મુખ્ય સામગ્રી પર જાઓ

ઉપાય

લેખિકા: ડૉ.સ્વાતિ ધુ્રવ નાયક

''ઔર આપ દેખ સકતે હૈ કિસ તરહ રાની પીછલે બત્તીસ ઘંટોસે મૌત સે ઝૂઝ રહી હૈ દોસો પચાસ ફીટ કી ગહેરાઇ મેં ફંસી રાની ઝાંસી રાની કી તરહ લડ રહી હૈ મૌત સે... હમારે સંવાદદાતાને વહાં પહુંચ કર ખુદ યે તસવીરે લી હૈ... આપ દેખ સકતે હૈ કૈસે ઉસે ખાના પહુંચાયા જા રહા હૈ..''

ટીવીની દરેક ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યાં હતા. બોરવેલમાં રાની નામની એક મજૂરની દીકરી... ઉંમર માત્ર બે વર્ષ- રમતાં રમતાં ફસાઇ ગઇ હતી. એને બચાવી લેવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. મીડીયા દરેક નાની નાની ગતિવિધિનો સીધો ચિતાર આપી રહી હતી.
''ઔર યે હૈ રાની કી માં.. આપકો કૈસા લગ રહા હૈ ?'' બટક બોલી પત્રકારે રાનીના મા ને પૂછ્યું- આદિવાસી મજૂર મહીલા આજુબાજુ પાંચ-સાત મેલા ઘેલા અડધા ઉઘાડા બાળકો. વીંટાયેલા કેમેરો જોઇને એના આંસુનો રેલો પણ સ્તબ્ધ થઇને થીજી ગયો. શબ્દોની તો વાત જ ક્યાં ? એ જોઇને રીપોર્ટરે બોલવાનું ચાલુ કર્યું. ''આપ જોઇ શકો છો એના થીજેલા આંસુ... ગરીબ પરિવારની લાડકવાઇ દીકરી... એના ભાઇ બહેન..''
કેમેરા બીજા ભાંડરડા પર ફેરવાયો.. મોં વકાસીને કેમેરા સામે જોતા બાળકો- કદાચ ફોટોગ્રાફીની હરીફાઇમાં પહેલું ઇનામ જીતી લાવે એવું ચિત્ર ભારતની તસ્વીર એમાંના એક રડવા ચાલું કર્યું. માનું ધ્યાન એના તરફ ફંટાયું. કોઇ બોલ્યું એને એની બહેન યાદ આવતી હશે. એમાં તો સૌથી મોટો રઘુ બોલ્યો, 'ભૂખ લાગી એને...' તરત આજુબાજુ અરેરાટી ફેલાઇ અરે બિચારા લોકોએ રાનીના દુઃખમાં ખાધુ પણ નહી હોય.. તરત ખીચડી છાશની ગોઠવણ કરવામાં આવી. બધા બાળકો એકદમ તૂટી પડયા. કેમેરા આઘા પાછા થયા એટલે રાનીના મા-બાપ પણ ખાવા બેસી ગયા. ઘણા દિવસ પછી પેટ ભરીને ખાધું. બધાના મોં પર સંતોષ છવાયો. હવે બધા પાછા રાનીવાળા બોરવેલની ફરતે ગોઠવાયા ઘણા દિવસ પછી આજે કામ પર જવાની ફિકર ન હતી.
રાનીના માબાપની જાહોજલાલી આજે અદ્ભૂત હતી. આજે જીંદગીમાં પહેલી વખત એ મજૂરી નહતા કરતા. પણ એમના પરિવારને માટે બીજા મજૂર કાર્યરત હતા. એટલું જ નહી મોટા સાહેબો પણ એમની દીકરીની જીંદગી બચાવા તત્પર હતા. રાત સુધી કામ ચાલતું રહ્યું માટી ખસેડાતી રહી. રાનીને ઓક્સિજન અને ખાવાનું પહોચાડાતું રહ્યું. રાનીની મા અને બાપ વારાફરતી ભૂંગળામાં બોલીને રાનીને પટાવતા રહ્યા.
મોડી રાતે ટૂંટીયું. વાળીને પડેલા છોકરાઓની આસપાસ ગોઠવાયેલા મા બાપ અર્ધઘેનમાં બેઠા હતા. મા બોલી- ''હું લાગે તમુને ? બચી જાહે રાણકી ?''
