લેખક: એડગર એલન પો
અનુવાદક: ચિંતન પટેલ
હા, એ સાચું છે કે હું બીમાર છું. ખૂબ જ બીમાર. પણ તમે એવુ કેમ કહો છો કે મેં મારું મગજ ગુમાવી દીધું છે? તમે એવુ કેમ કહો છો કે હું પાગલ છું? શું તમને દેખાતું નથી કે મારા મન પર મારું સંપૂર્ણ નિયંત્રણ છે? શું હું પાગલ નથી એ વાત સાબિત કરવા આ એટલું પૂરતું નથી? વાસ્તવમાં આ બીમારીએ મારું મન, મારી લાગણીઓ, અને મારી ઇન્દ્રિયોને વધુ મજબૂત અને વધુ શક્તિશાળી બનાવી દીધી છે. ખાસ કરીને મારી સાંભળવાની શક્તિ વધુ તીવ્ર બની છે. મેં અગાઉ ક્યારેય ન સાંભળ્યા હોય એવા અવાજો મને સંભળાય છે. મેં સ્વર્ગના અવાજો સાંભળ્યા છે અને મેં નર્કના અવાજો પણ સાંભળ્યા છે.
સાંભળો! સાંભળો, હવે હું તમને કહીશ કે આ કેવી રીતે બન્યું. તમે જોશો, અને સાંભળશો કે મારું મન કેટલું સ્વસ્થ છે.
આ વિચાર મારા મગજમાં પ્રથમ કેવી રીતે આવ્યો તે તો કહી શકાય તેમ નથી. મેં જે કર્યું તેનું કોઈ જ કારણ નહોતું. હું એ વૃદ્ધ માણસને નફરત પણ કરતો નહોતો કે હું તેને પ્રેમ પણ કરતો નહોતો. તેનાથી મને ક્યારેય ઈજા પણ નહોતી પહોંચી. મને તેનાં પૈસાની પણ કોઈ ઇચ્છા નહોતી. મને લાગે છે કે એ તેની આંખ હતી. તેની આંખ ગીધ જેવી હતી, એવી એક ભયાનક પક્ષીની આંખ જે પ્રાણી મરે ત્યાં સુધી તેની રાહ જોઈ રહે છે, અને પછી મૃત શરીર પર પડી તેને ખાઈ જાય છે. જ્યારે એ વૃદ્ધ માણસે તેની ગીધ જેવી આંખથી મારી તરફ જોયું, ત્યારે મારી પીઠ પર જાણે ઠંડીની એક લહેર દોડી ગઈ; મારું લોહી પણ જાણે ઠંડુ બની ગયું. અને તેથી, મેં અંતિમ નિર્ણય લીધો કે મારે એ વૃદ્ધને મારી નાખવો છે. અને તેની ગીધ જેવી આંખને કાયમ માટે બંધ કરી દેવી છે.
તો શું હજુ પણ તમે એમ જ વિચારો છો કે હું પાગલ છું? એક પાગલ માણસ આવી યોજના બનાવી શકે નહીં. પણ તમારે મને જોવો જોઈએ. તે સપ્તાહ દરમિયાન હું એ વૃદ્ધ માણસ પ્રત્યે શક્ય તેટલો મૈત્રીપૂર્ણ, ગરમાગરમ અને પ્રેમાળ હતો.
દરરાત્રે લગભગ બાર વાગ્યે હું ધીમેથી તેનો દરવાજો ખોલતો. અને જ્યારે દરવાજો પુરે પૂરો ખુલી જાય, ત્યારે હું પહેલા મારો હાથ અંદર નાખતો, અને ત્યાર પછી મારું માથું. મારા હાથમાં મેં એક દીવો પકડ્યો હતો જે કપડાથી ઢંકાયેલો હતો જેથી કોઈ પ્રકાશ દેખાય નહીં. અને હું ત્યાં શાંતિથી ઊભો રહ્યો. પછી, ધીમેથી, મેં કપડું થોડું ઉપર ખેંચ્યું, જેથી એક પાતળી, નાની રોશની તેની આંખ પર પડી. મેં આવું સાત રાત્રીઓ સુધી કર્યું, સાત લાંબી રાતો. દરેક મધ્યરાત્રિએ હંમેશા એની આંખો બંધ રહેતી, તેથી મારા માટે કામ કરવું અશક્ય હતું. કારણ કે મારે તેને મારવો હતો તે વૃદ્ધ માણસ નહોતો, ફક્ત તેની આંખ હતી, તેની દુષ્ટ આંખ.
