મુખ્ય સામગ્રી પર જાઓ

૧૩ ફૂલની ફોરમ

 ૧

એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં.

⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ ઉજળે માર્ગે ઘણાં યે જતાં-આવતાં.

⁠આગળ મન્દિર હતું; અને એથી યે આગળ મૃત્યુધામ સમું સ્મશાન હતું. ત્ય્હાં આકાશપાતાળની પાયરીઓ ચ્‍હડતી-ઉતરતી.

⁠એ એક ચૈત્રની સન્ધ્યા હતી. ખરૂં પૂછો તો વસન્ત ઉતરતી હતી ને ગ્રીષ્મ બેસતી હતી. દિવસ ને રાત્રીની હોય છે એવી ઋતુઓની એ સન્ધ્યા હતી.

⁠જીંદગીની ઋતુઓનો યે ત્ય્હારે સંગમ હતો.

⁠વૃક્ષો પ્રફુલ્લેલાં હતાં. કોયલ બોલતી હતી. પ્રકૃતિએ સૌન્દર્યના વાઘા સજ્યા હતા.

⁠મ્હારી તો નવજન્મની જન્મતિથિ હતી. મૃત્યુનાં ઝેર પી, એ ઝેરનાં વમન કરી, જીવનને આરે પાછો સજીવન હું આવી ઉભો. ​

⁠સંસારનાં મૃત્યુ નિરખો છો એમ, ઓ સંસારીઓ! સંસારના સંજીવને નિરખજો.

⁠ખાલી હૈયાનો, ખાલી મસ્તકનો, લક્ષ્યસૂનો હું એ લોકમાર્ગે જતો હતો. માર્ગે વૃક્ષોના પડછાયા મ્હારા ઉપર પડતા ને સરી પડતા. એના ભાર મ્હને લેશે લાગતા નહિ.

⁠હૈયાસૂનાને તેજ કે છાયાના ભાર લાગતા નથી.

⁠હું મનમસ્ત હતોઃ બ્રહ્મવાદીના જેવો તો નહિ, ત્‍હો યે હું નિજમસ્ત હતો. કાંટાઝાંખરાં ઉખેડી ફૂલબાગ રચવાની, સંસારમાં સ્વર્ગ સ્થાપવાની, બ્રહ્માંડને ઉથલાવવાની તરંગાવલિ, દરિયાવમાં મોજાં ઉછળે છે એમ, મ્હારા અન્તરમાં ઉછળતી. સાગર શો હું દિશાશૂન્ય ને નિજમસ્ત હતો.

⁠સૂર્યનારાયણ અસ્તાચળે વિરાજતા. આથમતા સૂર્યદેવની ઉડતી જ્વાળાઓની ઝાલરપાંખોનાં તેજપીંછાઓમાં સુવર્ણવર્ણાં કંઇ કંઇ સ્વપ્નાં હું જોતો.

⁠નગરશણગારનારાંઓએ વડલાની અવનીઅડતી વડવાઇઓ રોપી રોપી કુંજઘટાઓ કીધી હતી ને મહીં સુખાસનો મૂક્યાં હતાં. નગરવિહારીઓની એ વિહારકુંજો હતી. આજે યે એ વિહારકુંજોમાં કાંઇ સૂનકાર જ ન્હોતો વસતો.

⁠આજે મ્હારી આંખ દૃષ્ટિસૂની હતીઃ આંખ દેખતી, પણ ન્હોતી દેખતી.

​⁠મકના હાથી જેવો નિજમસ્ત બે હાથની બે સૂંધો ડોલાવતો હું વહ્યે જતો હતો.

⁠સૃષ્ટિ સારી હસતી લાગતી. મનુષ્યોનાં મુખડાં ખીલેલાં કમળ જેવાં ભાસતાં. નવચન્દ્રની ચન્દ્રિકા વહી ત્રિલોકને રંગે છે એમ મ્હારા અન્તરમાંથી કંઇક આજ વહતું, ને વિસ્તરતું, ને જગતને રંગતું.

⁠એ આનન્દનો રંગ હતો. મ્હારા આત્મામાંથી આનન્દની ફરફર આજ ઉડતી ને જગત ઉપર વરસતી.

⁠ચિત્રફલક સમું આનન્દવર્ણું હૈયું સૌન્દર્યની છબિ ઝીલવાને સજ્જ હતું.

⁠અણદીઠી કોયલ બોલે એવી એવે કુંજમાંથી મન્દિરઘંટા વાગી ને હું જાગી ગયો. આંખડી આભમાંથી ઉતરી, આત્મા ગગનમંડળમાંથી દેહદેશે આવ્યો, ને જગતસૌન્દર્ય નયન ભરી સન્મુખ ઉભું નિરખ્યું.

