દક્ષિણ ગુજરાતનાં કાંઠા વિભાગમાં અરેબિયન સમુદ્ર નજીક આવેલ દાંતી ગામમાં રોજની જેમ આજે પણ સમયસર વીજળી ગુમ થઈ ત્યારે કોળીવાડમાં રહેતા શાંતાબેને દીવો સળગાવતા નિસાસો નાંખી કહ્યું, ‘આજે સપરમાં દિવસે પણ લાઈટ ગઈ. મૂઆ આ લોકો ક્યારે બદલાશે?!’ હા, આજે સપરમો દિવસ હતો. આજે કાળી ચઉદશ હતી અને કાલે તો પ્રકાશનું પર્વ દિવાળી. મહોલ્લામાં બાળકો તો કેટલાંક વયસ્ક પણ ફટાકડા ફોડી રહ્યા હતા એના ધડાકાનો અવાજ ક્યારેક ક્યારેક વાતાવરણમાં ચમકારા સાથે ગુંજતો હતો. શાંતાબેન માટે આ વરસની દિવાળી ખાસ હતી. એમના પતિ ઈશ્વરભાઈ કેનેડાથી ચાર વરસ બાદ દિવાળી નિમિત્તે ખાસ આવ્યા હતા. ફક્ત બે અઠવાડિયા માટે અને લાભપાંચમે તો એ ફરી ઊડી જવાના હતા. ઈશ્વરભાઈના કેનેડા ગયા બાદ એમના કુટુંબના દિવસો થોડા સુધર્યા હતા. બાકી તો એ જ ચારો કાપવાનો, ઇંધણા કરવા જવાનું, લોકોના ખેતરે નીંદવા જવાનું, જો કે એ કામ તો હજુ પણ એઓ કરતા જ હતા. પરંતુ, ત્યારે હાથ પર પૈસો દેખાતો નહીં ત્યારે હવે થોડી રાહત લાગતી. પરંતુ, એમને ઈશ્વરભાઈની ખોટ બહુ સાલતી. ઈશ્વરભાઈ કહેતા હતા કે હવે એઓ ત્યાં જઈને એમને અને જીગાને જેમ બને એમ જલ્દી કેનેડા બોલાવી લેશે. જીગો-જીગ્નેશ એમનો એકનો એ...
Vibes Gujarati - શબ્દથી સંવેદના સુધી 📕📗📘📙