મુખ્ય સામગ્રી પર જાઓ

મોતનો સોદાગર

લેખક: નટવર મહેતા

બપોરનો ત્રણનો સમય છે.

અંધેરીની હવામાં ભેજ છે. બાફ છે. પરસેવાથી શરીર ભીનું થયા રાખે અને પરેસેવો શરીર પર ચોંટી રહે એવો માહોલ છે. અંધેરી ઈસ્ટમાં આવેલ ફાઉંટન હેડ બારમાં એક ઊંચો, ગોરો, દાઢીવાળો શખ્સ પ્રવેશે છે. એના જમણા હાથમાં એક ઓવરનાઇટ બેગ છે. બારમાં પ્રવેશ્યા બાદ પણ એ પોતાના ડાર્ક ગોગલ્સ ઉતારતો નથી. નેવી બ્લ્યુ જિંસ પર ગુલાબી શોર્ટ સ્લિવ ટીશર્ટ પહેરેલ એ વ્યક્તિ રહસ્યમય લાગે છે. બારનો મુખ્ય હૉલ સાવ ખાલી છે. હૉલમાં ઉડતી નજર કરી એ ખૂણાનું અંતિમ ટેબલ પસંદ કરી બેસે છે. એરકન્ડિશનના ધીમા ઘરઘરાટ સિવાય હૉલમાં સંપુર્ણ શાંતિનું સામ્રાજ્ય છે. સાવ સુષુપ્ત અવસ્થામાં હૉલ ઢબુરાઈ ગયો છે. એક વેઈટર એની પાસે ધીમેથી જાય છે. બિયરનો ઓર્ડર અપાય છે. હૉલમાં ફરી એક નજર દોડાવી એ પોતાના કાંડા ઘડિયાળ તરફ નજર કરે છે. એની વિવશતા પરથી જાણ થાય છે કે એ કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વેઈટર સલૂકાઈથી  ગ્લાસમાં બિયર ભરી ‘એંજોય સર’ કહી પાછો સરકી જાય છે. ગ્લાસ તરફ એક નજર કરી પેલો શખ્સ બિયરનો ઘુંટ ચુસે છે. બિયરની કડવી ઠંડક પણ એની વિવશતા દુર કરવા અસમર્થ છે. ફરી એ પોતાના ઘડિયાળ પર એક ઉડતી નજર કરે છે. અને ફરી બિયરનો ગ્લાસ મોંએ માંડે છે.

લગભગ દશેક મિનિટ પછી બીજો યુવાન પ્રવેશે છે. એની ચાલમાં એક નફિકરાઈ છે. એ સીધો પેલા શખ્સ પાસે જાય છે. ધીમેથી કંઈ ગણગણી ખુરશી ખેંચી વિશ્વાસથી ટટ્ટાર બેસે છે.

‘બિયર…??’

‘યસ પ્લીસ!!’

વેઈટર આવી બીજો ગ્લાસ ભરી જાય છે. પ્રથમ આવનાર શખ્સ ટેબલ પર બેગ મુકી બેગ ખોલે છે. અંદરથી થોડાં ફોટાંઓ કાઢે છે અને બીજા કાગળિયાં પેલા શખ્સને આપે છે. બેગ પાછી ફરસ પર મુકી, ગ્લાસ હટાવી, ટેબલ પર જ્ગ્યા કરી એ એક નકશો પાથરે છે. નકશા પર આંગળી મુકી કંઈ સમજાવે છે. સ્થળ બતાવે છે. બેગ ખોલી બેગ બતાવે છે. બેગ રૂપિયાની નોટોની થોકડીથી છલોછલ ભરેલ છે. મહાત્મા ગાંધી છાપ હજાર હજારની નોટો બેગમાંથી ડોકિયું કરી રહી છે.

પ્રથમ આવનાર શખ્સ ઉભો થાય છે. ખાસ પ્રતિક્રિયા બતાવ્યા વિના એ ઝડપથી હોટલની બહાર નીકળે છે. બિયરનો ગ્લાસ પુરો કરી થોડાં સમય પછી બીજો યુવાન પણ ઉભો થાય છે. વેઈટરને બિલ ચુકવી, ટીપ આપી, હાથમાં બેગ લઈ વેઈટર તરફ હસીને એ બારની બહાર નીકળે છે. એ યુવાન એક ધંધાદારી કાતિલ છે. પૈસા લઈ કોઈની જિંદગી ટુંકાવી નાંખવાનો વ્યવસાય છે એનો. જેમાં એ કેટલાંય સફળતાના સોપાનો એ સર કરી ચુક્યો છે. અને આજે એણે આ બીજું એસાઇનમેંટ મેળવ્યું. કોઈની જિંદગીની હસ્તરેખાનો અંત એના હસ્તે આણવાનો ઠેકો લીધો આજે એણે…મોતનો સોદાગર છે એ!!

*** *** *** *** ***

સુરજ શાહે પોતાની કાર હોંડા સિટી સુરજ મહલના પોર્ચમાં હળવેકથી ઊભી રાખી. સુરજ શાહ ચાલીસેક વરસના ઊંચા ગોરા આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પુરુષ હતા. સુરત શહેરમાં એમની પેઢી સુરજ ડાયમંડ્સ ના નામે ચાલી રહી હતી. જેમાં પાંચ હજારથી ય વધુ કારિગરો, હીરાના નિષ્ણાતો કામ કરતા હતા. છેલ્લાં પંદરેક વરસમાં સુરજ ડાયમંડ્સ ગુજરાતની અવ્વલ નંબરની હીરાની પેઢી બની ગઈ હતી. અને દેશની અગ્રગણ્ય હીરાની એક્સપોર્ટ – ઇમ્પોર્ટ કંપનીઓમાંની એક હતી.  એનો સર્વ યશ ફક્ત સુરજ શાહને મળે એ સ્વાભાવિક હતું. એમની કોઠાસુઝ, સાહસિક અને શાંત સ્વભાવને કારણે સુરજ ડાયમંડ્સનો સિતારો સાતેય આસમાનમાં ચમકતો હતો. હાલમાં આંતરરાષ્ટ્રિય હીરા બજારમાં કાતિલ મંદીનું ઠંડુ મોજું ફરી વળ્યું હતું. પણ બજારમાં વાયકા એવી હતી કે સુરજ શાહને મંદીની ઠંડી કદી ઠરાવી ન શકે.

*** *** *** *** ***

હરિભાઈ ઝવેરી.

