વક પંડિતજીના ચરણે મૂક્યો. પંડિતજી મંચ પરથી નીચે આવ્યા ત્યારે એમના પદત્રાણ ઉપાડીને એમના પગ આગળ મૂક્યા. શ્રોતાઓમાં બેઠેલાં પંડિતજીનાં પત્ની ઉમાજી આવ્યાં. બધાંની વિદાય લઈ પંડિતજી મોટર પાસે આવ્યા, ત્યારે બારણું ખોલી ભાર્ગવ ઊભો જ હતો. પંડિતજી ને ઉમાજી બેઠાં એટલે ભાર્ગવ આગળ ડ્રાઈવર પાસે બેસી ગયો.

‘દાદા, ગળે આ મફલર વિંટાળી લો !’
‘ક્યાં એટલી ઠંડી છે ? હજી એટલો ઘરડો નથી થયો તારો દાદો !’
‘સીત્તેર થયાં તે હજી ઓછાં છે ? તમે ભાર્ગવનું કહેવું સાંભળતા જાવ….’ – ઉમાજીએ એમને ટોક્યા.
‘બસ, થયું ! એ તો મારી પાછળ પડ્યો જ હોય છે, તેમાં વળી તારો ટેકો મળ્યો.’
‘ખરું કહું તો ભાર્ગવ બધે તમારી સાથે હોય છે એટલે જ તમે પરગામ, પરદેશ વગેરે જાવ ત્યારે મને તમારી ચિંતા નથી રહેતી.’

પંડિતજી અને એમના કુટુંબ સાથે ભાર્ગવ આટલો બધો ભળી ગયેલો. નવ વરસનો હતો, ત્યારે ભાર્ગવ એમની પાસે આવેલો. આજે ત્રીસીએ પહોંચેલો ભાર્ગવ પંડિતજીનો લાડકો શિષ્ય થઈ ગયો હતો. પંડિતજીને બે દીકરી, તે પરણી ગઈ. પંડિતજીના ગાયનના ઘરાનાનો વારસદાર ભાર્ગવ જ હતો. ભાર્ગવની ગુરુ પ્રત્યે પૂર્ણ ભક્તિ. ગુરુનો પડ્યો બોલ ઝીલે. ગુરુની દોરવણી મુજબ કલાકો સુધી રિયાજ કરે. હવે તો એનું ગળું બરાબર ખીલેલું. ત્રણેક વરસ ઉપર ભાર્ગવની સ્વતંત્ર મહેફીલ રાખવા માટે કેટલાક લોકો આવેલા. ભાર્ગવે વિનયપૂર્વક પંડિતજી પાસે મોકલ્યા. પણ પંડિતજીએ કહ્યું, ‘હમણાં નહીં.’ અને ભાર્ગવે ગુરુજીનો બોલ ઉપાડી લીધો.

ત્યારે પંડિતજીની નાની દીકરી સુવાવડ માટે આવેલી. એ આખાબોલી. તેણે પૂછ્યું, ‘આમ કેમ ? ભાર્ગવ હવે પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે. દોઢ-બે કલાકની મહેફીલ એ સરસ ચલાવી શકે તેમ છે.’
‘હા, તે સાચું છે, પરંતુ એક વાર આ શરૂ થયું કે પછી બીજા કાર્યક્રમો, રેડીઓ, ટીવી વગેરે શરૂ થઈ જશે.’
‘તે તેમાં શું ખોટું છે ?’
‘ભાર્ગવની તૈયારી સરસ છે, પણ પૂર્ણ નથી. હું હજી એને ઘણી વધારે ઊંચાઈએ જોવા માગું છું. ઝટપટ પ્રસિદ્ધિનું વિપરીત પરિણામ આવશે. આજકાલ પ્રસાર-માધ્યમોનું ભારે જોર છે. રાતોરાત એ તમને ઊંચા આસમાને ચઢાવી દે છે, અને પછી તમારા પગ ધરતી પર રહેતા નથી. એ બધી ધામધુમમાં રિયાજ, અવાજની કાળજી, સંગીત-સાધના બધું ગૌણ બની જાય છે. ભાર્ગવને મારે તેમાં ફસાવા દેવો નથી. એ તો આપણા ઘરાનાનું નામ રાખશે અને સસ્તી પ્રસિદ્ધિને બદલે જીવનભર ચાલે એટલી કીર્તિ કમાશે.’

