મુખ્ય સામગ્રી પર જાઓ

૨ શ્રેષ્ઠ ભિક્ષા

“શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ ! જાગો છો કોઈ ? અાંખો ઊઘાડશો ? બુદ્ધપ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું, ભિક્ષા આપશો ?"

આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગન-અડતી અટારીઓ ઉપર પરોડીઆની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોનાં પ્રભાતગાન હજુ નથી મંડાયાં, સૂર્ય ઊગશે કે નહિ ઊગે, એવા સંદેહથી કોયલ હજુ ધીરૂં ધીરૂં જ ટહૂકી રહી છે.

એ કોણ છે ? આવા વખતે, આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં, નગરીના માર્ગે માર્ગે અને શેરીએ શેરીએ એ કેાણ ટેલી રહ્યું છે ? મેઘગર્જના સમાન એ કોનું ગળું ગૂંજે છે!

એ તો શ્રી બુદ્ધપ્રભુનો શિષ્યઃ ભિખ્ખુ અનાથપિંડદ.

સૂતેલાં સ્ત્રીપુરૂષો એ સૂર સાંભળી સળવળ્યાં. સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો, ભિખ્ખુએ ફરી પોકાર્યું : 'સુણો ઓ લોકસંઘ ! વર્ષાની વાદળીઓ પોતાના દેહપ્રાણ ગાળીગાળીને ​જગતમાં જળ આપે છે. ત્યાગધર્મ એ જ સકળ ધર્મોનો સાર છે, ઓ ભવી જીવો !”

કૈલાસનાં શિખર પરથી દૂરદૂર સંભળાતી, ભૈરવોના મહાસંગીત સમી એ ભિખ્ખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલાં લોકોને કાને કાને ગૂંજવા લાગી.

સૂતેલાં સ્ત્રીપુરૂષો બેઠાં થયાં. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદૌલતઃ ગૃહસ્થો ભાવે છે કે મિથ્યા છે આ આળપંપાળ : ને કોમળ દિલની રમણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડાં પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે કે ઓહ ! આ અમનચમન આખરે તે કેવાં છે ! ગઈ રાતે પહેરેલી ફૂલમાળાનાં પ્રભાતે છૂંદાએલાં સુકાએલાં ફૂલો જેવાં જ ને !

ઊંંચી ઊંંચી અટારીઓનાં દ્વાર ઊઘડ્યાં. અાંખો ચોળીને સહુ અંધારા પંથ ઉપર કૌતુકથી નિહાળી રહ્યાં, સૂના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી ઝોળી ફેરવતો, 'જાગો ! ભિક્ષા આપો !' એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે.

ઓહો ! આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડી : એ ઘડી કોણ અભાગી ભૂલે ?

રમણીઓએ મુઠ્ઠીઓ ભરીભરી રત્નો વેર્યાં, કોઈએ કંઠનાં આભૂષણો તોડીતોડી ફેંક્યાં, તો કોઈએ વેણીનાં મોતી ચૂંટી- ચૂંટી ધરી દીધાં, લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો. ​પરંતુ ભિખ્ખુનો પોકાર તો ચાલુ જ રહ્યો : “ગૌતમપ્રભુ માટે ભિક્ષા આપો !” તે ચાલ્યો : આભૂષણો અને લક્ષ્મીનાં પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું.

ઓ અજબ ભિખ્ખુ ! તને શાની ભૂખ રહી છે? તારે શું જોઈએ છે ? પ્રભુની શી ઇચ્છા છે ?

'આ નગરીનાં ઓ નરનારીઓ ! તમારો પ્રભુ મણિમુક્તાનો ભૂખ્યો ન હોય, તમારો પ્રભુ સુંદર વસ્ત્રાભૂષણો ન વાંછે, ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે, એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે.'

ચકિત બનેલાં નરનારીઓ, નિ:શ્વાસ નાખતાં નિહાળી રહ્યાં. બુદ્ધપ્રભુનો ભિખ્ખુ ખાલી ઝોળી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુપક્ષીઓને, વૃક્ષોને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યો : 'ગૌતમપ્રભુને માટે ભિક્ષા આપો !'

ધોમ મધ્યાહ્ન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું ? કોણે ઉત્તર આપ્યો ? ત્યાં જુઓ, એક કંગાલ સ્ત્રી ભોંય પર સૂતી છે, એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણ, એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલી : “ હે ભિક્ષુ ! ઊભા રહેજો, એ દેવના પણ દેવને આ રંક નારીની આટલી ભેટ ધરજો.”

એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર ​એક હાથ બહાર કાઢ્યો. એ હાથમાં શું હતું? તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો.

ફાટેલું વસ્ત્ર એણે ભિખ્ખુની ઝોળીમાં ફગાવ્યું.

“જય હો ! જગત આખાનો જય હો ! મહાભિખ્ખુનું હૃદય આજે ધરાવાનું, આજે ગૌતમનો અવતાર સફળ થયો. જય હો ઓ જગજ્જનનિ !”

જૂના ને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી, બુદ્ધદેવના ખોળામાં ધરાવવા માટે ભિખ્ખુ ચાલ્યો ગયો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...