સુરજ શાહના સાળા, સપનાના મોટાભાઈ સુરજ ડાયમંડ્સમાં એક અગત્યની વ્યક્તિ હતા. એમની ચકોર નજરમાંથી એક એક હીરો પસાર થતો. એમની તેજ નજર હીરાની રફ નિહાળી પારખી જતી કે એમાંથી કેવો પાણીદાર હીરો ઝળકશે !! સુરજની સાથે સપનાના લગ્ન બાદ ચારેક વરસ બાદ હરિભાઈ સુરજ ડાયમંડ્સમાં જોડાયા હતા. કેટલાંક ખોટાં નિર્ણયોને કારણે અને આંધળા સાહસને લઈને હરિભાઈએ એમની હીરાની દલાલીમાં ટોપી ફેરવી હતી. ધંધામાં ઉલાળિયું કર્યું હતું. લોકોની લાખોની ઉઘરાણીનું ચુકવણું સરળ સ્વભાવના નાના બનેવી સુરજ શાહે એકી બોલે કરી દીધું હતું. હરિભાઈ મ્હોંમાં તરણું લઈ સુરજને શરણે આવ્યા. સુરજે એમને આશરો આપ્યો હતો. પણ એણે બહુ જ સાહજિકતાથી હરિભાઈને સુરજ ડાયમંડ્સના અગત્યના આર્થિક વ્યવહારથી દુર રાખ્યા હતા. હરિભાઈને દર મહિને એમનો પગાર મળી જતો. હરિભાઈને ફરિયાદ કરવાની કોઈ તક ન મળતી. પગાર સિવાય બહેન સપના તરફથી પણ હરિભાઈને અવારનવાર આર્થિક સહાય મળી રહેતી. હરિભાઈથી એક અંતર જાળવી રાખવામાં સુરજ શાહ સફળ રહ્યા હતા. એક અદૃશ્ય, અભેદ્ય મજબુત જાળ હરિભાઈની આસપાસ ફેલાયેલ રહેતી. એમાંથી હરિભાઈથી છટકી શકાય એમ ન્હોતું. પોતાના ખોટાં નિર્ણયોને કારણે હરિભાઈએ સુરજના ઓશિયાળા થવું પડ્યું એ એમને જરાય પસંદ ન્હોતું. એઓ પોતાના નસીબને દોષ દેતા હતા. જો એમનો પોતાનો કારોબાર હોત તો સુરજ ડાયમંડ્સ કરતાં ય એનો વ્યાપાર વધારે હોત એમ એઓ માનતા હતા. છેલ્લાં થોડાંક  સમયથી સુરજ એમનું અપમાન કરતો હતો. ક્યારેક ટોણા મારતો. ક્યારેક ગુસ્સે પણ થઈ જતો. હરિભાઈ માટે એ બહુ અપમાનજનક હતું. આઘાતજનક હતું. હરિભાઈ અંદર અંદર સહમી રહેતા. વળી હરિભાઈની પુત્રી માધવી ઉમરલાયક થઈ ગઈ હતી. લગ્ન લાયક થઈ ગઈ હતી. પણ સમાજમાં હરિભાઈની કોઈ શાન ન્હોતી. એમની કોઈ આન ન્હોતી. સમાજમાં એ બનેવીના એક પાલતુ કર્મચારી તરીકે ઓળખાતા હતા. આ કારણે ય માધવીનો હાથ પકડવા કોઈ તૈયાર થતું ન્હોતું. હરિભાઈએ પોતાની ખોવાયેલ શાન પાછી મેળવવી હતી. એમણે પોતાનો ધંધો શરૂ કરવો હતો. સુરજથી અલગ થઈ પોતાનું કહી શકાય એવું કંઈક શરૂ કરવું હતું. ગમે તેમ કરીને સુરજના સંકજામાંથી છટકવું હતું. પણ કઈ રીતે?! એમની પાસે ન તો નગદ નારાયણ હતા. ન તો ઈજ્જત હતી. પાસે પૈસો હોય તો કોઈ પણ પૂજે. કોઈ પણ પુછે. એમના માટે કોઈ પણ માર્ગે પૈસા પેદા કરવા અત્યંત આવશ્યક હતા. સુરજ ડામંડ્સમાં જ ધાપ મારવી હતી. અને પછી એ જ પૈસે સુરજને બતાવી દેવું હતું. સુરજથી અલગ થઈ જવું હતું. પણ કઈ રીતે? એક વાર સુરજ આથમે તો બીજાનો પ્રકાશ પથરાઈ શકે.

*** *** *** *** ***

સપના શાહ.

સુરજ શાહની પત્ની.

પોતાને સર્વ સુખોના મહાસાગર વચ્ચે આવેલ નાનકડાં ટાપુ પર એકલી અટુલી પડી ગયેલ મહેસુસ કરી રહી હતી. સુરજ સાથેના લગ્ન પછીના તરતના સુખના દિવસો પ્રવાસી પંખીઓની માફક દુર દેશ ઉડી ગયા હતા. હવે રહી ગઈ હઈ હતી એક નરી એકલતા!! વસમી વિવશતા!! એક પુત્ર હતો અસીમ. જે એને ખુબ જ પ્યારો હતો. પરંતુ સુરજે અસીમને નવસારી ખાતે આવેલ તપોવન સંસ્કારધામમાં મુકી દીધો હતો. એટલે અસીમ ત્યાં જ રહેતો. ભણતો. ફ્ક્ત વેકેશનમાં જ સુરત આવતો. ધીમે ધીમે એ જાણે એનાથી દુર થઈ રહ્યો હતો. તપોવનમાં અસીમને મુકવાનો નિર્ણય પણ સુરજનો જ હતો. સુરજ જ બધા નિર્ણયો લેતો. સપનાએ તો ફક્ત એનો અમલ કરવાનો રહેતો. સપનાને હવે લાગતું હતું કે સુરજના જીવનમાં એનું સ્થાન પગ લુંછણિયા જેવું અને જેટલું હતું. હા, સપના પાસે બધાં જ ભૌતિક સુખો હતા…ઘરેણા…સાડીઓ…ગાડી…નોકરોની ફોજ…ક્રેડિટ કાર્ડ…!! એના અંતરમાં ઊછરી રહેલા અંજપાને શાતા આપવા એ શોપિંગ કરતી…કારમાં અહિંતહિં ફરતી રહેતી. એકલતાને ઓગાળવા કિટ્ટી પાર્ટ્ટીઓ યોજતી…કિટ્ટી પાર્ટીઓમાં જતી. સુરજને એના હિરાના બિઝનેસમાંથી સપના માટે સમય ન હતો. સપના પોતાના આવા જીવનથી ઉબાઈ ગઈ હતી. સુરજ ક્યારેક સપના સાથે ખુબ વાત કરતો. મીઠ્ઠી મીઠ્ઠી. ત્યારે સપનાને નવાઈ લાગતી. પણ મોટે ભાગે સુરજ એને અવગણતો હોય એમ જ લાગતું. સપાનાને એવી પણ આછી આછી જાણ થઈ હતી કે સુરજના જીવનમાં બીજી કોઈ યુવતી-છોકરી પ્રવેશી હતી!! સપનાને એવું લાગતું હતું કે એને ડિપ્રેશન આવી જશે. એ હારી જશે..તનથી અને મનથી..! ના, એ હારવા માંગતી ન્હોતી. આ કારણે એણે હેલ્થ ક્લબમાં જવાનું શરૂ કર્યું. તનમનથી તાજા થવા એણે ‘શેઈપ અપ હેલ્થ ક્લબ’ની મેમ્બરશીપ મેળવી. ત્યાં એની ઓળખાણ થઈ બબલુ ગુપ્તા સાથે !! બબલુ યોગા ઈન્સટ્રક્ટર હતો. યોગા અને મેડિટેશનમાં એની નિપુણતા હતી. બબલુ બહુ જ ટુંક સમયમાં સપનાના જીવનમાં છવાય ગયો. એના સુકા સુકા જીવનમાં ફરી બહાર બની છવાય ગયો. લગ્નના આટ આટલા વરસોમાં સુરજ જે એને ન આપી શક્યો હતો તે બબલુએ થોડાં કલાકોમાં આપી દીધું. બબલુના સ્પર્શમાત્રથી સપનાના શરીરમાં સિતાર રણકી ઉઠતી. મન ઝંકૃત થઈ જતું. સપના જાણે બબલુને શરણે આવી ગઈ. બબલુએ સપનાની ઠરી ગયેલ વાસનાને સળગાવી દીધી. બુઝાવા લાગેલ આગને હવા આપી દીધી. સપના કંઈ બબલુના જીવનમાં આવેલ પહેલી સ્ત્રી ન્હોતી. પરંતુ, પહેલી સહુથી વધુ અમીર સ્ત્રી જરૂર હતી કે જે એના પર ન્યોછાવર થઈ ગઈ હતી. બબલુ સર્વ કામકલાઓમાં પાવરધો હતો. એ કારણે એકલવાયી ધનિક યુવતી, સ્ત્રીઓ એની ફરતે વિંટળાતી રહેતી. બબલુ મોટે ભાગે મોટર સાયકલ પર ફરતો રહેતો. પણ હવે એ કારના ખ્વાબ જોતો થઈ ગયો હતો. કારણ કે, સપનાએ એને કાર લઈ આપવાનું પ્રોમિસ કર્યું હતું ! સપનાને બબલુ ક્યારેક તડપાવતો, તરસાવતો, ટટળાવતો ત્યારે સપના રડી પડતી. બબલુ ગુપ્તા હવે સપના શાહના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયો હતો. બબલુ વિના એ એના જીવનની કલ્પના કરી શકતી ન્હોતી. બબલુ સાથે જિંદગીભર કાયમ માટે રહેવા એ કંઈ પણ કરવા તૈયાર હતી. કંઈ પણ!! અને બબલુ પણ સપના માટે કંઈ પણ કરવા તત્પર હતો. કંઈ પણ!!મોહિની.

