મુખ્ય સામગ્રી પર જાઓ

૪ સાચો બ્રાહ્મણ

 સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.

જંગલમાં છાણાંલાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે. કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નહાઈધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાનાં આસન પાથરી ટપોટપ બેસી ગયા છે. વચમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે. અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે, કોઈ શાંત મહર્ષિની આસપાસ, નાના નાના સુકુમાર તારાઓની મંડળી, શિષ્યમંડળીની માફક ચુપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે.

હોમાગ્નિમાં ઘી હોમાતું ગયું તેમ અગ્નિની જ્વાલાઓ તપોવનની ઉપર ઝબૂકી ઊઠી. અરણ્યમાં આઘે આઘે – કેટલે આઘે એ જ્યોતિનાં દર્શન કરીને વટેમાર્ગુઓ ચાલતાં હતાં. એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતો લપાતો ઊભો રહ્યો. નાના નાના હાથની ગુલાબી હથેળીઓની અંદર અર્ધ્ય લીધેલું છે. પાસે આવીને એ બટુકે ઋષિજીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીધાં. બહુ જ ભક્તિભર્યા પ્રમાણ કર્યા. ​ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી. કોકિલકંઠે બાળક બોલ્યો : 'ગુરૂદેવ ! મારું નામ સત્યકામ : મારું ગામ કુશક્ષેત્ર : મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે.'

હસીને બ્રહ્મર્ષિ મીઠી વાણીમાં બોલ્યા : 'કલ્યાણ થાઓ તારું, હે સૌમ્ય ! તારું ગોત્ર કયું બેટા ? તને ખબર નહિ હોય કે બ્રહ્મવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શિખવાય.'

ધીરે સ્વરે બાળકે કહ્યું : 'મારા ગોત્રની તો મને ખબર નથી, મહારાજ ! હું મારી માને જઈને પૂછી આવું ? પૂછીને તરત જ પાછો આવીશ.'

આતુર બાળક એટલું કહીને ગુરૂને નમન કરી ચાલી નીકળ્યો, સાંજે જ ચાલી નીકળ્યો. અંધારામાં એકલો જ ચાલ્યો, જંગલ વીંધીને ગયો. વનનાં પશુઓની ત્રાડો એને થરથરાવી ન શકી. આશ્રમમાં જઈને ભણવાની એની બડી આતુરતા હતી.

નદીને કિનારે ગામ હતું. ગામને છેડે પોતાની માનું ઝૂંપડું હતું ત્યાં બાળક પહોંચ્યો. ઘરમાં ઝાંખો દીવે બળે છે, ને એની મા જબાલા બારણામાં ઊભી ઊભી દીકરાની વાટ જુવે છે.

પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછયું: 'ઋષિએ શું કહ્યું, બેટા !'

સત્યકામ કહે : 'માડી ! ઋષિજી તો પૂછે છે કે તારું ​ગોત્ર કયું ? બ્રહ્મવિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય. બોલ, માડી ! આપણું ગોત્ર કયું ?'

એ સાંભળીને માતાનું મોં શરમથી નીચે ઢળ્યું, કોમળ કંઠે એ દુઃખી નારી બોલી : 'બેટા ! મારા પ્રાણ ! આ તારી મા એક વખત જુવાન હતી, ગરીબીની પીડામાં પડી હતી. તારો કોઈ બાપ હતો જ નહિ. દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી. દેવતાઓએ દયા કરીને તને મારે પેટે જન્મ આપ્યો. તારે ગોત્ર કયાંથી હોય, વહાલા ! તારે બાપ જ નહોતો.”