પંડિતજી આ બધું કહી તો ગયા, પણ ભીતર ને ભીતર એમને કાંઈક ચૂભતું હોય એવું લાગ્યું. ભાર્ગવ માટે એમને ભારે ગૌરવ હતું, પ્રેમ હતો એ ખરું, ભાર્ગવ એમનો તેજસ્વી શિષ્ય છે, એમ સાંભળીને એમને બહુ સારું પણ લાગતું; અને તેમ છતાં એનું સ્વતંત્ર નામ બને, લોકો પોતાને બાજુએ મૂકી એની જ વાહ વાહ કરે – આ સ્વીકારવા એમનું મન હજી તૈયાર નહોતું. જો કે એ પોતે પણ પોતાના મનમાં ચાલતું આ ઘમસાણ હજી પૂરું સમજી નહોતા શક્યા. ભાર્ગવની સ્વતંત્ર મહેફીલ માટે ના પાડી, તેને માટે આવી બુદ્ધિગમ્ય સચોટ દલીલ કરી, અને છતાં એમને ભીતર કશુંક ડંખતું રહ્યું. શું આમાં થોડો અસૂયાનો ભાવ તો નથી ? પોતાની પ્રસિદ્ધિ ઝાંખી પડશે, એવો ધ્રાસકો તો નથી કામ કરી જતો ? આમ, છેલ્લાં બે-ત્રણ વરસથી પંડિતજી મનમાં ને મનમાં મૂંઝાયા કરતા. ક્યારેક કોઈના ઉપર વિના કારણ ચિડાઈ જતા. એકલા હોય ત્યારે ઊંડા વિચારમાં ખોવાઈ જતા. ક્યારેક પોતાની જાત ઉપર એમને ચીડ ચડતી. પોતે સંગીતના ઉપાસક, એવો જ સંગીતનો ઉપાસક આવો સરસ શિષ્ય મળ્યો છે, છતાં હું આટલો પામર છું ? માંકડા મનનો ગુલામ છું ? મોકળે મને કેમ એને નવાજી નથી શકતો.

આજની મહેફીલના આવા સરસ વાતાવરણ વચ્ચેયે જ્યારે ‘ગુરુથી શિષ્ય સવાયો થશે’ – એમ સાંભળવા મળતું, ત્યારે પંડિતજીનું મન થોડું આળું થઈ જતું. તેમાં ઈન્દોરથી આવેલા એમના પ્રશંસકોએ એમને સંગીત સંમેલન માટે આમંત્રણ આપ્યું અને ખાસ આગ્રહપૂર્વક કહ્યું કે તેમાં ભાર્ગવસાહેબ તો આવે જ. ત્યારે જરીક એમનું મન ખાટું થઈ ગયું. એમણે તુરત હા ન પાડી, ‘પછી જણાવીશ’ એમ કહ્યું. પરંતુ એમના મનમાં જબ્બર ઘમસાણ ચાલ્યું. રાતે પથારીમાં પડ્યા, પણ ઊંઘ ન આવી. આજે આજે એમનું મન ચકડોળે ચઢ્યું હતું. ચિત્તની સંગીતમય સુસંવાદિતા ડહોળાઈ ગઈ હતી. તેવામાં ગઈ કાલે એક સામાયિકમાં વાંચેલી યયાતિની કથા એકદમ એમને યાદ આવી. આમ તો જાણતા જ હતા, પણ અત્યારે પોતાના મનના તીવ્ર ઘમસાણ વખતે તત્કાળનો સંદર્ભ લઈને યાદ આવી. શું હું યયાતિ બની ગયો છું ? તુમુલ મંથન ચાલ્યું. છેવટે મનમાં અમુક નિરધાર થયો, ત્યારે જ શાંતિ થઈ અને મીઠી ઊંઘ આવી.

સવારે ઊઠીને પહેલું કામ પંડિતજીએ ઈન્દોરવાળા પોતાના ચાહકો-પ્રશંસકોને જણાવી દેવાનું કર્યું – ‘ઈન્દોરનો કાર્યક્રમ ભાર્ગવનો રહેશે. હું પણ ઉપસ્થિત રહીશ અને એની સંગત કરીશ. પણ મુખ્ય રહેશે, ભાર્ગવ.’

(શ્રી શોભના બેરીની મરાઠી વાર્તાને આધારે)
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...