અને દરેક સવારે હું તેના ઓરડામાં જતો, અને મૈત્રીપૂર્ણ અવાજે પૂછતો કે તે કેવી રીતે ઊંઘ્યો હતો. તે અનુમાન કરી શક્યો નહીં કે દરેક રાત્રીએ, બરાબર બાર વાગ્યે, જ્યારે તે ઊંઘતો હતો ત્યારે હું તેને જોતો હતો.
આઠમી રાત્રે હું દરવાજો ખોલતી વખતે સામાન્ય કરતાં વધુ સાવધાન હતો. ઘડિયાળનાં કાંટા મારા હાથ કરતાં વધુ ઝડપથી ફરતા હતા. મેં પહેલાં ક્યારેય મારી શક્તિઓને આટલી મજબૂત રીતે અનુભવી નહોતી; હવે મને સફળતા નિશ્ચિત થતી લાગી.
વૃદ્ધ માણસ સૂતો હતો અને સ્વપ્નમાં પણ નહીં કે હું તેના દરવાજા પર હતો. અચાનક તે પલંગ પર હલ્યો. તમે વિચારી શકો કે હું ડરી ગયો. પણ ના. તેના ઓરડામાં ઘનઘોર અંધકાર છવાયેલો હતો. મને ખબર હતી કે તે દરવાજો ખૂલતો જોઈ શકશે નહીં. મેં દરવાજાને ધીમેથી અને નરમાશથી ખોલવાનું ચાલુ રાખ્યું. મેં ઢંકાયેલ દીવો સાથે મારું માથું અંદર ઘુસાડ્યું. અને મારો હાથ પણ અંદર ઘુસાડ્યો. અચાનક એ વૃદ્ધ પલંગ પર સીધો બેઠો થઈ ગયો અને ચીસ પાડી ઉઠ્યો, "કોણ છે ત્યાં?"
હું સ્થિર ઊભો રહ્યો. એક કલાક સુધી મેં બિલકુલ હલચલ ન કરી. મેં તેને ફરીથી પલંગ પર પડતો પણ ન સાંભળ્યો. તે ફક્ત ત્યાં બેઠો બેઠો સાંભળી રહ્યો હતો. પછી મેં એક અવાજ સાંભળ્યો, એ ડરની એક ભયાનક ચીસ હતી જે વૃદ્ધ માણસના મોંમાંથી નીકળી ગઈ. હવે મને ખબર પડી કે તે ડરથી ભરપૂર પલંગ પર બેઠો હતો; મને ખબર પડી કે તે જાણતો હતો કે હું ત્યાં હતો. તે મને ત્યાં જોઈ શકતો નહોતો. અને તે મને ત્યાં સાંભળી પણ શકતો નહોતો. તે મને ફક્ત ત્યાં અનુભવતો હતો. હવે તે જાણતો હતો કે મૃત્યુ ત્યાં ઊભું હતું.
ધીમે ધીમે, થોડું થોડું કરી, મેં દીવા પરથી કપડું ઉપર ખેંચ્યું, ત્યાં એક રોશની તેની નીચેથી બહાર નીકળી અને તે ગીધ જેવી આંખ પર પડી!
તે ખુલ્લી હતી - પૂરેપૂરી ખુલ્લી, અને જ્યારે તે સીધી મારી તરફ જોઈ રહી, ત્યારે મારો ક્રોધ વધી ગયો. મને એ વૃદ્ધ માણસનો ચહેરો દેખાતો નહોતો. ફક્ત તેની આંખ જ દેખાતી હતી. તે કઠોર નીલી આંખની દ્રષ્ટિ મારાં પર પડી અને મારા શરીરમાંનું લોહી જાણે બરફ જેવું બની ગયું.