બાપે કહ્યું, ''ઉપરવાળો જાણે આપણે કુણ ? મોટા સાયેબો મંડી પડેલા તે બચાવી લેહે... પેલા સાયેબ કે'તા ઉતા, હરકાર માયબાપને બો દયા આવે. ગરીબની પોરી બચાવવા કેટલા રૃપિયા ખરચે...''
રાનીની માએ પૂછ્યું, ''તે આપડા નાનકાને તાવ આવેલો ને તમુને ઝાડાઉલટી થયેલાને કામ પર ની જવાયલું તીયારે કેમ કોઇ આપડાને ખાવાનું આપ્પાની આવેલું ? આપડે ભૂખે મરતા ઉતા તે...''
એને અધવચ્ચે જ બોલતા અટકાવી રાનીનો બાપ કહેવા લાગ્યો- 'ગાંડી મરેલી છે તું તો ભૂખે મરે તો કોઇ બચાવવાનું થોડું ? આપડે તો મજૂરની જાત. કામ કરવાનું ને ખાવાનું. આ તો હરકારના કૂવામાં પડી એટલા હારુ... એનો અવાજ હંભળાતો ઉતો કે તને ?'
વાત પાછી આડા રસ્તે ફંટાઇ રાની હજુ આંખો ખોલતી હતી. એની ખુલ્લી આંખોમાં ડોકાતી જીવી જવાની ઇચ્છા કે પછી અંધારાનો ડર રાનીના માબાપ સિવાય કોઇના માટે સમજવો શક્ય ન હતો. રાનીના માબાપની આંખોમાં ને દિલોદિમાગમાં બસ કાલની ચિંતા હતી. કામ પર જવાનું નહતું. મજૂરી ન મળે તો ખાવાનું શું ? છોકરાઓની દયા ખાઇને કોઇનું કોઇ ખાવાનું આપી જતું હતું. ઘણા લાંબા સમય પછી કે કદાચ પહેલી વખત કામ કર્યા વિના સીધું બે ટાઇમ ભરપેટ ભોજન મળતું હતું. લોકોની સહાનુભૂતિ અને દયા મળતા હતા. રાનીની ચિંતા ઘરે ઘરે થતી હતી. કંઇ કેટલાય લોકોએ રાની માટે પ્રાર્થના કરી હતી. બાધા આખડી રાખી હતી. રાનીના માબાપ સુખના શિખરે ન હોય તો જ નવાઇ.. હજુ બે દિવસ પહેલા રાનીનું અસ્તિત્વ કીડી મંકોડા કરતા પણ નજીવું હતું. એ કોણ છે. એને જીવવા પુરતું ખાવાનું મળે છે કે નહી ? એ ભૂખથી આક્રંદ કરે છે ત્યારે એના મા બાપ શું કરે છે ? એને પાણીમાં લોટ ભેળવીને બનાવેલું પ્રવાહી પીવડાવે છે કે પછી ધોલધપાટ કરીને ચૂપ કરાવી દે છે ? એ એ જ રાનીના બીજા ભાઇભાંડુ કચરામાંથી શાકભાજી કે રોટલાના ટુકડા વણી લાવે છે. એ છાનામાના ખાઇ લે છે ત્યારે એના મા બાપ કેવી રીતે જોયા છતાં ન જોયું કરી એમના પેટની આગ ઠરાવા દે છે ? આ બધા સવાલોનું પણ અસ્તિત્વ જ નહોતું. શું કામ હોય ? દુનિયામાં આવા કેટલાય પામર મનુષ્યો જન્મે છે અને મરે છે... મરે છે ત્યારે એમની નનામીને કાંધ મળે છે કે નહી ? કે ક્રિયાકરમના રૃપિયા ઉધાર લઇને બાકીની જીંદગી એ લોકો વ્યાજ ચૂકવવામાં જ ખર્ચી નાંખે છે તેની જાણ હોય તોય શું ? સરકારી યોજનાના રૃપિયા એમની પાસે પહોંચે તોય શું ને ન પહોંચે તોય શું ?
પણ જ્યારે મોત જાહેરમાં તાંડવ કરે ત્યારે સંવેદનશીલતાનું જાહેર પ્રદર્શન કરવાની તક મળતી હોય છે અને એટલે જ દયા- મમતાની સરવાણીઓ વહી નીકળતી હોય છે.