મોહિની, બસ નામ જ પુરતું છે એના વર્ણન માટે!

મોહિની આપ્ટે. સુરજ શાહના જીવનમાં પ્રવેશેલ બીજી સ્ત્રી. પાંચેક વરસ પહેલાં મિસ મુંબઈની સ્પર્ધા વખતે સુરજ શાહ એક નિર્ણાયક હતા. અને ત્યારે જ મોહિનીની નશીલી નજરોમાં સુરજ શાહ વસી ગયા હતા. મોહિની ત્યારે મિસ મુંબઈની સ્પર્ધામાં રનર્સ અપ બની હતી. મોહિનીએ ધીરે ધીરે  સુરજ શાહ સાથે ખુબ કુશળતાપુર્વક સંબધ વધાર્યા હતા. એની સુંદરતા અને માદકતના મોહપાશમાં સુરજ શાહ જકાડાય ગયા હતા. સુરજને અવારનવાર ધંધાર્થે મુંબઈ આવવાનું થતું. ઓબેરોય ટ્રાઇડન્ટના દશમાં માળે આવેલ સ્યુટમાં એઓ ઉતરતા ત્યારે મોહિની ત્યાં હાજર થઈ જતી. સપના જે આપવા અસમર્થ હતી એ આપવામાં મોહિની સમર્થ હતી. નિપુણ હતી. એની માદક બાહોંમાં સુરજને શાતા મળતી. રાહત મળતી. સુરજ સાથે મોહિની ત્રણ વાર એન્ટવર્પ અને બે વાર સ્વિટ્ઝરલેંડ પણ જઈ આવી હતી. સુરજ શાહ એવું માનતા હતા કે મોહિની સાથેના પોતાના સુંવાળા સબંધો ગુપ્ત રાખવામાં એઓ સફળ થયા છે. પણ છેક એવું ન્હોતું. આગ હોય તો ધુમાડો તો થાય જ ! આગ કદાચ છુપાવી શકાય છે. ધુમાડો આસાનીથી છુપાવી શકાતો નથી. મોહિની બહુ કાબેલ  હતી. સુરજ પાસેથી ઘણા નાણા, જરઝવેરાત, હીરા અને અન્ય મદદ મેળવી ચુકી હતી. મોહિનીને એમ લાગી રહ્યું હતું કે સુરજ શાહ હવે ખાલી થઈ રહ્યા હતા. ખાલી થઈ ગયા હતા. આમ પણ મોહિની એક પુરૂષના પિંજરામાં પુરાય એવું પંખી ન્હોતું !! મોહિનીના તનમનના પતંગિયાઓએ ફડફડાટ કરવા માંડ્યો હતો. મોહિની સાથેની અંગત પળોની ઉત્તેજનાભરી ઊજવણી દરમ્યાન એક વાર સુરજ શાહ બોલી ગયા હતા કે, સવારે ઉગતો સુરજ જેમ સાંજે આથમી જાય છે તેમ આ સુરજ પણ આથમી જવાનો છે. બેબી, ડાયમંડ્સ આર નોટ ઓલવેઝ ફોર એવર!! ત્યારે મોહિની ચોંકી ગઈ હતી. સુરજ જો આથમી જાય તો?!  સુરજ શાહ વિના એનું શું થશે?! સુરજના પૈસા વિના એ કેવી રીતે અને કઈ રીતે જીવશે ?! સુરજને લુંટાઈ એટલો લુંટી લેવો  જરૂરી હતો. જે એણે બહુ સારી રીતે શરૂ કરી દીધું હતું!! ક્ષિતિજે આથમવવા આવેલ સુરજ ડૂબે તે પહેલાં જેટલો પ્રકાશ સંઘરાય એટલો સંઘરવો જ રહ્યો. ડૂબતા સુરજની રાહ ન જોવાય. સુરજ જો ડૂબે તો છવાય અંધકાર!! મેળવાય એટલી મેળવી લો રોશની એની ને પછી ડૂબાડી દો સુરજને…!!

*** *** *** *** ***

સુરત શહેરના મશહુર હીરા ઉદ્યોગપતિ સુરજ શાહની કરપીણ હત્યા.

શહેરના…રાજ્યના…દેશના સર્વ સમાચારપત્રોના પ્રથમ પાના પર હેડલાઈન હતી. સુરત શહેરમાં, રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. સમાચારનો ટુંકસાર આ મુજબ હતોઃ ગુજરાત હીરા ઉદ્યોગના રાજા ગણાતા સુરજ શાહ પોતાની સિલ્વર હોંડા સીટી કારમાં નિત્યક્રમ મુજબ બપોરે દોઢ વાગ્યે પોતાની ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉધના દરવાજાના ટ્રાફિક સર્કલ પાસે એમના પર પોઈંટ બ્લેંક રેંજથી ત્રણ ગોળીઓ છોડવામાં આવી હતી. એઓ તત્કાળ મરણને શરણ થયા હતા. મોટર સાયકલ સવાર બે હુમલાખોર ખૂની હુમલો કરી પલાયન થવામાં સફળ રહ્યા હતા. સુરત શહેરમાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. શહેરના જાંબાઝ પોલિસ કમિશ્નર શ્રી કુલદીપ નાયરે ઝડપથી હુમલાખોરને પકડી પાડવાની બાંહેધારી આપી હતી.