*

તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડયું છે. એ વૃધ્ધ વડલાને છાંયડે વૃદ્ધ ઋષિજી બેઠા છે. એમને વીંટળાઈને પીળાં વસ્ત્રોવાળા બટુકે બેસી ગયા છે. તાજું સ્નાન કરેલું તેનાં જળબિન્દુઓ એ બટુકોની જટામાંથી ઝરી રહેલ છે. તપોવનના પુણ્યની નિર્મળ કીર્તિ એ કુમારોના મોં ઉપરથી કિરણો કાઢી રહી છે. વડલા ઉપર પંખીઓ ગાય છે, ચેાપાસનાં ફૂલો ઉપર ભમરાઓ ગાય છે, સરસ્વતીનો પ્રવાહ ગાય છે, ને આશ્રમના કુમારો બધા એક સાથે શાંત સામવેદની ગાથાઓ ગાય છે. એ ચતુરંગી ગાન કેવું ? એકલી બેઠી બેઠી કુદરત ચોતારું કોઈ વાજીંત્ર બજાવી રહી હોય તેવું.

તપોવનના અનેક બટુકો જ્યારે કુદરતના વાજીંત્રની સાથે સૂર મેળવી સંગીત કરી રહ્યા છે, ત્યારે સરસ્વતીને તીરે ચાલ્યો આવતો પેલો સત્યકામ શાં શાં રૂદન કરી રહ્યો છે ? એના મનમાં થાય છે કે 'રે, હું ગોત્રહીન ! મારે કોઈ બાપ નહિ : જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો ​તારો ! હું માત્ર સત્યકામ ! અર્થહીન એક શબ્દ ! આ મારા જેવા જ અનેક કુમારો આંહીં ગાન કરી રહ્યા છે. ઋષિ એને ખેાળામાં બેસાડે છે, છાતીએ દાબે છે, ચુંબન કરે છે. બટુકોની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે. હું ગોત્રહીન !”

શરમાતો શરમાતો એ બાળક આઘે ઊભો રહ્યો. ઋષિ- જીની નજર પડી, સત્યકામને બોલાવ્યો ?

“આંહી આવ, બેટા ! તારૂં ગોત્ર કયું, હે સુંદર બાળક?"

બાળકે નીચું વળેલું મસ્તક ઊંચું કર્યું. એની કાળી કાળી બે મોટી આંખોની પાંપણો આંસુથી ભીંજાઈ, એ બોલ્યો :

“મહારાજ ! માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો. માએ દેવતાની બહુ ભક્તિ કરેલી, એટલે દેવતાઓએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો. મારે કોઈ ગોત્ર જ નથી.”

બટુકોની મંડળીમાં હસાહસ ચાલી. મધપુડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણબણી ઊઠે, તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો.

કોઈ મશ્કરી કરતો કરતો સત્યકામની સામે હસે છે.

કેાઈ કહે છે કેઃ “અરરર ! એને બાપ જ નહિ.”

કેાઈ બેાલ્યો “ધિ:કાર છે. એને ગોત્ર જ ન મળે.”

કેાઈ કહેઃ “શું મોઢું લઈને એ અાંહીં પાછો આવ્યો ?”

કેાઈ કહેઃ “ગુરુજી એની સાથે કાં વાતો કરે ?” ​સત્યકામની અાંખેામાંથી અશ્રુની ધાર ચાલી. મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો :

“હું પિતાહીન ! હું ગોત્રહીન !”

ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોના ટિખળ તરફ; ઋષિની આંખો ચોંટી છે આ નબાપા બાળકના સુંદર ચહેરા તરફ; બ્રહ્મર્ષિનું હૃદય વિચારે છે કે “ધન્ય છે તને, હે સત્યવાદી બાળક !”

આસન ઉપરથી આચાર્ય ઊભા થયા. બાહુ પસારીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું. વેદિની પાસે એને ખેંચી લીધો ને કહ્યું : “તું ગોત્રહીન નહિ, તું પિતાહીન નહિ, તું અબ્રાહ્મણ નહિ, હે બેટા ! તું જ શુદ્ધ બ્રાહ્મણ, તારા ગોત્રનું નામ સત્યગોત્ર. એ નામ કદાપિ ભૂલીશ નહિ, હો તાત!”

સ્તબ્ધ બનીને બટુકો જોઈ રહ્યા. એમનાં મોઢાં નીચાં નમ્યાં. તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો. ગુરુદેવને સૌથી વધારે વહાલો બાળ એ સત્યકામ બન્યો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...