રાનીનો પરિવાર પણ આવી જ સરવાણીમાં નહાઇ રહ્યો હતો. કોઇ વળી એમ પણ કહેતું હતું કે રાની બચી જશે તો સરકાર એના ભણતરનો બધો જ ખર્ચો ઉપાડશે. કદાચ બીજા લોકો પણ એને રૃપિયા આપે. રાનીના મા બાપની આંખોમાં સપનું ઉગ્યું હતું. રાની બચી જાય, સ્કૂલે જવા પામે અને મોટી થઇ બધાને ઉધ્ધાર કરે એવી કલ્પના કરતા જ રાનીના મા બાપના ચહેરે સ્મિત આવી જતું. ને લોકોને થતું કે આ અબુધ લોકો નસીબદાર હોય છે. એમને પરિસ્થિતિની ગંભીરતા સમજાતી જ નથી હોતી એટલે પછી ચિંતા શબ્દ એમના શબ્દ ભંડોળમાં આવે જ ક્યાંથી ?
ત્રીજો દિવસ મદદ રાની સુધી પહોંચવામાં જ હતી. રાની હજુ આંખો તો ખોલતી હતી. ખાવા પીવાની સુધ હવે બાકી રહી ન હતી. રડવાની તાકાત ક્ષીણ થઇ ગઇ હતી. જેટલી હવા મળે એટલામાં માંડ શ્વાસ લેતી રાની ઉપર જોવાનું કુતુહલ ગુમાવી બેઠી હતી. મિડિયા વાળાને મસાલો મળતો બંધ થઇ ગયો હતો હવે તો રાની બચીને જીવતી બહાર આવે કે પછી અંદર દમ તોડી દે, બેમાંથી એક બ્રેકીંગ ન્યુઝની રાહ જોવાતી હતી. લોકોને રાની જીવે કે મરે એની ફિકર ન હતી. માત્ર એ જોવામાં રસ હતો કે કોનો વિજય થાય છે ? જીંદગીનો કે મોતનો ?
રાનીનો પરિવાર બોરવેલની આસપાસ ગોઠવાઇ ગયો. ભાંડરડાઓને જોઇ કોઇ ઓફિસર બોલ્યું- ''સાલા, કેટલી વસ્તી પેદા કરે છે આ લોકો ? ને પાછા છૂટ્ટા રખડતા મૂકી દે છે- ને ફિકર આપણે કરવાની ? આ લોકોને તો વધારે બાળકો પેદા કરે તો દંડ થવો જોઇએ'' તો વળી કોઇને કહ્યું- ''દંડ ભરે ક્યાંથી ? જેલમાં પૂરે તો તો આ લોકોને જલસા પડી જાય- મફતનું ખાવાનું મળે- એના કરતા આ લોકોનું ફરજીયાત ઓપરેશન થઇ જવું જોઇએ, મેડીકલ સ્ટુડન્ટ ને પ્રેકટીસ માટે લોકો મળી રહે ને આ લોકોને બચ્ચાની ઝંઝટમાંથી છૂટકારો.''
જાત જાતની વાતો... પણ હવે રાનીના મા બાપનું સમગ્ર ધ્યાન બોરવેલમાં જ હતું. ખાવા પીવાના હોશ કે હોંશ હવે રહ્યાં ન હતા. હવે તો દિકરી સહી સલામત પાછી ફરે એ આશાએ અંદર મીટ માંડી જોઇ રહ્યા હતા ?
ધીમે ધીમે રાનીને બહાર લાવવામાં આવી... અર્ધબેભાન, રાનીનું શરીર ઢીલું હતું. આંખો બંધ- કદાચ વળી ખુલે તોય અડધી- પડધી જેવી રાની ઉપર ખેંચાવા લાગી કે લોકો ચીચીયારી પાડવા લાગ્યા. રાનીના ભાઇ- બહેન આશ્ચર્યથી જોવા લાગ્યા. જે ભદ્ર સમાજ ગઇકાલ સુધી પોતાને જોતા જ હડધૂત કરતો હતો. ગાળો દઇ કામ કરાવતો હતો. મેલી ઘેલી અવ્યસ્થા જોઇ મોં બગાડતો હતો તે આવી મડદાન રાનીને જોઇને આટલો ખુશ કેમ થતો હતો ? રાની કરતા તો પોતે સ્વસ્થ હતા. એમને હડધૂત કરીને રાનીને આટલા માનપાન ? કોઇ કહેતું હતું કે રાની મરી જશે. તો મરી જાય એને જ માનપાન મળે ? કંઇ કેટલાય આશ્ચર્યો ઘુમરી ખાઇ રહ્યા હતા એ નાનકડા દિમાગોમાં એમાં વળી રાનીને પહેરાવવા હાર મગાવાયા. ઢોલકા વગાડવામાં આવ્યા. રાની બહાર આવી એને માટે એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ હતી. એને તાબડતોબ દવાખાને લઇ જવાઇ.