*** *** *** *** ***

ગુજરાત પોલિસના બહાદુર, હોંશિયાર ઈન્સપેક્ટર અનંત મહેતાને સુરજ શાહ ખૂન કેસની તપાસ સોંપવામાં આવી. સુરત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ ડીપો, હાઈવે દરેક જગ્યાએ તુરંત વોચ ગોઠવી દેવામાં આવી. શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયો. કોઈ કાબેલ ધંધાદારી ખૂનીનું આ કામ હતું એ સ્વયં સ્પષ્ટ હતું. થોડાં સમય પહેલાં આ જ રીતે મુંબઈ ખાતે ટેક્સટાઈલ ટાઈફૂન શ્રી ખટાઉની હત્યા થયેલ. એ જ મૉડસ ઓપરેંડીથી સુરજની હત્યા કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત ડી ગેંગ કે અરૂણ અવળી ગેંગના શાર્પ શુટરોની માહિતી તાત્કાલિક મેળવવામાં આવી. શકમંદોના ફોટોગ્રાફ્સ મેળવવામાં આવ્યા. ઉધના દરવાજાની આસપાસના વિસ્તારના ફેરિયાઓ, રિક્ષાવાળાઓ, દુકાનદારની ઊલટતપાસ  અને ચકાસણી કરવામાં આવી…અને બે પૈકી એક યુવક્ની ઓળખ તો મળી પણ ગઈ. એ હતો સુરતનો જ ઈકબાલ ગોલી. આ કાર્યવાહીમાં અઠવાડિયાનો સમય નીકળી ગયો. સમાચાર પત્રો, ન્યુઝ ચેનલોએ એમની ટેવ મુજબ કાગારોળ મચાવી દીધી. રાજ્ય ગૃહપ્રધાનનું દબાણ પણ વધી ગયું. મુખ્ય પ્રધાનશ્રીએ પણ સીધો રસ લઈ સુરજ શાહ ખૂન કેસનો જલ્દીથી નિવેડો લાવવા દબાણ વધાર્યું.

એ તો સાવ સ્પષ્ટ હતું કે ખૂની ધંધાદારી હતો કે જેને આ કામનો અંજામ લાવવા પૈસા આપવામાં હતા. અથવા તો પછી કોઈ મોટી ગેંગનું કામ હતું કે જેણે સુરજ શાહ પાસેથી ખંડણીના પૈસા માંગ્યા હશે, પ્રોટેક્સન મનીની માંગણી કરવામાં આવી હશે અને સુરજે એનો યોગ્ય પ્રતિભાવ ન આપતા એનું કામ તમામ કરવામાં આવ્યું. સવાલ એ હતો કે સુરજને ક્યારેય ધમકી આપવામાં આવી હતી કે કેમ?! ખંડણીની ઊઘરાણી કરવામાં આવી હતી કે કેમ?! સુરજે કદીએ પોલિસમાં એ અંગે ફરિયાદ કરી ન્હોતી!!  પોલિસમાં એનો કોઈ જ રેકર્ડ ન્હોતો. એના છેલ્લા છ મહિનાના  મોબાઇલ ફોનની રેકર્ડની પ્રિંટ આઉટ મેળવવામાં આવી પણ કોઈ અજાણ્યા નંબરો એમાં ન્હોતા. મોટે ભાગે એના હીરા ઉદ્યોગ વર્તુળ અને સગાં સબંધીઓના નંબરો જ રેકર્ડમાં હતા. તો પછી કોણ…?? સુરજને કોની સાથે દુશ્મની હતી?? સુરજ શાહ બહુ સીધા સાદા, સરળ ઈન્શાન હતા. કોઈની સાથે ય એમણે ઊંચે સાદે વાત કરી હોય એવું બન્યું ન્હોતું. કોણ હતું કે જે સુરજને ડૂબાડી દેવા માંગતું હતું કોણ એનો આવો અસ્ત ચાહતું હતું??

કોણ…? કોણ…? કોણ…??

ઈ. અનંતે સુરજના દરેક કુટુંબીજનો, સુરજ ડાયમંડ્સના મોટા ભાગના કર્મચારીઓ, સુરજની નજીકના વર્તુળના વ્યક્તિઓની માહિતી ફટાફટ એકત્ર કરી. સુરજ શાહ  ખૂનકેસ બહુ જ હાઈ પ્રોફાઈલ કેસ બની ગયો હતો. ચારે તરફથી દબાણ આવી રહ્યું હતું. ઈ. અનંતે એકત્ર કરેલ સર્વ માહિતી કમ્પ્યુટરમાં સંગ્રહ કરી દીધી.

ખરો ખૂની કોણ?

ખૂન કરનાર કે કરાવનાર?

આ કેસમાં કોઈ ગેંગ સંડોવાય હોય એવું પણ હોય અથવા તો પછી કોઈએ સુરજના ખૂનનો કોંટ્રાક્ટ ખૂનીને આપ્યો હોય…સુરજના ખૂનની સુપારી આપી હોય… જો એમ હોય તો સુપારી આપનાર છે કોણ…?? ઈ. અનંતની રાતની નિંદ્રા અને દિવસનું ચેન ખોવાય ગયું. જ્યારે સુરજની આસપાસના માણસોની માહિતી મેળવવામાં આવી અને એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ત્યારબાદ ચિત્ર વધુ અસ્પષ્ટ બન્યું. સુરજ શાહના ઘરમાં જ ઘણા સાપ દૂધ પી રહ્યા હતા. જે સુરજને ડસવા તૈયાર હતા. તત્પર હતા. ઈ. અનંતે નજીકના જ શકમંદ ઘાતકીઓની યાદી બનાવી.

બબલુ ગુપ્તાઃ સપનાનો અંગત મિત્ર. સપનાએ એની સાથેની મિત્રતાની વાત છુપાવી હતી. એની ઊલટતપાસ દરમ્યાન એ ઘણી જ સાવચેત રહી હતી કે બબલુની વાત, બબલુ સાથેના એના સુંવાળા સંબધોની કહાણી પોલિસ સુધી ન પહોંચે. પરંતુ, સપના બબલુને ક્યાં, ક્યારે અને કેવી રીતે મળતી હતી એની સર્વ માહિતી ઈ.અનંત પાસે પહોંચી ચુકી હતી. પહોંચતી હતી. ડુમ્મસ ખાતે આવેલ એક ફાર્મહાઉસ ખાતે બન્ને મળતા હતા. અરે! જે દિવસે ખુન થયું એ જ સવારે પણ બન્નેની મુલાકાત એ ફાર્મ હાઉસમાં થઈ હતી અને બન્નેએ લગભગ ત્રણ કલાક સાથે વિતાવ્યા હતા.

શા માટે??

પ્લાનિંગ માટે??