શું મેં તમને નથી કહ્યું કે મારી સાંભળવાની શક્તિ અસાધારણ રીતે મજબૂત બની હતી? હવે મને એક ધીમો અવાજ સંભળાયો, જેમ કે દિવાલમાંથી ઘડિયાળનો અવાજ આવે. તે અવાજ વૃદ્ધ માણસના હૃદયના ધબકવાનો અવાજ હતી. મેં શાંત ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અવાજ વધુ મોટો થયો. વૃદ્ધ માણસનો ડર ખરેખર ખૂબ મોટો હોવો જોઈએ. અને જેમ જેમ અવાજ મોટો થતો ગયો, તેમ તેમ મારો ક્રોધ પણ વધુ મોટો અને વધુ પીડાદાયક બનતો ગયો. પરંતુ તે સામાન્ય ક્રોધ કરતાં વધુ હતો. શાંત રાત્રિમાં, બેડરૂમના અંધકારમય મૌનમાં મારો ક્રોધ ડરમાં બદલાઈ ગયો - કારણ કે હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે મને ખાતરી હતી કે કોઈક સાંભળશે. સમય આવી ગયો હતો! હું ઓરડામાં ધસી ગયો, ચીસ પાડી, "મર! મર!" જ્યારે હું તેના પર પડ્યો અને બેડકવર્સને તેના માથા પર કસકસીને દબાવ્યા, ત્યારે વૃદ્ધ માણસે ડરથી મોટી ચીસ મારી. હજુ પણ તેનું હૃદય ધબકી રહ્યું હતું; પરંતુ જ્યારે મને લાગ્યું કે સફળતા નજીક છે, ત્યારે હું મલકાયો. ઘણી મિનિટો સુધી તે હૃદય ધબકતું જ રહ્યું; પરંતુ અંતે ધબકારા બંધ થઈ ગયા. વૃદ્ધ માણસ મરી ગયો હતો. મેં બેડકવર્સ દૂર કર્યા અને મારા કાન તેના હૃદય પર ધર્યા. કોઈ અવાજ નહોતો. હા. તે મરી ગયો હતો! પથ્થર જેવો મરી ગયો. હાશ તેની આંખ હવે મને ત્રાસ આપશે નહીં!
તો શું તમે હજુ પણ એમ જ કહો છો કે હું પાગલ છું? તમારે જોવું જોઈએ કે તે વૃદ્ધના મૃત શરીરને એવી જગ્યાએ મૂકવા માટે હું કેટલો સાવધાન હતો કે જ્યાં કોઈ તેને શોધી શકે નહીં. પહેલા તો મેં એનું માથું કાપી નાખ્યું, પછી હાથ અને પછી પગ. મેં એક પણ ટીપું લોહી ફર્શ પર ન પડે તેની કાળજી લીધી. મેં ફર્શ પરથી ત્રણ ટાઈલ્સ ઉપાડી લીધી, અને શરીરના ટુકડાઓ ત્યાં એની નીચે મૂક્યા. પછી મેં ટાઇલ્સ ફરીથી ધીમેથી મૂકી દીધી, એટલી સાવધાનીથી કે કોઈ માનવ આંખ જોઈ શકે નહીં કે ટાઇલ્સને હલાવવામાં આવી હતી.
જ્યારે મેં આ કાર્ય પૂરું કર્યું, ત્યારે મેં સાંભળ્યું કે કોઈ દરવાજે હતું. હવે સવારના ચાર વાગ્યા હતા, પરંતુ હજુ અંધારું હતું. જો કે, મને કોઈ ડર નહોતો, જ્યારે હું દરવાજો ખોલવા નીચે ગયો. દરવાજે ત્રણ માણસો હતા, પોલીસના ત્રણ અધિકારીઓ. એક પાડોશીએ વૃદ્ધ માણસની ચીસ સાંભળી હતી અને પોલીસને બોલાવી હતી; આ ત્રણે પ્રશ્નો પૂછવા અને ઘર શોધવા આવ્યા હતા.
