મુખ્ય સામગ્રી પર જાઓ

૧૫ જીકાળિયો

[પુરુષોત્તમ માસની વાત]
રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય.

શું બોલીને ના’ય?
એમ બોલીને ના’ય કે —
અડધી ભીની અડધી કોરી
મારે છે રાજાની ચોરી
મારે એક પૂતર
મારા પૂતરને એક સો ને આઠ પૂતર.
એમ કહીને વડલા માથે ચડી જાય.
ગામની બાઈઓ ના’વા આવે ને વિસ્મે પામે.
અરે, આ આપણી મોર્ય કોણ આવીને આરો પલાળી જાય છે!
વાંદરી!!!
હાં એલા, છે કોઈ!
કે’ એક કહેતાં એકવીશ!
ચોકીદાર હાજર થયા.
‘ખબરદાર ચોકિયાતો! અમારી મોર્ય શું વાંદરી રાત જગાડે?’
પાંદડે પાંદડે ને ડાળ્યે ડાળ્યે ચોકી રાખીને રાજા બેઠા.
પરોડિયું થયું. વાંદરી રાજાને હાથ પડી. દોરીને ઘેર લાવ્યા.
‘બોલ વાંદરી! શું કામ સૌની મોર્ય જળ જગાડછ?’
વાંદરી કહે કે ‘રાજા રાજા! મારે વ્રત છે. મને વચન છે કે પૂતર મળશે.’
‘એમ! એલા, રાખો વાંદરીને રાજમોલમાં!’
રાજા કરતા’તા દાતણ અટારીએથી. રાજાજીએ નાખ્યો ગળફો. વાંદરીએ ગળફો અધ્ધર ઝીલી લીધો.
વાંદરીને તો ઓધાન રહ્યું.
બે મહિના, ચાર મહિના, પાંચ મહિના થયા છે. રાજાને ગામતરે જવું છે. કહી ગયા છે કે ‘વાંદરીને ખાટું ખોરું ખાવા દેશો મા!’
રાણીઓએ કહ્યું કે ‘હો રાજાજી!’
નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછ્યું : ‘વાંદરી રાણીને શું આવ્યું?’
કે’ સાવરણી ને સૂંથિયાં આવ્યાં!

*

ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે?
હેઠ બાળોતિયું
પાંભરી ઓઢાડેલી
માંહી રમે છોકરો.
આપણને તો શ્રી પુરુષોત્તમદાસજીએ દીકરો દીધો! કુંભાર છોકરાને ઘેરે લાવ્યો. નામ પાડ્યું જીકાળિયો. જીકાળિયો તો ગારાના ઘોડા કરે છે. કૂવે ઘોડાને પાણી પાવા લઈ જાય છે : બોલે છે કે ‘ત્રો! ત્રો!’
રાજાની દાસી પાણી ભરે : કોત્યક જુએ : ‘અરે છોકરા, ગારાના ઘોડા પાણી પીતા હશે?’
‘ત્યારે બાઈ, કોઈ અસ્ત્રીને સાવરણી ને સૂંથિયાં તે આવતાં હશે?’
દાસીએ તો મેણાંની મારી રાણીઓને વાત કરી છે. કુંભારને રાણીએ દરબારમાં તેડાવ્યો છે ને હુકમ કર્યો છે, ‘જા, તને દેશવટો દઉં છું.’
ઉચાળો ભરીને એ તો હાલ્યો છે. ભેળો જીકાળિયો છે. આઘેરાક ગયા ત્યાં દહાડો આથમી ગયો છે. એક રાતમાં ત્યાં તો —
આળિયાં ને જાળિયાં!
કાચનાં કમાડિયાં!
એના બાપની મેડી હતી તેથી સવા હાથ ઊંચી મેડી : એકસો ને આઠ ઓરડા : જીકાળિયાનું તળાવ : એવું એવું બધું બની ગયું.
સવારે કુંવારી દીકરીઓ ના’વા જાય છે : તળાવમાં જે નાઈ તે એકસો આઠેયને ઓધાન રહી ગયાં છે. ચાર-પાંચ મહિને માને ખબર પડી છે. માએ તો એકસો આઠેયને કાઢી મૂકી છે : જાવ, તમને જીકાળિયો રાખશે!
એકસો આઠેય કુંવારકાઓને તો જીકાળિયે સાચવી છે : નવ માસે એક સો ને આઠ દીકરા અવતર્યા છે.
સવાર પડ્યું. રાજા દાતણ કરે. સીમાડા માથે અટારીએ ભાળે છે, એકસો ને આઠ જોદ્ધા જુએ છે. ઓ હો હો! આ મારું રાજ લેવા કોણ ઊતર્યો?
જીકાળિયા! જીકાળિયા! તને રાજા બોલાવે.
જીકાળિયે તો જઈને બાપને સલામ ભરી.
રાજા કહે : ‘આવો!’
જીકાળિયો કહે : ‘હા, પત્યાજી!’
‘તું મને પત્યાજી કેમ કહે છે?’
‘રાજા રાજા! તમારી પંદર માનેતીને ને એક વાંદરીને સોળેયને આંહીં સામે બેસારો. જેના થાનેલામાંથી દૂધની શેડ્યું ફૂટે તેનો હું પૂતર.’
વાંદરીનાં તો થાન છલક્યાં છે. ધાવણની શેડ્યું જીકાળિયાની મૂછે જઈને પડી છે. વાંદરી તો રાજાની રાણી બની છે.
હે પુરુષોત્તમ ભગવાન! જેવી એની લાજ રાખી એવી સૌની રાખજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...