જ્યારે સપનાને એ પુછવામાં આવેલ કે, ખૂન થયાના સમયે એ ક્યાં હતી ત્યારે એણે કહેલ કે એ શેઈપ અપ હેલ્થક્લબમાં સોનાબાથ લઈ રહી હતી. પરંતુ, એ દિવસે હેલ્થ ક્લબનું સોનાબાથનું થર્મોસ્ટેટ બગડી ગયેલ હતું એટલે સોનાબાથ યુનિટ બંધ હતું. એ વાતથી સપના અજાણ હતી. સપનાએ બબલુ સાથેના આડા સંબધો છુપાવવા માટે જે પ્રયત્નો કર્યા એ કારણે બબલુ પર શક વધુ જતો હતો. બબલુ ગુપ્તા એક પ્લેબોય હતો. કે જે યોગવિદ્યામાં પાવરધો હતો પણ સાથોસાથ કામકલામાં પણ પ્રવીણ હતો. દેખાવડો  હતો. એની આવકનો ખાસ કોઈ સ્રોત ન હોવા છતાં એ મસ્તીથી રહેતો હતો. રાજાશાહી ભોગવતો હતો. એ બધું જ બહુ શંકાસ્પદ હતું. બબલુ વિશે વધુ ઊંડી તપાસ કરતા ઈ. અનંત પણ ચોંકી ગયા હતા. શહેરની કહેવાતી હાઈ સોસાયટી મહિલાઓ માટે બબલુ શૈયાસાથી હતો. એમની અતૃપ્ત વાસનાને એ સંતોષતો. અને કદાચ ત્યારબાદ એમને એ બ્લેકમેઇલ કરતો હોય એવું પણ બની શકે!! છેલ્લાં કેટલાંક વખતથી એ સપનાનો સાથી હતો. સપનાએ એને ઘણી જ આર્થિક મદદ કરી હતી. સપના એને ફાર્મહાઉસમાં મળતી હતી. સપનાએ સંબધો છુપાવ્યા હતા. કદાચ, સુરજ શાહને સપના-બબલુના આડા સંબધોની જાણ થઈ ગઈ હોય અને એનો એણે વિરોધ કરતાં બબલુએ કે સપનાએ કે બન્નેએ મળીને સુરજ શાહનો કાંટો કાઢી નાંખ્યો હોય!! સપના એને માટે કંઈ પણ કરવા તૈયાર હતી. તો બબલુ પણ સપના માટે કંઈ પણ કરી શકે. કંઈ પણ…!! અલબત્ત, બબલુની ઊલટતપાસ કે સીધેસીધી ઈન્કવાયરી ઈ. અનંતે કરી ન્હોતી. અને એ કરવા માંગતા પણ ન્હોતા. એઓ બબલુ ગુપ્તાને ગાફેલ રાખવા માંગતા  હતા. અને બબલુ એટલે સાવ નચિંત હતો. એ નચિંતતામાં એ કંઈ ભુલ કરી બેસે એની રાહ જોવાની હતી ઈ. અનંતે…બાકી, બબલુ કેટલી વાર શ્વાસ લેતો હતો એની માહિતી પણ હવે એમને મળતી હતી.

હરિભાઈ ઝવેરીઃ સુરજ શાહના મોટા સાળા. ખંધા. કાબેલ. મુસ્તદ્દી. વેપારી માણસ. જિંદગીમાં હારી ગયેલ હોંશિયાર વ્યક્તિ કે જીતવા માટે હંમેશ તત્પર હતા. સહેલાઈથી હાર ન માનનાર!! હરિભાઈની ઊલટતપાસ વખતે બહુ તોળી તોળીને બોલ્યા હતા એઓ. ધંધામાં થોડી તકલીફ હતી. પણ એ કોને ન હોય આજના  વૈશ્વિક મંદીના દોરમાં?! એંટવર્પમાં બે પેઢીઓ ઊઠી ગઈ હતી. રશિયાના ઓર્ડરો કેન્સલ થયા હતા. નાણા એમાં સલવાઈ ગયા હતા. સુરજ ડાયમંડ્સને એથી થોડો ફટકો પડ્યો હતો. સાઉથ આફ્રિકામાં હડતાળને કારણે કાચા માલની ખોટ પડી હતી. ડિબિયર્સે પણ રફના ભાવ વધારી દીધા હતા. ડિબિયર્સ સાથે સુરજે શિંગડા ભેરવ્યા હતા. એમના ભાવવધારાનો એણે વિરોધ કર્યો હતો અને ડાયમંડ એસોસિયેશનને પણ એ ભાવ વધારો ન આપવા માટે દબાણ કર્યું હતું. ડાયમંડ એસોસિયેશનમાં સુરજ શાહનો શબ્દ કાયદો ગણાતો. એટલે ડિબિયર્સે પણ કદાચ સુરજની ગેઈમ કરી નાંખી હોય!! આ તો હરિભાઈએ સુચવ્યું હતું. પણ હરિભાઈએ પોતાના ઈરાદાઓ વિશે બધું જ છુપાવ્યું હતું. એઓ પોતાના બિઝનેસ અંગે વિચારતા હતા. ત્રણ વેપારીઓ પાસે એમણે એ માટે નાણા ઉછીના લીધા હતા. એનો સુરજે ભારે વિરોધ કર્યો હતો. સુરજે એમને કાઢી મુકવાની ધમકી પણ આપી હતી! આ વાત એમણે છુપાવી કે જે ઈ. અનંતને અન્ય સ્રોત મારફતે જાણવા મળી. જો તક મળે તો હરિભાઈ ડંસ દેવાનું ન ચુકે એવા સાપ હતા. એવા સર્પ કે જે ફૂંફાડો માર્યા વિના જ ડંસે. એના એક ડંસથી આવે જિંદગીનો અંત!! હરિભાઈ ઝવેરી એવા ધૂર્ત વ્યક્તિ હતા કે એમની ખંધાઈ પકડવી મુશ્કેલ હતી. એક વાર ધંધામાં હારેલ વ્યક્તિ!! હવે બીજી વાર હારવા માંગતા ન હતા…કોઈ પણ રીતે જીતવું હતું એમને…!! કોઈ પણ….!!

મોહિનીઃ મોહિની આપ્ટે. સુરજ શાહની શૈયાસંગિની. સુરજ શાહના ખૂન થવાની રાત્રે મોહિની સુરત અવી ગઈ હતી. કેમ? મોહિની અને સુરજના સબંધોની માહિતી મુંબઈ પોલિસે પુરી પાડી હતી. સુરજના ખૂન બાદ મોહિનીએ પોતાના સર્વ કાર્યક્રમો રદ કરી નાંખ્યા હતા. ફેશન પરેડ, પાર્ટીઓ, જાહેરાતના શુટિંગ રદ કરી એ સીધી સુરત દોડી આવી હતી. મોહિનીની માહિતી મેળવી ઈ.અનંત ચોંકી ગયા હતા. આ કેસ ખુબ જ ગુંચવણી વાળો બની ગયો હતો. મોહિનીના મુંબઈ અંડરવર્લ્ડ સાથે પણ ગાઢ સંપર્કો જાણવા મળ્યા. શેટ્ટી ગેંગના શરદ શેટ્ટી સાથે પણ એના સુંવાળા સંબધો હતા. શરદ શેટ્ટી મલેશિયાથી એની ગેંગ ઓપરેટ કરતો હતો. મોહિની પણ કંઈ ઓછી માયા ન્હોતી. એના મોહપાશમાંથી છુટવા માટે સુરજે કોશિષ કરી હોય અને મોહિનીએ….!! કે પછી શરદ શેટ્ટીએ એના અને સુરજ શાહના સબંધનો વિરોધ હોય અને મલેશિયા બેઠાં એણે સુરજને ડુબાડી દીધો હોય….!!