મેં પોલીસ અધિકારીઓને અંદર આવવા કહ્યું. મેં કહ્યું કે એ ચીસ મારી પોતાની હતી, ઊંઘમાં સ્વપ્નમાં. મેં કહ્યું કે વૃદ્ધ માણસ ઘણો દૂર હતો; તે તેના એક મિત્રને મળવા ગયો હતો. મેં તેમને સમગ્ર ઘરમાં ફેરવ્યા, તેમને બધું સારી રીતે શોધવા કહ્યું. અંતે હું તેમને વૃદ્ધ માણસના બેડરૂમમાં લઈ ગયો. જાણે તેમની સાથે રમત રમી રહ્યો હોય તેમ, મેં તેમને થોડી વાર બેસીને વાત કરવા કહ્યું.
મારી વાત કરવાની રીત સરળ અને શાંત હતી તેથી પોલીસ અધિકારીઓએ મારી વાત પર વિશ્વાસ કર્યો. તેથી તેઓ મારી સાથે મૈત્રીપૂર્ણ રીતે વાત કરવા બેઠા. જોકે મેં તેમને તે જ રીતે જવાબ આપ્યો, પરંતુ થોડી વારમાં જ મેં વિચાર્યું કે તેઓ ચાલ્યા જાય. મારા માથામાં દુખાવો હતો અને મારા કાનમાં એ વૃદ્ધના હૃદયના ધબકવાનો એક વિચિત્ર અવાજ હતો. મેં વધુ વાત ઝડપથી કરી. અવાજ વધુ સ્પષ્ટ થયો. અને હજુ પણ તેઓ બેઠા હતા અને વાત કરતા હતા.
અચાનક મને ખબર પડી કે અવાજ ફક્ત મારા કાનમાં અને મારા માથાની અંદર નહોતો. તે ક્ષણે હું નિશ્ચિત રીતે સફેદ બની ગયો હશે. મેં હજુ ઝડપથી અને મોટેથી વાત કરવાનું ચાલુ રાખ્યું. અને અવાજ પણ મોટો થયો. તે એક ઝડપી, નીચો, નરમ અવાજ હતો, જેમ કે દિવાલમાંથી ઘડિયાળનો અવાજ આવે, એક અવાજ જે મને સારી રીતે ખબર હતી. તે મોટો થયો. શા માટે આ માણસો જતા નથી? હું ઊભો થયો અને તે ભયંકર અવાજને ઢાંકી દેવા ઓરડામાં ઝડપથી ફરવા લાગ્યો. મેં મારી ખુરશીને ફર્શ પર ખેંચીને વધુ અવાજ કર્યો. જેથી પેલો અવાજ ઢંકાય જાય. મેં હજુ મોટેથી વાત કરી. અને હજુ પણ એ પોલીસ વાળા માણસો ત્યાં જ બેઠા હતા અને વાત કરતા હતા, તેમજ મલકાતા પણ હતા. શું તે શક્ય હતું કે તેઓ સાંભળી શકતા નથી?
ના! તેઓ એ સાંભળ્યું! મને તેની ખાતરી હતી. તેઓ જાણતા હતા! હવે તેમણે મારી સાથે રમત રમી હતી. તેમના સ્મિત અને તે અવાજથી હું સહન કરી શકે તે કરતાં વધુ પીડાતો હતો. મોટું, મોટું, મોટું!
અચાનક હું હવે સહન કરી શક્યો નહીં. મેં ટાઈલ્સ તરફ આંગળી ચીંધી અને ચીસ પાડી, "હા! હા, મેં તેને મારી નાખ્યો. ટાઈલ્સ ઉપાડો અને તમે જોઈ શકશો કે મેં તેને મારી નાખ્યો. પરંતુ તેનું હૃદય શા માટે ધબકવાનું બંધ કરતું નથી? તે શા માટે બંધ થતું નથી?“
(Source)
ટિપ્પણીઓ