⁠વૃક્ષો ઉપરની તેજવલ્લીઓ જોઈ, ઘટામાંના તેજસ્થંભ જોયા, પણ મન્દિરને પગથિયે દૃષ્ટિ ઠરી જ ગઈઃ જાણે તેજની કો અણદીઠીં સુવર્ણખીલીએ એને જડી દીધી ન હોય?

⁠મન્દિરનાં પગથિયાં એટલે દેવની સ્‍હીડીઃ કોઇ ચ્‍હડે છે ને કોઈ ઉતરે છે.

​⁠દેવનાં દર્શન કરીને તે વળતી હતી, મન્દિરપગથિયાં ઉતરતી હતી. પગથિયે પગથિયે કમળપાંખડી વેરતી હોયે તેમ તે પાય ધરતી. એટલામાં ને આસપાસ એના અંગમાંથી કામદેવના ધૂપ ઉઠતા ને પ્રસરતા.

⁠જાણે દેવાંગનાની પુત્રી અવનીમાં ઉતરી! જાણે ચન્દનીની પૂતળી પૃથ્વીપાટલે પધારી! જાણે સુન્દરતાએ રૂપ ધર્યું ને દુનિયામાં મહાલવા નીકળી! જાણે ચન્દ્રમામાંથી કોઇક ચન્દ્રફૂલ ખર્યું ને જગતમાં પમરવા માંડ્યું!

⁠મન્દિરમાંથી જાણે કામદેવની સહસ્ત્રશિખ આરતી આવતી ન હોય એમ એ સુન્દરી આવતી હતી.

⁠એનાં વિદ્યુતકિરણે મ્હને વીંધ્યો. મ્હને મોહનાં ધેન ચ્‍હડ્યાં ને મૂર્છા આવી. ક્ષણેક તો હું ચિત્રવત થંભી ગયો. પૃથ્વી પરના મનુષ્યે પહેલ્લી વાર ચન્દ્રમા દીઠો હશે ત્ય્હારે જેવી સાનન્દાશ્ચર્યની ભરતીમાં તે ડુબ્યો હશે એવા સાનન્દાશ્ચર્યમાં હું ડૂબી ગયો.

⁠મન્દિરશિખરેથી મોર બોલ્યે હું જાગ્યો.

⁠જાગ્યા પછી ઘડીએકે હું સચેત થયો. હૈયું ધડકતું હતું, આંખો તરવરતી હતી, ભમ્મરો ભ્રમહિન્ડોળે ચ્‍હડી હતી. મ્હારા અન્તરનો આરસચોક પડછાયો પડ્યે મ્હને મેલો ભાસતો. અવનીમાંથી સ્વર્ગે સંચરતાં જગજ્જનો સુરગંગામાં ન્હાય છે ને મેલ ઉતારે છે ત્ય્હારે સુરગંગા મેલી થાય છેઃ એવી મ્હારા આત્માની સુરગંગા જગત્‌મેલથી મેલી થઈ લાગતી. ​⁠હજી તો એ સૌન્દર્યપદ્મ જગત્‌સ્‍હીડીને પગથિયે સૌન્દર્યપાંદડીઓ વેરતું ઉતરતું હતું.

⁠લોચનમાંથી પ્રભાઝરણાં નિર્ઝરતાં પેખ્યાં, ને મંહી કંઇ કંઇ અદૃશ્ય દૃશ્ય થતાં દીઠાં. ત્‍હેના હૈયાપાલવની કરચલીઓમાં કંઈ કંઈ ચરકલડીઓ ઉડતી નિરખી. ત્‍હેના પલવટની પાટલીઓમાં કંઈ કંઈ પંખિડાંને પાંખો ફડફડાવતાં જોયાં. ત્‍હેના દેહદેશેથી કોક ફૂવારા ઉછળતા ભાસતા.

⁠છતાં એ સૌન્દર્યદર્શનમાં, ચન્દ્ર આડી વાદળી સમી, કાંઇક છાયા પડેલી હતી.

⁠એ સૌન્દર્યમાં એકલું દેવતત્ત્વ નહોતું.

⁠સૌમ્ય સૂર્યોદયમાંથી સહસા જ્વાળાના ભડકા પ્રગટે છે એમ એ સૌન્દર્યદર્શનમાંથી સહજ જ કામલોલુપતાનાં ઝાળ ને ધૂમાડા ભભૂકી ઉઠ્યાં. હૈયાની ચિતાની ચારીઓ ભરીને એ ભડકા નયનોમાંથી બહાર ઉછળ્યા. નિર્મળા કાચ જેવા આત્માનાં સરોવરનાં પાણી એ ધૂમાડાના ગોટાઓના ઓળાઓથી મેલાં થયાં.