સપનાઃ સુરજ શાહની પત્ની. રહસ્યમયી સપના. શાંત. ઊંડુ પાણી. ઘણા રહસ્યો પોતાનામાં દાટી સાવ મૌન થઈ ગઈ હતી એ. જાણે એને બહુ જ આઘાત લાગ્યો હોય એવું નાટક કરી રહી હતી. બે-ત્રણ દિવસ તો એ હોસ્પિટલમાં પણ રહી આવી. એને ડિપ્રેશનનો ભારે એટેક આવ્યો હતો એવું એના ડોક્ટરો કહેતા હતા. કોઈપણ પ્રશ્નનો ઉત્તર એ આપતી ન્હોતી. બહુ જ મોટી અભિનેત્રી હતી એ. ઊલટતપાસ દરમ્યાન શુન્યમનસ્ક રીતે ઈ. અનંત તરફ તાકતી રહેતી. માંડ કંઈ બોલી હતી એ! કેમ…??  ઈ. અનંત માટે એક પહેલી બનીને ઉભી રહી ગઈ હતી સપના. સપનાની સર્વ વર્તણૂક ગેરમાર્ગે દોરનારી હતી. એ સુરજ શાહના સંકજામાંથી છુટવા માંગતી હતી… બબલુ સાથે એના ગાઢ સબંધો હતા… કદાચ, સુરજને પતાવી દીધો હતો બન્નેએ સાથે મળીને ને પોતાનો રાહ આસાન કરી દીધો હતો!!ઈંસપેક્ટર અનંત મહેતા કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતા ન્હોતા. સમાચારપત્રોએ માથે માછલા ધોવાનું જ બાકી રાખ્યું હતું. સુરજ ખૂનકેસ સીબીઆઈને સોંપવાનું દબાણ ચારે તરફથી વધી રહ્યું હતું. હાયર ઑથોરિટીને જવાબ આપતાં નાકે દમ આવી ગયો હતો.

કોકડું ખરેખર ગૂંચવાયું હતું.

સુરજના ખૂન માટે સુપારી અપાઈ હતી. જીવતો સુરજ કોને નડતો હતો??

સુરજના મરવાથી કોને ફાયદો થવાનો હતો??

સુરજ ડાયમંડ્સના એકાઉંટની સર્વ માહિતી મેળવી ઈ. અનંતે. દરેક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક એમણે જપ્ત કરી. એના વિશ્લેષણ માટે સોફ્ટવેર એંજિનિયરો અને એકાઉંટન્ટની ખાસ પેનલ બનાવવામાં આવી. જે પરિણામો મળ્યા એ વધુ ચોંકાવનારા હતા. અનો સાર એ હતો કે, સુરજ ડાયમંડ્સ એક મોટ્ટો પરપોટો હતો. આકર્ષક પરપોટો. કે જે ગમે ત્યારે ફૂટવાનો હતો. કદાચ, ફૂટી ગયો હતો. અને બે-ત્રણ એંટ્રીઓ એવી હતી કે જેનો કોઈ છેડો ન્હોતો. સુરજે નાણાનો સર્વ વ્યવહાર ફક્ત પોતાના હાથમાં રાખ્યો હતો. પોતાના નામે જ રાખ્યો હતો. પણ સર્વ સંપતિમાં કંઈ પણ એના નામે ન્હોતું!! એનો પોશ બંગલો, કારનો કાફલો, દરેક સંપતિ એના પુત્ર અસીમના નામે હતું. અલબત્ત, અસીમ હાલે સગીર વયનો હતો. પરંતુ, એના માટે એણે એક ટ્રસ્ટની રચના કરી હતી. ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓમાં એણે ખાસ ચુનંદી વ્યક્તિઓની નિમણૂક કરી હતી. એક હતા એડવોકેટ પેસ્તન પાતરાવાલા. બીજા જૈન સ્વામી હરિપ્રસાદજી અને ત્રીજા હતા તપોવન સંસ્કારધામના આચાર્યા શ્રિમતી મહાશ્વેતાદેવી. પેસ્તન પાતરાવાલા કાબેલ એડવોકેટ હતા. એટર્ની જર્નલ હતા. જે સુરજ શાહના ખૂન પછી સક્રિય થયા હતા. સુરજ શાહને માથે કરોડોનું દેવુ હતું. જે એના અકાળ મોતને કારણે હવા થઈ ગયું હતું!! કારણકે, સુરજે પોતાના નામે કંઈ જ રાખ્યું ન્હોતું. ફક્ત કરોડોના દેવા સિવાય!! એને નાણા ધિરનાર ઠુંઠા આસુંઓએ રડવાના હતા. એની શાખ બજારમાં એવી હતી કે એને નાણા ધિરનારાઓએ  એને વિશ્વાસે  બેફામ નાણાં ધિર્યા હતા!! કે જે હવે ઓગળી ગયા હતા. હવે એના નાણા ધિરનારમાંથી કોઈને કદાચ ખબર પડી ગઈ હશે કે કેમ? જો એમ હોય તો એણે પણ નાણા મેળવવા પણ સુરજને પતાવી દીધો હોય!  સુરજના નાણા ન સહિ…પણ જાન તો લઈ શકાયને…??  ઈ.અનંતે એ મોરચે પણ તપાસ ચાલુ કરી. બ્રોકરોની માહિતી મેળવી એમાના  બે મુખ્ય લેણદાર, ભાનુ ભણશાળી અને રમેશ બોમ્બે પર વોચ વધારી દીધી. એમના સેલ ફોન અને લેંડ લાઇન ટેઇપ કરવાનો આદેશ આપી દીધો. પોતાના નાણાં મેળવવા એઓ ગમે તે કક્ષાએ જઈ શકે એવા ખંધા હતા બન્ને!!

આશ્ચર્યની વાત એ હતી કે સપના નામે પણ કંઈ ન હતું!!  ન સંપતિ! ન દેવુ!! સપનાને એક પણ પાઈ મળવાની ન્હોતી. એ કારણે જ એને ભારે આઘાત લાગ્યો હતો!! સપના ક્યાંયની રહી ન્હોતી. વળી બીજી અગત્યની માહિતી એ મળી કે સુરજે એનો પોતાનો દશ કરોડનો વિમો ઉતરાવ્યો હતો લંડનની લોઇડ્સ લાઈફ ઈંસ્યુરન્સ ખાતે. જેના ત્રણ પ્રિમયમ ભરાય ગયા હતા. જીવન વિમાની એ પોલિસીમાં નોમિની તરીકે એક જ નામ હતું અસીમનું!! એના એકના એક પુત્રનું!!  વિમાના મળનારા એ નાણા પણ અસીમ ટ્રસ્ટમાં જમા થવાના હતા. સુરજે બનાવેલ વિલ પેસ્તનજી પાસે હતું. અને એક માત્ર પુત્રને વિમાના નાણા મળે એમ સ્પષ્ટતા પુર્વક જણાવેલ  હતું. અસીમ જ્યાં સુધી વયસ્ક ન થાય ત્યાં સુધી સુરજના ત્રણ વિશ્વાસુ ટ્ર્સ્ટીઓ ટ્રસ્ટનો કારભાર કરનારા હતા. પેસ્તનજીએ લંડન લોઈડ્સ ઈંસ્યુરંસનો સંપર્ક કરી, ફેક્સ, ફોન મારફત સુરજના ખૂનના સમાચાર, ડેથ સર્ટિફિકેટ, પોલિસ રેકર્ડસની સર્વ માહિતી મોકલાવી વિમાના નાણાના ક્લેઈમની કાર્યવાહી ચાલુ કરી દીધી. એઓ પોતાની કામગીરીમાં બહુ જ ચાલાક હતા. ઝડપી હતા. પોતાના ક્લાયંટનું હિત એમની કામગીરીનો ધર્મ હતો. લોઇડ્સ લાઈફ ઈંસ્યુરંસના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી ક્લાઈવ લોઈડ ખુદ લંડનથી ભારત આવવા નીકળી ચુક્યા હતા.

આમ સુરજ ખૂનકેસ ઘણો ગૂંચવાય ગયો હતો.