ત્રણ ત્રણ દિવસ મોત સામે ઝઝૂમતી રાની. ભૂગર્ભની બંધિયાર હવામાંથી બહારની ખુલ્લી હવામાં આવી હતી. પણ એ બંધીયાર કુવાએ રાનીનું હીર ચૂસી લીધું હતું. હોસ્પિટલ પહોચતા જ રાનીએ દમ તોડયો મોત જીત્યું.
મીડીયાને બે બ્રેકીંગ ન્યુઝ મળ્યા. રાનીનો અદ્ભૂત બચાવ અને રાનીની મોત સામે હાર...
રાનીને પહેરાવાયેલા હાર એની લાશ પર પાથરીને લોકો પોતપોતાને ઘરે વિદાય થયા. રાનીના મા બાપની શોધખોળ થઇ. લાશ બતાવી એમને કહી દેવામાં આવ્યું, તમે ગરીબ છો એટલે પૈસા નથી લેતા તમારી પાસે પણ આ બોડીને તરત અહીથી લઇ જાવ. નહી તો ચાર્જ લાગશે.
રાનીના મા બાપ બાઘો થઇ ગયા. સરઘસાકારે આવેલા લોકોઓમાંનું કોઇ જ દેખાતું નહોતું. જેમ તેમ કરીને બે જણ રાનીને ઊંચકીને ઘરે લઇ ગયા. અંતિમ સંસ્કારના ખર્ચાની ચિંતા સામે રાનીના મોતનું દુઃખ ફિક્કું પડી ગયું હતું.
ત્રણ ત્રણ દિવસથી મજૂરીએ જવાયું નહતું. ગામ લોકોની મદદ માંગવા નીકળેલી રાનીની માને જોઇ કોઇના દિલમાં રામ વસ્યા હશે તે એ એક મીડીયાવાળી કેમેરામેનને બોલાવી લાવ્યો.
ફરી બ્રેકીંગ ન્યુઝ રાનીના અંતિમ સંસ્કારના પૈસા નથી. ફરી સંવેદનાઓ અચાનક જાગી ફરી લાગણીનું પ્રદર્શન ભરાયું ઝોળી છલકાઇ ચિંતાની આગ સળગી પેટની આગ ઓલવાઇ. થોડા દિવસ રાની આખા કુટુંબને સુખ આપી ગઇ. જે ફરી જીંદગીમાં એમને કોઇ આપવાનું નહતું.
દિવસો, મહિનાઓ વિત્યા રાનીના, માબાપ પરિવાર. ગામ લોકો ફરી સંસાર ચક્રમાં પરોવાયા. રાની જાણે ક્યારેય હતી જ નહી. ક્યારેય જીવતી જ નહતી. એમ એ બધાના મનમાં પણ મરી ગઇ.
પણ રાની એના મોટાભાઇ રઘુના મનમાં જીવતી હતી. એની સમજ હજુ રાનીની અંતિમ ક્ષણોની સાહ્યબી ભૂલી ન હતી માને મજુરીમાં મદદ કરતું એનું કુમળું શરીર અને મન પરિવારની ભૂખ જોતું હતું. રાત્રે થાકીને લોથ બધા સૂતા ત્યારે રઘુ જાગતો હતો.
ગામના બીજા છેવાડે એક બોરવેલ ખોદાતો હતો. બસો ફૂટે હજુ પાણી નીકળ્યા ન હતા. આખો દિવસ એની આસપાસ માણસો રહેતા. હવે કોઇ અંદર પડે નહી એની સાવચેતી રાખતા. એ રાતે રઘુ ઉઠયો ધરાઇને પાણી પીધું. મો ઘસી ઘસીને ધોયું. બરાબર વાળ ઓળ્યા. ને ધીમા પગલે ચાલી નીકળ્યો બધે અંધકાર હતો. ગામ આખું જંપી ગયું હતું. બોરવેલની આજુબાજુ પણ બધા ઉંઘતા હતા. રઘુ મક્કમ પગલે આગળ વધ્યો બોરવેલ તરફ. ભૂખને હરાવવા.

(ગુજરાત સમાચાર ૭ જાન્યુઆરી ૨૦૧૫ શતદલ માંથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...