⁠સોનેરી વાદળી જેવી કેટલીક સ્ત્રીઓ એવી હોય છે; જાણે કામદેવનું ઓઢણું ઓઢ્યું ન હોય!

⁠યજ્ઞકુંડની જ્વાલાઓ શિખાએ ચ્‍હડીને હવિષ્યાન્ન ​દેવલોકે સંચરે છે એમ કામવાસનાની ઝાળોનાં વિમાને ચ્‍હડીને મન સુન્દરીના દેહદેશમાં ઘૂમી આવ્યું.

⁠પુષ્પમાં, પલ્લવમાં, વિટપોની કરચલીઓમાં ભમરો ઉડે એમ મન ઉડતું.

⁠વિશ્વમાં એકલી પાપવાસના નથી, પુણ્યવાસના પણ છેઃ અને પાપવાસના કરતાં પુણ્યવાસના બલવન્તી છે.

⁠જગતની પાર્થિવતાના પડછાયા પડે છે એમ જગતની જ્યોતિમૂર્તિઓમાંથી યે વિદ્યુત્‌ફોરાં વરસે છે. તેજનાં વિદ્યુત્‌ફોરાં પડછાયાની પડી ભાતને ધૂવે છે.

⁠જગતનો અન્ધકાર સાચો છે તેમ જગતનાં તેજે સાચાં છે.

⁠આજે અકસ્માતોનાં અન્ધારાંઅજવાળાં મ્હારે ઝીલવાનાં હતાં.

⁠ભરી-ભરી ફૂલછાબ લેઇને એવે કને થઇને દેવની એક પૂજારણ નીકળી. ચન્દનીના વ્હેણ સમો સારો નગરમાર્ગ મઘમઘાવતી પૂજારણ મન્દિરપગથિયે ચ્‍હડી; જાણે પુરવાસીઓની પ્રેમભક્તિ પગથિયાં ચ્‍હડતી ન હોય!

⁠પાછળ એના ઉડતા પાલવમાંથી પરિમળની પુણ્યસેર નિર્ઝરતી ને પૃથ્વીને પરિમળાવતી. એ પુણ્યનો પરિમળ મ્હારા યે અન્તરને પરિમળાવી રહ્યો.

​⁠ઉરના અન્ધારમાં મ્હારે અજવાળાં ઉગ્યાં, પડછાયાના ઢગલા ધોવાયા. ધૂમાડાના ધૂપ ઓસરી પરિમળના મેઘ ઉભરાયા. એ પરિમળનાં ગુલાબજળમાં આત્મા જાણે નહાવા લાગ્યો.

⁠પછી જાગીને જોયું તો વસન્તરંગે રંગેલું જગત નિર્મળું હસતું હતું. ઉપર બીજનો નવચન્દ્રમા ચન્દ્રિકા વરસતો.

⁠જગત હરિનો જય ઉચરતું હતું.

⁠નીચે જોયું તો વિલાસની પ્રતિમા સમી હજી તો તે રમતિયાળ વિહારવિલોલ ગતિએ દેવમન્દિરનાં પગથિયાં ઉતરતી હતી.

⁠પુણ્યઆંજી આંખડીએ પછી ઉંચે જોયું તો તે પરિમળની મૂર્તિ તેજની શિલાઓ સમી સંસારસ્‍હીડીએ ચ્‍હડતી હતી. એ રૂપમૂર્તિમાં યે કામપૂતળીને બદલે દેવકન્યા દીઠી. એને યે અંગે પૂજારણના પરિમળના વાઘા ભાસતા.

⁠એવે બે વિજ્ઞાનશાસ્ત્રીઓ વિદ્વદ્‍ચર્ચા ચર્ચતા નગરમાર્ગે વિચરતા હતા, ને ત્‍હેમનું એક વિદ્વદ્‍વેણ મ્હારે કાને આવીને અથડાયું.

⁠'સૂર્યને ચંદ્ર છે એવાં ફૂલ ને સન્તો પ્રકૃતિબાલકો છે. એમનાં યે વીજળીનાં ફોરાં ને સુવાસનાનાં કિરણો આત્મદેશમાં અજવાળાં વરસે છે.'

​⁠બીજા એ ઉત્તર વાળ્યોઃ-'ફૂલડાં એટલે પૃથ્વીમાંનાં સન્તો.'

⁠ફિલસુફમુખડેથી સાંભળવાનું મ્હારે બાકી હતું તે સાંભળ્યું ને અનુભવ્યું.

⁠પણ એ ફૂલની ફોરમ હતી? કે પૂજારણની ફોરમ?

⁠મ્હારી પાપભાવનાને પુણ્યભાવાના કીધી એ ફોરમે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...