*** *** *** *** ***

ઈકબાલ ગોલીની ઊલટતપાસ કરતાં કોઈ સીધી માહિતી તો ન મળી. એ સુરતની ગલી ગલીનો જાણકાર હતો  અને મોટરસાયકલ ચલાવવામાં ચપળ હતો એટલે એને ફક્ત મોટરસાયકલ ચલાવવા માટે જ રોકવામાં આવેલ. જે એણે ચોરેલ હતી. એણે સવારે ઉધના દરવાજાની મુલાકાત લીધી હતી અને એક-બે વાર રિહર્સલ કરેલ. એની અને ગોળી ચલાવનાર યુવકની મુલાકાત ખૂન થવાના એક કલાક પહેલાં જ થઈ હતી. બન્ને વચ્ચે કોઈ ખાસ વાત થઈ ન્હોતી. એ ખૂનીનું નામ પણ જાણતો ન્હોતો!!  ફ્ક્ત ‘ભાઈજાન’ તરીકે સંબોધન કર્યું હતું! એને આ મોટરસાયકલ ચલાવવા માટે દશ હજાર રૂપિયા આપવામાં આવેલ. ઈકબાલે આપેલ વર્ણન પરથી ચિત્રકાર પાસે ચિત્રો બનાવવામાં આવ્યા. કમ્પ્યુટર ગ્રાફિકસથી પણ ચિત્રો રચવામાં આવ્યા. એ ચિત્ર અરૂણ અવળીના શાર્પસુટર મુન્નાભાઈને એકદમ મળતું આવતું હતું. મુન્નો અગાઉ પણ ઘણી સુપારી ફોડી ચુક્યો હતો. લોકોના અને પ્રતિસ્પર્ધી  ગેંગના માણસોને એણે સ્વર્ગ કે નરકના રસ્તો પકડાવી દીધો હતો. પરંતુ, છેલ્લા પાંચેક વરસથી એ નિષ્ક્રિય હતો અને મલેશિયા કે સિંગાપુર તરફ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો એવું જાણવા મળ્યું સુરજ શાહની ગેઇમ કરવા એને ખાસ બોલાવવામાં આવ્યો હોય એમ લાગતું હતું. દેશમાં મુન્નાભાઈ માટે રેડ એલર્ટ  જારી કરવામાં આવ્યો. મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્ર પોલિસની સઘન તપાસથી મુન્નાને  સહાર એરપોર્ટ પર દબોચી લેવામાં આવ્યો. મુન્નાને ટ્રાન્સફર વોરંટથી સુરત લાવવામાં આવ્યો. એની ધરપકડ થવાથી ઈ. અનંતના જીવમાં જીવ આવ્યો. હવે તો એને સુપારી આપનારની માહિતી તો પળવારમાં ઓકાવી શકાય. મુન્નાને થર્ડ ડિગ્રીનો ઘણો જ ડર લાગતો  હતો. મુન્નાએ તુરંત કબુલી લીધું કે દશ પેટી એડવાન્સ પેમેન્ટ લઈ સુરજ શાહની ગેઈમ એણે જ બજાવી હતી. એણે એ પણ જણાવ્યુ કે જિન્સ, ગુલાબી ટીશર્ટ અને ડાર્ક ગોગલ્સ  પહેરેલ ઊંચા દાઢી વાળા શખ્સે એને અંધેરી ઈસ્ટ  ખાતે આવેલ ફાઉંટન હેડ બારમાં દશ પેટી કેશ, સુરતના ઉધના દરવાજાના નકશાઓ, સુરજના ફોટાઓ, સુરજની કારનો ફોટાઓ અને કારનો નંબર, સુરજના ટાઈમિંગની સચોટ માહિતી આપી હતી. ચોક્કસ તારીખે ચોક્કસ સમયે જ ગોળી છોડવા સુધીનો ફુલ પ્રુફ પ્લાન મુન્નાભાઈને આપવામાં આવેલ!!!

ઈકબાલ અને મુન્નાની મુલાકાત કરાવવામાં આવી. ઈકબાલે મુન્નાની ઓળખ પાકી કરી દીધી. મુન્નો એમએ થયેલ ભણેલ-ગણેલ પોલિશ્ડ ગુન્હેગાર હતો. ફક્ત ઈકબાલ ગોલીને કારણે એ પકડાઈ ગયો હતો. થયું એવું કે ઈકબાલે હૈદ્રાબાદ તરફ છ મહિના માટે અંડરગ્રાઉંડ થઈ જવાનું હતું. પણ તે પહેલાં જ એ પકડાઈ ગયો હતો. અને એણે વટાણા વેરી દીધા હતા અને મુન્નો મલેશિયા ન જઈ શક્યો.

ઈ. અનંતે અને  એના કાબેલ સહકર્મચારીઓએ મુન્નાના રિમાંડ મેળવ્યા. મુન્નો એક સ્માર્ટ ગુન્હેગાર હતો. આજ સુધીમાં એ ફક્ત બે જ વાર પકડાયો હતો અને પુરાવાના અભાવે છટકી ગયો હતો. પણ આ વખતે બચવું મુશ્કેલ લાગતું હતું એને!!

ઈ. અનંતે સુરજ શાહ ખૂનકેસના શકમંદોના ફોટાઓ, વિડિયો વગેરે મુન્નાને બતાવ્યા. વારંવાર બાતાવ્યા કે જેથી મુન્નો એને સુપારી આપનારને ઓળખી શકે. સુરજ ડાયમંડ્સના દરેક કર્મચારીઓના ફોટાઓ પણ બતાવવામાં આવ્યા. બબલુ ગુપ્તાને જાણ ન થાય એ રીતે પ્રત્યક્ષ બતાવવામાં આવ્યો. પરંતુ, મુન્નાએ એને કદી પણ ન મળ્યાની વાર જ દોહરાવી. હરિભાઈની મુલાકાત પણ પરોક્ષ રીતે કરાવવામાં આવી. પણ મુન્નો પોતાની વાતને વળગી જ રહ્યોઃ એમાંથી કોઈને પણ એ મળ્યો ન્હોતો. મોહિનીના ગ્રુપના ફોટાઓ, વિડીઓ વગેરે પણ મુન્નાને બતાવવામાં આવ્યું. પણ પરિણામ શૂન્ય…!! ભાનુ ભણશાળી અને રમેશ બોમ્બેને પણ એ મળ્યો ન્હોતો..!!

સુપારી આપનાર તો અજાણ્યો જ રહ્યો !!

પડદા પાછળ જ રહ્યો…રહસ્યમય જ રહ્યો…

ઈ. અનંતની મુઝવણ વધી. મુન્નાની ધરપકડ બાદ તો કેસ ઊકેલાવાને બદલે વધુ ગૂંચવાય ગયો…!

*** *** *** *** ***

લંડનથી  લોઈડ્સ લાઈફ ઈંસ્યુરંસના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી ક્લાઈવ લોઈડ સુરત આવી ગયા હતા. હોલિડે ઈન ખાતે એ ઉતર્યા હતા. એમણે પેસ્તન પાતરાવાલા સાથે મુલાકાત કરી. કેસની ચર્ચા કરી. પેસ્તનજીએ ઈ. અનંતને ફોન કર્યો અને ત્રણેની મિટિંગ હોલિડે ઈન ખાતે યોજાઈ. ક્લાઈવ લોઈડે સુરજ શાહ ખૂનકેસની અતઃથી ઇતિ સુધીની માહિતી મેળવી. વિગતો મેળવી. ચર્ચાઓ કરી. પેસ્તનજીએ સુરજ શાહના વિમાના પૈસા જલ્દી મળે એ માટે આગ્રહ રાખ્યો. મોટી રકમનો સવાલ હતો. ક્લાઈવ કંઈ કાચું કાપવા માંગતા ન્હોતા. ક્લાઈવે ગોળી ચલાવનાર મુન્નાભાઈ સાથે એક વાર એકાંતમાં રૂબરૂ મળવાની ખાસ વિનંતી કરી. મેજીસ્ટ્રેઈટની મંજુરી મેળવવામાં આવી. પોલિસ કમિશ્નર શ્રી કુલદીપ નાયરે પણ એમને પરવાનગી આપી. સવારે આઠ વાગે મોર્નિંગ વોક લેવા નીકળ્યા હોય એમ મિ. ક્લાઈવ અઠવાગેટ પોલિસ સ્ટેશને આવી પહોંચ્યા જ્યાં મુન્નાને લાવવામાં આવેલ હતો. એકાંત માટે આગ્રહ જાળવી રાખવાને કારણે હિન્દી ટ્રાન્સલેટર મોકલવાની ઈ. અનંતની ખાસ ઈચ્છા હોવા છતાં માંડી વાળવું પડ્યું. મિ. ક્લાઈવની તલાશી લેવામાં આવી મેટલ ડિટેક્ટરથી !! ક્લાઈવે મજાક પણ કરી કે, તમારા કેદીને હું કંઈ ભગાડી જવાનો નથી!! પણ મુન્નાને જો કંઈ થઈ જાય તો!! ઈ. અનંતની તો કારકિર્દી તો રોળાઈ જાયને..?!

મુન્ના સાથે ક્લાઈવની મુલાકાત કલાક કરતાં વધુ ચાલી. મુન્નો અંગ્રેજી ઘણી જ સારી રીતે  સમજતો હતો. અંગ્રેજીમાં એ બરાબર વાતચીત કરી શકતો હતો. વચ્ચે મિ. ક્લાઈવે ઓરડીમાંથી  બહાર આવી બે કપ કોફી મંગાવવાની વિનંતી કરી. કોફીના કપ પણ એ જાતે જ લઈને જ અંદર ગયા. કોફી પીધા પછી દસેક મિનિટમાં મિ. ક્લાઈવ હસતા હસતા બહાર આવ્યા.

‘થેંક્સ ઓફિસર!!’ ઈન્સપેક્ટર અનંત સાથે હસ્તધૂનન કરતાં ક્લાઈવ બોલ્યા, ‘આઈ ગોટ ઈટ…!! યોર મુન્નાભાઈ ઇસ વેરી કોઓપોરેટીવ….!! આઇ નો હુ ઈસ બિહાઇંડ ધ સીન…..!!’

‘વ્હો…ઓ…ઓ….ટ…?’ ઈ. અનંત ચમક્યાઃ આ ધોળિયો શું બકે છે??!!

‘ઈટ વોઝ નોટ એ મર્ડર…!’

‘વ્હો…ઓ…ઓ….ટ…..!’ ઈ. અનંત ગુંચવાયા, ‘વ્હોટ ડીડ યુ સે…???’

‘ય….સ….!! ધેર વોઝ એ કંડિશન ઈન લાઈફ ઈન્સ્યુરંસ પોલિસિ!!  નો મની વુલ્ડ બી પેઈડ ઈફ મિસ્ટર સુરજ શાહ કમિટેડ સ્યુસાઈડ…..!!’

‘…………………………… !!’ ઈ. અનંત મૌન

‘ઈટ ઇસ ક્લિયર !! ઈટ વોઝ એ સ્યુસાઈડ ઓફ મિસ્ટર સુરજ શાહ!! એ પરફેક્ટ સ્યુસાઈડ…!!’

‘વ્હો…ઓ…ઓ….ટ…..!  સ્યુસાઈડ?? નો….વે….!! ઈટ ઈસ અ મર્ડર…..!!! ક્લિયર કટ મર્ડર ફ્રોમ ધ પોઈંટ બ્લેંક શુટિંગ….!!!’

‘નો માય ડિયર ઓફિસર…!’ ક્લાઈવે એમના જીન્સના પાછળના ગજવામાંથી કેટલાંક ફોટાઓ કાઢ્યા. એ સુરજ શાહના ફોટાઓ હતા. એના પર એમણે કમ્પ્યુટર ગ્રાફિકસથી દાઢી ઉગાડી હતી, જુદી જુદી સ્ટાઈલની દાઢી. બે ફોટાઓ પર દાઢીની સાથે સાથે ગોગલ્સ પણ પહેરાવ્યા હતા. એમાનો એક ફોટો  એમણે ઈ. અનંતને આપ્યો, ‘મુન્ના સેઈડ ધીસ મેન મેટ હિમ એટ ફાઉંટન હેડ બાર એન્ડ ગેવ કોન્ટ્રાક્ટ !!! સ્માર્ટ ગાય…!!!’

‘ઓહ….નો…!!’ ઈ. અનંત ચમક્યાઃ તો વાત આમ હતી. સુરજ શાહે પોતે જ બનાવટી દાઢી લગાવી, ગોગલ્સ પહેરી પોતાનું જ કરવા માટે સુપારી આપી હતી મુન્નાને : ઓ..હ ગોડ…!! એમણે જ બધી ફુલપ્રુફ માહિતી આપી, પોતાના જ ખૂન માટે….!! એમના સિવાય આટલી સચોટ માહિતી મુન્નાને બીજું આપી પણ કોણ શકે…..!!!

- પણ શા માટે…??!!

- ફકત સુરજ શાહ એકલા જ જાણતા હતા કે, સુરજ ડાયમંડ્સનો પરપોટો ફૂટી જવાનો છે!! દેવાળું ફુકવાનું છે!! એમની ભારે નામોશી થનાર છે….!! બદનામી થવાની છે….!! બદનામી થવા કરતાં એણે મોતને વ્હાલું કર્યું!!! પણ એમાં એમણે એક ચાલ ચાલી!! પોતાનો જિંદગીનો મોટ્ટી રકમનો વીમો ઉતાર્યો!! પણ એમાં શરત હતી કે આત્મહત્યા કરે તો વીમાના પૈસા ન મળે. એમણે ગહેરી ચાલ ચાલી…!! પોતાની આત્મહત્યાને ખૂનમાં ફેરવી નાંખવાની!! પોતાનું જ ખૂન કરવા માટે સુપારી આપી!! પોતાના મોતને પણ નફાકારક બનાવવાનું સચોટ આયોજન કર્યું. અસીમના નામે ટ્રસ્ટ બનાવી બધી જ સંપતિ એ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી. વિમાના પૈસા પણ એ જ ટ્રસ્ટમાં જમા થાય એવું આયોજન કરી પોતાના લાડકવાયા પુત્રનું ભવિષ્ય ન બગડે એની  તકેદારી રાખી…..!!

- ઓ……હ……! ઈંસપેક્ટર અનંત મહેતાના ચાલાક મગજમાં ફટાફટ સમીકરણો ઊકેલાય ગયા. સુરજ શાહ સોદાગર હતા. એમાના જ મોતનો પણ સોદો કર્યો સુરજ શાહે!! મોતનો સોદાગર!!!

‘વ્હો…..ટ આર યુ થિંકિંગ…ઓ…ફિ….સ….ર…??’  મિ. ક્લાઈવે ઈન્સપેક્ટર અનંત મહેતાના પહોળા ખભા પર બન્ને હાથો મુકી ઢંઢોળ્યા….

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...